મેઘાણીની સમગ્ર નવલિકા/દયાળજી

દયાળજી

દયાળજી બાપડો જુવાન વાણિયો હતો. પણ એ ચડી ગયેલો પરાક્રમને પંથે. બીજાં નાનાં નાનાં પરાક્રમોની તો ખબર નથી પડી, પણ મોટાં પરાક્રમો એણે બે કર્યાં: એક તો કોઈ માશૂક સાથે પ્યારમાં પડીને એના ઉપર પોતાની કમાણી ન્યોછાવર કરવાનું; અને બીજું એ જ માશૂકને ‘રંડી’ કહી એની હત્યા કરવાનું. પોતાની તરફ બેવફાઈ કરનાર ‘રંડી’ — ને જાનથી માર્યાનો કેટલો ગર્વ દયાળજી લેતો હતો તે હું એની મુલાકાતો વખતે જોઈ શકતી. નીચલી કોર્ટમાં એનું કામ ચાલતું તે દિવસોમાં એની મા એની મળવા આવતી. ચાર-આઠ દહાડે મા દયાળજીનાં અસ્તરીબંધ કપડાં દેવા અને જૂની જોડ લઈ જવા આવતી ત્યારે હું જોતી કે માના શરીર ઉપરનો સાડલો તો એ-નો એ અણબદલ્યો અને આઠ-દસ થીંગડાંવાળો જ હોય. બચાડી મારા જેવી જ ડોકરી અને ડાકણરૂપ. કેમ કે રાંડીરાંડ! ઉપરથી જ ભયાનક; અંદરથી તો એ પણ મારા જેવી જ કાચી છાતીની. એક વાર એ દયાળજીના સારુ સનલાઈટ સાબુનું એક ચોસલું લઈ આવી. એ સાબુ અમારા ચકોર મુકાદમે ભાંગ્યો, સાબુના પેટમાંથી પાંચ-છ પાવલીઓ નીકળી પડી! અમારો મુકાદમ, પોતે જાણે કોઈ પારીસ નગરીનાં જવાહીરની ચોરી પકડી હોય તેવા તોરથી મલકાયો અને દયાળજીને મોટા નીતિદારની જેમ ઠપકો દેવા લાગ્યો કે “તમે આવી રીતે પૈસા મંગાવીને તમારી સગવડો વધારવા સારુ જેલમાં રુશવતો આપો છો, એટલે બીજા ગરીબ કેદીઓના ઉપર કેવો જુલમ થાય છે એ સમજતા નથી! જાઓ, જાઓ, તમારી મુલાકાત રદ થાય છે!” “પણ મને ક્યાં ખબર જ હતી?” એમ અજાણપણું ધારણ કરીને દયાળજીએ તરત પોતાની ડોકરી મા ઉપર મુકાદમી કરી કહ્યું: “જાઓ, જાઓ હવે આંહીંથી, તમારું કાળું કરો! આવા ધંધા કરો છો!” મા મારી નજીક ઊભેલી હતી ત્યાંથી છેટે ખસી ગઈ. એણે શા સારુ દીકરાનો આ ધુતકાર ખમી ખાધો? કેમ એણે ત્યાં ને ત્યાં દીકરાની જ શિખવણી ઉઘાડી ન પાડી? આવું ભોંઠામણ પચીસ-ત્રીસ માણસોની વચ્ચે શીદ એ પી ગઈ? ઊલટાની એ તો છાનીમાની પાછી નજીક આવીને પૂછવા લાગી કે “હેં ભાઈ, મારા દયાળજીને આ બાબત સારુ કાંઈ મારપીટ તો નહિ કરે ને? ભૂખ્યો-તરસ્યો તો નહિ રાખે ને?” જેલ-ઑફિસની બારી તરીકે મારું જીવન ઘણી ઘણી રીતે ધિક્કારપાત્ર અને પામર હોવા છતાં એક વાતનો મને ખૂબ હર્ષ થયો કે ‘હું કોઈની મા તો નથી! મા થવું એટલે તો આ દશા ને?’ વચ્ચે પછી હું દાંત ખખડાવીને હસવા લાગી તે તો અમારા પેલા ચાલાક મુકાદમ ભાઈની શેખી ઉપર. અરે ગંડુ! તું સાબુમાંથી કે પગરખાંના તળિયાંની વચ્ચેથી આ છુપાઈને અંદર આવતાં નાણાં પકડીને શું, બસ, એમ માની બેઠો કે તેં જેલને વિશુદ્ધ બનાવી નાખી! બીડીઓ-તમાકુ-સિગારેટ-ગાંજો-દારૂ-મીઠાઈ — બોલ, તારે શું જોઈએ છે આમાંથી? બધો જ ભંડાર ભર્યો છે આ અજગરના પેટમાં. તે વગર શું ફકત આ ભાજીના ઘાસ ઉપર ને આ જુવારીના કાંકરીદાર રોટલા ઉપર જ આ પઠાણો, મિલએજન્ટો, કાઠીગરાસિયા અને બીજા સુંવાળા કેદીઓ જીવે છે આંહીં? ને શું ફક્ત પંદર રૂપરડીના દરમાયા સારુ આ વૉર્ડરો ખુવાર મળે છે આંહીં! આંહીં શું જુગાર ખેલાયા વગર આ પચીસ-ત્રીસ વર્ષની સજા પામેલાઓના દહાડા જાય છે? ને આ જેલ શું પાપીને પુણ્યશાળી કરવાનું ઠેકાણું છે? આ તો, ભાઈ, અનાદિ કાળથી જે છે તે જ છે. નહિ તો કાળી ટોપીઓ પહેરનારા વધ્યા જ કાં કરે છે? પાંચ વાર પાછા આવનાર કેટલા બધા છે? જતી વેળા શું કહીને નથી જતા, કે “ભાઈ, મારાં આ કપડાં ને આ કામળી ને આ તસલો ચંબૂ સાચવી રાખજો, હું આઠમે દા’ડે પાછો આવું છું.” આટલી બધી અક્કલ અને શક્તિ અહીં એકઠી થાય છે તે શું નવરી બેઠી રહે? ગુમાન ન કર, ભાઈ; જો, તારી પતરાજી સામે બધા હસે છે. દયાળજીનાં નાણાં તો કાલે જ કોઈ બીજો વેશ પહેરીને પરભારાં છેક અંદર પેસી જશે. પણ કેટલા દિવસ? દયાળજી બાપડો વાણિયો ખરો ને, એટલે પોતે કરેલી પેલી વીરતાભરી સ્ત્રી-હત્યા માટે અદાલતમાંય મૂછોના વળ ચડાવતો રહ્યો. નીચલી અદાલતે દસ વર્ષની સજા કરી તેથી સંતોષ ન લેતાં ગયો મુંબઈની હાઈકોર્ટમાં. જડજ પૂછે છે કે તેં ખૂન કર્યું છે? દયાળજી કહે છે કે હા હા, કર્યું જ છે! જજ ફરી પૂછે છે કે તારા જેવા ખૂનીને ફાંસી કેમ ન આપવી જોઈએ? તો કહે છે કે તમને ઠીક પડે તેમ કરો. એ બહાદુરીના બદલામાં દયાળજી દેહાંત-દંડ લઈને એક સંધ્યાએ અમારે દરવાજે આવી પહોંચ્યો. પણ હજુ જાણે કે એને પૂરી કલ્પના નહોતી આવી. દયાળજીના ઘાટીલા જુવાન શરીર પર કડીબેડી જડાયાં તોયે એને ગળે ન જ ઊતર્યું કે આ દેહ જેવો દેહ દસ-પંદર દા’ડામાં પડવાનો છે. પણ ફાંસી-તુરંગની કોટડીમાંથી ફાંસીખાનામાં પહોંચવાનો પેલો પંદર જ કદમનો પુષ્પશણગાર્યો અનંત પંથ જ્યારે એણે દીઠો, ત્યારે પછી એની વીરતા ગળી ગઈ. અરે, તે દિવસે એ પોતાના ભાઈની ને માની મુલાકાતે આવ્યો ને જે રીતે એ વર્ત્યો તેથી તો મને બેશરમ બુઢ્ઢીને પણ ભોંઠામણ આવ્યું. ભેંકડો તાણીને રોવા લાગ્યો. એના ભાઈની સાથે લડી પડ્યો. એની મા પ્રત્યે પણ સમતા ન સાચવી. મુકાદમ સાથે પણ લડ્યો. બીડી-સિગારેટ ને દૂધપેંડાની લોલુપતા એને લાગી. ધમાચકડી બોલાવી એણે. અને ફાંસીને પ્રભાતે — હાય હાય! ગળામાં રસી પણ નખાઈ ગયા પછી — એક નાની ક્ષણનુંય ધૈર્ય હારી જઈ — અરેરે, પાટિયાં પર ઢગલો થઈને બેસી ગયો! પણ બેસી જનારાના ખોળિયાને કંઈ એ અમારા સુબેદારસાહેબે ચકાસેલી પાકી રસી થોડું છોડી દે છે? હૅન્ડલનો એક જ આંચકો અને દયાળજી પણ લટકી પડ્યો. તફાવત ફક્ત એટલો જ કે અનવર પઠાણનો રૂહ એ લટકતા પિંજરમાંથી છૂટીને ગગનમાર્ગે ચાલી નીકળ્યો, ત્યારે દયાળજી વાણિયાનો જીવાત્મા તો એ કલેવરની સાથોસાથ જ ટટળી રહ્યો.