મારી લોકયાત્રા/પરિશિષ્ટ ૧ : કર્મશીલની દિશામાં પ્રયાણ


પરિશિષ્ટ-૧

કર્મશીલની દિશામાં પ્રયાણ

ડાકણની ઘટનાનાં મૂળ સાંસ્કૃતિક-સામાજિક પરંપરામાં વ્યાપ્ત હતાં. આથી લોકસાહિત્યના સંશોધનની સાથે-સાથે તેમની સાંસ્કૃતિક સમસ્યાઓ પર પણ અભ્યાસ આરંભ્યો. મારા દ્વારા સંપાદિત ‘ભારથ’ (પાંડવવારતા) અને ‘તોળીરાણીની વારતા'ના અધ્યયનથી એ બાબત સ્પષ્ટ થઈ કે સ્ત્રી-ડાકણ પુરુષોને પીડે છે કે તેમના કાળજાનો રસભોગ લે છે એવી દૃઢ માન્યતા લોકમાનસમાં પરંપરિત રીતે ઘર કરી ગઈ છે, એવું પણ નથી. ‘ભારથ’માં યુધિષ્ઠિર (ઝેઠોદર) વારંવાર રૂપ બદલતી દ્રૌપદીને દેવી માનીને ઉપાસના-પૂજા અને આરતી કરે છે. પુરુષ સહજ અહંનો ત્યાગ કરી આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાર્થે છે. મધ્યરાત્રિએ સિંદૂરવર્ણના વડ નીચે ભરાયેલી દેવસભામાં દ્રૌપદી સિંહ ૫૨ અને કુંતી પાડા ૫૨ સવાર થઈને આવે છે ત્યારે સ્વયં ભગવાન રૂપાના સિંહાસન પરથી ઊભા થઈ સોનાના સિંહાસન પર બેસાડી સ્ત્રી-ગૌરવ કરે છે. વડની ઘટામાં છુપાઈને બેઠેલો ભીમ આ દૃશ્ય પ્રત્યક્ષ જુએ છે. આથી ભીમ હસ્તિનાપુરના રાજમહેલમાં દ્રૌપદીને પ્રાર્થતાં કહે છે, “ભાભી તું ડાકણદેવી છે; અમારી માતા પણ દેવી છે. તમે પાંચ ભાઈઓના માથે હાથ દઈને આશીર્વાદ આપો અને આધ્યાત્મિક માર્ગના પાકા પુરુષ બનાવો.” ‘તોળીરૉણીની વારતા’માં તોળીરાણી ઘાતકી જેસલને આધ્યાત્મિક માર્ગ ૫૨ લાવીને જીવનઉદ્ધારક બને છે. પરંપરામાં તો ડાકણનું રૂપ પણ મંગલદાયિની દેવીનું છે. પુરુષના આધ્યાત્મિક જીવનના પથપ્રદર્શકનું છે. આ રૂપ છેક પ્રાચીનકાળથી મધ્યકાળ સુધી વ્યાપેલું છે. આથી તો યુધિષ્ઠિર-ભીમ જેવાં પૂર્વકાલીન અને નજીકના ભૂતકાળમાં થયેલાં જેસલ-માલદે જેવાં ચરિત્રો સ્ત્રીને દેવી-માતા માની જીવનનો ઉદ્ધાર કરવા પ્રાર્થે છે. તો પછી સાંપ્રત સમયમાં સ્ત્રીને ડાકણ જાહેર કરી તેના પર અત્યાચાર કરવાની પ્રથા કોણે અને કેમ શરૂ કરી? આના ઉત્તરો ભૂવા, લોકમંત્રો અને પુરાકથા ૫૨ સંપાદિત મારા પુસ્તક ‘અરવલ્લી પહાડની આસ્થા'એ આપ્યા. તેનો માનસશાસ્ત્રીય અભ્યાસ કરતાં મારા માનસમાં ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું કે ભીલ સ્ત્રી-સમાજ પર પોતાનું પ્રભુત્વ કાયમ ટકી રહે માટે ભૂવા-ભોપાઓએ ડાકણ-પ્રથાનો આરંભ કર્યો હોવો જોઈએ. ડાકણ વિશેની ઘટનાઓનું ઉદ્ભવસ્થાન તેમનું ફળદ્રુપ માનસ હોવું જોઈએ અને આવી ઘટના અને ચિત્રો કલ્પનાના ગાઢા રંગોથી રંગી સમાજમાં ભય ફેલાવવાના હેતુથી પ્રચલિત કર્યાં હોવાં જોઈએ. સમસ્યાઓના ઉદ્ભવસ્થાનનો ખ્યાલ આવતાં જ તેને દૂર કરવાના ઉપાયો પણ માનસમાં સ્પષ્ટ થવા લાગ્યા. ભીલ સમાજના સામૂહિક-માનસિક સમાધાન માટે સ્રીને દેવી-માતા-બહેન માનીને ગૌરવગાન કરતી હોય અને વેરભાવનાની ધારને બુઠ્ઠી કરતી હોય એવી પરંપરામાં પ્રચલિત વારતા-પુરાકથાઓનું સંકલન કરી, પરંપરિત કલાતત્ત્વોનો વિનિયોગ કરી નાટ્ય રૂપાંતર કરવામાં આવે. આવાં નાટકો એમના જ કલાકારો મૌખિક રૂપમાં સર્જે અને એમના સમાજ-સન્મુખ ભજવે તો ડાકણ-પ્રથા, પરંપરિત વેરભાવના, ચરેતરું જેવી સાંસ્કૃતિક-સામાજિક અને વર્તમાન આર્થિક-શારીરિક-શૈક્ષણિક સમસ્યાઓ સામે કારગત નીવડી શકે. તેમની જ સંસ્કૃતિનાં વિધાયક તત્ત્વોથી સંચારિત થયાં હોવાથી આવાં નાટકો સામાજિક ક્રાંતિ સર્જી સમાજના સર્વાંગી વિકાસમાં સહાયક થઈ શકે. મૂળભૂત સંસ્કૃતિ-સમાજ-કળામાં હસ્તક્ષેપ કર્યા વિના સમસ્યાઓને વિધાયક દિશામાં વાળી સમાજના સંદર્ભમાં જાગૃતિ લાવી શકાય અને સંસ્કૃતિનાં મૂળભૂત તત્ત્વોને આંચ પણ ન આવે. મેં દર્પણ અકાદમી, અમદાવાદનાં નિયામક મલ્લિકા સારાભાઈને ડાકણની ઘટનાનો ઉલ્લેખ કરી વિગતે પત્ર લખ્યો અને ભીલ-સમાજની સમસ્યાઓથી અવગત કર્યા. થોડાક દિવસોમાં એમની સાથે દર્પણ અકાદમીમાં મારો સંવાદ રચાયો. મારા વિચારો એમને સમજાવ્યા અને એમાંથી એક યોજના(પ્રોજેક્ટ) બનાવી અમેરિકા(શિકાગો)ની ખ્યાત સંસ્થા મેક આર્થ૨ ફાઉન્ડેશન સામે મૂકી. ફાઉન્ડેશને અમારી યોજના સ્વીકારી અને ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા અને દાંતા તાલુકાના ભીલ અને સોખલા ગરાસિયા આદિવાસી ગામોમાં ‘આદિવાસી કલા અને સાંસ્કૃતિક સંચાર દ્વારા વૈચારિક ક્રાંતિ, સમાજ-પરિવર્તન અને વિકાસ’નું મહા-અભિયાન મારી દીકરી જિજ્ઞાસા પટેલના સહયોગથી આદર્યું. ૧૯૯૫-’૯૬ ની સાલથી આરંભાયેલા અને ૭ વર્ષ સુધી ચાલેલા આ કઠણ સામાજિક અનુષ્ઠાનના પ્રથમ માસના સમયખંડમાં ખેડબ્રહ્મા તાલુકાનાં કંથાપુરા, હિંગટિયા, નવામોટા, માલવાસ, પરોયા જેવાં અરવલ્લી પહાડની શિખરાવલીઓથી ઘેરાયેલાં અકેન્દ્રિત ગામો(એક ગામ સાતથી દસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું હોય છે)માંથી મૌખિક અને આંગિક કલાવારસાનાં જ્ઞાતા નવ નિરક્ષર સવેતન (છેલ્લા વર્ષનો માસિક પગાર સાત હજાર હતો) સ્ત્રી- પુરુષોને પસંદ કરવામાં આવ્યાં. આ પછી જગતના વર્તમાન પ્રવાહો અને પડકારોથી અવગત કરાવવા અને તેમની જ મૌખિક શબ્દ-સંપદા-લોકમહાકાવ્યો, લોકવારતાઓ, લોકગીતો, ભજનો, અરેલા, લોકનૃત્યોમાંથી તેમની સમસ્યાઓને સ્પર્શતાં નાટકો, તેમના દ્વારા મૌખિકરૂપે સર્જવાની જાણકારી આપવા નાટ્યાચાર્ય કૈલાસ પંડ્યા, મલ્લિકા સારાભાઈ અને અર્ચન ત્રિવેદીના સાંનિધ્યમાં એક કાર્યશાળાનું આયોજન દર્પણ અકાદમી, અમદાવાદમાં કરવામાં આવ્યું અને ઉતારો ગૂજરાત વિદ્યાપીઠમાં આપવામાં આવ્યો. એક સિવાય બાકીના કલાકારોનું(12) પ્રથમ વાર જ અમદાવાદમાં આગમન થયું હતું. પહાડ જેટલી ઊંચી ઇમારતોનાં વન અને કીડિયારાંની જેમ ઊભરાતાં માણસો અને વાહનોની અવરજવર જોઈને આદિવાસી સ્ત્રી-પુરુષ આભાં બની ગયાં અને તેમની મૂંઝવણો અને મુશ્કેલીઓ વધી ગઈ. વાહનવ્યવહાર વચ્ચે માર્ગ ઓળંગવાની સૂઝ પડે નહીં. રસ્તા વચ્ચે ઊભાં રહી જાય; ઝડપથી દોડી જાય; અધવચ્ચેથી પાછાં વળી જાય; અકસ્માત સર્જાવાના પૂરેપૂરા સંજોગો ઊભા થાય. 12. કલાકાર શબ્દ આદિવાસી સમાજમાં પાછળથી પ્રચલિત થયેલો છે. આરંભમાં આઠ કલાકારો પસંદ કરવામાં આવ્યા હતા. તેમનાં નામ, ઉંમર આ પ્રમાણે છેઃ (૧) પૂજાભાઈ ગમાર, ઉ.વ. ૩૦, (કંથાપુર) (૨) તુલસીબહેન ગમાર, ઉ.વ. ૨૮, (કંથાપુરા ગામ) (૩) ગંગાબહેન ખૈર, ઉ.વ. ૫૦, (હિંગટિયા) (૪) સીરમીબહેન ખૈર, ઉ.વ. ૫૫, હિંગટિયા) (૫) દીવાબહેન બુબડિયા, ઉ.વ. ૪૮, (પાંચમહુડા) (૬) વજાભાઈ ગમાર, ઉ.વ. ૪૦, (નવામોટા) (૭) ગુજરાભાઈ ગમાર, ઉ.વ. ૫૦, (માલવાસ) (૮) કેશાભાઈ ૫૨મા૨, ઉ.વ. ૪૮, (માલવાસ) (૯) ચંદુભાઈ મકવાણા, ઉ.વ. ૩૮, (પરોયા) (૧૦) ક્ષેત્રીય નિયામક ડૉ. ભગવાનદાસ પટેલ (૧૧) સહક્ષેત્રીય નિયામક કુ. જિજ્ઞાસા પટેલ. પાછળથી નવાં આવેલાં કલાકારો (૧) વસ્તાભાઈ ગમાર, ઉ.વ. ૨૬, (નવામોટા) (૧૩) લખમણભાઈ ગમાર, ઉ.વ. ૩૫, (મોવતપુરા) (૧૪) ભટાભાઈ ગમાર, ઉ.વ. ૩૮, (માલવાસ) (૧૫) મણિબહેન બુડિયા, ઉ.વ. ૩૦, પાંચમહુડા ગામ (૧૬) સીતાબહેન ગમાર, ઉ.વ. ૩૫, (માલવાસ).

એમના કરતાં પણ અમારી(બાપ-દીકરીની) મૂંઝવણ-મુશ્કેલીઓ વધી પડી. ચરેતરા(ચડાઈ)નું સમાધાન શોધવા માટે આવેલા અમારા પર ચરેતરાનો ભય તોળાવા લાગ્યો, અને શિખાથી પ્રવેશેલી ચિંતાની જ્વાળા પગના નખ સુધી વ્યાપી ગઈ. અકસ્માત સર્જાશે તો એમનાં કુટુંબીજનો અમારા ઘર પર ચરેતરું કરશે અને ચરેતરાનું કારણ આપશે કે “થું (તું) અમદાવાદ લેઈ ગો (ગયો) એતણ (એટલે) અમારા મૉનવીન વાગું કે મરી ગઉં. ઝગમાં અમારું એ સ (એ જ) મૉનવી ઝીવતું પાસું લાવ નકર બે લાખ રૂપેયા મૉનવી મારવાના આલ !” આવા સંજોગોમાં સ્ત્રીઓનો હાથ પકડીને જિજ્ઞાસા માર્ગ ઓળંગવામાં સહાયક થવા લાગી અને પુરુષોને સાથે લઈને હું માર્ગ ઓળંગવામાં સહભાગી થવા લાગ્યો. ભોજનની પણ એવી જ મુશ્કેલી. એમના સ્વાદ જુદા. હોટલનું ભોજન ભાવે નહીં. કેટલાકને ઊલટી થાય. એક દિવસ હોટલમાં જમવા જતાં ગુજરાભાઈ ગમારે કહ્યું. “તેંણ (ત્રણ) સાક (શાક) ડાળ-ભાત-રોટો (રોટલો); પાસુ ગળ્યું (મીઠાઈ) નં ગોટા; ઉ૫૨ પાપર નં સટણી - આતરું બત્તુ ખાઈન હું કૉમ હેં? સેંરનાં લોકાં તો ખાઈ-ખાઈન હુંણી ઝાય! અમે તો દાળ-રોટો કે રોટો-હાણ્ણું (રોટલો-શાક) ખાઈન પોણ (પણ) બખે (સારી રીતે) ઝીવીએં. અમાંન તો ઓસુ ખાવામા સ સંતોક (સંતોષ) હેં!” અને વાત કહેવા – માત્રથી તેના મુખ પ સંતોષની આભા પ્રસરી હતી. આ સમયે લાગ્યું હતું કે બિનજરૂરી સંગ્રહનો અભાવ અને અનાજન જરૂર પૂરતા ઉપયોગની આદિવાસી વિચારધારામાં જ દેશ અને દુનિયાની અન્ન-સમસ્યાનું સમાધાન છે. સપ્તાહના આરંભે કલાકારોને જેલ જેવા લાગેલા અમદાવાદનું દર્શન કરાવવા અમે લઈ ગયાં. ગાંધી આશ્રમથી અમે યાત્રા આરંભેલી, પતંગ હોટલ, સીદી સૈયદની જાળી, અપના બજારનાં બહુમાળી મકાન, લાલ દરવાજા, ત્રણદરવાજા, ઝૂલતા મિનારા, સરદાર પટેલ સ્મારક ભવન અને હઠેસીનાં જૈન દેહરાંનાં દર્શન કરી અમે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગયેલાં. એમને વતનમાં આવ્યાં હોય એવું લાગેલું. સિંહ, વાઘ, ચિત્તા, હરણ, સાબર, નીલ ગાય જેવી ભૂચર સૃષ્ટિ, મોર, કોયલ, પોપટ, સૂડા, સમડી જેવી ખેચર સૃષ્ટિ અને હંસ, જળકૂકડી, માછલી જેવી જલચર સૃષ્ટિ - એમનો પૂરો પરિવા૨ અહીં હાજર હતો અને શહેરમાં અણધાર્યા એનાં દર્શન થયાં હોવાથી એમનું સામૂહિક મન આશ્ચર્ય અને આનંદથી નાચી ઊઠેલું. છેલ્લે એમના આવાસ પાસે આવેલા ગૂજરાત વિદ્યાપીઠના ‘આદિવાસી સંસ્કૃતિ દર્શન' સંગ્રહાલયમાં આવેલાં. એમના જ સમાજ-સંસ્કૃતિની ભૌતિક સંપત્તિ – ઢોલ, સાંગ, ઘોડાલિયું, તંબૂર, સારંગી, દેવી-દેવતા, કૉબરિયા ઠાકોર, દેવરાનો ઠાકોર વગેરેનાં દર્શન કરી આશ્ચર્ય પામેલાં અને એમના મનમાં પ્રશ્ન ઊઠેલો કે “સેંરનાં લોકાં અમારી ઝણહ (જણસ) કિમ હાસવતાં અહેં?” મેં એમને કહ્યું હતું કે, “સેંરમાં રેંતાં મૉનવી બગરી ઝાય એતણ (એટલે) તમારી વસ્તુઓનાં દરસન કરી સુતરવા (સુધરવા) નં (અને) પણવા (ભણવા) વાસ્તે તમારી વસ્તુ હગરે નં હાસવે (સાચવે) હેં” (“શહેરમાં રહેતાં માનવી બગડી જાય એટલે તમારી વસ્તુઓનાં દર્શન કરી સુધરવા અને ભણવા વાસ્તે તમારી વસ્તુ સંગ્રહે છે અને સાચવે છે.) એક સપ્તાહના રોકાણ પછી અમને લાગવા માંડ્યું કે કલાકારોને અમદાવાદમાં ધીમે-ધીમે ગોઠવા લાગ્યું છે. ભાદરવો માસ બેઠો હતો. મહેમાનગૃહમાં રાતે તંબૂર-ભજન કરીને અમે સૂતા હતા. મધ્યરાત્રિ થઈ અને ભીલ સાધુ ગુજરાભાઈ ગમારે ઊંઘમાં જ ભયજનક કિકિયારી પાડી. આ પછી અવર્ણનીય આવેશ સાથે ઊછળ્યો અને બે પલંગ ઓળંગીને ભોંય પર પછડાયો. તેના માથે દેવરાનો ઠાકોર (દેવનારાયણ) ઊતર્યો હતો. તે ધૂણવા લાગ્યો. માથે ઊતરેલું ‘દેવતું' બોલવા લાગ્યું, “મારી પૂઝા-પાપરી કિમ નહીં કરી? મકી (મકાઈ) તો પાકી ગેઈ હેં નં દેવરે ડોડિયો કિમ નહીં સરાવી?” ઊંઘમાંથી સફાળાં જાગી ગયેલાં ભીલ સ્ત્રી-પુરુષો દેવરાના ઠાકોરને ‘કાલાવાલા’ કરવા લાગ્યાં, “ખમા માલકાંન! અમારી ભૂલ પરી હેં! કાલ હવેરમા (સવારમાં) વેગ્ગાં (વહેલાં) ઑંહી (અહીંથી) ઝાઈન થારા નૉમનો મકીની ડોડિયોનો પોગ (ભોગ) સરાવીન ઓમ (હોમ) કરહું, પેસ (પછી) ડોડિયો ખાહું! અમાંન માપી (માફી) આલ દેવરા બાવસી !” થોડોક સમય પસાર થયો અને ગુજરાના માથે આવેલો દેવનો ભાવ ઊતરી ગયો પણ બધાં ભાઈ-બહેનો પૂરી રાત ભયના ઓથાર નીચે જાગતાં બેસી રહ્યાં. વહેલી સવારે ભીલ સ્ત્રી-પુરુષોને બસમાં બેસાડીને ખેડબ્રહ્મા લઈ આવ્યો. સૌ-સૌનાં ગામ જઈ દેવરાના ઠાકોરના મંદિરમાં મકાઈની ડોડિયોનો ભોગ ધરાવ્યો ત્યારે જ એમની માનસિક યાતના દૂર થઈ. આ પ્રસંગ પછી ખ્યાલ આવ્યો કે ડાકણપ્રથા અને ચરેતરા જેવી સાંસ્કૃતિક સમસ્યાઓ સામે લડવું એ કરોળિયાના જાળાના તાંતણા પર ચાલવા જેવું નાજુક કાર્ય છે. એમની આસ્થાને આંચ આપ્યા વિના સંસ્કૃતિનું ગૌરવ કરી માર્ગ કાઢવાનો છે. થોડીક ચૂક અનર્થ સર્જે અને પરિણામ વિપરીત આવી શકે. આ માટે મારે તેમની સંસ્કૃતિ-સમાજના સંદર્ભમાં પુનર્વિચાર કરવો જોઈએ. આપણે સમાજ સુધારવા નીકળ્યા નથી. સમાજ તો સારો જ છે. અનેક વર્ષોથી ભૌગોલિક પર્યાવરણના સંદર્ભમાં પોતાના વ્યક્તિજીવનને સમાજજીવનમાં ગોઠવી જન્મ-લગ્ન-મૃત્યુની સંસ્કારવિધિઓ, ધાર્મિક-વિધિઓ વિકસાવી આર્થિક રીતે પણ સ્થિર રહેલા લોકોનો સમાજ સંસ્કૃત જ હોય. આવા સમાજનાં માનવીય તત્ત્વોના બળે આપણા આંતરિક સત્ત્વને વિકસાવવાનું છે. વૈશ્વિકીકરણ અને વ્યક્તિવાદી-ભોગવાદી સંસ્કૃતિની સમસ્યાઓને ખાળવા પૃથ્વી-પ્રકૃતિ-પર્યાવરણ અને માનવતાનું ગૌરવ કરતી આદિવાસી સંસ્કૃતિથી અન્ય સમાજોએ – આપણે વિકસવાનું છે. તો જ પૃથ્વીનો નાશ કરતી અને ભવિષ્યનો વિચાર કર્યા વિના આજે જ – એકલાએ જ પૃથ્વીને દોહી લેવાની પશ્ચિમની વ્યક્તિવાદી-ભોગવાદી-મૂડીવાદી વિઘાતક મૂલ્યોથી રસાયેલી-રચાયેલી સંસ્કૃતિના દુર્ધર્ષ આક્રમણનો પ્રતિકાર કરી શકીશું. માટે ભીલ આદિવાસી સંસ્કૃતિમાંથી પામવાનું છે. જે દૃષ્ટિકોણથી આદિવાસી જગતને-પૃથ્વીને જુએ છે તે દૃષ્ટિકોણથી અન્ય સમાજો જોશે તો જ સાંપ્રતમાં સર્જાયેલા વૈશ્વિક વિષમ પડકારોનો સામનો થઈ શકશે. આવી અમૃતસ્રાવિયા સંસ્કૃતિની જીવનરીતિમાં હસ્તક્ષેપ અનર્થ ગણાય. આથી બહુજનસમાજ ઇચ્છે તો જ થોડીક સાંસ્કૃતિક સમસ્યાઓને વિધાયક દિશા આપી શકાય અને એનાં મૂળ પરંપરામાં હોવાં જોઈએ. મેં કલાકારો સાથે ખુલ્લા મને ચર્ચા કરી કે ડાકણ અને ચરેતરું જેવી પ્રથા સમાજમાં રહેવી જોઈએ કે દૂર થવી જોઈએ? બંધ કરવાથી કોઈ દેવી- દેવતાઓનો કોપ સમાજ પર ઊતરી આવે અને લોકોને દુ:ખી કરે કે કેમ? વર્ષોથી ચાલી આવતી આ પ્રથા બંધ થવાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચે કે કેમ? મેં તેમનો - તેમના સમાજનો મત જાણવાનો પ્રયત્ન કર્યો. એમનું કહેવું હતું કે જન્મ આપનાર માતા કે ઘરની પત્ની ડાકણ હોય નહીં, પણ આ પ્રથા ભોપાઓનું કારસ્તાન છે. ડાકણપ્રથા કુટુંબમાં સ્ત્રી-પુરુષ વચ્ચે વેર કરાવે છે અને ચરેતરું એ જાતિપંચનો પ્રપંચ છે, જે કુટુંબની સંપત્તિનો નાશ કરાવે છે. કોઈ દેવી-દેવતા કોપે નહીં પણ આવી પ્રથા દૂર થાય તો દેવી- દેવતા ખુશ થાય. કુટુંબ અને સમાજ સુખી રહે. કાર્યશાળામાં મારું કામ નાટ્યવિદો અને આદિવાસીઓ વચ્ચે ‘સેતુ' બનવાનું અને અન્ય સમાજના ખોટા ખ્યાલો નાટકમાં ન પ્રવેશે એનું ધ્યાન રાખવાનું હતું. નાટ્યાચાર્ય કૈલાસ પંડ્યા, મલ્લિકા સારાભાઈ અને અર્ચન ત્રિવેદી ભીલી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિથી અજાણ હતાં, જ્યારે ભીલ આદિવાસી કલાકારો શહેરના નાટ્યવિદોની માન્ય ગુજરાતી ભાષાથી અજાણ હતાં. મારું કાર્ય બંને વચ્ચે સેતુ બની આદિવાસી સંસ્કૃતિનાં પરંપરિત મૂલ્યોને હાનિ ન પહોંચે એ રીતે નાટકરૂપી માછલીની આંખ વીંધવામાં સહાયક થવાનું હતું. નાટક તો કલાકારોએ જ એમની મૌખિક સંપદાનો આધાર લઈ એમની જ સમસ્યાઓ પર કુઠારાઘાત કરે એવી રીતે એમની જ ભાષા-બોલીમાં મૌખિક રૂપમાં રચવાનાં હતાં. નાટ્યવિદોનું કાર્ય શેરીના મંચને અનુકૂળ નાટકને પ્રભાવશાળી બનાવી આપવાનું હતું. આરંભમાં એમની ટેકણલાકડીના આધારે ચાલતા અમે કાર્યશાળા દરમિયાન જ સ્વયં નાટક સર્જતા થયા હતા. આરંભમાં દારૂની સમસ્યા ૫૨ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દારૂની સમસ્યા માટે ભીલ મૌખિક સાહિત્યમાં પ્રચલિત અને મારા દ્વારા સંપાદિત ‘ગુજરાંનો અરેલો'નું નાટ્ય રૂપાંતર કરવામાં આવ્યું. આ મહાકાવ્ય પ્રતિપાદિત કરે છે કે દારૂ પીવાથી સ્વર્ગ, પાતાળ અને સમૃદ્ધ પૃથ્વીલોક પણ ડૂલ થાય છે; સર્વનાશ થાય છે; અને ભૂખિયાદેવી ભોજા ગુજો૨ના સમૃદ્ધ રાજ્યને સ્મશાનવત્ બનાવી સ્વર્ગે જાય છે. વૈભવશાળી ગરિયોરકોટમાં કાળા કાગડા બોલે છે. આરંભમાં કલાકારોમાં આત્મવિશ્વાસ જગવવા જિજ્ઞાસા પટેલે ભીલી બોલી શીખીને એમની સહભાગિતામાં ભૂખિયાદેવીના પ્રમુખ ચરિત્ર(પાત્ર)નું મંચન કર્યું, અને નાટકનું નામ ‘ભોજો ગુજોર’ આપ્યું. કાર્યશાળા પૂરી થયા પછી પ્રથમ નાટ્ય પ્રયોગ ખેડબ્રહ્મા તાલુકાના ધોળી ગામમાં કરવાનું નક્કી કર્યું. કલાકારો મારા આધાર વિના, સ્વતંત્ર રીતે, આત્મવિશ્વાસથી નાટક કરી શકે છે કે કેમ, એ મારે જોવું હતું. હું ગુંદેલ ગામની હાઈસ્કૂલમાં સેવા આપતા આ ગામના શિક્ષક જેઠાભાઈના ઘે૨ રોકાયો અને કલાકારોને નાટક કરવા ગામ વચ્ચે મોકલ્યા. આ સમયે ભાદરવો માસ છેલ્લા સપ્તાહમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો હતો. અહીં આસો માસમાં આવતી દિવાળીના પર્વ પ્રસંગે ગવાતો ‘ગુજરાનો અરેલો'નું નાટ્યરૂપ ભજવવાનું હતું. આ 'અરેલા' નામનું મૌખિક સાહિત્ય-સ્વરૂપ સમાજના ધારાધોરણ મુજબ દિવાળીના પર્વ સમયે જ ગવાય. પર્વના પહેલાં કે પર્વ પૂરું થઈ ગયા પછી ગાવામાં આવે તો મોટો ઝઘડો નોતરે. નાટ્યવૃંદે અરેલો ગાઈને નાટકનો આરંભ કર્યો. નાટક દારૂની સમસ્યા પર હતું. ગામનો મુખી અરેલો સાંભળતાં જ દારૂ પીધેલી હાલતમાં દોડી આવ્યો અને આવેશમાં કલાકારોને વઢવા લાગ્યો, “દિવાળીની તો વાર હેં નં અરેલા કિમ ગાઓ'લા? અરેલા. ગાવાનું બદ કરો.” નાટ્યવૃંદને તો પહેલા કોળિયામાં જ માખ આવી. મુખીના આક્રોશથી ડઘાઈ ગયેલા તેઓ થાંભલો થઈને ઊભા રહી ગયા. મારે ભીલ આદિવાસી વિસ્તારમાં ઋતુચક્રના માસ પ્રમાણે ગવાતા અને કહેવાતા મૌખિક સાહિત્યનો ચોક્કસ ખ્યાલ રાખવો જોઈતો હતો. પરિસ્થિતિ પારખીને હું સ્થળ પર દોડી આવ્યો. મુખી મારાથી પરિચિત હતો. દારૂના નશામાં પણ મને આવકારતાં ‘રામ-રામ’ કર્યા. એમને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, “મોટા આદમી, આ તો ‘અરેલો’ નહીં ગાતા ને! આ તો નાટક વતાવણા (બતાવવા) આવા હેં!” મુખીને મારી વાતો ૫૨ વિશ્વાસ બેઠો બોલ્યો, “તો-તો વારી ઢોલ વગારીન મૂળો (ઘણાં) મૉનવી ભેળાં (એકઠાં) કરીન પેસ (પછી) નાટક કરાં. આપું (આપણે) બત્તા નાટક ઝોએં.” મુખીએ મારે માટે બેસવા ખાટલો મંગાવ્યો. મને લાગ્યું કે આરંભે જ નાટક ભજવવાની અનુમતિ મુખી પાસેથી લીધી હોત તો એ રોષે ન ભરાત. વારી ઢેલનો અવાજ સાંભળતાં જ લોકો નાટક જોવા ઊભરાવા લાગ્યાં. મુખીની સંમતિથી ખેરાના ખેતલાક્ષેત્રપાળ)ના નામનું શ્રીફળ વધેરી નાટ્યમંડળીએ નાટકનો આરંભ કર્યો. કરુણ રસને સાંગોપાંગ બહેલાવતું, અને દારૂ સર્વનાશ નોતરે છે એનું દર્શન કરાવતું ભીલી-ભાષી નાટક જેમ-જેમ આગળ ભજવાતું ગયું તેમ-તેમ દારૂ પીધેલા મુખીના મુખ પર શરમના શેરડા ઊતરવા લાગ્યા અને નાટક પૂરું થાય એ પહેલાં તો લજવાઈને ચાલ્યો ગયો. મને લાગ્યું કે નાટકના પ્રથમ પ્રયોગની પણ દર્શકો પર ધારી અસર ઊભી થઈ હતી. ‘લોક'નું સામૂહિક મન ઋતુચક્ર પ્રમાણે આવતા પર્વના વાતાવરણથી આપ્લાવિત હોય છે અને એમાં પણ આ ટાણે ગવાતા મૌખિક સાહિત્યના કથકગાયકનું ચિત્ત તો વારતામાં આવતાં ચરિત્રો સાથે તદાકાર હોય છે અને આ પ્રસંગે જો તે ગાઈ ન શકે તો તે બેચેન બની જાય છે એનો ખ્યાલ મને કેટલાક નાટ્યપ્રયોગો કરાવ્યા પછી આવ્યો. આ સમયે અમારો આવાસ ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ગામ પાસેના માનવકલ્યાણ ટ્રસ્ટના ભાડાના ઘરમાં હતો. ભાદરવા માસના છેલ્લા અઠવાડિયાનો શુક્રવાર હતો. માસના આરંભથી જ આદિવાસી વિસ્તારમાં ધૂળાના ઠાકોરના બીજમાર્ગી-મહામાર્ગી પાટના જામા શરૂ થયા હતા. શુક્રવારની રાતે નજીકના ગામ દાણમહુડીમાં નાટક ભજવીને સૂતા હતા. મોડી રાતે મારી આંખ ખૂલી. બાજુના રૂમમાં જ્યાં કલાકારો રહેતા હતા ત્યાંથી ઝીણા સાદે રાગ કાઢીને રડવાનો અવાજ સંભળાયો. સફાળો ઊઠીને જોયું તો ઓ૨ડામાં વીજળીનો ગોળો ચાલુ હતો અને પથારીમાં બેઠેલા વજા સાધુની બંધ આંખોમાંથી ‘હરાવણ-ભાદરવો’ વરસતો હતો. મેં એની પીઠ પર હાથ મૂક્યો અને એણે ચમકીને આંખ ખોલી. પૂછ્યું, “વજા, થું કિમ રોવેં, ૨તરેં નં ઝૂરણ મૉડેં?'’ વજાના હોઠ વેદનાથી વલવલવા લાગ્યા, “નેં રોઉં તો હું કરું? કાલે થાવોરો (શનિવારે) ગુર(ગુરુ)ના કેંર (ઘેર) બીઝનો ઝૉમો ઝાગવાનો હેં નં ઉ ઝાઈ હકવાનો નહીં! કાલ રાતે તો માંકડસપા ગૉમમાં નાટક કરવા ઝાવું પરહેં. મેં તો વાયેક(આમંત્રણ)નાં મોતી ઝેલાં હેં નં ગુરુના અગળ ઝૂઠો ૫૨વાનો હું!” મેં કહ્યું, “ઝા'લા વજા સાધ, કાલનું માંકડસપા ગૉમનું નાટક બદ!(બંધ !) પેસ હું હેં? આપુ (આપણે) હાથમા (સાથે) ઝૉમો ૨મણા ઝાહું.” વજો બોલ્યો, “એંમ તો નેં પગવૉનપાઈ! થું મોતી ઝેલેં તો સ હાસું!” વજો સાધુ પથારીમાંથી ઊભો થયો અને થેલીમાંથી મકાઈના દાણાની પોટલી કાઢી અને મારા હાથમાં વાયેકનાં મોતી મૂક્યાં. મેં ઘડીભર હાથમાં મકાઈના રૂપમાં રહેલી અન્નદેવીનાં દર્શન કરીને વજાના મુખ સામે જોયું. વજાના મુખ પર મોતી જેવું ઉજ્જ્વળ હાસ્ય રમી રહ્યું હતું. વજાનો કાકો જ વજાનો ગુરુ હતો. શનિવારે નવામોટા ગામે વજાના કાકાના ઘેર બીજનો ઉત્સવ હતો. રાતે નવ વાગે પગ પખાળીને ગત(સભા) માં બેસવાની અનુમતિ મળી. પૂરી રાત બીજની ગંભી૨ ધાર્મિક વિધિઓ સાથે ભજનોનો દોર ચાલ્યો. પાટની સન્મુખ તંબૂર સાથે વિરાજેલા વજા સાધુની નાભિમાંથી દિવ્ય સ્વરો પ્રગટતા હતા અને શ્રોતા-દર્શક-ભાવકના ચિત્તતંત્ર પર રૂપારાણી, તોળીરાણી, સતિયો ખાતુ અને ચંદનરાજા સાક્ષાત્ થતાં હતાં. આ પ્રસંગ પછી અમને લાગ્યું કે ડાકણપ્રથા એ ધારીએ છીએ એના કરતાં અત્યંત નાજુક સમસ્યા છે. અને એનાં મૂળ ભોપાના માનસમાં છે. ભોપા અને સાધુ ભીલ-સમાજના પુરોહિત જેવા છે. એમાંયે ભોપા પોતાની આજુબાજુ નોંધપાત્ર એવા માનવ-સમુદાય સાથે સંકળાયેલા હોય છે અને એમના સામૂહિક માનસ ૫૨ ભોપાઓનો પ્રભાવ પ્રગાઢ રીતે વ્યાપેલો હોય છે. ભોપા ભીલ-સમાજમાં એક સંસ્થા જેવા હોય છે અને એમનો અભ્યાસ કરી વિશ્વાસમાં લેવામાં આવે તો આ કામ સહજતા - સરળતાથી પાર પાડી શકાય. આ માટે દાંતા-ખેડબ્રહ્મા તાલુકાના ૮૦ જેટલા ભોપાનો સંપર્ક કરી એમનો મનોગત અભ્યાસ કરી અમારો હેતુ એમને સમજાવ્યો. ભીલ વિસ્તારમાં પ્રચલિત અને મારા દ્વારા સંપાદિત ‘તોળીરાણીની વારતા’ અને ‘રૂપાંરૉણીની વારતા'નાં નાટ્યરૂપાંતર કરી ‘જેસલ-તોરલ' અને ‘સ્ત્રી-શક્તિ’ નામે નાટકો તૈયાર કરી ભોપાના સહયોગથી બહુજન-સમાજ સામે પ્રસ્તુત કરવા લાગ્યા. આ નાટકો દ્વારા એ પ્રતિપાદિત કરવામાં આવ્યું કે કોઈ પણ સ્ત્રી સમાજમાં ડાકણ હોતી નથી. સ્ત્રી મૂળભૂત રીતે માતા જ છે. તે બેટી હોય, બહેન હોય કે પત્ની હોય, પણ એમાં એક સનાતન માતા સ્થિત હોય છે. ને જે ‘માતા’ છે એ ક્યારેય ડાકણ કે ચુડેલ ન હોય. એ પોતાનાં સંતાનોને પાળે-પોષ-ઉછેરે પણ પીડે નહીં. એ સદા શ્રદ્ધાની ભાજન હોય, આપણી જન્મદાત્રી ગૌરવને યોગ્ય હોય. ભીલ સમાજમાં આવાં નાટકોને ભારે આવકાર મળવા લાગ્યો. આગળ નોંધ્યું છે એ પ્રમાણે ભીલોમાં વે૨ભાવના પેઢી દર પેઢી ઊતરે છે. મારેલા સ્વજનનું વેર લીધા પછી જ તેમના સામૂહિક મનને શાંતિ વળે છે. કારણ કે વેર લેવાની પ્રથાને ભીલો ધાર્મિક કાર્ય સમજે છે. વેર લેવા માટે જે માણસે પોતાના સ્વજનને માર્યું હોય એને જ મારી નાખવો એવું હોતું નથી. વેરીના ગોત્રની સામાજિક રીતે પ્રતિષ્ઠિત અને આર્થિક રીતે સમૃદ્ધ વ્યક્તિને કે જેને આ ખૂન સાથે કોઈ પણ જાતનો સંબંધ હોતો નથી એવી નિર્દોષ વ્યક્તિને મારીને વેર લેવામાં આવે છે. વેર લેતાં પહેલાં આવી નિર્દોષ વ્યક્તિના ઘ૨ ૫૨ પૂરું ગોત્ર સામૂહિક રીતે ચડાઈ કરે છે. એના કુટુંબનાં ઘર બાળી નાખવામાં આવે છે અને નિર્દોષ પાલતુ પશુઓને ક્રૂરતાથી કાપી નાખવામાં આવે છે. એની ખેતીનો નાશ કરવામાં આવે છે. આ પછી શત્રુનું માથું કાપીને અગાઉ મારેલા પોતાના સ્વજનના ‘હૂરા’ પર મૂકી એનું લોહી ચઢાવે છે. આ પછી જ એમના સામૂહિક મનને શાંતિ મળે છે. પરંપરિત વેરભાવના અને ચરેતરાની ધાર બુઠ્ઠી કરવા મારા દ્વારા સંપાદિત ‘રાઠોરવારતા’ મહાકાવ્યને પસંદ કરવામાં આવ્યું. આ પ્રથાને જરા ફેરવીને પ્રસ્તુત કરી. માણસનું ખૂન ન કરવું પણ મોવડીના માથાનો મુગટ (પાઘડી) આંચકી લેવો. માથાની પાઘડી કે મુગટ એટલે કે અશ્વત્થામાના માથાના માણિની જેમ માથું ઉતારી લેવા જેવું કૃત્ય. એ જ એની નિસ્તેજતા અને એ જ એનું હડહડતું અપમાન! આ પ્રથામાં આટલો ફેરફાર કરી નાટક ૨જૂ ક૨વામાં આવ્યું ને સમાજ ૫૨ એની અસર વરતાવા માંડી. આ પછી સમાજનો અભ્યાસ જેમ-જેમ આગળ વધતો ગયો એમ એમ નવી-નવી સમસ્યાઓ સામે આવતી ગઈ. વર્તમાન વિષાક્ત પરિસ્થિતિએ ઊભી કરેલી શારીરિક બીમારીને રોકવા અને તંદુરસ્તીને રક્ષવા માટે પોલિયો, બી.સી.જી., ત્રિગુણી જેવી રસીની જાણકારી આપવા માટે ‘દેહ એ જ દેવ' નાટક ભજવવામાં આવ્યું. આર્થિક ઉત્કર્ષ માટે પરંપરિત કુટિર અને ગ્રામ-ઉદ્યોગોને આદિવાસી સંસ્કૃતિના મૂળભૂત સંદર્ભને સાચવીને પુનઃજીવિત કરવા ‘પોતાના હાથ જગન્નાથ' નામનું નાટક ભજવવામાં આવ્યું. આ નાટક ઘણું જ પરિણામલક્ષી રહ્યું. આ નાટકના પ્રભાવથી મોતી-મણકાનાં ઘરેણાં અને હિરકલી નામના ઘાસમાંથી કલાત્મક આભૂષણો, ખજૂરીના પાનના કલાત્મક સૂંડલા, સાવરણીઓ, તંબૂર, સાંગ, ઢોલ, ઘોડાલિયાં, માટીની કલાત્મક કોઠીઓ જેવી વસ્તુઓ હાથે બનાવીને વેચતા થયા અને હસ્તકળા મેળામાં વસ્તુઓ વેચવા સહભાગી થવા લાગ્યા. વર્તમાન વિશ્વના પ્રગતિ-પ્રવાહો અને એમાંથી ઊભા થયેલા નવા પડકારો સમજવા અને એ પડકારોનો પ્રતિકાર કરવા એમની સંસ્કૃતિનાં ઉત્તમ તત્ત્વો એમના દ્વારા વિશ્વ સામે મૂકવા સાક્ષર થવું પરમ આવશ્યક છે. આ માટે ‘ભણતર ત્રીજી આંખ’ અને ‘ભણે તે તરે' નાટકો સમાજ અને પ્રાથમિક શાળાઓ સામે મૂકવામાં આવ્યાં. ૧૯૯૫થી આરંભાયેલા અને ૭ વર્ષના સમયખંડ સુધી ચાલેલા “આદિવાસી કલા અને સાંસ્કૃતિક સંચાર દ્વારા વૈચારિક ક્રાંતિ, સમાજ પરિવર્તન અને સર્વાંગી વિકાસ” પ્રોજેક્ટનો અભ્યાસ કરવા દેશ અને દુનિયાના આ વિષયના અનેક તજ્જ્ઞોએ મુલાકાત લીધી હતી અને એમના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. દર્પણ અકાદમીના નાટ્યાચાર્ય કૈલાસ પંડ્યા સાથે અમેરિકાની યોમોના કૉલેજનાં થિયેટર અને ડાન્સનાં ડાયરેક્ટર ડૉ. બેટી બેરન હાર્ડ અને લંડનની નોરીચ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રી ડૉ. રાલ્ફએ ખેડબ્રહ્માથી ૨૫ કિલોમીટર દૂર આવેલા માંકડચંપા ગામે આશરે ૭૦૦ આદિવાસી દર્શકો વચ્ચે ડાકણપ્રથા પર કુઠારાઘાત કરતું નાટક ‘જેસલ-તોરલ’ નિહાળ્યું હતું અને સમાજશાસ્ત્રીય અભ્યાસ કર્યો હતો. આ બંને વિદેશી સંશોધકોએ એવો દૃઢ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, સમાજમાં વૈચારિક ક્રાંતિ કરવા અને ડાકણ જેવી પાશવી પ્રથા દૂર કરવા નાટક એક સબળ અને કારગત માધ્યમ સિદ્ધ થઈ શકે તેમ છે. તા. ૮, ૯-૧૨-૧૯૯૬ના રોજ આશરે ૨૦૦૦ દર્શકોની હાજરીમાં સણાલી ગામે શિકાગો(અમેરિકા)ની નૃવંશશાસ્ત્રી જીન ફિત્સિમન્સ અને જૉહાનિસબર્ગની નાટ્યલેખિકા ગાયા હન્ટએ ભીલોમાં પ્રચલિત પરંપરિત વેરભાવના પર પ્રકાશ પાડતું નાટક ‘રાઠોરવારતા’ નિહાળ્યું હતું. તેઓનું કહેવું હતું કે વેરભાવના અને સ્ત્રીને ડાકણ માનવાની પ્રથા બંને બાબતો ભીલ-સમાજની પાયાની સાંસ્કૃતિક સમસ્યાઓ છે. નાટકનું માધ્યમ આ સમસ્યાઓની ધારને બુઠ્ઠી કરવામાં અવશ્ય સફળ રહેશે. આ ઉપરાંત એમનું કહેવું હતું કે નિરક્ષર અને સમાજના નીતિ- નિયમોથી આબદ્ધ આદિવાસી ભાઈ-બહેનો તેઓના સમાજ સામે – ભાઈ-બહેન, પિતા, સાસુ-સસરા-જેઠ સામે – કોઈ પણ પ્રકારના સામાજિક છોછ વિના તેઓની પરંપરિત દૃઢ માન્યતાઓ પર આઘાત કરતાં નાટક ભજવે એ સમગ્ર ભારતીય આદિવાસી સમાજની વિરલ ઘટના છે. તા. ૭-૮-૧૯૯૬ના રોજ કન્નડ નાટકકાર અને કવિ શિવપ્રકાશ અને એમનાં પત્ની સંધ્યાદેવી તથા ગુજરાતી સાહિત્યકાર ભરત નાયક, ગીતા નાયક અને કવિ કાનજી પટેલે ખેરોજ મુકામે ‘નારદ પંચાત્યા' નાટક જોયું. તેઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે “શહેરોમાં જે શેરી નાટકો ભજવવામાં આવ્યાં તેનું ધાર્યું પરિણામ આવ્યું નથી. પણ અહીં દર્પણ અકાદમીના સહયોગથી ડૉ. ભગવાનદાસ પટેલ અને એમની પુત્રી જિજ્ઞાસા પટેલ દ્વારા આદિવાસી વિસ્તારમાં નાટક દ્વારા સમાજ-પરિવર્તનનું જે મહાઅભિયાન ચલાવવામાં આવ્યું છે, તે પરિણામલક્ષી હોવાથી ગુજરાત નાટ્યક્ષેત્રની વિ૨લ ઐતિહાસિક ઘટના છે.” (13) 13. સાત વર્ષના કર્મશીલ તરીકેના મહાઅભિયાનની ફળશ્રુતિ :

  • ઉત્તર ગુજરાતના દાંતા ને ખેડબ્રહ્મા તાલુકા અને રાજસ્થાનના કોટડા તાલુકાના ભીલ આદિવાસી વિસ્તારમાંથી ડાકણપ્રથા સદંતર નાબૂદ થઈ.
  • પરંપરિત વેરભાવના અને ચરેતરા – પ્રથાની ધા૨ બુઠ્ઠી થઈ.
  • ચોમાસામાં થતાં લગ્નોની રૂઢિ બદલાઈ અને ઉનાળાના ફુરસદના સમયે લગ્નો કરતા થયા. જેથી ખેતીની આવકમાં વધારો થયો.
  • પાણીને તળાવના સ્થાને કૂવામાંથી લાવીને ગાળીને પીતા થયા.
  • એઇડ્સ જેવા મહારોગોથી સભાન બન્યા.
  • વેપારીઓના શોષણથી સભાન થયા.
  • બાળકોને ભણાવવા માટે જાગૃતિ આવી.
  • ૪પ૦૦ બાળકોને પ્રાથમિક શાળામાં ભણતાં કર્યાં, ૫૦૦૦ બાળકોને પોલિયો અને ત્રિગુણી રસી પિવડાવી રોગમુક્ત કર્યાં – જેવાં મૂળ સાંસ્કૃતિક મૂલ્યોને જાળવીને અને મહામૂલા આદિવાસી સાંસ્કૃતિક વારસાને નુકસાન કર્યા વિના અનેક વિધાયક સામાજિક કાર્યો કર્યાં.
***