માણસાઈના દીવા/૩. ‘નિર્મૂલી’ અને સરકાર


૩. ‘નિર્મૂલી’ અને સરકાર


જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ઝડપે ચાલી આવતી ‘ગુજરાત યુનિવર્સિટી'ના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લી પદવી આપતાં પહેલાં એક શરત મૂકજો : ગુજરાતના ચોક્કસ પ્રદેશો પૈકીના એકાદનું પર્યટન તો તેણે કર્યું હોવું જોઈએ. ૨૯ વર્ષની જૂની મારી ‘બી.એ.' ની ઉપાધિને મેં આ પ્રવાસથી પાકી થયેલી માની છે. ગુજરાતના પગપાળા પરિવ્રાજક અને નિરંતર ચલનશીલ લોકસેવક મહારાજ રવિશંકર દાદાએ મને ફક્ત ચાર દિવસ અને પાંચ રાતનો એક ટૂંકો પ્રવાસ કરાવ્યો; ચરોતરના મહીકાંઠાનું ફક્ત પંદરેક ગામોનું કૂંડાળું દેખાડ્યું. પણ એક નાના ચાટલા (અરીસા)માં મહાકાય આકાશનું દર્શન સમાઈ રહે છે. એક છીપલી જેવડી આંખ અસંખ્ય જીવાજીવની બહોળી દુનિયાને આવરી લે છે. અમારી એવી આંખ મહારાજ હતા. એમણે એ નાનકડા કુંડાળે મને સચરાચર સુઝાડ્યું. માનવીઓ જ માત્ર નહિ, પણ માટીના થરપોપડા, માર્ગે ઊભેલ વનસ્પતિનાં વૃક્ષેવૃક્ષ, પશુપંખી ને આકાશના નક્ષત્રોય ઓળખાવ્યાં. એનાથીયે મોટો તો પોતાનો અનુભવપુંજ આટલાં વર્ષોથી સંગ્રહાયેલો છે તેના બહોળા સીમાડામાં મને કુમાશભરી માવજત કરીને ફેરવ્યો. જાણ હતી કે મહારાજ તો માત્ર પહેર્યે લૂગડે, વધારાનું એક પંચિયું રાખીને, ફરનારા પગપાળા પરિવ્રાજક છે. માનેલું કે એમની રીતને અનુસરવું રહેશે, એટલે દોઢ જ જોડી કપડે હું જોડાયો હતો, ને પગને જરા થાબડી જૂના દિવસોની યાદ આપી ઉત્સાહ ચડાવી રાખ્યો હતો. પણ મહારાજે મારા માટે થોડા આશ્ચર્યને છુપાવી રાખ્યું હતું. મારા સાથીએ તો મને નિર્ભય બનાવ્યો હતો કે, ‘દાદા એવા કરડા અને શુષ્ક લોકસેવક નથી, આપણી શક્તિ–મર્યાદાને સમજનારા અને તે મુજબ મમતાથી આપણી સર્વ ત્રુટિઓને સાચવી લેનારા છે.' એ સાચું નીકળ્યું. વાહનમાં પૂર્વે ન બેસનારા વ્રતી જેવા મહારાજે અમારે માટે તો બોચાસણ–આશ્રમની દૂધ જેવા બે સફેદ બળદોવાળી ડમણી જોડાવી.