મેઘાણીની સમગ્ર નવલિકા 2/ભલે ગાડી મોડી થઈ

ભલે ગાડી મોડી થઈ

સ્ટેશન પર આવ્યા ત્યારે ખબર પડી કે ગાડી તો દોઢ કલાક મોડી છે! યજમાન મૂકવા આવ્યા હતા, તેમને કહ્યું કે તમે તો હવે ઘેર પધારો, ઘણા દિવસનો શ્રમ છે, ઘણી રાતોના ઉજાગરા છે, ને શરીર સારું નથી. દવાઓની મદદથી જ જેનાં હાડમાંસ ને ચામની પોટલી બંધાયેલ રહેતી હતી તેવા એ સ્નેહીએ જરા વાર તો ઊઠવાનો યત્ન કર્યો, પણ પછી કહે, “ના, ના, ગમતું નથી. ઘેર તો ઊડઊડ લાગશે. બેઠો છું.” મન કંઈક કચવાણું. ભાઈ ગયા હોત તો નિરાંતે નૉવેલની ચોપડી પૂરી કરી કાઢત. આ તો દોઢ કલાક ખૂટવો કઠણ થશે. પછી ‘ગાડી આવી’ એમ સાંભળ્યું ત્યારે થયું કે ગાડી પાંચેક કલાક મોડી હોત તો કેવું સારું હતું! એ બે કલાક પાણીના રેલા પેઠે ચાલ્યા ગયા, અને થેલીમાં પડેલી નવલકથાના કરતાં અધિક રસભરી જીવનકથાઓનું એક આખું ઝૂમખું જડ્યું. ચાર-પાંચ જણા ભેળા થઈ ગયા હતા. વાર્તાલાપના વાણાતાણા કોઈ વિચિત્ર રીતે ગોઠવાતા ગયા, અને વાત આ રીતે શરૂ થઈ. મેં મારી સાથેના ભાઈને પૂછ્યું: “કાં, કાંઈ હિસાબ-બિસાબ આવ્યો કે નહિ?” “શેનો?” “તમારી ગીતોની રેકર્ડોનો.” “ના રે!” કહેતાં મારા સાથીની આંખ ચમકી ઊઠી. “હિસાબ વળી કેવો?” “કેટલા સેટ વેચાણા હશે — હું તો માનું છું કે સેંકડો.” “હશે!” ભાઈએ મંદ હાસ્ય કર્યું. “પણ આમ જ?” “મેં તમને નહોતી વાત કરી, એક પિનની ડબીની?” “શું?” “કે મારી રેકર્ડો ઉતારનાર એ કંપનીની કચેરીમાં મને તેડાવ્યો હતો. ત્યાં મેં એક પિનની ડબી માગી. કંપનીના માલિકે એક ડબી કાઢી. એમાંથી પિનો થોડીક હતી તે મને આપી, ડબી રાખી લીધી! એની પાસેથી મારા સેંકડો વેચાયેલ સેટનો હિસાબ શો વળી?” “પણ કાંઈ લખત-બખત?” “કાંઈ નહિ ના!” “કાં?” “મને એવી કંઈ ખબર નહોતી. ને એમણે મને કહ્યું હતું કે આ તો આપણું સ્વદેશી સાહસ છે, આ તો રાષ્ટ્રને ખાતર સેવા કરીએ છીએ.” “રાષ્ટ્ર! સાચું.” મેં રાષ્ટ્રને વટાવી જનારાઓનો ઠીક ઠીક અનુભવ હોવાથી થૂંકનો ઘૂંટડો ગળે ઉતારતાં ઉતારતાં કહ્યું. ત્યારે એમણે ઉમેર્યું: “ને, ભાઈ, ગયે વખતે અમે પરદેશી કંપનીમાં આ રેકર્ડ ઉતરાવી એની એને ખબર પડી ત્યારે તો એણે શું રોષ કર્યો’તો અમારા ઉપર! લાલચોળ બની જઈને એણે અમારા ...ભાઈની ધૂડ કાઢી નાખી કે ઇ પરદેશી ‘કૂતરા’ને જઈને આપી આવ્યા?” “એમ! એટલી બધી વાત? કૂતરો કહ્યો?” “હા જ તો, ઓલ્યું ગ્રામોફોન સાંભળતા કૂતરાનું ચીતર હોય છે ના, ઇ પરથી કૂતરો કહ્યો.” બેઠેલી મંડળીમાંથી બીજા એક ભાઈએ આ સાંભળીને વાત ઉપાડી: “કરોડોની નીપજવાળા એક રાજ્યના ધણીની હું વાત કહું. અમારા મહારાજાના એ મહારાજા દિલોજાન દોસ્ત. ને હું તો કહેવાઉં ચાકર, પણ મહારાજા મારા સાહિત્યના શોખીન, મારી વાતોમાં વિનોદ લેનારા, એટલે મને પણ એ મોટા રાજ્યમાં એમના દોસ્ત મહારાજાસાહેબ પાસે લઈ જાય. ત્યાં પણ મારે દિલોજાન દોસ્તી બંધાઈ ગઈ. એટલે સુધી કે એ બેઉ જણા ગંજીપે જુગાર રમે તેમાં મને પણ રમવા બેસારે. હવે એ તો થઈ પૈસેથી રમવાની રમત. એમાં જેનાં પાનાંમાં જોકર આવે તે રમનાર પોતે જે કાંઈ રકમ કહી હોય તે મુજબ જીતે. એક વાર રમતાં રમતાં એ કોટ્યાધિપતિ મહારાજા મને કહે કે ‘હાં, દાનજી, તારામાં જોકર આવ્યો લાગે છે!’ “પૂછ્યું, ‘સાહેબ, આપે કેમ કરી જાણ્યું?’ “કહે કે ‘તું તારા પત્તાં જોઈને મલકાઈ રહ્યો છે તેથી. તારામાં જોકર હશે તે જોઈને મલકાતો હોઈશ.’ “એ વખતે મેં મારે જે ઘણા વખતથી કહેવું હતું તે કહેવાની તક લીધી: ‘જોકરને જોઈને ન હસું તો શું તમને જોઈને હસું, સાહેબ! તમારા કરતાં જોકરનું મોઢું સારું છે. એ મને બે પૈસાની પણ પ્રાપ્તિ કરાવશે, જ્યારે તમે તો મને, ગરીબ પગારદારને, જોડે રમવા બેસારીને આ તો કદી વિચાર જ નથી કર્યો, કે હું જે હારું તે ક્યાંથી ભરી શકીશ! તમે મને એક પાઈ પણ આપો છો?’” “પછી એ કાંઈ બોલ્યા?” “હા, એટલું કહે કે ‘કૈસા બેવકૂફ હૈ! કૈસા બેવકૂફ હૈ!’” મંડળીમાંના ત્રીજા ભાઈએ તુરત તાગડો ઉપાડી લીધો: “ઉદાર કેમ બનાય છે તે કહું. થોડાં વર્ષો થયાં. મહુવા ગામમાં એક જાહેર મેળાવડો હતો. મહુવાના મુલકમશહૂર દાનેશરી એક ખોજા શેઠના માનમાં મળેલ એ ભપકેદાર મેળાવડામાં મેં નવાઈ દીઠી. મેજ ઉપર લોઢાનાં એક કોદાળી ને એક પાવડો, હાથા વગરનાં, મૂકવામાં આવ્યાં હતાં. પોતાને માટેની તારીફ પૂરી થઈ ચૂક્યા પછી શેઠ પોતે ઊભા થયા ને એમણે જણાવ્યું: ભાઈઓ, તમે આ જે કોદાળી પાવડો જુઓ છો ને, એને મેં મારી મૂળ કારકિર્દીની યાદ તાજી કરવા માટે અહીં મુકાવ્યાં છે. હું મનજી ખોજો, આંહીં ખાળિયા ખોદીને મજૂરીમાંથી ગુજારો કરતો એ તો તમારામાંથી ઘણાએ જોયું પણ હશે. એક દિવસ, માંડમાંડ ફક્ત ત્રણ રૂપિયાની મૂડી કરીને હું વહાણે ચડ્યો, મુંબઈ ગયો. ત્યાં પાટો ન બાઝતાં હું કોઈ પણ ઇલાજે કલકત્તા પહોંચ્યો. હાવરાના સ્ટેશન પર ઊતર્યો ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. ને મારા ખિસ્સામાં જોયું તો ફક્ત છ આના સિલિકમાં હતા. હું શહેરમાં ચાલ્યો. ચાલતો હતો, ચાલ્યા જ કરતો હતો. ચાલવા વગર બીજું કરું શું? મને ખબર નહોતી કે ક્યાં જવું ને ક્યાં સૂવું. મારે રાત કાઢવી હતી. પણ રાત ક્યાં વિતાવું? ચાલ્યો જ જાઉં છું. એક વીજળીના ફાનસ પાસે થોડી વાર ઊભો છું. એમાં એક મોટર નીકળે છે. અચાનક મોટર મારી પાસે ઊભી રહે છે. અંદર બેઠેલા ગૃહસ્થ મને પૂછે છે, ‘કોણ છો? કાઠિયાવાડના છો?’ “મેં કહ્યું, ‘હા, આંહીં ધંધા માટે આવેલ છું.’ “‘ઠીક, આ લ્યો આ સરનામું. તમે મારી પેઢી પર આવજો કાલે.’ “‘આવજો કાલે!’ એટલા જ શબ્દો મારા કાન પર નાખીને મોટર ઊપડે છે, ને હું ધ્રૂજી ઊઠું છું. ‘આવજો કાલે!’ ભાઈઓ, આપણે કાલની વાત કરીએ છીએ. પણ વચ્ચે પડેલી રાતને ભૂલી જઈએ છીએ! મારા માટે પ્રશ્ન આવતી કાલનો નહોતો, એ રાતનો, એ અધરાતનો હતો. “થોડેક જઈને મોટર પાછી થંભી. મને બોલાવ્યો ને કહ્યું, ‘તમારે ક્યાં જવું છે?’ “‘ક્યાંય નહિ.’ “‘કાં?’ “‘મને ખબર નથી, કે ક્યાં જવું?’ “‘હા, મને પણ એ જ વિચાર આવ્યો, કે તમે અજાણ્યા હશો, અરધી રાતે ક્યાં જશો? માટે જ ઊભો રહ્યો. ચાલો, બેસી જાઓ ગાડીમાં.’ “‘ગૃહસ્થો, તે પછી તો હું કરોડોનો ધણી થયો છું, ને કરોડોની મેં સખાવત કરી છે, પણ એ કલકત્તાવાળી રાતને હું ભૂલ્યો નથી; ને એ નથી ભૂલ્યો તેથી જ મેં કદી કોઈ પણ માગવા આવનારને ‘કાલે આવજો’ એ કહ્યું નથી. મારાથી બન્યું તે ને તે જ ક્ષણે આપ્યું છે. કારણ કે કાલની ને આજની વચ્ચે એક રાત છે — ને એ રાત ભયંકર છે, આટલું હું ભૂલ્યો નથી, ભૂલી શક્યો નથી. એટલે જ મારી પેઢીના પ્રત્યેક ટેબલ પર મેં કોતરાવ્યા છે આ શબ્દો કે ‘તરત દાન ને મહાપુણ્ય’, ‘તરત દાન ને મહાપુણ્ય’. “આવું ભાષણ એ શેઠ મનજી નથુનું, અમારા ગામમાં છેલ્લું ભાષણ હતું, ભાઈ. ઉદારતાની ચાવી એક જ છે: પોતાને માથે વીતેલાં વીતકોની નાની-શી પણ યાદ.” “ત્યારે હું તમને એક નાકની વાળીની વાત સંભળાવું.” એમ બોલીને એક ત્રીજા ભાઈએ મંડળીના કાનને ઉત્સુક કર્યા. ને એણે પણ જીવતા જ જીવનનો નીચલો કિસ્સો કહ્યો: પોરબંદરવાળા શેઠ અલી દીના વિશરામને તો સૌ જાણતા હશો. પૂર્વ આફ્રિકાના એ તો રાજા કહેવાય. એના મરણ બાદ એની કરોડોની પેઢી, એના દીકરાના હાથમાં, સફા થઈ ગઈ. (ઘણું કરીને તો એનું નામ ગુલામહુસેન કહ્યું છે.) પેઢી સાવ સાફ, ઘર પણ ખાલી અને ગુલામહુસેન શેઠ ગંભીર લાંબી માંદગીને બિછાને. એમાં એક દિવસ મકાનને બારણે એક માણસ આવી ઊભો રહ્યો. એની અને ઘરનાં લોકોની વચ્ચે કંઈક શબ્દોની રકાઝક થતી હતી, તે મેડીએ સૂતેલા માંદા શેઠને કાને પડી. પૂછ્યું: કોણ છે? શું કામ છે? “કંઈ નથી; જવા દો ને!” માણસે એટલું જ કહ્યું, પણ એનો મર્મ મોટો હતો. પચાસ વર્ષથી અઢળક રળનારા અને અઢળક દેનારા એ ‘રાજા’ના ઘરમાં આજે ઝેર ખાવાય પણ કંઈ નહોતું રહ્યું, તો માગવા આવનારને આપવા શું હોય? “પણ એને ઉપર તો બોલાવો! હું જોઈને તો સંતોષ લઉં.” જીવ જેના ખોળિયા સાથે આખરની બાંધછોડ કરી રહ્યો હતો તે બેકાર માલિકે ઉગ્ર ઇચ્છા જાહેર કરી. આવેલ માણસને ઉપર લાવવામાં આવ્યો. આવનારે કદી કલ્પ્યું નહોતું તેવું દૃશ્ય દીઠું. કંગાલિયતને ખોળે એક કોટ્યાધિપતિના છેલ્લા દહાડા ગણાતા હતા. “કોણ છો, ભાઈ?” “કાઠિયાવાડનો બામણ છું.” “કેમ આવેલા?” “મારે દેશ પહોંચવાનું ભાડું નથી.” “બીજે ક્યાંય ન ગયા? આંહીંના હવાલ નહોતા જાણતા?” “જાણતો હતો. પણ બીજાઓ જેઓ જાણતા હતા તેમણે જ મને આંહીં ધકેલ્યો. કહ્યું, કે તમે દેશો.” એમ કહીને બ્રાહ્મણે ચોમેર શરમિંદી નજર ફેરવી. બીમાર શેઠે થોડીક વાર આંખો મીંચી લીધી ને પછી આંખો ખોલીને પાસે ઊભેલ માણસ, કે જે આ જ પેઢીમાંથી લાખો રળીને સ્વતંત્ર વ્યાપારના ધણીઓ બનેલા માંહેલા એક હતા, તેને આ દશા પર ચૂપકીદી રાખીને ઊભેલ દીઠા. પછી એણે પોતાની સ્ત્રી તરફ જોયું, સ્ત્રીના અંગો પર ભમતી એની દૃષ્ટિ સ્ત્રીના નાક પર થંભી, ને એણે સ્ત્રીને કહ્યું: “ત્રણ – ત્રણ – ત્રણ દી પછી તો — તારે – આ – નાક – ની વાળી કાઢી નાખવી પડશે ના!” સ્ત્રીએ નીચે જોયું, ને એનાં નેત્રો ટપક્યાં. પુરુષે કહ્યું: “હું સાચું કહું છું. ત્રણ દીથી વધુ હું ખેંચનાર નથી. ત્રીજે દીએ તારે એ નાકની વાળી કાઢવાની જ છે. તો – તો – અત્યારે જ આપણા ઘરની પચાસ વર્ષની રસમ ખાતર – કાઢી – દે ને!” સ્ત્રીએ નાક ખાલી કર્યું, વાળી ખાવિંદના હાથમાં મૂકી, અને બીમારે એ વાળી પોતાના માણસને દેતાં દેતાં કહ્યું: “આને વેચો, બ્રાહ્મણને ભાડું આપો, ને બાકીના પાછા લાવજો.” ત્રીજે દિવસે શેઠનો દેહ છૂટી ગયો, ભાઈ! એટલું કહીને એ ચૂપ રહે છે ત્યાં જ ચોથા ભાઈએ કહ્યું: “એમ તો આ વિટ્ટલ સાહેબ, હતા પરદેશી, ગોરા હતા, પણ એની સખાવતો આ ઝાલાવાડમાં હજુ પણ એની ભાણેજ મિસિસ ચેધમે વિદેશ બેઠેબેઠે ચાલુ રાખી છે, એ તો વિચારો!” “અરે હાં.” કહેતા ત્રીજા ભાઈ બોલી ઊઠ્યા: “એ પણ સમજવા જેવો કિસ્સો છે. વિટ્ટલ સાહેબ કોણ હતા ને આંહીં કેમ કરીને તાલેવાન બન્યા, જાણો છો? આ રાણપુર ગામમાં તમારા મ્યુનિસિપાલિટીના માજી સેક્રેટરી ઝીણાભાઈ છે ના, એના જ ઘરના વડવા નાનચંદ શેઠના ધોલેરાના જિનમાં વિટ્ટલ સાહેબ ઇજનેર હતો. એમાં એની બૈરી મરી જતાં એને વીમાના પચાસ હજાર મળ્યા. એકાએક નાનચંદ શેઠની આસામી કાચી પડી, વિટ્ટલ સાહેબ કહે કે શેઠ, આ લ્યો આ મારા રૂપિયા, ને માંડો ચૂકવવા. ‘ના રે ભાઈ, એ તો તમારી વીમાની કમાણી!’ ‘પણ એ મારી છે, હું તારો છું. લે તું તારે!’ ‘એમ તો ન લઉં. મારું જિન તું રાખી લે, તો જ હું નાણાં લઉં.’ “એ જિન વિટ્ટલ સાહેબને સોંપાયું ને એમાંથી વિટ્ટલે ગામોગામ કારખાનાં કર્યાં, ગામેગામ સખાવતો વેરી દીધી. ઉદારતાની ચાવી આ છે ભાઈ, આ માણસાઈ છે.” આવી રસભરી વાતો ચાલવા ટાણે મારો ભાઈબંધ વિનાયક મોં ભારેખમ રાખીને બેઠો હતો. મેં કહ્યું, “અલ્યા, કેમ સોગિયો બેઠો છે?” “ત્યારે શું કરું!” વિનાયકે મોં બગાડ્યું: “તમારી વાતો જ સોગિયાવેડાથી ભરેલી છે: કોકનાં દાન કે કોકની કંજૂસાઈ ને કોકના મંદવાડ, એ તે શું કરવા જેવી વાતો છે! નહિ કાંઈ રોનક, નહિ કાંઈ ટીખળ; જ્યાં જુઓ ત્યાં ઉપદેશ, બોધ, નીતિ, દાનવીરપણું... હવે તો બકારી આવે છે, આ બધો ઉપદેશ આરોગી આરોગીને!” “છે ને ટણક!” મેં ટીકા કરી. “આ લ્યો ત્યારે, આ દુંદાળો દખભંજણો પધાર્યા.” અમારામાંના એકે સામે જોઈને સ્વાગત કર્યું. એ આવનાર રેલવે લાઈન પર ‘ગણપતિ’ નામે ઓળખાતા હતા. ગણપતિમાં એક સૂંઢની જ ન્યૂનતા હતી. તે સિવાય એમનું દર્શન માત્ર જ ગોળ ગોળ ચૂરમાના લાડુનું સ્મરણ કરાવવા માટે અને એના આસ્વાદ અમારાં જઠરમાં પ્રદીપ્ત કરવાને માટે પૂરતું હતું. ઉપરાંત પુરાણોના પ્રિય મંગલમય દુંદાળા દેવને કદરૂપ કલ્પનારો હું પોતે જ આ માનવ-ગણપતિની મૂર્તિ દેખી મારો મત પલ એકમાં બદલાવી બેઠો. ગૌર બદન: નમણું મોં: પહાડી દેહપરિમાણ. કોટનું ફક્ત એક વચલું બટન અને તે પણ માંડમાંડ બિડાયું હોય તેવું બોલી દેતી એની ફાંદ હતી. માથા પરથી ટોપો ઉતારીને તે વડે શરીરને વાહર નાખતા બેસનારા એ હતા ત્યાંના સ્ટેશન માસ્તર સાહેબ. કહે કે “ઑફિસમાં બેઠો હતો ને થયું કે બહાર આટલું બધું હસે છે કોણ?” “આમના બાપુએ,” અમારામાંના એકે હસવાની વાત પરથી ત્રાગ સાંધ્યો: “એક અશક્ય કામને શક્ય બનાવ્યું હતું. કેમ દુંદાળા દેવ યાદ છે ને?” “હા.” સ્ટેશન માસ્તરે સમજાવ્યું: “ગોંડળના મહારાજા મરહૂમ સર ભગવતસિંહજીને હસાવ્યા હતા એક ફક્ત મારા પિતાએ.” ને એના મોં પર ગર્વ પ્રસરી રહ્યો. “ખરેખર?” અમારામાંના ત્રણ-ચારનાં મોંમાંથી સામટો પ્રશ્ન નીકળી ગયો. અમે જાણતા હતા કે સ્વર્ગસ્થ સર ભગવતને હસાવવા એ પથ્થરને હસાવવાનો યત્ન કરવા બરોબર હતું. કોઈ પણ મળવા જનાર માણસ, પછી એ મહેમાન હો, અરજદાર હો, ચિત્રવિચિત્ર પ્રકારનો માણસ હો, ચાહે તેવો ટીખળી ચારણ હો કે એના મોં પર ન કહેવાના શબ્દો બોલનાર કોઈ બળ્યુંજળ્યું પ્રજાજન હો, હસાવી તો કોઈ એને શક્યું નથી, એના મોં પરની એક રેખાને પણ કોઈ હલાવી શક્યું નથી. ભગવત બાપુને એમના બાપુએ શું કરીને હસાવ્યા તેની વાત પછી એ જાણકારે કહી: “ગોંડળ રેલવે પર હડતાલ પડી. એ હડતાલને સર ભગવતે કચડી નાખી. કેટલાયે નોકરોને તોડી નાખ્યા. એમાંના એક તે આ આપણા દુંદાળા દેવ. બીજા જે જે તૂટ્યા તેની કોઈની તો, મહારાજાને પગે પાઘડી ઉતારવાથી પણ કારી ફાવી નહિ, કોઈનાં આંસુએ પણ અસર કરી નહિ, કોઈનાં બાલબચ્ચાં ને ઓરતના વિલાપથી પણ મહારાજા પીગળ્યા નહિ, પણ આ દુંદાળા દેવના બાપુએ જઈને આમ અરજ કરી: કે ‘ગરીબપરવર, દોષ તો દીકરે કર્યો, પણ એની સજા મને એના નિર્દોષ બાપને કાં કરી? આજ હવે જિંદગીને છેડે જતાં મારી પ્રતિજ્ઞા તોડાવશો, હજૂર?’ ‘શી રીતે?’ મહારાજાએ પ્રશ્ન કર્યો. તેનો આમના પિતાએ જવાબ વાળ્યો કે ‘ગરીબપરવર, જે દીથી દીકરો રેલવેમાં છે તે દીથી હું બજારનાં પાન ખાઈ શકતો નથી, મને રેલવેનાં પારસલોમાંથી જ પાન કઢાવીને ખાવાની આદત પડી છે. તેમ નથી મેં આટલાં વર્ષોથી બજારની કેરી ચાખી; મારે પારકાં પારસલોની સારામાં સારી કેરીઓ કઢાવીને જમવા બેસવાનો અભ્યાસ છે. એ જ મુજબ સોપારીનું છે, મોસંબીનું છે, હરકોઈ ખાવા-વાપરવાની વસ્તુનું છે. બહારની ચીજો મેં તો હરામ જેવી કરી છે. આજે હવે હું ઘેર જઈને જીવી શી રીતે શકીશ તેનો વિચાર કરો. મને નિર્દોષને શીદ મારો છો? મેં નથી હડતાલ પડાવી, કે નથી રેલવેની નોકરી કરી!’ “મહારાજાનું મોં આ વખતે જિંદગી ધરીને બીજી-ત્રીજી વાર જ મલક્યું, ને એણે આ દુંદાળા દેવને પાછા રાખી લેવા તુરત હુકમ દીધો. એટલે આના બાપુએ ફરી કહ્યું: ‘હજૂર; મને તો અત્યારે બે ફાયદા થયા: એક તો દીકરાની નોકરી સંધાણી, ને બીજું, મને ....દરબાર સાહેબ તરફથી બસો રૂપિયા મળ્યા!’ ‘રૂપિયા શેના?’ મહારાજાએ પૂછ્યું. ‘આપને હસાવવાના.’ ‘એટલે?’ ‘માણાવદરના દરબાર સાહેબે વચન દીધું છે કે જો હું આપને હસાવું તો મને એ રૂપિયા બસોનું ઇનામ આપે!’ “એ સાંભળીને એ પથ્થરને ફરી વાર હસવું આવેલું. આમ બબ્બે વાર ઠાકોર ભગવતસિંહજીને હસાવનાર માણસ બીજો કોઈ નીકળ્યો નથી હજુ સુધી.” “બાપા બેઠા છે ને?” મેં દુંદાળા દેવને પૂછ્યું. “ના, ભાઈ, એ તો આબરૂ સથૂકા ગયા, નહિતર અત્યારના કાળમાં હવે એમની જીવનભરની પ્રતિજ્ઞા પાળી શકાત નહિ. સમય બહુ ખરાબ આવ્યો. માણસોનાં મન છીછરાં બની ગયાં. પાંચ-પચાસ પાન કાઢી લઈએ તો હજુ પાનના કરંડિયાવાળા તો કાંઈ બોલતા નથી, પણ હવે પાંચ આફૂસ કાઢતાં તો મોટા શેઠિયાય ફરિયાદે દોડે છે; છાપામાં લખાવે તે વળી લટકાનું.” “હા, બાપા બિચારા બહુ દુ:ખી થઈ જાત. ઊજળે મોઢે ગયા એ તો,” વિનાયક, કે જે હવે રંગમાં આવતો જતો હતો તે, બોલી ઊઠ્યો. એટલામાં તો, “ફાટી નીકળ્યો છે ને કાંઈ! ચારે કોર બસ ફાટી જ નીકળ્યો છે!” એવા શબ્દો અમારી પછવાડે સંભળાયા; અને જોઈએ તો દડબૂભાઈ બે હાથ પહોળા કરીને ગંભીર મોઢું રાખી બોલતા ઊભા છે: “ગજબ ફાટી નીકળ્યો છે.” કપાળે ચાંદલો ને તે પર ચોખા ચોડેલા “ઓહો! દડબૂભાઈ, શું આ? પરણવા?” “ના, ઘરઘવા.” “સિંગાપુર પાછા જાઓ છો?” “હા, એટલે જ કહું છું ને, કે ઘરઘવા નીકળ્યો છું.” “કેમ એમ?” “એ તો એમ, કે લડાઈ પૂર્વે જે અમે મલાયા-બર્મા જઈ રહેતા તે પરણેતર જેવું હતું. હવે તો રાંડેલા જેવા પાછા જઈએ છીએ, હવેનું ત્યાં રહેવું ઘરઘરણા જેવું જ હશે. મૂળનો સ્વાદ રહ્યો નહિ હોય.” વિનાયક હવે ઠીક ઠીક રંગમાં આવી જઈ બેઠો થયો હતો. એણે પૂછ્યું: “તે ફાટી નીકળ્યો છે એવું શું કહેતા’તા?” “રોગચાળો.” “શેનો?” “લગનગાળાનો જ તો! કાંઈ જેવો તેવો ફાટી નીકળ્યો છે! હવાને જ બગાડી મૂકી છે. મરકી, કોગળિયું, ઓરી, અછબડા, મેનિન્જાઇટિસ ને મેલેરિયા, એ તો બચાડા મુદતિયા રોગચાળા, બે પાંચ મહિના રહીને ચાલ્યા જાય, પણ આ લગનગાળાનો રોગચાળો, કોઈ દિવસ નહોતો સાંભળ્યો એવા મહિનામાંય ચાલુ રહે છે. સિંગાપુર જવું છે તોપણ હું એટલા માટે તો અમાસ ને બુધવાર બેઉ કજોગ ભેગા જોઈને નીકળ્યો. છતાં ગાડી ત્રણ કલાક મોડી. ને આવશે ત્યારેય સેકન્ડ ક્લાસમાં પણ જો ઊભવા જેટલી જગ્યા જુઓ તો મને ફટ્ય કહેજો. રોગચાળો રગેરગમાં ઊતરી ગયો છે.” દડબૂભાઈ આ સ્ટેશનની નજીકના એક ગામના વતની હતા અને સિંગાપુરમાં એમના ત્રણેય ભાઈઓ સહિત એક ધીકતી પેઢી ચલાવતા હતા. હિંદથી ચીન-જાપાન જનારા સંખ્યાબંધ ગુજરાતીઓનું સિંગાપુર ખાતે વિરામસ્થાન દડબૂભાઈને ઘેર હતું. જાપાન સાથેની લડાઈ ફાટ્યા પછી જ એ અણીના ચૂક્યા અહીં ઘરભેગા થયા હતા. “બેસો બેસો, દડબૂભાઈ,” મેં એમને વાતે ચડાવ્યા: “પોતે તો રૂપાળા પરણી-પષ્ટીને દસ-દસ વરસથી હિલોળા કરવા અને બીજાઓનાં લગનને રોગચાળો કહેવો એ કાંઈ ન્યાય નથી. પણ હવે એમને કહો, જાપાન લડાઈમાં ઊતરી પડશે એવી તમને કાંઈ ગંધ ત્યાં સિંગાપુરમાં આવેલ ખરી?” “હા, નાતાલના દિવસો નજીક હતા. મારે એક સંબંધી ગોરા વેપારીને ક્રિસમસની કંઈક ભેટ આપવી હતી. એ ખરીદવા હું એક જાપાની સ્ટૉલ પર ગયો. પૂછ્યું: ‘ઇલેક્ટ્રિક ટૉય-ટ્રેન છે?’ ઇલેક્ટ્રિક ટૉય-ટ્રેન એટલે છોકરાંને રમવાની, વીજળીથી ચાલતી આગગાડી. જવાબમાં જાપાની વિક્રેતાએ મોઢું મલકાવીને મારી પાસે એક લાકડાની નાનકડી રમકડા-સ્ટીમર ધરી. મેં કહ્યું: ‘આને તો શું કરું? આનો તો દેખાવ જ ખરાબ છે.’ ‘દેખાવ શીદ જુઓ છો? એનો ગુણ તો વિચારો! ઇત કૅન ગો તૂ જાવા, ઇત કૅન રન તૂ બોર્નિયો, તૂ ફિલિપાઇન્સ, તૂ બર્મા, તૂ પર્લ હાર્બર, તૂ આંદામાન્સ, ઇત કૅન ગો તૂ એની પ્લેસ ઇન ધ પૅસિફિક ઍન્દ ઇન ધ ઇન્દિયન ઓશન!’ ‘ટ’ને બદલે ‘ત’ ઉચ્ચારણ કરતે કરતે આ વાક્ય જ્યારે એ બોલી રહ્યો હતો ત્યારે એનો હાથ એ રમકડાં-સ્ટીમરને કાઉન્ટર ઉપર અહીં ને તહીં બધે દોડાવતો હતો. હું એની સામે સચિંત નજરે જોઈ રહ્યો. એ મારી સામે મોં મલકાવતો હતો ને કહેતો હતો, ‘તેક ઇત, વેરી નાઇસ, વેરી સ્વીફ્ત, ઇત કૅન ગો એનીવ્હેર’. [લઈ જાઓ, બહુ સરસ છે, ઝડપી છે, ગમે ત્યાં જઈ શકશે.] આ શબ્દો મને એ જ સમયે રહસ્યપૂર્ણ લાગ્યા હતા. જાપાની બનાવટનું એ બેડોળ તકલાદી રમકડું બતાવી એણે મને વ્યંગમાં સમજાવી આપ્યું કે રમકડાં જેવું ટપૂકડું જાપાની નૌકા-બળ થોડા જ વખતમાં કેવા ઉલ્કાપાત કરી મૂકવાનું હતું. “આ શબ્દોમાં એ લોકોની સંપૂર્ણ તૈયારીનો ગુપ્ત મર્મ હતો. તે પછી તો થોડા જ દિવસમાં ‘રિનાઉન’ અને ‘પ્રિન્સ ઑફ વેલ્સ’ બ્રિટિશ યુદ્ધજહાજોને એમણે તોડી, પર્લ હાર્બરના ભુક્કા કરી જે રમખાણ મચાવ્યું તે જાણો છો.” “સિંગાપોરમાં પછી તમારી શી હાલત થઈ?” મેં પૂછ્યું. “બૉમ્બના હુમલાથી અમારી શી હાલત થઈ તે તો એક જ કિસ્સા વડે કહું. મારો નાનોભાઈ મને કહે કે ‘મોટાભાઈ, પરમ દિવસે આખો દિવસ તમે ગુજરાતી ભાષાનો એક પણ શબ્દ બોલ્યા વગર હિંદીમાં જ વાતો કર્યા કરતા હતા તે યાદ છે?’ મેં કહ્યું કે ‘ના ભૈ!’ એ કહે કે ‘હા’. હું સમજી ગયો. એક સવારે જાપાની બૉમ્બરો આવ્યાં, શહેર પર મોત વરસાવ્યું. હું એ પડતી ઇમારતો ને માણસોની ગભરામણભરી નાસભાગ મારી બારીમાંથી જોઈને ઓરડીમાં બેસી ગયો હતો. મેં એ જે જોયું તે દૃશ્યે મને ગુજરાતી ભાષા ભુલાવી દીધી હોવી જોઈએ. મને કંઈ ભાન નહોતું કે હું શું બોલતો હતો. સામાન્ય રીતે હું ગભરાટને વશ થાઉં તેવી પ્રકૃતિનો નથી. જે એક સ્ટીમરમાં હું પાછો વળ્યો તેમાં મોટે ભાગે બૈરા-છાંકરાં હતાં. એમાંનાં ઘણાંખરાં પંજાબી હતાં. અમને ભયની સાઇરન સાંભળી શું કરવું તેની તાલીમ અપાઈ. અમારે મોતને માટે જ સજ્જ બનવાનું હતું. ઝટ ઝટ લાઇફ-જૅકેટ (તરવાનો સરંજામ) ધારણ કરી કૅબિનની બહાર નીકળી તૂતક પર આવી ઊભવાનું હતું. અમારી પાછળ જાપાની વિમાનો ટોળાં દોટ કાઢતાં હતાં. વારંવાર એ ચડી આવતાં, અમારો પીછો પકડતાં, ભયંકર સાઇરન વાગતી, ને ખુદ છોકરાંની માતા પંજાબણો જીવ લઈને એકલી બહાર નીકળી પડતી, મને કહેતી જતી કે ‘બાબુજી, બચ્ચોંકો લેકર આનાં!’ હું એ બચ્ચાંને લાઇફ-જૅકેટ પહેરાવી બહાર લાવતો, ગભરાતો નહોતો એમ તો નહિ, છતાં કલેજું કાબૂમાં રાખતો. એ જ હું ત્યાં સિંગાપોરમાં ભાષા જ ભૂલી ગયેલો. પણ અમારી સ્ટીમર પર ઍન્ટિ-ઍરક્રાફ્ટ ચલાવનારો એક ગોરો ગોલંદાજ હતો, એની સમતાને હું આજે પણ સંભારું છું. જાપાની વિમાનોનું ટોળું ચડી આવે, એ ગોલંદાજ અહીંથી તોપ ચલાવે, પેલાં પાછાં ભાગે, હું ‘સબ સલામત’ની સાઇરન થયે બહાર જઈ એને પૂછું: ‘કંઈ સંકટ છે?’ એ જવાબ આપે કે ‘ઓ નો નો બાબુ, ડૉન્ટ બી અફ્રેઇડ ઑફ ધૉઝ નૅસ્ટી બર્ડ્ઝ.’ (ઓહ, નહિ રે નહિ, એ કમબખ્ત ગીધડાંથી ડરો નહિ.) “આ શબ્દોને હું કેમ ભૂલી શકું! પલેપલ જ્યારે જહાજ મૃત્યુની હાથવેંતમાં હતું, શત્રુ-બૉમ્બરો ભયાનક ચીસો પાડતાં ધસી આવતાં હતાં, અમારે માટે કોઈ રક્ષણ નહોતું, અફાટ સમુદ્રનાં પાણી પર એક પણ ઓથ નહોતી, એ બાપડાની પાસે એકાદ ઍન્ટી-ઍરક્રાફ્ર્ટ તોપ હતી, સ્ત્રીઓ-બાળકોનાં ક્રંદનો ચાલી રહેતાં, તે વખતે એના પ્રશાંત મોંમાંથી ‘એ કમબખ્ત પંખીડાંથી કશું જ ડરવાનું નહિ,’ આ શબ્દો નીકળે, ત્યારે હું સિંગાપોરમાં એક જ બૉમ્બમારે મારી માતૃભાષા ભૂલી ગયો હતો! ક્ષેમકુશલ અને મુંબઈ પહોંચ્યાં ત્યારે મેં જતી વેળા એને પાંચ પાઉન્ડની નોટ કાઢીને આપતાં આપતાં કહ્યું: ‘લે દોસ્ત, લજ્જતથી શરાબ પીજે’. ‘શા માટે?’ એણે ચકિત બની પૂછ્યું. ‘એટલા માટે, ભાઈ, કે તેં પેલા શબ્દો વારંવાર કહીકહીને મારા તૂટતા જિગરને ટકાવી રાખ્યું હતું.’ “આશ્ચર્યચકિત મોંએ ઊભો ઊભો એ હાથમાં પાંચ પાઉન્ડ રાખી મને જોઈ રહ્યો ને હું ચાલી નીકળ્યો.” “અરે વાહ!” અમારા મોંમાંથી ધન્યવાદ નીકળી પડ્યા. પણ દડબૂભાઈએ છેવટ જતે મોં બગાડીને પેલું અસલ ધ્રુવપદ હાજર કર્યું: “ક્યાં સાલી એ પ્રજા, ને ક્યાં આપણી આ લગનના રોગચાળામાં મરી રહેલી પ્રજા!” એ વખતે સ્ટેશન માસ્તરને કોઈકે ઑફિસમાં તેડાવ્યા, થોડી વારે એણે પાછા આવી કહ્યું: “લ્યો ભાઈ, વધામણી.” “શું છે?” “તાર છે કે અપટ્રેનમાં એક લાડડી આવે છે.” “એટલે?” “એટલે કે એ લાડડીને મારે અહીં ઉતારી લઈ ડાઉન ટ્રેનમાં પાછાં બેસારી દેવાનાં છે.” “લાડડી! કન્યા!” “હા, હા, મુરતવંતી ચૂંદડી ને ઘરચોળું પહેરેલી, મીંઢળબંધી, આજે જ માવતરે વળાવેલી.” “પણ એકલી?” “હા, એકલી જ તો!” “ભાગી નીકળી છે?” “ના, બદલાઈ ગઈ છે.” “શું કહો છો?” “તાર આવ્યો છે તે જ કહું છું. આગલે જંક્શને બે જાનો ગાડી બદલતી હતી. બેઉની લાડડીઓ હતી, આછા નહિ પણ ઘાટા ઘૂંઘટડાવાળી. ઓલી તરફ જવાવાળી જાનમાંથી એની લાડડી ઉતાવળમાં ને ઉતાવળમાં આ જાનની સાથે આ તરફની ગાડીમાં ચડી ગઈ. એને તો હરકોઈ એક જાનમાં જ જોડાઈ જવાનું હતું ખરું ને!” માસ્તર મશ્કરી કરતાં હતા તેથી મને તો ક્રોધ ચડ્યો: “પેલો વર કેવો સમજવો! બાઇડીને મૂકીને ટ્રેનમાં બેસી ગયો!” “ગાડિયુંના મામલા છે, બાપલા!” માસ્તર ઠંડે કલેજે બોલતા હતા: “કન્યાની વાટ જોવા બેસે તો પોતે ગાડી ચૂકી જાય ને!” “પણ ગાડીમાં એકલો ઘરે જઈ એ કમબખ્ત કરત શું?” “કરવાનું ક્યાં થોડું છે! લગનનાં આવક-ખરચનો હિસાબ કેટલો ચડી ગયો હશે! તે રાતે બેસીને નામું લખી નાખત. પછી વળી ખબર પડત ત્યારે પોલીસમાં જાહેર કરત.” આખરે ગાડી આવી અને જાન જેમાં બેઠેલી તે ડબા પર જઈને સ્ટેશન માસ્તરે એક્સ્ટ્રા લાડડીને ઉતાર્યાં. મૂળ વણિક વરરાજાની પરણેતર તે સોનીની જાન સાથે ચડી ગઈ હતી. મારા મનમાં એક કરુણ પ્રહસન ભજવાવા લાગ્યું. એક જ જાન સાથે બે કન્યાઓ ચડી ગઈ તેને બદલે જો બેઉ કન્યાઓ અદલબદલ બની ગઈ હોત, તો રવિબાબુએ ‘નૌકા-ડૂબી’માં આલેખ્યું છે તેવું જ કંઈક બની બેસત. કન્યાને અગાઉ ન જોયેલી તેવા વર અને વરને અગાઉ ન જોયેલ તેવી વહુ, રાત્રિએ શયનખંડમાં તેમના મેળાપ થાત. જેને સુંદરી સાંપડવાની હતી તેને લલાટે શીળીના ધોબાવાળી જડાઈ જાત; અને પેલા રસિક, રૂપાળા સોનાં-ઘાટ ઘડનાર જુવાનને, સાંભળી હતી તે કદરૂપીને બદલે ફૂટડી વાણિયણ મળી રહેત. પણ વિધાતા કદાચ ટીખળ કરવાના તૉરમાં આવેલ હશે તે પછી વળતી જ પલે એનું મન ફરી ગયું અને આગલા સ્ટેશને એણે પ્રારંભેલું પ્રહસન પાછું સમેટી લીધું. “જોયો ને રોગચાળો!” એટલું કહીને દડબૂભાઈ હજુ પ્લૅટફૉર્મ પર ઊભા ઊભા પેલી ઘૂંઘટાળી લાડડીને દુંદાળા દેવ સ્ટેશન માસ્તર પાસે ઊભેલી જોતા હતા. “હવે ચાલો ચાલો, ચડી જાઓ.” એમ કહીને મેં એનું બાવડું પકડી ગાડીમાં ચડાવ્યાં. અને અમારા સંગાથી વિનાયકભાઈની સાથે એમ એ લાડડી સહિત સ્ટેશન માસ્તરને કશીક વાત કરતા પણ જોયા. વિનાયક સામી ગાડીમાં પાછો જવાનો હતો. “અલ્યા એઈ!” વિનાયક અમને કહેતો હતો: “આ તો લફરું મને વળગાડવા માગે છે.” એમ કહી એણે દુંદાળા દેવ તરફ જોયું. “તમને ક્યાં જનમારો વેઠવાનું કહું છું, બાપલા!” સ્ટેશન માસ્તરે અમારી ટ્રેનને લીલી ઝંડી બતાવતાં વિનાયકને કહ્યું: “ફક્ત એ જાનવાળાને સોંપી અંકે કરાવજો ને!” તે પછી ત્રીજે દિવસે મારે ઘેર મને વિનાયકનો નીચે મુજબનો કાગળ મળ્યો અને મને લાગ્યું કે ગાડી મોડી થઈ તેનો સૌથી વડો લાભ એને સાંપડ્યો. પત્રમાં લખ્યું હતું: આપણે બેઠા હતા ત્યારે ચાંદલા કરવા આવેલ મૂંગા બ્રાહ્મણને મારું એકલાનું જ કપાળ ચીંધાડી દઈ તમે બધા મોં ફેરવી ગયા, પણ મને તો ચાંદલાનો ચૂકવેલ એક આનો અદ્ભુત રીતે ફળ્યો છે. આ વાંચીને તું સળગ્યા કરજે — તમારી ગાડીના ચાલ્યા ગયા પછી જ્યારે અમારી ગાડી આવી ત્યારે મને એક તાજી પરણેલી, ચૂડલિયાળી ચૂંદડિયાળી ઘૂંઘટવાળી યુવતી સાથે ચડતો જોઈ અંદરનાં ઉતારુઓ તાકી રહ્યાં. સેકન્ડ ક્લાસનાં બે-ત્રણ કમ્પાર્ટમેન્ટમાંથી જુદા જુદા સ્વાગત-સ્વરો વરસ્યા: ‘અહીં આવો, અહીં. ઘણી જગ્યા છે — અહીં જ ચડી જાઓ — અરે લાંબે જશો નહિ, અહીં સાંકડમોકડે બેસશું.’ ‘હં-અં.’ મેં મનમાં જ કહ્યું: ‘તમે બચ્ચાજી! — તમે શા સારુ સાંકડ વેઠવા તૈયાર થાઓ છો તે હું જાણું છું. તમે કાળાં બજારનાં તાજાં જણેલાં જંતુઓ, સેકન્ડક્લાસનાં સંડાસો પણ કેમ વાપરવાં એનીય આવડત વગરના તાજા તાલેવાનો, તમે ત્રણ સીટ પર પાંચ જ હો તોયે છઠ્ઠાને — ખાસ કરીને જો એ બુઢ્ઢો કે બુઢ્ઢી હોય તો — ‘બેસો’ એટલું પણ નહિ કહેવાવાળાઓ, અત્યારે આવો આવો કરો છો ને મને પિસ્તાલીસ વર્ષનાને નહિ પણ આ મારી સાથે અઢાર વર્ષની છે તેને કરો છો. મને તો તમે — અર્થાત્ તમારા નવા ઉભરાયેલા સેકન્ડ ક્લાસિયાના ટોળાએ — એક સ્ટેશન પર સવારની ટ્રેનમાં બે સ્ટેશન સુધી ઊભા રહેવા માગણી કરવાના બદલામાં મેથીપાક જમાડેલો એ હું ભૂલું તેમ નથી. રહો, તમારી પાસે જ ચડું છું.’ “ચાલો, ચડી જાઓ,” એમ કહી, એ લાડડીને મેં ખાસ્સી મજાની બાવડું પકડી ટેકો દઈને ચડાવી, અને પછી હું ચડ્યો. તે વખતની મારી છટા જોવા જેવી હતી, મારા શરીરમાં નવી સ્ફૂર્તિ હતી, ગૌરવ હતું. નવાં લગ્નની વિજયશ્રી હતી. રંગભૂમિના તખ્તા પર આવે પ્રસંગે જે કંઈ કુશળ ખેલાડીએ ધારણ કરવું ઘટે તેમાંથી મેં કશાની મણા રાખી નહિ. અને સાચો રંગ તો મૂંગા બામણે મને કરેલ મોટા ચાંલ્લાઓ રાખી દીધા. ડબામાં અમને દાખલ થયાં કે તુરત ચાર કાળા બજારિયા ખડા થઈ ગયા, ને અમને કહે કે પધારો. મેં પણ મારો એ સ્વાભાવિક અધિકાર સમજી, આભારનો શબ્દ પણ ઉચ્ચાર્યા વગર, મોં પર મૃદુ ભાવ સુધ્ધાં લાવ્યા વગર, હક્કદાવે બેસતો હોઉં એમ બેસીને, લાડડીને બાજુની એક બેઠક બતાવી કહ્યું: ‘આવો અહીં.’ “બરાબર? કમ્ફર્ટેબલી સીટેડ?” દુંદાળા દેવે પણ મારી ભૂમિકાનો મર્મ પામી જઈને બહાર ઊભે ઊભે પૂછ્યું. મેં કહ્યું: “કવાઇટ: થેન્ક્સ.” “ત્યારે સ્ટાર્ટ કરાવું છું.” “બેલાશક!” એણે લીલી ઝંડી ફરકાવી અને ગાડી ઊપડતાં મને કહ્યું: “વિશ યુ ગુડ લક.” [‘તમને સૌભાગ્ય ઇચ્છું છું.’] એના આ શબ્દોએ મારી ભૂમિકા પર પાકી મહોર લગાવી દીધી. એનો પ્રભાવ એ તમામ પૅસેન્જર પર સચોટપણે છંટાઈ ગયો. કોઈ અજબ તમાશાની હવા બંધાઈ ગઈ. સામી બે સીટો પર ઠાંસોઠાંસ બેસીને પણ એ તમામે અમને બેને એક આખી બર્થ કાઢી આપી ને એના પર એમણે વેરેલો ચીવડો, ગાંઠિયા-પૂરીનો કચરો પણ પોતાના રૂમાલે ઝાપટી આપ્યો! માણસ પોતાના ગુલાબી સંસારમાં જે એક ચોક્કસ છટાથી, જે એક ચોક્કસ સ્વજનને જ કહે છે તેવી છટાથી મેં એ ઘૂંઘટાળી કન્યાને નરમાશથી કહ્યું: “નિરાંતે બેસો. તરસ લાગી છે?” ત્યાં તો ‘હા હા લ્યોને, આ પાણી છે, ઠંડું છે’, એમ કરતા એક ભાઈએ સામી સીટ પરથી પોતાનો તાજો ખરીદેલ ચાંદીનો કટોરો ભરી ચંબુમાંથી પાણી આપ્યું જે મેં કન્યાને આપ્યું. એ પાછળ બારી તરફ ફરીને ઘૂમટો ઊંચકી પીવા લાગી. મને તીરછી નજરે એનું મોં જોવા મળ્યું. બાપડી મેં કલ્પી હતી તેવી જ: શીળિયાટ ઘોબા: ઘંટીના જેવું મોં ટોચાઈ ગયેલું. પીતી હતી તેમાં પહેલી જ વાર હોઠે અડેલા રૂપાનું સ્પર્શસુખ પણ લહેરાતું દેખાયું. પ્યાલો મને એણે પાછો આપ્યો, ત્યારે એનો હાથ મેં નિહાળીને જોયો. મોંના કરતાં હાથની જાત જુદી હતી. શામળા પણ ઘાટીલા ને ભરેલા હાથ: સફેદ ચૂડી પર નીરોગી રાતા લોહીની ઝાંય પડે છે. હશે, મારે શું! મેં એ કટોરો વીછળી દેવાનો બિલકુલ વિવેક ન બતાવતાં પાછો દીધો, આભાર પ્રદર્શન જેવી કશી કુમાશ પણ મેં મોં પર ધારણ કરી નહિ, છતાં કટોરો પાછો લેનાર ભાઈએ જ એ લેતાં લેતાં મારા તરફ પોતે આભારી બન્યો હોય એવી અદાથી માથું નમાવ્યું અને હોઠ નચાવ્યા. પછી બીજા ભાઈએ પોતાના કરંડિયામાંથી આફૂસની પાંચ કેરી કાઢી એક રકાબીમાં સમારવા માંડી. મને થયું કે ‘બાઈ, શીળીના ઘોબાવાળી લાડડી, તારાં ભાગ્યની પણ બલિહારી છે! ટટકાવ તું તારે’. “જમશો ને કેરી?” પેલાએ પૂછ્યું. “ભલે.” મેં મહેરબાની કરી; “હું તો દેવસ્થાને જઈ પગે લાગ્યા પહેલાં નહિ ખાઈ શકું, પણ એ ખાશે.” રકાબી મેં ‘એ’ને આપી. એ તો બારી તરફ મોં રાખીને આરોગવા જ મંડી. પછી એ ટાફેટાનાં શર્ટમાં સુસજ્જ નવ-ધનિકોના મંડળમાંથી મારી સાથે વાર્તાલાપ શરૂ થયો. તાતાનું સુગંધી તેલ તેમનાં માથાંમાંથી તીખી ભભક દેતું હતું. એક જણ મને ઓળખતો હશે તેણે પ્રારંભ કર્યો: “સારું કર્યું આપે, છેવટે આ વિચાર કર્યો.” એ જાણતો હશે કે હું સાત વર્ષથી વિધુર હતો. મેં કહ્યું: “બેશક.” “છોકરાંનાં સુખ ખાતર પણ વિચારવું જ જોઈએ ને!” “ના.” મેં સ્પષ્ટ કહ્યું: “આમાં તો મારા જ સુખનો વિચાર હતો. પાંચ પૈસા કમાયો છું તે શું જખ મારવા!” સૌ હસ્યા; જોરથી દાંત કાઢવાની તેમની મગદૂર નહોતી. હું અક્કડ જ રહ્યો. “આપનો તો હવે આ નવા ધંધામાં ભાગ જ છે ના?” એમણે મારા કયા નવા ધંધાને નિર્દેશીને પૂછ્યું તે તો હું પણ ન કલ્પી શક્યો, કારણ કે હું તો જે હતો તે જ હતો. છતાં મેં જાય બિલાડી મોભામોભ જેવું કરી કહ્યું: “હા, હું સિનિયર પાર્ટનર છું.” “આ તો વિધવા પુનર્લગ્ન હશે.” “નહિ રે!” મેં તૉરથી જવાબ વાળ્યો: “એવી શી જરૂર? કુંવારી ક્યાં નથી મળતી?” તેઓ ઝંખવાયા એ હું જોઈ શક્યો. એટલે મેં કહ્યું: “નાણાંને શું નથી મળતું? ચાર ગણાં બેસે એટલું જ ને! ઉપાડ ચાર ગણાં, કર નિકાલ, એ મારું સૂત્ર છે.” “અને આજે તો—” એકે સમર્થન કર્યું: “રૂપિયાની કિંમત જ પાવલી જેટલી છે ના!” “અરે બે આની કેમ નથી થઈ જતી!” મેં ધૃષ્ટતાને રગેરગમાં ધારણ કરી હતી. “આપની ન્યાતમાં પણ ત્યારે તો પુખ્ત ઉંમરનું કુંવારું બૈરું મળી શકે છે.” “એ તો જેવાં નાણાં.” “હા એ તો,” એક કહેવત લાગુ પાડી: “ગોળ નાખીએ એટલું ગળ્યું કરી શકાય. ડીલે હાડેતું માણસ હોય તો આવીને તુરત ઘરનો ભાર ઉપાડી લ્યે ના, બાપા!” “ના રે” મેં ટાઢે કોઠે એનું મોં તોડી લીધું: “ઘરનો ભાર ઉપાડનારા નોકરોચાકરો ક્યાં ઓછા છે! આટલે પૈસે ચાકરડી ખરીદી લાવનારો તો હોય કોઈક મૂરખનો સરદાર.” “સાથે કોઈ કેમ નથી?” “છે, થર્ડમાં. શું કરું? તમને સંકડાશ કરવી પડી. રેલવેએ ફર્સ્ટનું રિઝર્વેશન આપ્યું નહિ.” “એટલો અમને લાભ થયો.” મેં મૂંગો તુચ્છકાર બતાવીને એની અસર પાડી, કે તમે મુફલિસોએ જ મારા રંગમાં ભંગ પાડ્યો છે! આ વાર્તાલાપ ચાલવા દરમ્યાન લાડડી તો નિરાંતે અમારી સૌની તરફ પીઠ રાખીને, જંગલનાં ઝાડપાંદ તેમ જ વાડીઓ હરિયાળા છાસટિયા જોતી જોતી આફૂસની ચીરો આરોગતી હતી. અમારા વાર્તાલાપના એક પણ મુદ્દા પર એણે ચમક, ગભરાટ અથવા હાસ્યગ્લાનિ દર્શાવ્યાં નહોતાં, એ પરથી અનુમાન કરવું સહજ હતું કે એ અતિ ભૂખી હશે, અને એક સાથે બે જ્ઞાનેન્દ્રિયોને કામે લગાડવાનું શીખવનાર યૌવન અત્યારે તો એ ક્ષુધાતૃપ્તિના કાર્ય હેઠળ દબાઈ ગયું હશે. એણે કોણ જાણે ક્યારે છેલ્લું ખાધું હશે. સ્ટેશનથી કેટલું છેટું એના મહિયરનું ગામ હશે. માએ છેલ્લી વાર ભાણા પર બેસારી પરાણે કોળિયા ભરાવ્યા હશે, પણ આંસુની ધારાઓએ એ કોળિયાને ખારા ખારા કરી મૂક્યા હશે. સ્ટેશને આવીને સૌ જાનવાળા સાથે એને ટીમણ કરવા બેસારી હશે, પણ એને ખાવું નહિ ભાવતું હોય એટલે નણંદે ઠેકડી કરી હશે કે ‘હં ... અં, દુત્તી! ઇ તો મારો ભાઈ ઘેર જ્યારે રાતે કોળિયા ભરાવશે ત્યારે જ ખાવાની હઈશ! આમ તો એ કોણ જાણે ક્યાં સુધી ભૂખી રહેત, ને આફૂસ તો જનમારો ધરીને દીઠીય શેની હશે! અહીં આફૂસ મળી, મોકળાશ મળી, ઠંડે કલેજે આરોગીને ઓડકાર પણ ખાધો. ખાલી રકાબી મારી તરફ સેરવી. મેં એ ઉપાડીને કૃપાનિધાનની છટાથી એના માલિકને આપી, એ બાથરૂમમાં જઈ, ધન્ય બન્યો હોય તેમ ધોઈ આવ્યો. પછી મેં એ લોકોને પૂછ્યું: “તમે ક્યાં ઊપડ્યા છો?” “લગ્ન પર.” “કોનાં?” “આપણે મુલુંદવાળા મહાસુખભાઈના દીકરાનાં. તમે તો ઓળખતા હશો. એમણે મહાત્માજીનાં ચશ્માંની એક ભાંગેલ ડાંડલીના હમણાં જ રૂપિયા દસ હજાર દીધા....” “ખરું ખરું, અને એ પૂર્વે સરકારના વૉર ફંડમાં જેમણે પચાસ હજાર ભર્યા તે આઝાદ ઇન્ડસ્ટ્રિયલ કંપનીવાળા ને?” છોભીલા પડીને તેઓએ મૂંગાં માથાં ધુણાવ્યાં. “જાનમાં કેટલાક છો?” “પચાસેક હશું. બીજા પાછળના ફર્સ્ટ-સેકન્ડમાં છે.” “ત્યારે તો સામા પક્ષને આકરું પડશે ખરું.” “ના રે ના, એમને લખી નાખ્યું છે મહાસુખભાઈએ, કે મૂંઝાશો નહિ, ખર્ચ હું મજરે ચૂકવી દઈશ.” “પેલા કંઈ એમ લેવા બેસે?” “ખરું, એ તો પોરબંદરનું ખાનદાન નગરશેઠ કુટુંબ છે, જરા મોળા પડી ગયા છે, પણ એને ઘસારો નહિ આવવા દે મહાસુખ શેઠ. હરકોઈ બહાને પણ એના ગજવામાં બે-ચાર હજાર પેસારી દેશે.” આટલી વાતોએ અમારી વાટ ખુટવાડી દીધી અને ગાડી જંક્શને હજુ ઊભી રહી ન રહી ત્યાં તો પ્લૅટફૉર્મ પર લીલા લૂગડાના મોંઢાંકણાવાળી ત્રાંબાની ગોળીએ લાડડીને દૂરથી જાણે કે ઝંડી દેખાડી. પણ રેલગાડીના ખાતામાં જ્યારે લીલી ઝંડી સુલેહસલામતીની હોય છે, ત્યારે સંસાર-ખાતામાં લીલું લૂગડું ભયસૂચક ઠર્યું છે. લીલો રંગ એ લગ્નનું ચિહ્ન છે, ને લગ્ન જેવી કોઈ બીજી આફત નથી. પ્લૅટફૉર્મ પર પડેલા એ મા-માટ ફરતા ઊભા થઈ ગયેલા પંદર-વીસ જણાએ ગાડી તરફ દોટ દીધી. ‘આ રયાં વઉ! આ રયાં વઉ! આ રઈ ભાભી!’ એવો શોર કરતાં સૌ ગાડીની સાથે દોટ કાઢતાં હતાં, ને એની વચ્ચે એક પંદર વર્ષનો છોકરો ગરીબડે મોઢે ‘ઓ બે’ન!’ એવું બોલી હર્ષાવેશમાં રુદન કરતો ઊભો હતો. બીજા કોઈના બુમરાણની સામે નહિ ને એક ફક્ત આ ‘બે’ન’ કહી રડી પડનાર કિશોરની સામે ઘૂમટો જરાક ઊંચો કરી ‘એ ભૈલા!’ એવા શાંત શબ્દે લાડડી નિહાળી રહી, ને હું એક જ સાંભળી શકું તેવા સ્વરે ગદ્ગદિત બનીને એ બોલી: “બાપડો બે’નને પોંખાવવા સાથે આવે છે, ફફડ્યો હશે. અરેરે, એને બધાં ખૂબ વઢ્યાં હશે!” હું કશું કહી શક્યો નહિ. ગાડી ઊભી રહી ત્યાં તો પંદરેક જણા ડબાના ફૂટબૉર્ડ પર ચડી ગયા. કોઈ કહે ‘ભાન વિનાનાં નૈ તો!’ બીજું કહે, ‘આવું તે હતું હશે! સંચોડી પોતાની જાનને ભૂલીને ચડી ગ્યાં ને ચડી બેઠાં કોકની જાન હારે!’ ત્રીજો કહે, ‘આ તે બોતડું કે માણસ!’ એ તો ઠીક. પણ આ નવો તાલ જોઈને મારા સંગાથી પૅસેન્જરો બાઘા જેવા બની ગયા. મેં તો લજ્જતથી ઊભા થઈને કહ્યું “ચાલો સાહેબજી! મજા પડી.” ને હું નીચે ઊતર્યો, પછી પેલી લાડડીને કહ્યું, “ઊતર બાપુ! બેટા! જો સાચવીને ઊતરજે. ગભરા નહિ.” કહી મેં ફરી એનું બાવડું પકડી ઉતારી. ડબાની અંદરના બાઘાઓ આથી વળી વિશેષ ડઘાયા, પણ મારે તો અહીં જ ઊતરવાનું હતું એટલે એમને મારી મશ્કરી વિશે ચર્ચા કરવાનો અવકાશ જ ન રહ્યો. બાઈને મેં પ્લૅટફૉર્મ પર લઈ જઈ પેલા ટોળાને પૂછ્યું, “કોણ છે આનો સસરો?” “હું — હું છું સા’બ.” મને એણે સાહેબ ધાર્યો. “લ્યો, સંભાળો તમારી કન્યાને. ઊભી રહે, બેટા!” કહી મેં એ કન્યાના હાથમાં બે રૂપિયા મૂક્યા ને હું ચાલી નીકળ્યો. કંઈક યાદ આવ્યું હોય એમ પાછા ફરીને મેં પેલા ડેન્જર-સિગ્નલ મા-માટ પાસે નજર કરી. એક તેર વર્ષનો છોકરો વર-વેશે બેઠો હતો. એના હાથમાં રાતું લૂગડું વીંટેલ લાકડાની તરવાર હતી. વહુ પાછી આવી તે વાતના કશા પણ પ્રત્યાઘાત વગરની સ્થિતપ્રજ્ઞ દશામાં એ બેઠો હતો. ને એના મોં પર ત્રણેક માખીઓ ફરતી હતી. આ પરથી તને ખાતરી થશે, કે ગાડીને મોડી કરવાની મહેરબાની બદલ રેલવેવાળા મારી પાસેથી આભારના શબ્દની વાજબી આશા રાખી શકે. એવો આભાર-પત્ર મેં આપણા ટ્રાફિક ઉપરીને લખી પણ નાખ્યો છે. વિનાયકનો આ કાગળ વાંચી મને ખૂબ ખીજ ચડી.