માણસાઈના દીવા/૩. પાડો પીનારી ચારણી!


૩. પાડો પીનારી ચારણી!


એક આ ‘કામળિયા તેલ'નો પ્રસંગ તેવો જ બીજો પ્રસંગ ‘જંજીરો' પિવરાવવાનો મહારાજને વારંવાર સ્મરણે ચડે છે : ભાદરણથી ત્રણ ગાઉ દૂર આવેલા જોશીકૂવા ગામનાં ઘરો ‘૨૭ના રેલસંકટમાં તણાઈ ગયાં. એ ‘નરવાનું ગામ' હતું, એટલે એની જમીન તો વેચાય નહીં. ઠાકરડાનાં જે બધાં ખોરડાં સાફ થઈ ગયાં તે હવે પાટીદાર માલિકો તો ફરીથી મફત કરવા આપે નહીં. ‘નવાં કરવાં હશે તો તમારે ઘર દીઠ માસિક રૂ. અઢી ભાડું આપવું પડશે' એમ કહીને પાટીદારો ઊભા રહ્યા. ઠાકરડાને સ્વજનો ગણનાર મહારાજે કહ્યું કે, “ના, આપણે ભાડું આપવું નથી આપણે તો બે વીઘાં જમીન વેચાતી લઈને તે પર ફરી બધાં ઘર બાંધીએ.” “બે વીંઘાના રૂપિયા નવ હજાર." પાટીદારો એમ કહીને ઊભા રહ્યા! “ખેર!" કહી મહારાજ વડોદરે જઈ ગામ બહારની બે વીઘાં ઉત્તમ જમીન સરકાર પાસેથી મફત મેળવી લાવ્યા. તેના પર ઠાકરડાઓનાં ખોરડાં ચણવાનાં હતાં, ત્યાં તો મહારાજને જેલમાં જવું પડ્યું. પાછળથી ઠાકરડાઓને દબાવી સરકારમાં એવી અરજી કરવામાં આવી કે, અમારે એ જમીન નથી જોઈતી. મહારાજ છૂટીને આવ્યા. જમીન લેવરાવી. ખોરડાં કરાવ્યાં. પછી ઠાકરડાઓએ એકઠા થઈ મહારાજને માન આપ્યું. પછી ઠાકરડાના મુખી પોતાની પાસે પછેડીમાં લપેટી રાખેલી એક બાટલી ધીરે ધીરે, કોઈ જીવની જેમ જાળવેલી ચીજ હોય તેવી અદાથી, બહાર કાઢી અને મહારાજને કહ્યું : “લો, મહારાજ, આ પીવો.” “આ શું છે?" આવી વસ્તુઓથી અજાણ પરોણાએ એ બાટલીને જોઈ-તપાસીને ગમ ન પડવાથી આશ્ચર્યભેર પૂછ્યું. “એ જંજીરો છે — જંજીરો! પીઓ તમ-તારે!" મુખીએ કહ્યું અને બીજા સૌએ સૂર પૂરાવ્યો : “હા, પીઓ, મહારાજ.” “શા સારું પીઉં?” “એ પીવાથી તાવ ન આવે , ને શરીર ટાઢું હેમ પડી જાય.” “પણ મને તાવેય આવતો નથી, ને શરીર ટાઢું જ છે.” “અરે પીઓ, પીઓ! તમારે સારુ ખાસ મંગાવી આણી છે.” જંજીરો! જંજીરો વળી શું? સોડા-લેમન વગેરે શહેરી પીણાંના જેવા કોઈક પીણાની આ શીશી હતી. મહારાજને કંઈક સમજ પડી : જંજીરો! જીંજર! પછી પોતે કહ્યું : “એ ફોડી નાખો.” “અરે, પૈસા દેવા પડે.” “તો ઢોળી નાખો.” “કેમ વળી?” “આવું શા સારુ પીઉં? તમે આ શહેરી છંદે ક્યાંથી ચડ્યાં? આમાં શું બળ્યું છે? રોટલા તો પૂરા પામતા નથી ને જંજીરો પીતાં શીખ્યાં? ઢોળી નાખો.” “ના, ઢોળવી શીદ પડે? આ છોકરો પી જશે.” ખસિયાણા પડેલા ઠાકરડાઓએ એ જીંજર એક બાળકને પાઈ દીધી. વળતે દિવસે સૌ બેઠા હતા, ત્યાંથી એક ઢેડની છોકરી નીકળી. એના એક હાથમાં એક બાટલી હતી. “જુઓ મહારાજ!" ઠાકરડા બોલી ઊઠ્યા : “જંજીરો તો આ ઢેડાં પણ પીએ છે. એંહ, જુઓ આ ઢેડની છોકરી પણ પીશે.” ફરી ફરી મહારાજના પેટમાં પ્રશ્ન ઊઠયો : આ ઝેર અહીં ગામડાંમાં કોણે પેસાડ્યું!