મેઘાણીની સમગ્ર નવલિકા 2/કાનજી શેઠનું કાંધું

કાનજી શેઠનું કાંધું

“ભાઈ પબા!” “કાં, મા?” પરબત પટેલ ગાડું જોડતો હતો. “મને તો ઝાંખુંઝાખું એવું ઓસાણ છે, કે આપણે કાનજી શેઠનાં તમામ કાંધાં ભરી દીધાં છે: એકેય બાકી નથી.” “હે...હે...હે ખૂંટિયો!” પરબત એના બે બળદ માંહેલા ખૂંટિયાને ફોસલાવતો હતો. ખૂંટિયો ધોંસરું લેતો નથી. એનું કાંધ પાકીને ઘારું પડ્યું છે. ખૂંટિયો ખસીને દૂર ઊભો રહે છે. પરબત એક હાથે ધોંસરેથી ગાડું ઊંચું રાખીને બીજે હાથે ખૂંટિયા તરફની રાશ ખેંચે છે. ગોધલો તો બાપડો શાંત ઊભો છે. “જો, માડી!” ડોશી નજીક આવ્યાં. એની આંખે મોતિયો આવેલ છે, એટલે પરબતની ઉપાધિ એ દેખતાં નથી. એણે તો પોતાનું જ પ્રકરણ ચલાવ્યું: “જાણે...જો: પે’લુ કાંધું આપણે કઈ સાલમાં ભર્યું? પરારની સાલમાં. શીતળાના વામાં, જો ને, આપણો ગોધલ્યો મરી ગયો, એટલે વહુની હીરાકંઠી વેચીને રૂ. ૧૮૦નો આ ખૂંટિયો લીધો, ને રૂ. ૧૦૦ ભર્યા કાંધાના. બીજું—” “ઓય... કમજાત! અરરર!” એવો અવાજ કાઢતો પરબત બેવડ વળી ગયો. ખૂંટિયે એના પેડુમાં પાટુ મારી હતી. “રાંડ વાંઝણીના!” પેડુ દબાવીને પરબત ઊભો થયો. “એમ તને પંપાળ્યો પાલવશે? એમ પાણી પાયા વિનાનો રઝકો બળી જાવા દેશે! ઊભો રે’, તારા લાડ ઉતારું.” એમ કહી પરબતે દાઝમાં ને દાઝમાં ખૂંટિયાના દેહ ઉપર પાંચ પરોણા ખેંચી કાઢ્યા. પશુની આંખોમાંથી આંસુની ધાર પડી ગઈ. વળી પાછાં પરબતની માએ, શું થઈ રહેલ છે તે દીઠા વિના, આંધળી આંખો અંતરિક્ષમાં મટમટાવતાં અને ટચલી આંગળીનાં બીજા આંકા પર અંગૂઠો માંડીને કહ્યું: “બીજું કાંધું આપણે ભર્યું શેરડીનો વાઢ કર્યો’તો ત્યારે. જો ને: કાનજી શેઠ વાડે ચાર દિ’ રોકાણા, ને સંધોય ગળ જોખીને કાંધા પેટે ઉપાડી ગયા. જો ને: આપણે ઘરનાં છોકરાં સાટુય મણ ગળ નો’તો રાખ્યો; મેં રાખવાનું કહ્યું ત્યાં કાનો શેઠ કોચવાણા’તા: સાંભરે છે ને?” આ દરમ્યાન પરબતે પરોણાના પ્રહારથી ટાઢાબોળ થઈ ગયેલા ખૂંટિયાને ધોંસરામાં ઝકડી લીધો હતો, અને એના કાંધા ઉપરના લદબદ થતા ઘારામાં ધોંસરું રાંતુંચોળ રંગાઈ ગયું હતું. માથે બાંધેલા ફાળિયાનો કટકો દુ:ખતા પેડુ ઉપર કસકસાવીને ટપકતે પરસેવે પરબતે ગાડું ડેલા-બહાર લીધું. હજુ જ્યાં સુધી પેડુમાં પીડા છે ત્યાં સુધી એ પશુ ઉપરથી એની દાઝ ઊતરી નથી; એટલે પૂંછડાના કટકા થઈ જાય એટલા જોરથી એણે ખૂંટિયાનું પૂછ ઉમેળ્યું. ડોશીએ પોતાનું વાળ વગરનું માથું ખજવાળતાં ખજવાળતાં પોતાની પારાયણ ચલાવી: “પબા, તું જાછ, માડી? થોડી વાર ઊભો તો રે’.” એ વખતે ડોશીનો અંગૂઠો ટચલી આંગળીના ત્રીજા આંકા ઉપર હતો. “અને ત્રીજું કાંધું આપણે ઓલ્યા નાગડા બાવાઓની જમાત આવેલ તયેં ભર્યું. જો ને: બાવાઓને માલપૂડાની રસોઈ જમાડવી’તી... લાગો ભરવો’તો... ઉઘરાણું થયું, એમાં ભરવા આપણી પાસે કાંઈ નો’તું... તુંને બાવાઓએ મારીમારીને આખો દિ’ તડકે બેસાડી રાખ્યો’તો. ને પછી, જો ને, આપણે આપણી ઓતીને ઓલ્યા અરજણ પબાણી વેરે નાતરે દઈ રૂપિયા બસો જોગવ્યા. એમાંથી કાના શેઠનેય કાંધું ભર્યું. મને બરોબર સાંભરે છે: ઓતડી તે દિ’ રોતી’તી — નહિ? એને નાતરે નો’તું જાવું: સાંભરે છે? એટલે પછી આપણે એને મારીને ગાડે નાખી’તી.” પરબત પટેલ રાશ તાણીને ગાડું રોકી સાંભળી રહ્યા. એણે કહ્યું: “માડી! મારું હૈયું તો ફૂટી ગયું છે: મને કાંઈ નો સાંભરે. હું તો એટલું જાણું કે કાનો શેઠ ખોટું નો કરે. ઈ દિ’માં બે વાર સમાક્ય કરીને બેસનારો ભગતીવંત શ્રાવક પુરુષ છે. એને વેણે તો સૂકાં ઝાડ લીલાં થાય છે. એનો ચોપડો વરસોવરસ પૂંજાય છે. ઈ ચોપડો બોલે તે સાચું. મને તમે મૂંઝવો મા! મારે વાડીએ રઝકો સૂકાય છે.” એ જ વખતે પોતાની છલકાતી કેડ્ય ઉપર ત્રણસરો કંદોરો શોભાવતા કાનજી શેઠ ખંભે ખેસ અને બગલમાં ખેડૂતના લાલચોલ લોહી જેવો ચળકતો રાતો ચોપડો દબાવીને હાજર થાય છે. એણે બળદની નાથ ઝાલીને પૂછ્યું: “કાં પબા! આ ચોખ્ખું કરીને પછે જ જા ને, બાપ!” “કાનાકાકા! મારે વાડીનું પીત સુકાય છે. કાલ્ય ગ્યો’તો વેઠે, એટલે નહિ જાઉં તો રઝકો બળી જાશે. ને બપોરે વાડીમાં પાણી નહિ રે’: હરજી વડોદો સંધુંય પાણી એના મોલને પાઈ દેશે. તમે મારી મા હારે નક્કી કરી નાખો; જે કરો તે મારે કબૂલ છે.” એ ઘડીએ કાનજી શેઠની નજર ખૂંટિયાના કાંધ ઉપર પડી. એણે મોં આડો ખેશ દીધો. થૂક્યું. કહ્યું: “પબા! એલા, દયાનો છાંટો તો રાખ્ય! આ ધંધા! આ ખૂંટિયાને કાંધે ધોંસરું! આ ગામમાં કોઈ મા’જન મૂવું છે? કે હાંઉં, બસ, વાણિયાઓનું આથમી ગયું? આ રાક્ષસનો દંડ કોઈ કાં નથી કરતા?” પરબત ઝંખવાયો. “એ પલીત!” કાનજીએ દયાથી ઘવાયેલ દિલે કહ્યું: “આના કાંધ માથે થોડું ઘાસલેટ તો રેડ્ય!” “હા, કાનજીકાકો સાચું કહે છે. ધરમી જીવ છે.” એમ કહી ડોશીએ સાદ પાડ્યો: “એ વઉ! આપણા દીવામાંથી ઘાસલેટ કાઢીને લાવજો.” વહુ લાજ કાઢીને આવી ઊભી રહી; બોલી: “ઘાસલેટનો છાંટોય ક્યાં છે ઘરમાં? રઝકાનો ભારો જૂઠા શેઠને ઘેર નાખી આવીશ, તઈં દેશે ને! ઉધાર ક્યાં આપે છે?” “ખોટાં! નખશિખ ખોટાં કણબાં! ઘરમાં ઘાસલેટ ન હોય એવું બને? પણ જીવમાં દયા જેવી જાત્ય જ નહિ ને! લટૂડાના મા’જનને કહીને આંહીં આ પાપિયાઓ ઉપર કડક દેખરેખ રખાવ્યા વિના છૂટકો જ નથી.” એમ બબડતા કાનજી શેઠ પરબતની ડેલીમાં પ્રવેશ્યા. ઘરમાં ક્યાં ક્યાં કોઠીઓ છે, વહુના હાથમાં કે ગળામાં શો શો દાગીનો છે એ બધું ટીકીટીકીને જોઈ લીધું. પછી વાત ચલાવી: “કાં, પૂતળીડોશી! ચોથા કાંધાનું હવે શું કરવું છે?” “માડી, કાનાભાઈ! મને તો એમ ઓસાણ છે કે ચારેય કાંધાં ભરાઈ ગયાં છે.” “માડી, તમારું ઓસાણ સાચું? કે વેપારીનો ચોપડો સાચો?” “સાચો તો વેપારીનો ચોપડો, માડી!” ડોશી ડરતાં ડરતાં બોલ્યાં: “ને મારું તો હવે હૈયુંય ફૂટી ગયું છે, ભાઈ! પણ મને વે’મ છે. જુઓ ને, કાનાબાઈ: એક કાંધું જાણે કે શીતળાના રોગચાળામાં...” એમ કરીને ડોશીએ આંગળીના વેઢા ગણતાં ચારેય કાંધાની કથા માંડી. “હેં-હેં-હેં-હેં...!” કાનજી શેઠ હસી પડ્યા: “માડી! સાઠ્ય પૂરાં થયાંને તમને?” “હા, માડી!” એ વેણમાં રહેલો કટાક્ષ ન સમજેલી ગભરુ ડોશીએ કહ્યું: “સાઠને માથે સાત થયાં. આંખે અંધાપો આવી ગયો, બાપ! પબાનો બાપ જેલમાં જ પાછા થયા ખરા ને, એટલે રોઈ રોઈને મારી આંખ્યું ગઈ, કાનાભાઈ! પબાના બાપને માથે તર્કટ—” ડોશી પોતાની પારાયણ આદરશે એ બીકે કાનજી શેઠે ચોપડો ઉઘાડીને ત્રણ ભરાયેલાં કાંધાં વાંચી બતાવ્યાં. પરબતના બાપની વાત સંભારતાં આંસુ પડવાથી પોતાના મોઢાની ઊંડી કરચલીઓ ભરાઈ ગઈ હતી, તે સાડલાને છેડે લૂછી નાખીને પબાની મા હરખથી ઊછળ્યાં: “ને, માડી, એની ફારગતી પણ તમારી સહીવાળી તમે લખી દીધી’તી. હંઅં! મને સાંભર્યું, સાંભર્યું. વાહ! મારો વાલોજી મારે હૈયે આવ્યા, આવ્યા! વાહ ગરુડગામી! વાહ દીનદયાળ!” “કાં કાં! શું થયું, ડોશી?” “તમારી ફારગતી મેં સાચવી રાખી છે.” “એ બરોબર; ફારગતી લખી દીધી હોય તો હાંઉ — મારે કાનની બૂટ ઝાલવાની, કાઢો ફારગતી...” “રો’ રો’, હું હૈયે આણું છું... એ હા! આવ્યું. આવ્યું... એ વઉ! તારી તેલની કાંધીની હેઠળ મેં ઈ ફારગતીની સીઠી દબાવી’તી.” ડોશી હાંફળી હાંફળી ઊઠી; દોડી. ઘરના છાપરામાં લટકાવેલ શીંકા ઉપર રજે ભરેલું એક ડબલું પડેલું, તેની અંદર તેલનો શીશો મૂક્યો છે, વહુએ એ નીચે ઉતાર્યું; અંદર કેટલીક ચીંથરીઓ ને ગાભાઓ ખોસેલાં. આંધળી ડોશીની આંગણીએ આંગળીએ જાણે અકેક દીવો પેટાયો હોય તેમ એ ચિઠ્ઠી ગોતવા લાગી. છતાં કાનજીને કશીયે અકળામણ નહોતી. આખરે ડોશીએ, દરિયામાં ડૂબનાર જેમ લાકડું પકડે, તેમ કાગળિયો પકડ્યો. “આ રહી ફારગતી: લ્યો, માડી! હાશ! હું સીતેર વરસની ડોશી ખોટી ઠરત, મારા પરભુ!” કાનજી જરાક ઠરી ગયો: “જોઉં! લાવો તો, માડી; મારો કોઈ વાણોતર તો ઉચાપત નથી કરી ગયો ને?” એ જ વખતે ફળીમાંથી અવાજ આવ્યો: “લક્ષ્મી પ્રસન્ન!” અને ફળીમાં એક પહોળા ગળામાંથી મોટો બળખો પડ્યો. “લ્યો, આ વાસુદેવ વ્યાસજી આવ્યા. વ્યાસજી સાક્ષી: એની સાક્ષીએ ફારગતી વાંચી લે, બાપ કાનજી!” “શું છે, પૂતળીમા! વાસુદેવ વ્યાસે કાનજી શેઠના કપાળે કંકુનો ચાંદલો કરતાં કરતાં પૂછ્યું: “માડી વ્યાસજી! તમે આ કાગળ વાંચી જોવો: આ કાના શેઠની ફારગતી છે કે નહિ?” વાસુદેવ વ્યાસ આજ વીસ વરસથી દરરોજ સવારે પૂતળી ડોશીના ઘેરેથી અરધી અરધી તાંબડી કણિક લઈ જાય છે. ઘરમાં ખાવા ન રહે ત્યારે પણ શંકરના આ સેવકની ઝોળી કણબણે પાછી નહોતી વાળી. પબાના બાપા જેલમાં મરી ગયા, તેની પાછળ ડોશીએ વ્યાસજી પાસે ગરુડ-પુરાણ વંચાવીને રૂ. ૨૦૦-૩૦૦ જેટલો માલ આપેલો. ઘણી વાર પબાને વ્યાસજીએ કહેલું પણ ખરું કે “તારા પડખાની વાડીવાળો હરજી વડોદો છ મહિને ફાટી પડે એવા મારણ-જાપ કરવા હું બેસી જાઉં — તું જો ખરચ કરી શકે તો!” આમ વ્યાસજીને આ ઘર સાથે ઘાટો વહેવાર હતો. પૂતળી ડોશીને ખાતરી હતી કે, વ્યાસજી તો સોળવલું સોનું છે. કાનજીએ વ્યાસજીને મારેલ મિચકારા એળે ન ગયા. વ્યાસજીએ કહ્યું: “ના ના, માડી, આ તો વેઠના વારાની ચિઠ્ઠી છે!” “અરેરે માડી! એમ થયું? તયેં ઇ ફારગતી ક્યાં મૂકાઈ ગઈ હશે? આ તો હું સીતેર વરસની ડોશી ખોટી પડી ને!” “ત્યારે હવે ચોથા કાંધાનું કેમ કરશું, પૂતળીમા!” કાનજી મુદ્દાની વાત પર આવી ગયો. “ઈ ચિઠ્ઠી પાછી લાવજો, ભાઈ!” “ચિઠ્ઠી! મેં તમને પાછી આપી ને! તપાસો તમારાં લૂગડાં.... મારી પાસે નથી...” એકાએક પરબતની વહુ લાજના ઘૂમટામાંથી કળકળી ઊઠી: “એ ફૂઈ! એ... ચિઠ્ઠી કાનાભાઈના મોઢામાં રહી! એ... ચાવી જાય! લે! લે! કાનાભાઈ! આ ધંધા!” પૂતળી ડોશી સજ્જડ થઈ ગયાં: “ચિઠ્ઠી કાનજીભાઈ ચાવી ગયો? કાનજી દામજીનું ખોરડું ઊતરી ગયું? વ્યાસજી! શંકર આવું સાંખી લ્યે છે?” “ડોશી! ઝાઝી વાતનાં ગાડાં ભરાય. ને હવે ચીંથરાં ફાડો મા: ચોથું કાંધું ભરી દ્યો; મારે ખોટીપો થાય છે.” સાંજે પરબત વાડી પાઈને પાછો આવ્યો. રાતે ને રાતે કાનજી શેઠ એનો ગોરીઓ ગોધલો કાંધા પેટે છોડાવી ગયા. બીજે દિવસે સવારે પરબત જ્યારે પહોર-દિ’ ચડ્યે જાગ્યો, ત્યારે ગમાણમાં એકલા-અટૂલા બેઠેલા બંધુહીન ખૂંટિયાનું કાંધ બે કાગડા ઠોલી રહ્યા હતા.