માણસાઈના દીવા/૨. કરડા સેવક નથી


૨. કરડા સેવક નથી


બોચાસણના આશ્રમમાં મને બહારવટિયા બાબર દેવાના ભાઈનો મહારાજે ભેટો કરાવ્યો, અને જાણ્યું કે એની મા હેતા હજુ જીવતી છે. કહે કે, “એ રહી—ઢોરાં ચારે." આ રામા દેવા આજે ખેડૂત છે. બાબરના બહારવટા ટાણે તમામ કુટુંબ સહિત કેદમાં ગયો હતો. પછી આખું કુટુંબ વિજાપુર ‘સેટલમેન્ટ'માં પુરાયું હતું. જમીન સરકારે ખાલસા કરી નાખી હતી. આજે ફરી વાર પાછા એ ભાઈઓ ખેડુ બન્યા છે, ને પારકી જમીનો ખેડે છે. રામો રવિશંકર દાદાને વીનવતો હતો: “એંહ–આમ જુઓ, મહારાજ! અમારી જમીન પાછી અલાવવાનું કંઈ કરો. અમારું કાળજું—એંહ, આંઈ (છાતી બતાવીને) ભીતરમાં કાળજું બલે છે." એમ બાળક જેવો કંઈ કંઈ બોલતો ગયો. ને વાઘદીપડા જેવા પાટણવાડિયાઓને કાબુમાં રાખનાર કળાધર રવિશંકર મહારાજ આ બધું સાંભળતા શાંત મોઢે સહેજ મોં મલકાવતા બેઠા હતા. મેં પૂછ્યું : “તમારે દીકરો છે કે?” એ કહે : “હોવે, જુવાન છે. અને , એંહ, બરોબર બીજો બાબરિયો જ જોઈલો! એ જ શિકલ! એ જ મોં! બરાબર બીજો બાબરિયો! હે–હે–હે…" કહેતો કહેતો એ ચકદાર કાળી ચામડીવાળો આદમી ગર્વભર્યું હાસ્ય ગજવી રહ્યો. બાબર દેવાનું ગામ ગોરેલ આંહીથી એકાદ ગાઉ છે. એક જ ચોરી—અને એટલા બીજારોપણમાંથી ભયંકર વિષવૃક્ષનો આવો વડવિસ્તાર : કેટલી કેટલી જિંદગીઓની બરબાદી થઈ ગઈ, એ વિચારતો વિચારતો હું આ બાબરના ભાઈ રામાની કેટલીક વાતોમાંથી એ જાતિના ઊંચા શીલ પણ ઉકેલતો હતો. એ કહે કે— “અમારે તો સાહેબ, દસ જ રોટલા હોય; ને ઘેરે એંશી મહેમાન આવ્યાં હોય, તોયે બધાં ધરાઈને ઊઠે." એટલે કે મહેમાનો યજમાનની આબરૂ ઉઘાડી ન પડી જાય તેની એટલી કાળજી રાખે કે ઓછી રસોઈમાં પણ પોતે ભૂખ્યા રહ્યાનું કળાવા ન દ્યે. “કોઈ ઠેકાણે જમવા બેઠાં હઈએ, એક જ જમનારો પીરસનારને એમ કહે કે, “ના, હવે નહિ જોઈએ' ને તરત હાથ ધોઈ નાખે, તો બાકીનાં સર્વ સમજી જાય કે કશીક મુશ્કેલી છે, અને શાન્તિથી—પૂરાં ખઈ રયાં હોય તેવી રીતથી—ઊઠી જાય; એટલું જ નહિ પણ પાછળથી કોઈ કદી બીજાને વાત પણ ન કહે કે શી શંકા ઉપરથી ભૂખ્યાં ઊઠ્યાં હતાં.” ગુજરાતની ચોરડાકુ ગણાતી આ ખમીરવંત કોમની આટલી ઊંચી ખાસિયતો અવલોકતો હું મહારાજની સાથે આગળ વધું છું, અને મહીના કાંઠા તરફ જાઉં છું. મહીનાં કોતરો જોવાં છે, મગરો જોવાં છે અને એ પાણી જોવું છે કે જે નથી તીર્થોદક, નથી પીવાના પણ ખપનું, નથી નહાવાને પાત્ર, છતાં જેના સોગંદ આ મહીવાસીઓ પર ગીતાના સોગંદ જેટલી અસર ધરાવે છે. ‘ખા મહીના.' ‘પી મહી!' —એ છે કોઈ પણ ગુનો કરનારને મનાવવાનો મંત્ર. એણે ગુનો કર્યો હશે તો કદી મહીના (સોગંદ) નહિ ખાય, કદી મહી —એટલે મહીના પાણીની અંજલી—નહિ પીએ. ગુનો કબૂલ કરી દેશે, જેલમાં જવા—ફાંસીએ જવા—તત્પર થશે, પણ મહીના નામને નહિ લોપે. એટલા માટે થઈને મહીના પાણીનો બાટલો સરકારી અદાલતમાં રાખવામાં આવે છે! આ રામા દેવાનો ‘એંહ! અંઈ કાળજું બલે છે, હો!' એ બોલ પકડીને હું બોચાસણમાં સૂતો.