મારી લોકયાત્રા/૧૬. સ્નેહતંતુ


૧૬.

સ્નેહતંતુ

મૌખિક સાહિત્ય સંશોધનનાં આરંભનાં વર્ષોમાં ખેડવા ગામમાં ‘રાઠોરવારતા’ પછી ‘ભારથ’ ધ્વનિમુદ્રિત કરતો હતો. રાઠોરવારતા પૂરી થતાં જ મને સમજાયું કે નાથાભાઈ ગમા૨ મૌખિક લોકપરંપરાના સમર્થ વાહક-ગાયક છે. કાકાનો દીકરો લખો ગમાર, સાળો ભીખો તરાળ અને બહેડિયા ગામનો ગુજરો ગમાર એમના સહભાગી રાગિયા-બાણિયા હતા. એક જ વર્ષમાં અમારી રાજસ્થાન અને ગુજરાતનાં આદિવાસી ગામોની સાંસ્કૃતિક સંશોધનયાત્રાની સહજ રીતે એક મંડળી બની ગઈ અને દિન-પ્રતિ-દિન હૃદયના સ્નેહતંતુ મજબૂત બનતા ગયા. સમય પસાર થતાં પંથાલ, પાંચમહુડા, હિંગટિયા, માલવાસ, નવામોટા વગેરે ગામોના સભ્યો ઉમેરાતા ગયા અને મંડળ વિસ્તરતું ચાલ્યું. સપ્તાહનું ખેતીકામ પૂરું કરી, કોઈ ગામની સાંસ્કૃતિક યાત્રા નક્કી કરી, શનિવાર આવતાં જ આતુરતાથી મારી પ્રતીક્ષા કરતા. મેં તેમના સુખદ સહવાસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનાં સણાલી, મચકોડા, ધામણવાસ, દલપુરા; સાબરકાંઠા જિલ્લાનાં ખેડવા, બહેડિયા, બોરડી, ભૂતિયા, દંત્રાલ, ગુણભાંખરી, કોટડા; રાજસ્થાનના ઉદયપુર જિલ્લાનાં વાંસેલા, મેડી, બૂરિયા, હરારાજપર, મામેર જેવાં અનેક ગામોની સાંસ્કૃતિક પદયાત્રા કરી છે અને વર્ષના ઋતુચક્ર પ્રમાણે આવતાં હોળી, દિવાળી, બળેવ, ગોર જેવાં સામાજિક- ધાર્મિક પર્વો માણ્યાં છે. ધૂળાના ઠાકો૨નો મહામાર્ગી પાટ જેવાં ચોખ્ખાં ધાર્મિક અનુષ્ઠાનો, કૉબરિયા ઠાકોરની કોળી, વતાંમણાં જેવાં મેલાં અનુષ્ઠાનો અને હખાઢોળ (શંખાઢોળ), સમાધિ પૂજવી, હૂરો માંડવો, નાની ન્યાત, મોટી ન્યાત જેવી મરણોત્તર વિધિઓમાં સહભાગી થયો છું. ચિત્ર-વિચિત્રના મેળા, રાવળી ઘેરના મેળા, ગો૨ના મેળા જેવા પ્રાદેશિક મેળા મહાલ્યા છે. પ્રતિકૂળ સંજોગોને લીધે લગ્ન કે મરણ જેવા સામાજિક પ્રસંગે સહભાગી ન થઈ શક્યો હોઉં તો અદકેરા સ્નેહ થકી તેમના રોષ અને ઉપાલંભનો ભોગ પણ બન્યો છું. ઋતુચક્રના પર્વ-પ્રસંગો પ્રમાણે મેં તેમનાં ભીતર ખોલ્યાં છે, અને રામસીતા, પાંચપાંડવ, સતિયો ચંદન, સતિયો ખાતુ, કેશરમાતા, રૂપારાણી, તોળીરાણી, નવલાખ દેવીઓ આદિ ચરિત્રોનાં ચિત્તમાં દર્શન કરી ધન્ય બન્યો છું. તૂટક-તૂટક એક હજાર કિલોમીટરની પદયાત્રા કરીને માણેકનાથ, તુંબરાજ, નાળેરો, સોનગરો, મેર-સેમેર, કૂકડો જેવાં સ્થાનિક નામો ધરાવતા ડુંગરોની તળેટીઓ અને સાબરમતી, સેઈ, આકળ, વિકળ, દુકાળી, કોસંબી, ભીમાક્ષી જેવી નદીઓની ભેખડો ખૂંદી મેં તેમના સહયોગથી અસંખ્ય પાષાણ ઓજારો, ગુફાચિત્રો તથા અશ્મસમાધિઓ શોધી પાંચ હજારથી આરંભી સિત્તેર હજાર વર્ષ પૂર્વકાલીન પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓનું સંશોધન કરી, આદિમાનવ અને આદિવાસીનો સંબંધ તપાસ્યો છે અને ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ' પુસ્તક લખ્યું છે. ઋતુચક્ર પ્રમાણે મળતાં ટીમરુ, જાંબુ, કરમદાં, બોર, કાકડી, મકાઈના ડોડા, ચણાનો ઓળો, ઘઉંનો પોંક દેવરાને ચડાવીને મને ઘણા સ્નેહથી ખવડાવ્યાં છે, તો મેં પણ તેમનું સ્વજન બીમાર પડે તો ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, કે અમદાવાદની હૉસ્પિટલમાં લાવી દવા કરાવી છે અને હૉટલ-લૉજની અવનવી વાનગીઓ જમાડી તેમના મુખ પર વ્યાપતો સંતોષ લૂંટ્યો છે. બળેવના દિવસે નાથાભાઈની સ્ત્રી સાંકળીબહેને રાખડી બાંધી મને ધર્મનો ભાઈ બનાવ્યો છે, અને સામાજિક બંધનમાં બાંધી પોશે-પોશે ભાગિની પ્રેમ પાયો છે. વનની આ સાંસ્કૃતિક લોકસંપદા અન્ય સમાજ પણ જાણે, માણે, ૫૨ખે અને પ્રસરે માટે તેમના સહયોગથી અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવાં ગુજરાતનાં શહેરો; ઉદયપુર, મુંબઈ, દિલ્હી જેવાં દેશનાં શહેરો; અને લંડન, પૅરિસ, ડીઝાં, તેલ અવિવ જેવાં વિશ્વનાં પ્રમુખ શહેરોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરિસંવાદો યોજી વિવિધ સ્તરના લોકસમુદાયને ઘેલો કર્યો છે.

***