મેઘાણીની સમગ્ર નવલિકા/શ્રેષ્ઠ ભિક્ષા

શ્રેષ્ઠ ભિક્ષા

“શ્રાવસ્તી નગરીનાં ઓ નરનારીઓ! જાગો છો કોઈ? આંખો ઉઘાડશો? બુદ્ધ પ્રભુને માટે હું ટહેલ નાખી રહ્યો છું. ભિક્ષા આપશો?” આખી નગરી નિદ્રામાં પડેલી છે. શ્રાવસ્તીપુરીની ગગનઅડતી અટારીઓ ઉપર પરોઢિયાની ઝાંખી પ્રભા રમે છે. દેવાલયોમાં વૈતાલિકોનાં પ્રભાતગાન હજુ નથી મંડાયાં. સૂર્ય ઊગશે કે નહિ ઊગે, એવાં સંદેહથી કોયલ હજુ ધીરું ધીરું જ ટહુકી રહી છે. એ કોણ છે? આવા વખતે, આથમી જતા તારાઓના ઝાંખા પ્રકાશમાં નગરીના માર્ગેમાર્ગે અને શેરીએ શેરીએ એ કોણ ટેલી રહ્યું છે? મેઘગર્જના સમાન એ કોનું ગળું ગુંજે છે? એ તો શ્રી બુદ્ધપ્રભુનો શિષ્ય: ભિખ્ખુ અનાથપિંડદ. સૂતેલાં સ્ત્રી-પુરુષો એ સૂર સાંભળી સળવળ્યાં; સંન્યાસીનો સાદ કાન માંડી સાંભળ્યો. ભિખ્ખુએ ફરી પોકાર્યું: “સુણો, ઓ લોકસંઘ! વર્ષાની વાદળીઓ પોતાના દેહપ્રાણ ગાળીગાળીને જગતમાં જળ આપે છે. ત્યાગધર્મ એ જ સકળ ધર્મનો સાર છે. ઓ ભાવિક જીવો!” કૈલાસના શિખર પરથી દૂરદૂર સંભળાતી, ભૈરવોના મહાસંગીત સમી એ ભિખ્ખુની વાણી પ્રભાતની કાગાનીંદરમાં પોઢેલાં લોકોને કાનેકાને ગુંજવા લાગી. સૂતેલાં સ્ત્રી-પુરુષો બેઠાં થયાં. રાજા જાગીને વિચાર કરે છે કે વ્યર્થ છે આ રાજદૌલત: ગૃહસ્થો ભાવે છે, કે મિથ્યા છે આ આળપંપાળ: ને કોમળ દિલની રાણીઓ તો દિલમાં દ્રવી જઈ અકારણ આંસુડાં પાડી રહી છે. ભોગીજનો ભાવી રહ્યા છે, કે ઓહ! આ અમનચમન આખરે તો કેવાં છે! ગઈ રાતે પહેરેલી ફૂલમાળાનાં પ્રભાતે છુંદાયેલાં સુકાયેલાં ફૂલો જેવાં જ ને! ઊંચીઊંચી અટારીઓનાં દ્વાર ઊઘડ્યાં. આંખો ચોળીને સહુ અંધારા પંથ ઉપર કૌતુકથી નિહાળી રહ્યાં: સૂના રાજમાર્ગ ઉપર એક નિદ્રાહીન ભિખારી ઝોળી ફેરવતો, ‘જાગો! ભિક્ષા આપો!’ એવા સવાલ નાખતો એકલો ચાલ્યો જાય છે. ઓહો! આ તો પ્રભુને દાન દેવાની સુભાગી ઘડી: એ ઘડી કોણ અભાગી ભૂલે? રમણીઓએ મુઠ્ઠીઓ ભરીભરી રત્નો વેર્યાં: કોઈએ કંઠનાં આભૂષણો તોડીતોડી ફેંક્યાં, તો કોઈએ વેણીનાં મોતી ચૂંટી ચૂંટી ધરી દીધાં; લક્ષ્મીના વરસાદ વરસ્યા. વસ્ત્રાભૂષણોથી રાજમાર્ગ છવાઈ ગયો. પરંતુ ભિખ્ખુનો પોકાર તો ચાલુ જ રહ્યો: “ગૌતમ પ્રભુ માટે ભિક્ષા આપો!” તે ચાલ્યો. આભૂષણો અને લક્ષ્મીનાં પૂર વચ્ચે થઈને તે ચાલ્યો. તેનું પાત્ર તો ખાલી જ હતું. ઓ અજબ ભિખ્ખુ! તને શાની ભૂખ રહી છે? તારે શું જોઈએ છે? પ્રભુની શી ઈચ્છા છે? “નગરીનાં ઓ નરનારીઓ! તમારો પ્રભુ મણિમુક્તાનો ભૂખ્યો ન હોય; તમારો પ્રભુ સુંદર વસ્ત્રાભૂષણો ન વાંચ્છે. ફકીરોના પણ એ ફકીરની ભૂખ અનેરી છે, એને તો તમારું સર્વશ્રેષ્ઠ દાન જોઈએ છે.” ચકિત બનેલાં નરનારીઓ નિ:શ્વાસ નાખતાં નિહાળી રહ્યાં. બુદ્ધ પ્રભુનો ભિખ્ખુ ખાલી ઝોળી સાથે નગરનો દરવાજો વટાવી ગયો. નિર્જન અરણ્યમાં પણ જાણે વનચરોને, પશુ-પક્ષીઓને, વૃક્ષને સંભળાવતો હોય તેમ તે પોકારતો જ રહ્યો: ગોતમ પ્રભુને માટે ભિક્ષા આપો! ધોમ મધ્યાહ્ન તપી રહ્યો હતો તે ટાણે આ નિર્જન અરણ્યમાં કોણ બોલ્યું? કોણે ઉત્તર આપ્યો? ત્યાં જુઓ — એક કંગાળ સ્ત્રી ભોંય પર સૂતી છે. એને અંગે નથી આભૂષણ, નથી ઓઢણી; એના દેહ ઉપર એક જ વસ્ત્ર વીંટેલું છે. ક્ષીણ કંઠે એ બોલી: “હે ભિક્ષુ! ઊભા રહેજો. એ દેવના પણ દેવને આ રંક નારીની આટલી ભેટ ધરજો.” એમ કહેતી એ નારી પાસેના ઝાડની ઓથે ભરાઈ ગઈ, અને ઝાડની પાછળ પોતાના આખા દેહને સંતાડી એણે માત્ર હાથ બહાર કાઢ્યો. એ હાથમાં શું હતું! તેના નગ્ન શરીરને ઢાંકનારો પેલો એકનો એક ટુકડો. ફાટેલું વસ્ત્ર એણે ભિખ્ખુની ઝોળીમાં ફગાવ્યું. “જય હો! જગત આખાનો જય હો! મહાભિખ્ખુનું હૃદય આજે ધરાવાનું. આજે ગૌતમનો અવતાર સફળ થયો. જય હો, ઓ જગજ્જનની!” જૂના ને ફાટેલા એ વસ્ત્રને શિર ઉપર ઉઠાવી, બુદ્ધ દેવના ખોળામાં ધરાવવા માટે ભિખ્ખુ ચાલ્યો ગયો.