મેઘાણીની સમગ્ર નવલિકા 2/દેવનો પૂજારી

દેવનો પૂજારી
[૧]

ગાંજાની ચલમો ખંખેરાઈ ગઈ અને એ નાની ઓરડીમાંથી મિજલસ વીખરાઈ, ત્યારે સવાર પડી ગયું હતું, પણ સૂરજનો પ્રકાશ ઓરડીમાં ભરાઈ બેઠેલાં ચામાચીડિયાં જેવા એ ધૂમ્ર-ગૂંચળાંને બહાર કાઢી શકતો નહોતો. ચડેલો સૂર્ય એકાદ કિરણ લઈને જાણે કે ઓરડીમાં ફોગટનો ઘોંચપરોણો કરતો હતો. બાજુની ઓરડીઓમાંથી કાંદાલસણ અને માંસમચ્છીના વઘારવાસ ઘોળાવા લાગ્યા. પચાસેક ઓરડીઓની ચાલીમાં ચાલીને કઠેડો ઝાલીને ઊભેલો એક ચાલીસેક વર્ષનો પાતળો આદમી નીચેના સાંકડા ચોગાનમાં મરઘીઓનાં લોહિયાળ પીંછડાં અને મૂએલા ઉંદરોને જોઈ જોઈ મોં ફેરવતો હતો. પણ ફરી પાછી ગાંજાના ધુમાડાની ગંધ એને મોંને દિશા બદલવાનું કહેતી હતી. બાજુની ઓરડીઓમાં મારપીટ અને ગાળાગાળીઓ પણ ચાલતી હતી. જે ઓરડીના બારણા પાસે આ માણસ ઊભો હતો ત્યાંથી તેણે મહેફિલના છેલ્લામાં છેલ્લા રસિયાને નીકળતો જોયો અને એ તમામના કૌતુકનો વિષય બનતો પોતે જ્યારે ઓરડીમાં દાખલ થતો હતો ત્યારે બહાર ચાલ્યા જતા માણસો બોલતા જતા હતા કે “ક્યા અપની મહેફલમેં બેઠા થા યે? બમન તો પૂરા લગતા હૈ, મ્હેફલમેં બેઠનેવાલી સૂરત યે ક્યા હો સકતી?” “માર મારકે હડ્ડી તોડ ડાલની ચાહીએ. દસ સાલ હુએ તો ભી મકાનકી મરામત નહિ કરતા હૈ.” “ઠીક હૈ, યાર! પડેં હંય અપન તો. ઐસે હી જિન્દગી ખત્મ હો જાયગી. બાકી તો હિન્દુ વો હિન્દુ, ઔર મુસલમીન વો મુસલમીન; ક્યા કભી ફરક પડ સકતા હૈ!” “કભી નહિ, કભી નહિ.” વહી જતા વાર્તાલાપને પકડીને આ નવીન તરેહનો આદમી એ નાની ઓરડીમાં ગયો. અંદર હવે પાતળા પડેલા ધુમાડાની આછી મચ્છરદાની વચ્ચે એક માણસ બેઠો હતો. એની બેઠક એક મેલી ફાટેલી સાદડી પર હતી. સાદડી પર અને સાદડીની આસપાસ આખી રાતની ચલમોએ ઠલવાઈ ઠલવાઈને રાખની ઢગલીઓ પાડી હતી. સુગંધિત રંગોળીઓ પૂરેલા દેવઆંગણામાંથી આવેલા આ માણસે બહુ બહુ સૂગ અનુભવી. બેઠેલા માણસને શરીરે ફાટેલી સુરવાલ હતી. એક પહોળું જીર્ણ બદન હતું. બંને પર ચલમના તિખારાની દાઝ્યો પડી હતી. જાણે કે ખાંસી ખાવામાં પણ એ તાલબદ્ધ બનવા પ્રયત્ન કરતો હતો. એના હાથમાં એક તંબૂર હતો. નજીકના ખૂણામાં એક કાટેલી થૂંકદાની ગંધાતી હતી. બીજે ખૂણે એક છોકરો પાણીથી ગાંજો ભીંજાવીને હથેળી વચ્ચે નિચોવતો હતો. “શું છે, ભાઈ?” બેઠેલા બુઢ્ઢાએ બેપરવા નજર કરીને આ નવા માણસને પૂછ્યું. ઝીણી આંખો કરીને એણે આવનારના દીદાર તપાસ્યા. એના તાજા સ્નાન કરેલા લાગતા શરીર પર આખી પહોળી પાટલિયાળી, સહેજ રતાશ પકડી ગયેલી ધોતી હતી, કોટ હતો, ગળા ફરતો દુપટ્ટો હતો, કપાળમાં ચંદનના ચીપિયાકાર વચ્ચે કંકુનો મોટો ચાંદલો હતો, માથે લાંબા વાળ હતા. “શું છે? અહીં કેમ આવેલ છો?” બુઢ્ઢા માણસના એ સવાલમાં સૂરો બધા તાજ્જુબીના હતા. જાણે કોઈ કવલી ગાય કસાઇવાડે ભૂલી પડી હોય ને, એવો એ પ્રશ્નનો ભાવ હતો. “સાંભળવા આવ્યો છું.” નવા આવનારે હાથ જોડીને કહ્યું. “ક્યાંથી આવો છો?” “મુંબઈથી.” “વાહ ભઇ, વાહ!” બુઢ્ઢાએ મજાકનો અવાજ કાઢ્યો. “ખાસ આપનું ગળું સાંભળવા માટે.” “મશ્કરી કરે છે, બમન!” ત્રાડ નાખીને બુઢ્ઢાએ મોંએ ચડી તેટલી ગાળોનો ત્યાં ઢગલો ઠાલવી દીધો. ઓરડીના શણગારમાં જે ન્યૂનતા હતી તે આ ગાળોના છંટકાવથી પુરાઈ ગઈ. “હું નથી જાણતો એમ? હું શું બચ્ચું છું? મારા દુશ્મનો...” એમ કહીને એ બુઢ્ઢા ગવૈયાએ એક પછી એક કેટલાંક નામો લીધાં. દરેક નામની આગળ અને પાછળ એણે કોઈ એક ઊંડે ખજાને સંઘરેલી નવી નવી ગાળોની મોતનમાલાઓ પહેરાવી. દરમ્યાન છોકરાએ જમાવીને આણી આપેલી ચલમનો પોતાના હાથમાં સ્પર્શ થયો એટલે બુઢ્ઢો ચૂપ બન્યો. બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું: “હું આપની એક જ ચીજ સાંભળવા માગું છું.” એક જ ચીજની વાત થતાં વૃદ્ધે ચલમને થંભાવી. “કૌનસી?” બ્રાહ્મણ જણાતા માણસે એક રાગનું નામ આપ્યું. “હાં, તબ તો બરાબર. હાં, અબ સમજમેં આયા.” એટલું કહેતાં કહેતાં બુઢ્ઢાના મોં પરની કરચલી જાણે કે સંકેલાઈ ગઈ. મધરાતે સાફ થઈ જઈને ગળતા કંઠની પેઠે એનો ચહેરો સ્વચ્છ બન્યો. એણે આ માણસની સામે મીઠાં નેત્રો માંડ્યાં. ગર્વની છાંટ છાંટીને એણે પૂછ્યું: “તને કોણે પત્તો બતાવ્યો કે એ રાગ મારી પાસે છે?” “ભટકતાં ભટકતાં પત્તો મળ્યો.” “દુનિયા મને જાણે છે?” “નથી જાણતી. હું જાણ કરીશ.” “તું? કેવી રીતે?” “આપની ચીજની સરગમ બાંધીને.” “સરગમ! મારી ચીજની! તું બમન બાંધીશ? અબે ગધ્ધા! ઉલ્લુ! તેરા દિમાગ ખટ્ટા નહિ કર દુંગા તબ તો?” એવી ગાળોનું એક વધારે ઝૂમખું ખંખેરીને બુઢ્ઢાએ ચલમ મોંએ ચડાવી. બે-ચાર ફૂંકે આખી ચલમને એ હાડપિંજર ખલાસ કરી ગયું. બુતાન વગરના એના કુડતામાંથી એની છાતીની એકેએક પાંસળી એ ધુમાડાને પીતી દેખાતી હતી. જરાક લોહી કમતી હોત તો ધુમાડાની ધાર સુધ્ધાં આરપાર દેખી શકાત. તે પછી એણે તંબૂરને પોતાના ખોળામાં, બાપ બેટાને સુવરાવે તેવી અદાથી સુવરાવ્યો. એની આંગળીનાં ટેરવાંને એ તંબૂર, પાળેલા પ્યારા પ્રાણીની પેઠે જવાબ આપવા લાગ્યો. તંબૂરનો નાદ જાણે નાનો થાળ થઈ રહ્યો. બુઢ્ઢાનો કંઠ કોઈ અશ્વની માફક એ થાળમાં રમતો થયો. “ઇસકી સરગમ તૂ બાંધનેવાલા આયા, ગધ્ધા! ચલ આ, બાંધ, બાંધ તો દેખું!” વચ્ચે વચ્ચે એટલા શબ્દોનું વિવેચન ઉમેરીને બુઢ્ઢાએ કંઠ રમતો મૂક્યો. એણે જ્યારે ખતમ કર્યું ત્યારે એને પોતાને ભાન નહોતું કે એને ઉજાગરા કેટલા છે, ભૂખ છે કે નહિ, શરીરમાં લોહી કેટલા રતલ બાકી છે. “ચલ, બતા તેરી સરગમ!” એણે ગુસ્સામાં પૂછ્યું. જવાબમાં બ્રાહ્મણ ઊઠ્યો. આ ગંધાતા ગવૈયાના ખોળા સુધી ઝૂકીને એણે હિન્દુ શૈલીએ નમનની તાઝીમ કરી પૂછ્યું: “આપની દિલરુબા લઉં?” “લે લે, બતા બતા તો સઈ, ગમાર!” પરદામાં છુપાવેલ સુંદરી સમી દિલરુબા કાઢીને એના હાથમાં દેતે દેતે પણ બુઢ્ઢાએ બે-ત્રણ અપશબ્દો સંભળાવ્યા. દિલરુબા પર બ્રાહ્મણના પાતળા હાથની કામઠી ફરી. સામે કાગળ પડ્યો હતો. તેમાં જોતાં જોતાં બ્રાહ્મણે બજાવવા માંડ્યું. શિકાર પર તરાપ મારવાની રાહ જોતા દીપડા જેવો બુઢ્ઢો ગવૈયો પોતાના ગળાની એક પછી એક સૂરાવળ દિલરુબાના દિલમાં ઊઠતી જોતો હતો. પણ હજુ વાર હતી. હજુ એના મનમાં ઉમેદ હતી કે એના કંઠની જે મીંડ આકાશની વિદ્યુત જેટલા વળાંક લેતી હતી એ મીંડ બ્રાહ્મણને કાગળિયે કેમ ઝલાશે? અકબરશાહના જમાનાથી બાપ બેટાને ને બેટો ફક્ત તેના જ બેટાને જે આપતો આવ્યો છે, બીજે કોઈ સ્થાને જેની હયાતી નથી, કંઠની બહાર જેને કોઈ મુકામ નથી, જેનાં હિસાબ ને ગણતરી છેલ્લાં પાંચસો વર્ષોની સંગીતકળાએ પોતાના સીમાડાની બહાર સમજી લીધેલ છે, તેને આ નાચીઝ બમન કયા બંધને બાંધશે? પણ એ બંધનો સાચાં બન્યાં. બુઢ્ઢાના ગળાની ગુપ્તમાં ગુપ્ત એ મેનાને બ્રાહ્મણે પોતાની સ્વરગણતીના પાંજરામાં પૂરી બતાવી. બુઢ્ઢો ઝાંખો પડ્યો. એણે મૂંઝાયલા અવાજે પૂછ્યું: “હવે તું આનું શું કરીશ? તેં મારો છેલ્લો ઇલમ લઈ લીધો. હવે મારે દુનિયામાં જીવવાનું શું બહાનું રહ્યું?” ગવૈયાના દયામણા અવાજમાં ઇતિહાસ હતો. એ એના જીવનનો ઇતિહાસ હતો. હિંદી સંગીતની સૃષ્ટિ માંહેલી એ એક જ વિશિષ્ટતા એની પાસે હતી. એના ગળામાં બીજું કોઈ દૈવત નહોતું રહ્યું. સેંકડો સાધારણ ગવૈયાઓમાં પણ એની ગણના નહોતી. જિંદગીએ એને એક ઉકરડામાં ધકેલી દીધો હતો. જીવવાનું એક જ બહાનું એને આ એક જ સ્વરરચના હતી. વિધુર, સંતાનવિહીન, કંગાલ, એ વૃદ્ધ મુસલમાન ખુદાને વીસરી જઈ એ એક જ ગાનની પરસ્તી કરતો કરતો જીવન પર દાવો રાખતો હતો. બુઢ્ઢો છેવટે કરગરી પડ્યો: “ભાઈ, મેરા ગાના મુઝકો પીછે દે દે!” બ્રાહ્મણે સહેજ મોં મલકાવ્યું. લખેલા કાગળના ટુકડા કર્યા. “યાદ રખના!” બુઢ્ઢાએ એ ઊઠતા બ્રાહ્મણને ચેતવણી આપી. “દિલમાંથી પણ ટુકડો ફાડી નાખજે. નહિતર, જો એનો ઈલમ તારી પાસે હોવાની વાત હું જાણીશ તો તને જહન્નમની આગમાં નાખવા હું ખુદાને અરજ ગુજારીશ.” “દિલમાંથી તો કેમ ભૂંસાશે?” બ્રાહ્મણે જવાબ આપ્યો. જવાબ સાંભળીને ગવૈયો ઊભો થઈ ગયો. બ્રાહ્મણની ગરદન ઝાલી એને હડબડાવ્યો: “તું કોણ છે? તું શયતાનના બચ્ચા! આ મેલો ઇલમ તું ક્યાંથી શીખી આવ્યો? અમારી વિદ્યા, અમારી રોટી તું શું ઝૂંટવી જઈશ?” હોહોકાર મચ્યો. આખો લત્તો સળવળી ઊઠ્યો: કોઈક મેલા ઇલમનો હિંદુ આવીને આપણી વિદ્યા પણ ચોરી જાય છે! મારપીટમાં નહાતો-નીતરતો બ્રાહ્મણ ત્યાંથી માંડ માંડ બચીને બહાર નીકળી ગયો. એનું નામ ગોસ્વામી યદુનંદન: સ્વરલિપિનો નિષ્ણાત સંગીતકાર.

[૨]

વર્ષો વહી રહ્યાં છે. ગોસ્વામી યદુનંદનની ચલગત ઠેકાણે નથી. કોઈ કોઈ રાત એ મંદિરમાં હોતા નથી. કોઈ કોઈ વાર દેવની આરતી કરવા પણ ન જતાં એ તંબૂર લઈને બેસી જાય છે. સારાં આબરૂદાર ઘરોની સૂતેલી સૃષ્ટિને હચમચાવી નાખનારા એના સ્વરો પ્રભાત સુધી ચાલુ રહે છે. એક ઝોકું પણ ગોસ્વામી ખાતા નથી. મુસલમીન ગવૈયાઓની શ્વાસ-બદબો એના શરીરમાં પેસી ગઈ છે. એના નામ પર ગીલા ચાલે છે. એક ગોપાલવંશી આ ગંદવાડની દુનિયામાં ઊતરી જઈ પોતાની રસવૃત્તિ અને સંસ્કાર ગુમાવી બેઠો છે; ગોમાંસના ભક્ષકોની વચ્ચે પડ્યોપાથર્યો રહેનારએ ઉચ્ચ હિંદુ, રંગોળીપૂર્યાં હિંદુ આંગણાંમાં પગ મૂકવા જતો લગભગ બંધ થઈ ગયો છે. ધાર્મિક જનોને ખટકી રહી છે ફક્ત બે જ વાતો: આ ઊખડેલ માણસની પ્રાત:પૂજા અને તિલકચાંદલો. વાત તો એટલી હદ સુધી પહોંચી ગઈ કે આ બગડેલ ગોસ્વામી હવે તો મુસલમાન ઉસ્તાદોને ગાંજાની ચલમો ભરીને આપે છે. કોને ખબર છે, એ ફૂંકતો પણ નહિ હોય? વાત આટલે સુધી સાચી હતી કે રાતે છૂપા ચાલ્યા જનાર યદુનંદન ઉસ્તાદોની ચલમો ભરવા લાગ્યા હતા. ને મંદિરે આવતા ત્યારે સ્વાભાવિક એનાં કપડાં સારો દિન કે સારી રાત ખાધેલ ધુમાડાની એક હલકી વાસ આપ્યા કરતાં. દસેક વર્ષ વીત્યાં પછી પણ હજુ એને પોતાનું ગળું આ ગંધથી સાફ કરવાને માટે ઊબકા કરવા પડતા. ને હજુ એના ઉપર ગાળો-અપશબ્દોની તરપીટ અટકી નહોતી. છતાં યદુનંદન શા માટે પોતાનો સંગીતશોખ દક્ષિણનાં દેવમંદિરો અને ગુજરાત તેમ જ રાજપૂતાનાની હવેલીઓ તરફ નહોતા વાળતા? આખરે એક દિવસ વાત વધી પડી. દેવાલયની નજીકમાં યદુનંદનની બેઠકમાં જ મુસ્લિમ ગવૈયા આવતા થયા. ભાવિકોનાં દિલ દુભાવા લાગ્યાં. તેમણે મકાનધણીની ધાર્મિક લાગણીને કંપાયમાન કરીને યદુનંદન પાસે ઘર ખાલી કરાવ્યું. એનો દેવપૂજાનો અધિકાર પણ છીનવાઈ ગયો. તે પછી થોડા જ દિવસે મકાનમાલિકે પોતાના દીકરાના લગ્નમાં તાયફાનો નાચ ગોઠવ્યો હતો ત્યારે આવી કોઈ બૂમ ઊઠી નહોતી. કેમ કે, તાયફાના નાચમાં સુગંધો બહેકતી હતી. દેવદાસીઓ તો દેવને પણ ગમે છે, એવું દેવભક્તોનું કહેવું થયું. ઓચિંતાની એક દિવસ સંગીતની દુનિયા પર પાંચસો નવીન ‘ચીજો’ની વૃષ્ટિ થઈ. પાંચસો ગાન-રચનાઓ ગોસ્વામી યદુનંદને સરગમ બાંધીને રજૂ કરી. બુલંદ સંગીતાચાર્યો એને તપાસવા બેઠા. ચકાસણીમાં માલૂમ પડ્યું કે આ પાંચસો સ્વરરચનાઓની પ્રાપ્તિ સંગીતના જગતમાં નવી છે. “નવી નથી, જૂની છે, આપણે કોમી ગણીને ફેંકી દીધેલી ચિરંતન છે,” ગોસ્વામી યદુનંદને જવાબ આપ્યો: “ને મને એ પ્રાપ્ત કરાવનારા આ ગંજેડીઓ છે, આ તમે દૂર રાખેલા ગોભક્ષકો છે.” યદુનંદને બાંધેલાં સ્વરગાન ઘરઘરનાં વાદ્યો પર રમતાં થયાં. નાનાં બાળકોને સ્ત્રીઓ એ ગાન-રચનાઓની મસ્તી અનુભવી રહ્યાં, ને ‘કોમી ચુકાદાનો બહિષ્કાર’ એવા કોઈ અકળ અગમ આંદોલનને જ્યારે પ્રજામાં છાપાં જોર કરીને બેસાડવા મથતાં હતાં, ત્યારે પેલી મુસલમાની ગાન-રચનાઓ, કોઈ પણ છાપાનાં પ્રચાર વગર લોકપ્રાણમાં રમવા લાગી. પછી યદુનંદનનો દેહ પડ્યો ત્યારે એ સમાજ બહાર હતા. એનું શબ પણ સમાજને માટે અસ્પૃશ્ય હતું. એની અંતક્રિયા કરવાની ઉચ્ચ બ્રાહ્મણોએ આનાકાની બતાવી. અફવા પણ હતી કે ગોસ્વામી આ ગવૈયાઓ જોડેના આહારવિહારથીયે સાવ મુક્ત નહોતા. આખરે પંદર-વીસ મેલ-ગંધારા ગવૈયાઓ આવ્યા. એમણે શબને સ્નાન કરાવ્યું. યદુનંદનના ઘરમાં ચંદન પડ્યું હતું તે ઘસ્યું. યદુનંદનના લલાટ પર રોજિંદા તિલકે પોતાની જે પાતળી રેખાઓ પાડી હતી તે તે રેખાઓ તેમણે ચંદનથી પૂરી અને વચ્ચે કંકુનો ચાંદલો કર્યો. જ્યારે ગવૈયાઓએ શબને પોતાની જ કાંધ પર ચડાવીને સ્મશાનયાત્રા કાઢી ત્યારે નગરની ઊભી બજારે, ઘરોની ખોલીઓમાં, ઠેકાણે ઠેકાણે જે સંગીત બજી રહ્યાં હતાં, તેમાં ગવૈયાઓ પોતાના કંઠોની કૃતિઓ નિહાળીને કહેતા હતા: “આપણને અમરત્વ આપ્યું ગોસ્વામી યદુનંદને.” “કમનસીબ એક આ રહ્યો.” એમ કહેતા એક ડોસાએ એ સમૂહમાં પોતાનો દેહ હડસેલ્યો; મેં એને મારું ગાન નહોતું લેવા આપ્યું. મેં એને મતલબી કોઈ હિંદુ માન્યો હતો. મેં એને મારપીટ કરાવી હતી.” “તબ તો, બુઢ્ઢા! ચલ તૂ ભી આ જા, ઊઠા લે મૈયત!” ને એ ડોસાએ ગોસ્વામીની નનામીને પોતાનો ખભો ટેકવ્યો.