મેઘાણીની સમગ્ર નવલિકા 2/ચાંદી

ચાંદી

અમે આઠેય મુસાફરો સેકન્ડ ક્લાસના ડબામાં ગોઠવાઈ ગયા હતા. અમારામાંના એક દેશી ખ્રિસ્તી જુવાન હતા તેણે પોતાનું બિસ્તર ઉખેળીને ચીવટથી આખી બેઠક ઉપર પથારી કરી નાખી હતી. પટા સીધા ગોઠવ્યા. તેના પર એક પણ કરચલી રહેવા દીધા વગર રજાઈ, ચાદર ને HAPPY DREAMS (સુખમય સ્વપ્નો) એવા અક્ષરોથી ભરેલું આકોલિયાના રૂનું મુલાયમ બાલોશિયું માંડ્યું. “હવે કેટલી વાર છે ગાડી ઊપડવાને? નવ ને વીસ તો થઈ ગઈ.” એક બીજા બૂટ-સૂટધારી સુઘડ મુસાફરે કાંડા-ઘડિયાળમાં જાણે પોતાનું પ્રારબ્ધ જોતો હોય એટલી તીવ્ર દૃષ્ટિ કરીને દુભાતે અવાજે કહ્યું. “હવે કશો ડર ન રાખશો.” ત્રીજાએ ઉપલી બેઠક પરથી જણાવ્યું. “કેમ?” “પોરબંદરની ગાડીનું ઢસા સ્ટેશને મિસકનેક્શન થયું છે એટલે એનાં કોઈ પૅસેન્જરોનો ધસારો થવાનો હવે સંભવ નથી.” અમે સૌએ મોટી રાહત અનુભવી. “એ તો બહુ જ સારું થયું. નહિતર કમબખ્તી બોલી જાત આપણી,” એમ પણ એ બૂટ-સૂટધારીએ સિગારેટ પીતાં પીતાં કહ્યું. એની સિગારેટના એન્જિન કાઢતું હોય એટલા ધુમાડા મારા તરફ આવતા હોવા છતાં, હું આજ સુધીનો થર્ડ ક્લાસિયો માંડ માંડ હવે સેકન્ડ ક્લાસની બઢતી પામ્યો હોવાથી બેઅદબી થઈ જવાની બીકે બોલી શક્યો નહિ. અમારામાંના ઘણાખરાને છેક વીરમગામ સુધીની રાત ખેંચવાની હતી એટલે પોરબંદરની ટ્રેનનાં સેંકડો ઉતારુઓ ઢસામાં રાતભરને માટે રઝળી પડ્યાં એ મોટી પ્રભુકૃપા લાગી. જેમણે જેમણે નવી ભરતી આવવાની બીકે બેઠકો પર પોતાનો સરસામાન મૂકી રાખ્યો હતો તેમને પણ નિરાંત વળી એટલે બૅગો, થેલીઓ, ફ્રૂટના કરંડિયા, ટિફિનના ડબા ઇત્યાદિ ટપોટપ નીચે ઊતરી પડ્યાં. પ્લૅટફૉર્મ પર વરસાદની આછી ઝરમર આવતી હતી તેણે પેટ્રોમેક્સની માંદલી જેવી બત્તીને પણ ઝાંખી કરી નાખી હતી. અમે પણ જીવાતનાં ટોળાં વળતાં હોવાથી એક સિવાયની બીજી બધી બત્તીઓ બંધ જ રાખીને બેઠા હતા. વારે વારે અમારાં હલનચલનમાં, સંડાસ જવા-આવવામાં, બારીઓ ઉઘાડવા-બીડવામાં, ધૂડ જેવી વાતમાં પણ ‘એક્સક્યુઝ મી’ (માફ કરજો!) અને તેના જવાબ રૂપે ‘નેવર માઇન્ડ’ (કંઈ નહિ! કંઈ નહિ!) એવા વિવેક-શબ્દોની ફેંકાફેંકી ચાલી રહી હતી. અને બેઉ બાજુના ત્રીજા વર્ગના ડબાઓને બારણેબારણે બોલી રહેલી અસભ્ય ટપાટપી એ કોઈ દરિયાપારની દુનિયામાંથી આવતા ભણકારા જેવી અમને લાગતી હતી. મતલબ કે અમે ગોઠવાઈ ગયા હતા. ગાડી ઊપડવા આડે પાંચ જ મિનિટ બાકી રહી હોવાના ડંકા પડ્યા ત્યારે અમારામાંના એકે ‘હા...શ!’ ઉચ્ચાર્યું. અને બીજાએ એની મીમાંસા કરતાં કહ્યું: “આજકાલ કાળાં બજારોમાંથી સેકન્ડક્લાસિયાઓનો રાફડો ઊભરાયો છે.” બરાબર એ જ વખતે હું મારી પાસેની બારી પર પડતો વરસાદ રોકવા બારી ઊંચેનીચે કરતો હતો, પણ એક કાચની ને બીજી લાકડાની એમાં કઈ કેમ ઊઘડે ને બિડાય તેની મને ગમ પડતી નહોતી. એથી એ ટકોરનું નિશાન હું જ હોઉં એમ મને લાગતાં હું વધુ મૂંઝાતો હતો. મારા અણઘડવેડાને ઢાંકવામાં મારી હીરાજડિત વીંટીવાળી આંગળીઓ સફળ થતી નહોતી. એક ભાઈ લહેકાથી બોલ્યા: “અરે સાસરાવને તાજા બનેલા શાવકારોને ન આવડે પંખાની ચાંપ દાબતાં, ન સૂઝ પડે સંડાસ વાપરવાની; આંહીંને બદલે ત્યાં બેસી બગાડે, — એમાંય મારા સાસરાવ પોટલાં જેવી બૈરીઓને લઈને ચડે, છોકરાંની વેજા, .... મારા હાળા નવા સેકન્ડક્લાસિયાઓનું ભલું પૂછવું.” “આપ ક્યાંના છો?” “હું રાજકોટનો છું. શિખંડસમ્રાટ બરફીવાલાનું નામ તો તમે સાંભળ્યું હશે; એ જ હું પોતે. દસ મણ સામટું શિખંડ પણ ઑર્ડર આપો કે બે કલાકમાં અમે પૂરું પાડીએ છીએ.” એથી વધુ એ ભાઈ બોલે તે પહેલાં તો એક ગાર્ડ, એક સાંધાવાળો, બે હમાલ અને ત્રણેક ઉતારુઓની ફોજનો અમારા બારણા પર ધસારો થયો. ગાર્ડના હાથમાં અધ્ધર રાતા રંગનો દીવો બતાવતું, એન્જિન તરફ ધરી રાખેલું ફાનસ હતું, ને એ આ નવી ટુકડીને અંદર ધકેલતો હતો. અમારી ગોઠવણ વીંખાઈ ગઈ, ને અમે ચુપ બન્યા. પેલા શિખંડસમ્રાટે કહ્યું: “પણ અહીં ક્યાં જગ્યા છે!” “તો ફર્સ્ટ ક્લાસમાં જાઓ, મિસ્તર!” એમ કહેતાં ગાર્ડે પેલાં પ્રવાસીઓને કહ્યું: “જુઓ છો શું? જલદી ચડો. ગાડી સ્ટાર્ટ કરું છું.” બે હમાલોના હાથથી ઊંચકાયેલો એક બીમાર બુઢ્ઢો પ્રથમ અંદર ધકેલાયો, ને એની પાછળ અરધી બારણામાં જ ઊભેલી એક બાઈનો અવાજ સંભળાયો: “એ ભાઈ મજૂર! બાપુ, જરા હળવે હળવે, સાચવીને એને બેસાર!” એ બુઢ્ઢો જો એકલો જ હોત તો અમારું વર્તન કેવું રૂપ ધરત તે હું બીજાઓની બાબતમાં કહી નથી શકતો, પણ મારે મારી બાબતમાં તો પેટછૂટું કહેવું જોઈએ — ને આ વાર્તા છે, વાર્તાના પાત્ર તરીકે હું આમ કહેવામાં કશી જહેમત વહોરતો નથી માટે તો શા સારુ એકાદ વાર પેટછૂટી વાત ન કરું? — કે મારા મોંમાંથી ‘ઓહો, કોઈ બાપડા માંદા લાગે છે’ એવો ઉદ્ગાર નીકળ્યો અને મેં એ બીમારને ઊંચકવામાં મદદ કરી તે બધી મારી કરુણાનો પ્રેરક પેલો નારી-સ્વર જ હતો. મારા જ મનોભાવમાં ભાગીદાર બનતો હોય તેમ પેલો ખ્રિસ્તી યુવાન પણ અંગ્રેજીમાં બોલી ઊઠ્યો કે ‘પાડ પ્રભુનો! આપણા ખાનામાં કોઈ નારી નહોતી. તેની ઓછપ પ્રભુને સાલી હશે. આવો કાકા, બેસો અહીં’ એમ કહેતાં કહેતાં એણે પોતાના બિસ્તર પરની જ જગ્યા એ બીમારને ખાલી કરી આપી. ગાડી તો આટલી વારમાં સુસવાટ કરતી વેગે ચડી ગઈ હતી અને ડબાના હલબલાટથી એક વાર તો એક બેઠક પર પટકાઈ પડવામાંથી માંડ બચી ગયેલી એ સ્ત્રી ડબાની વચ્ચે એનાં મેલાં ગોદડાં ને મેલી ચાદર તળિયા પર પાથરવા લાગી. એક યુવાન એને સામી બાજુએથી મદદ કરતો હતો. અને એ સ્ત્રીના ચહેરા પર ચોંટેલી અમારી સર્વની આંખોની કમિટી એક પણ ‘માઇનૉરિટી નોટ’ વગર સર્વાનુમતિથી પોતાનો અહેવાલ એ ચહેરા પર લખી રહી હતી, કે ‘આ સ્ત્રી એક વાર અદ્ભુત રૂપાળી હોવી જોઈએ. આજે એની આંખોની નીચે કાળાં કૂંડાળાં પડ્યાં છે, એનું શરીર ક્ષીણતા દાખવે છે, પણ એના માથા પર ભરપૂર પૂરા કાળાભમર કેશ છે, પાછળનો અંબોડો પણ કહે છે કે આ કેશને એ જ્યારે માથાબોળ સ્નાન કરવા માટે અગર તો સ્નાન કરીને પછી છૂટા મૂકતી હશે ત્યારે એ ઘૂંટણથી નીચે તો નક્કી ઢળકતા હશે’. અમારી નેત્ર-કલમોના ગોદા કેમ જાણે એના કપાળમાં વાગી રહ્યા હોય એમ એણે અરધે માથે સરકી ગયેલો પાલવ ખેંચીને પોણા કપાળ સુધી નીચે ઉતારી લીધો. અને બુઢ્ઢા જણાતા બીમારને ભોંયતળિયાના બિછાના પર સુવારી, એક પર બીજું ઓઢાડી, ઓઢણની ચારેય બાજુની કોર સરખી દબાવી પોતે એના પગ પાસે બેસી ગઈ. સાથેનો યુવાન હજુ ઊભો ઊભો કહેતો હતો: “વેળાસર ઠેકાણે પડ્યાં, હો કાકી!” અમારામાંનું કોઈ હજુ આ બે જણમાંથી એકેયને માટે બેઠક પર જગ્યા ખાલી કરી આપવા સળવળતું નહોતું. હું ઉત્સુક હતો — પણ પેલા જુવાનનો સમાવેશ ક્યાંઈક થઈ જવાની રાહ જોતો હતો. પણ કોને ખબર, મારા જેવી જ રાહ પેલા રાજકોટવાળા શિખંડસમ્રાટ પણ જોતા નહિ હોય! માણસ એકબીજાના મનોવ્યાપાર જાણી શકતો હોત તો કેટલાય ગૂંચવાડાના ત્વરિત ફેંસલા આવી જતા હોત કે ગૂંચવાડા વધી પડત તે વિષય પર હું, એક ઘીના ધંધામાં પડેલો તાજેતરનો વેપારી, શું વિચાર ચલાવી શકું? મારે બી.એ.માં પહોંચીને તો સાઈકૉલૉજી (એટલે કે મનોવિજ્ઞાનશાસ્ત્ર)નો જ વિષય લેવો હતો, પણ મામાની મહેરબાનીથી હું ઘીની મૉનોપોલી કંપનીનો પેટા-વેપારી બની ગયો હતો. સૌ ભાઈઓની કૃપાથી મારે આજકાલ સારું છે. “કેમ છે? સારું છે ને?” મારા જ મનના શબ્દો પકડીને પેલી સ્ત્રીએ પથારી પર નીચું મોં નમાવીને બે ગોદડાંના પડ દ્વારા પેસારવા જેટલા જોરથી અવાજ કર્યો. એ અવાજ એટલો મીઠો હતો કે હવે અમારી આંખોની સાથે કાનની પણ સબ-કમિટી એ અવાજ પર અહેવાલ લખવા બેસી ગઈ. ગોદડાં નીચેથી કશોક જવાબ આવ્યો, અને આ સ્ત્રીએ પોતાને કાકી કહેનાર જુવાન તરફ જોયું. બીમારને બેઉએ બેઠો કર્યો. અને એમ કરતી વેળા ફરી પાછું સ્ત્રીએ પેલા હમાલોને કહ્યું હતું તેમ જ કહ્યું: “એ.... હળવેથી, હો ભાઈ! જાળવીને.” “લ્યો બત્તી કરી દઉં, કાકા.” એમ કહી એ જુવાન સંડાસના દીવાની ચાંપ ગોતવા લાગ્યો. પણ એને એ જડી નહિ. પેલા ખ્રિસ્તીએ એને મદદ કરી; ને રાજકોટના શિખંડસમ્રાટ મારી બાજુમાંથી હળવા અવાજે બોલ્યા: “મારા સાસરાવ નવા સેકન્ડક્લાસિયા!” કાકા અને કાકી એવા જે બે શબ્દો પેલા જુવાને આ બીમાર અને સ્ત્રી માટે વાપર્યાં તેણે અમારી આટલી વારની ભ્રમણા ભાંગી નાખી. આ તો પતિ-પત્ની નીકળ્યાં! અમારી આઠેય ઉતારુઓની આંખો આપસઆપસમાં સંતલસ કરવા લાગી પડી. ને હું તો આ વાર્તાના પાત્ર તરીકે પેટમાં પાપ સંઘરવાની જરૂર જોતો નથી તેથી કહું છું કે મને આ જુવાન સ્ત્રીની આ બુઢ્ઢા માણસ માટેની આળપંપાળ જરા પણ ગમી કે સમજાઈ નહિ. કારણ કે કજોડાં મેં અગાઉ જોયાં હતાં. બુઢ્ઢા ધણીઓની જોડે મુસાફરી કરતી જુવાન સ્ત્રીઓના છણકાનો હું, મામાની કૃપાથી છેલ્લો જ્યારથી સેકન્ડક્લાસિયો બન્યો ત્યારથી, બે વરસનો પ્રત્યક્ષ સાક્ષી છું. તેમનાં ઝલકાતાં જોબન, આભૂષણે ભાંગી પડતાં વૈશાખી આંબાડાળો-શાં અંગો, વર દાંતનું માળખું ઉતારીને બે ઘડી જડબાંને આરામ પણ ન આપી શકે તેવી એમની તકેદારી, ‘આવતે સ્ટેશનેથી ઊનાં ભજિયાં લઈ દેવાં પડશે હો!’ એવી માગણી, પ્રભાતને પહોર પાલગ સ્ટેશને પતિ દૂધનો કપ પીવા લાગે કે તુરત જ ‘ઓલી દવાની ગોળી તો લીધી નૈ!’ એવા શબ્દે ઠપકો, અને હું જોઉં છું એવા સ્પષ્ટ ભાન સાથે પતિના માથાની ટાલ પર હેતની ટાપલી, પતિની સામે બીડી બાકસ કાઢીને ધરવાની મસ્તીભરી માવજત અને ‘મને મૂકીને એકલા દિલ્લી નહિ જ જવાય’ એવી ધમકી, ને આ બધાં હેતવર્ષણોની વચ્ચે મારી સામે ક્વચિત્ ક્વચિત્ ઉલાળી લેવાતો નીચલો હોઠ — એવા અનુભવના મારા ઢગલામાં આ વખતે કશો ઉમેરો થતો નહોતો. બીમાર સંડાસમાં ગયા પછી, થોડી જ વારમાં પ્રથમ તો પેલા ખ્રિસ્તી ભાઈ ઊંચાનીચા થવા લાગ્યા; પછી હું, પછી શિખંડસમ્રાટ, ને પછી બીજા સર્વે. દોડતી ગાડીમાં આ દુર્ગંધ શાની? અરે, પણ આ બદબો વધી કેમ રહી છે! બારીઓ ઊઘડવા લાગી. પવનના સુસવાટા અંદર પ્રવેશ્યા. પણ નાક બધાંનાં અકળાતાં કેમ અટકતાં નથી? સંડાસ તો આ પહેલાં બે-ત્રણ વાર ઊઘડ્યું ને બિડાયું હતું. આવી બદબો ત્યારે તો નહોતી આવી, ત્યારે આ શું થયું? “હેલ? ઓહ! વ્હૉટ એ હેલ ઑફ સ્ટીંકીંગ!” [નરકની જ બદબો!] ખ્રિસ્તી ભાઈબંધ ક્યાંય રહી શકતો નહોતો. અમે સૌ બેચેન હતા. બીડીઓ પીનારાને એમની ધૂમ્ર-સોરંભ બચાવી શકતી નહોતી. અને શિખંડસમ્રાટે ભોજન માટે ઉઘાડેલા ટિફિન-બાકસનાં ખાનાં એ ઝટપટ પાછાં બંધ કરી દેવા લાગ્યાં હતા. અમારાં પોતાનાં કપડાં પણ ગંધાઈ ગયાં લાગ્યાં. મેં મારો અત્તર છાંટેલ રેશમી રૂમાલ બહાર કાઢીને નાકે ધર્યો. મામાની કૃપાથી આ ઘીની મૉનોપોલીએ મારા તાજા દાંપત્ય-સંસારને અત્તરે મહેકાવી દીધો છે; પણ હું મૂર્ખો, આગલાં વર્ષોના સુગંધહીન જીવનની પકડમાંથી હજુ છૂટી શક્યો નહોતો તેથી પત્નીએ આજે સાંજે જ અત્તર છાંટેલો રૂમાલ ગજવામાં મૂકી આપેલો તેનું સ્મરણ મોડે મોડે મનમાં ઊગ્યું. છતાં, ખરું કહું છું કે અત્તરમાં પણ કંઈક ભયાનક ભેળ થયો હોય તેટલે સુધીની શંકા આ ડબામાં ઘૂમરાઈ રહેલી બદબોએ મારા મનમાં જન્માવી. પણ આ સ્ત્રી કેમ સંડાસના બારણા પર ઊભી ઊભી આ બદબોનો કશો અનુભવ સુધ્ધાં કરતી નથી? એ કેમ અકળાતી નથી? એ તો નાકે સાડલાનો છેડો નથી ધરતી! એ શા કારણે નીચું જોઈ ગઈ છે? આ અમારી સૌની ગૂંગળામણને માટે એ શીદ લજ્જિત બની ગઈ? આમાં એની કશી જવાબદારી હશે શું? સારી વાર થઈ. સંડાસનું બાર ઊઘડ્યું, ઊઘડવાની સાથે તો અસહ્ય દુર્ગંધનો એક પ્રચંડ ઝપાટો અમારાં નાક પર તમાચા લગાવી રહ્યો. સંડાસ બિડાયું, છતાં બદબો શમી નહિ. બદબો તો ડબામાં ચક્કર લગાવી રહી છે, ઘૂમરાય છે, નૃત્ય કરે છે, ચુડેલની જેમ અમને ચોંટી પડે છે, અને એ સ્થિતિની વચ્ચે નિર્લેપ જેવી, આ નરકવાસ લાંબા કાળના અનુભવથી જેને કોઠે પડી ગયો હોય તેવી કોઈ મહેતરાણી જેવી એ નારી, જેવી હતી તેવી જ સ્વસ્થ રહીને, ફરી વાર ‘કાકા’ને સુવાડતી હતી, ઓઢાડતી હતી, ને ઓશીકે નમી ‘કંઈ જોઈએ?’ એવું પૂછતી હતી. વસ્ત્રો એનાં સુઘડ હતાં. વસ્ત્રવિધાન કલાયુક્ત કહી શકાય તેવું કાળજીભર્યું હતું. ઓળેલ વાળની વચ્ચે, માનવીની નજરને દોટ કાઢવી ગમે તેવો અકબંધ સીધો સેંથો હતો. કંકુને ચાંદલે મઢેલું કપાળ અજવાળી રાત સમું હતું. સોનાની ચીપે મઢ્યાં કસુંબલ કંકણ, કાંડાં સાથેની ભાઈબંધીને, થોડાંક વેગળાં વિખૂટાં પડી ગયા છતાં પણ હજુ સાચવી શોભાવી રહ્યાં હતાં. હાથ પરનાં છૂંદણાં, રાતુંચોળ લોહી ચાલ્યું ગયું હતું તેમ છતાં, પોતાની નીલપનો ચમકાટ સાવ ગુમાવી બેઠાં નહોતાં. આવી સ્ત્રીને બદબો કેમ નથી કનડતી? બેએક વધુ સ્ટેશનો વટી ગયાં, બાદ હવામાં પાછો શુદ્ધ પ્રાણવાયુ આવતો થયો, અને પેલા ભત્રીજા જુવાનને અમારા શિખંડસમ્રાટે કહ્યું કે ‘એમને અહીં ઉપર બેસાડોને!’ મેં પણ તરત મારી ને શિખંડસમ્રાટ વચ્ચેની જગ્યા ખાલી કરી આપી તૈયાર રાખી. યુવકે ‘કાકી! ઉપર બેસો’, એમ કહ્યું પણ ખરું; પણ કાકીએ અમને નિરાશ કર્યાં. ભત્રીજાને કહ્યું કે “મને અહીં જ ફાવશે, તમે બેસો.” ટપ દઈને ભત્રીજો અમારી બેઉની વચ્ચે બેસી ગયો અને એ બાઈએ ના પાડી તેનું કારણ કલ્પતાં કલ્પતાં મને પછી મોડે મોડે યાદ આવ્યું કે મારે અમારી બેઉની વચ્ચે નહિ પણ એક બાજુની જગ્યા ખાલી કરવી જોઈતી હતી. તો એ સ્ત્રીને ‘કાકા’ની પથારી પણ નજીક પડત અને બે શત્રુઓની વચ્ચે ઘેરાઈ જવા જેવો ભય ન રહેત. પણ મારી સમજશક્તિ સાચું ઘી, વેજિટેબલ ઘી, અને મૂએલાં ઢોરની ચરબી, એ ત્રણના મિશ્રણની વિદ્યામાં અહોનિશ રોકાઈ રહેતી હોઈ હું લાચાર બન્યો. “કાકાને શો મંદવાડ છે?” મેં યુવાન ભત્રીજાને પૂછ્યું. “ચાંદીનો.” એ શબ્દ એના મોંમાંથી પડ્યો ને સાથે જ અમે આઠેય જણ ડાચાં વકાસી રહ્યા; ઉપલી બેઠક પર સૂતેલા પણ બેઠા થઈ ગયા. શિખંડસમ્રાટને ચડેલી ચીતરીને એની જીભે દાંત અને તાળવા સાથે અફળાઈને જાહેર કરી. સામી બેઠક પરનો ખ્રિસ્તી જુવાન ખડો થઈને ‘કાકા’ પંદર મિનિટ પૂર્વે જ્યાં બેઠા હતા તે ચાદર બિસ્તર પરથી દૂર કાઢવા લાગ્યો. “એ બધું જ તમારે લૉન્ડ્રીમાં આપી દેવું રહેશે.” એક ગૃહસ્થે એને અંગ્રેજીમાં કહ્યું. અને મેં પણ નીચે સૂતેલ ‘કાકા’ની પથારીને અડકતી મારી સૂરણની ગાંઠ ખેસવીને બેઠક નીચે દૂર ધકેલી, છતાં મારાં આંગળાંને કોઈક કાળો કારમો રોગ-બિલાડો કરડી જતો હોય તેવું મનથી અનુભવ્યું. દુર્ગંધના રૌરવની સમજ અમને સૌને હવે પડી, અને હું તો વરાળો કાઢવા લાગ્યો: ‘આ દશા! અહીં સેકન્ડ ક્લાસમાં બેઠા પછી પણ અમારી આ દશા! અહીં ને અહીં સાંકળ ખેંચી ગાડી ઊભી રખાવી આ નારકીઓને બહાર કઢાવી ન શકાય? આવતે સ્ટેશને એમને ગાંસડાંપોટલાં સહિત ઉતારી ખુદ મુસાફરી જ બંધ ન કરાવી શકાય? ઓહ! ચાંદીનો રોગ! આ તો હવામાંથી પણ ચોંટી પડે. ધારો કે મને જ ચોંટ્યો; તો મારી શી વલે? પાંચ જ માસ પર પરણેલી મારી લલિતા શું ધારશે? મરદાનગી ચાલી જશે. દુનિયા ક્યાંય ઊભો રહેવા નહિ દ્યે. ને લલિતા — લલિતા શું આ સ્ત્રીની જેમ મારી પાસે ઊભી પણ રહેશે?’ શિખંડસમ્રાટે પણ એના પગ ને ચંપલ બંને ઉપર લઈ લીધાં હતાં. આઠમાંથી કોઈનો એક જોડો પણ નીચે રહ્યો નહોતો. રહી હતી એક આ અભાગણી સ્ત્રી. ભત્રીજાએ મંદવાડનું રહસ્ય બહાર પાડ્યું ત્યારે, એણે આંખોને ઊંચી કરી કરી અમારી સૌની સાથે પરિચિતપણાનું જે વાતાવરણ કેળવવા માંડયું હતું તે ફરી એક વાર વીખરાઈ ગયું અને એની દૃષ્ટિ પાછી નીચે ઢળી ગઈ. તે સિવાય એના મોં પર આ અરધા કલાકમાં કશો જ ફરક નહોતો પડ્યો. એનું જીવન પૃથ્વી પર હતું તેના કરતાં અદકેરું જાણે અંતરીક્ષમાં હતું. “માય વાઇફ—” ખ્રિસ્તી મુંબઈવાસી ત્રાસભરી શકલ કરીને બબડ્યો: “વીલ નેવર ફરગીવ મી ઇફ શી કમ્સ ટુ નો ધીસ.” [“મારી પત્ની જો આ જાણવા પામશે તો તો મારા બાર વાગી જશે.”] “ક્યાંથી આવો છો?” મેં પેલા ભત્રીજાને પૂછ્યું. “મહુવાથી.” “જવું છે ક્યાં?” “મુંબઈ.” ઓય મોતના દા’ડા! આ તો વીરમગામ સુધી છૂટકો નથી. “સેકન્ડ ક્લાસની ટિકિટો કપાવી છે?” “ના, આ તો થર્ડમાં આમને ઊભા રાખવા જેટલી પણ જગ્યા નહોતી એટલે ગાર્ડને કહી જંક્શનથી જ વધુ ચારજ ભરી બેઠાં. તમારી સૌની એટલી મહેરબાની.” બોલતો બોલતો યુવાન હાથ જોડી રહ્યો. મારો સવાલ અક્કડ હતો. પણ જાણે કે મનની અંદર બેવડ વળી ગયો. અમે સૌ ફરી પાછા ચુપ બન્યા, અને ગાડીના સુસવાટા વચ્ચે વરસાદની તડતડાટી સંભળાતી રહી. વળી થોડો પોરો ખાધા પછી, કોણ જાણે શાથી પણ એ બાઈના મોંને નિહાળી જોયા પછી નવી પ્રશ્નાવલી કરવાની હિંમત આવી. “આ તમારા કાકા થાય છે?” “હા.” “કેટલુંક થયાં આ રોગ છે?” “દસ-બાર વર્ષ થયાં.” સાંભળીને અમારા મોંમાંથી ફરી સિસકારા ઊઠ્યા. જે નરકનો અમે પા-અરધો કલાક અનુભવ કર્યો તેની અંદર આ સ્ત્રી બાર વર્ષથી જીવે છે! “એમનું આ કેટલામું લગ્ન?” “પહેલી જ વારનું.” “કેટલાંક વર્ષથી પરણ્યા હશે?” “પંદર વર્ષથી.” એ પ્રશ્નોત્તરીએ અમને સૌને એક જટિલ સમસ્યામાં નાખી દીધા. આ રોગ આ બે જણાંનાં સંસારમાં કોણ લઈ આવ્યું? કાકા, કે કાકી? સમસ્યા લટકી પડી. વધુ ચોખવટ મગાય એવી હિંમત રહી નહોતી. દરેક પ્રશ્ન પૂછતાં પહેલાં એ સ્ત્રીની સામે આંખો ગયા વગર રહેતી નહોતી. આંખો જાણે કે પૂછી જોતી હતી: ‘પૂછું? વધુ પૂછું? તારી બેઅદબી તો થતી નથી ને? તને અપમાન તો લાગતું નથી? તને આરોપીના પિંજરામાં ઊભાડી ઊલટતપાસ કરનાર વકીલો જેવા તો અમે લાગતા નથી ને?’ સર્વ મૂંગા સવાલોનો એ નારી પાસે એક જ ઉત્તર હતો: નહિ નીચે, નહિ ઊંચે, પણ પાધરી દોર પેલા સંડાસ તરફ તાકી રહેલી અનિમેષ દૃષ્ટિ, સ્વસ્થ મોં, સીધો સેંથો, સૌભાગ્યનો ચાંદલો, અને સૂતેલા પુરુષના શરીર પર રૂના પોલની હળવાશથી પડેલો જમણો હાથ: એ એક જ એનો જવાબ હતો. અમે એને ભેગા થઈને ફાડી ખાતા હતા. એ પોતાની જાતને, પોતાના જીવનને, પોતાના અંતરમત જીવનરહસ્યને ચૂંથાવા દેતી હતી. અથવા એને હવે કશું ચૂંથાવાપણું લાગતું નહિ હોય. વરસાદ અને અંધકારની બિભીષિકા વચ્ચે રાતની ટ્રેન રસ્તો ચીરતી અને છાતીએ ચોંટાડેલી ટૉર્ચ-બત્તીના પ્રકાશમાં ખદબદ જંગલ-જીવાતને આંધળી કરતી ધસ્યે જતી હતી. આ સ્ત્રી ને આ ટ્રેન, બેઉ વચ્ચે એક નિગૂઢ સમાનતા હતી. ને અમારા પ્રશ્નોના ઉત્તરમાં પોપટ પેઠે પઢતો ભત્રીજો જે ભોળે ભાવે ભણી ગયો તે આ હતું: “મારા કાકા ને મારા બાપ એ ત્રણ ભાઈઓ. ગામમાં તેલપળી કરી કરી ગુજરતા. મારા બાપનું એકનું તો ઘર બંધાયું, પણ બાકીના ત્રણને કોઈ કન્યા આપે નહિ. મારી બા મને એના એકના એક પુત્રને બે વર્ષનો મૂકી મરી ગયાં, તે પછી મારા બાપ પણ વિધુર જ રહ્યા. હાથે રોટા ટીપીને ખાઈ લ્યે ને મને ઉછેરે. વચેટ કાકા પચીસ વર્ષના થયા, ત્રીસ વર્ષના થયા, બત્રીસે પહોંચ્યા, બાપાએ પૈસો પૈસો બચાવીને દોઢેક હજાર રૂપિયાનો જીવ ભેગો કર્યો, પણ એટલાથીયે કોઈ કન્યા મળી નહિ. વચેટ કાકાનો શરીરનો બાંધો બહુ મજબૂત, પાંચ મણની દાણાની ગૂણ વખારેથી પીઠ પર ઉપાડી હાટડે લઈ આવે પણ શ્વાસ ન ખાય. આહાર પણ જબરો, ત્રણેય ભાઈ જોડે જમવા બેસે અને મારા બાપ વચેટ કાકાના ખોરાક સામે જોઈ રહે. ઘણા વખત સુધી તો કાંઈ બોલે નહિ. પણ એક દિવસ કહેવાઈ ગયું: ‘આટલું બધું ખાઈને શરીર શીદ ખડકી રહ્યો છો? તું જોવછ ને, ઘર બંધાય તેમ છે?’ તે પછી કાકાએ આહાર ઉતારી નાખ્યો, અમારા સાધુઓનો સમાગમ વધાર્યો, અને બેએક વર્ષે એણે દીક્ષા લીધી. ધોરાજી ગામે એની દીક્ષામાં જબરી ધામધૂમ કરી બૅન્ડ-વાજાં બોલાવ્યાં, બે જમણ કર્યાં, પચીસ સાધુ-સાધ્વી ભેગાં થયાં, ને મારા કાકાને જ્યારે ઓઘો૨ આપ્યો મોટા મહારાજે, ત્યારે એણે કેવા ઉલ્લાસ ને કોડથી પોતે સાધુ બને છે તે બતાવવા ઓઘો માથે ઉછાળી નૃત્ય કરતા હોય એમ ઉછાળો માર્યો. ને પછી એમને એક ઓરડામાં લઈ ગયા. ત્યાંથી એ પા કલાકે પાછા બહાર આવ્યા ત્યારે એમને શરીરે સાધુવેશ હતો અને એમના શિર પર મૂંડો હતો. કાકા વાળ રાખવાના ભારી શોખીન હતા. લૂગડાં ફાટેલા પહેરતા, પણ માથું ઓળ્યા વગર ન રહી શકતા. એવા રૂપાળા વાળને ઠેકાણે મૂંડો દેખી હું સામે ઊભેલો તે રડી પડ્યો હતો. “કાકા તો ચાલ્યા ગયા સાધુઓની સાથે, પણ અમારી નવી આબરૂ બંધાણી. નાના કાકાને એ આબરૂના જોર પર કન્યા મળી. એ વખતે નાના કાકા પણ ત્રીસ વર્ષના. પોતે એક બે વાર કહ્યું તો ખરું, કે મને પરણાવવો રહેવા દ્યો. પણ પેટની વાત શી હતી તે કોઈને કહી નહિ. શરમમાં ને શરમમાં રહી ગયા. કોઈકે એમ કહ્યું હશે કે એવા રોગ તો પરણવાથી મટી જાય છે. એમ બધો ગોટો વળી ગયો.” “પણ દવા ન કરાવી?” “ગામમાં તો શરમ લાગી. હું પાંચ વરસથી મુંબઈ છું. તેડાવવાના ઘણા કાગળો લખ્યા. પણ ધંધામાંથી નવરાશ મળે નહિ. પાછાં આવ્યાં આ લડાઈનાં વરસ. ધંધા તૂટી ગયા. હાટડી વધાવી લેવી પડી. નોકરીએ રહ્યા. રજા મળે નહિ. કાકી થોડો દાગીનો લાવ્યાં હતાં તે વેચી દવા કરાવી. કુલ ચાર ઘારાં વહેતાં હતાં. હવે તો એક જ વહે છે.” અહીં અમારા શ્વાસ વળી પાછા થંભી રહ્યા. એક છિદ્રની આટલી બદબો, તે ચારની કેટલી? એ ત્રિરાશિનો હિસાબ કોનાથી ગણાશે? “બહેન!” મારા બિસ્તર પરથી ઊઠીને મેં સામી સીટ પર જતાં કહ્યું: પહેલી જ વાર આ ડબામાં ‘બહેન’ શબ્દ સાંભળતાં એ બાઈ વીજળીનો આંચકો વાગે એમ ચમકી. એણે ભયભીત નજરે મારી સામે પોપચાં ઊંચક્યાં. મેં કહ્યું: “બહેન, તમે અહીં ઉપર આવીને બેસો.” “હા, હા,” મારી સાથે શિખંડસમ્રાટ પણ ઊઠીને બોલ્યા: “આવો બહેન, તમે સંકોચ વગર બેસો.” એણે આખી બેઠક ખાલી થયેલી જોઈ. એ સારી વાર થોથરાતી બેઠી રહી. પણ અમારી આઠેયની જીભ ચાલુ થઈ: “બેસો બહેન, બેસો. તમે તો પગે લાગવા પાત્ર છો, બહેન! શાબાશ બહેન! તમે તો દેવી જેવાં છો.” દડ દડ દડ: અત્યાર સુધીની સૂકી અને એકધ્યાન એની આંખો ટપકી પડી અને એણે ભત્રીજાને નિશાની કરી. બંનેએ મળીને એ બીમારને પથારી સહિત ઊંચકી બેઠક પર સુવારી દીધા. પછી પોતે સંકોડાઈને એક ખૂણે બેસી ગઈ. અમે — હું ને શિખંડસમ્રાટ — બીજી બેઠક પરના ત્રણ જણની વચ્ચે સંકોડાઈને બેઠા બેઠા ઝોલે ચડી ગયા. અક્કેક ઝોલામાં મને અક્કેક સ્વપ્ન આવતું હતું. જાણે હું તેલ, સડેલ ઘી અને વેજિટેબલના મિશ્રિત તાવડાના ખદખદાટ વચ્ચે મારી લલિતાને બદબોથી ગૂંગળાઈ મરતી જોતો હતો. વીરમગામ આવ્યું ને અમે ઝબક્યા ત્યારે એ બાઈ અનિદ્રિત સ્વચ્છ આંખે બેઠી હતી. અમે આઠેય જણાએ — જેમાં પેલા ખ્રિસ્તી જુવાન પણ શામિલ હતા — આ બીમારની પથારી ઊંચકી અને કસ્ટમના પાંજરા તરફ ચાલ્યા. “ધીરે હો ભાઈ! બાપુ! જરા ધીરે હો!” પાછળ એ સ્ત્રી કહી રહી હતી. ૨ જૈન સાધુ હંમેશા જીવાતને પોતાના માર્ગમાંથી વાળવા ઊનની સફેદ સાવરણી રાખે છે.