મેટમૉર્ફોસીસ/૧


ગ્રેગોર સામસાએ એક સવારે અસ્વસ્થ કરી મૂકે એવાં સ્વપ્નોમાંથી જાગીને જોયું તો તે પોતે એક મસમોટા જંતુમાં ફેરવાઈને પથારીમાં પડ્યો હતો. બખ્તરની જાણે બની ન હોય એવી સખત પીઠ સરસો તે પડ્યો હતો અને જ્યારે તેણે પોતાનું માથું જરા ઊંચું કર્યું ત્યારે જોઈ શક્યો કે ઘુમ્મટના જેવું કથ્થઈ પેટ સખત, કમાનદાર પટ્ટાઓમાં વહેંચાઈ ગયું હતું. એના પર રજાઈ સરખી રહી શકતી ન હતી અને તે બાજુ પર સરી જવાની અણી પર હતી. પોતાના શરીરની સરખામણીમાં ખૂબ જ પાતળા અસંખ્ય પગ તેની આંખો સામે અસહાય બનીને ધ્રૂજી રહૃાા હતા. મને આ શું થઈ ગયું તેને થયું, એ કંઈ સ્વપ્ન ન હતું. ચાર પરિચિત દીવાલોમાં તેનો વધુ પડતો નાનો ઓરડો, માણસના વસવાટ માટેનો ઓરડો, શાંત લાગતો હતો. જે ટેબલ પર કાપડના નમૂનાઓ ખોલીને પથરાયેલા હતા તેના પર હમણાંના જ કોઈ સચિત્ર સામયિકમાંથી તેણે કાપેલી ને સરસ સોનેરી ફ્રેમમાં મઢાવેલી તસવીર લટકતી હતી. ગ્રેગોર સામસા સેલ્સમૅન હતો. રૂંવાની ટોપી અને દુપટ્ટો પહેરેલી એક સ્ત્રી ચિત્રમાં ટટ્ટાર બેઠી હતી અને તેણે જોનારની સામે રૂંવાવાળું મોટું મોજું ધર્યું હતું, તેમાં એનો આખો હાથ ઢંકાઈ ગયો હતો. ગ્રેગોરે ત્યાર પછી બારી સામે અને ઘેરાયેલા આકાશ સામે જોયું, બારી નીચે આવેલી ગટરમાં પડતાં વરસાદનાં ટીપાં સાંભળી શકાતાં હતાં, એનાથી તે સાવ ઉદાસ થઈ ગયો. તેને થયું, ચાલ એકાદ ઊંઘ ખેંચી કાઢું અને આ બધું ચિત્રવિચિત્ર ભૂલી જઉં; પણ એમ થઈ શકે એમ ન હતું કારણ કે તેને જમણે પડખે સૂવાની આદત હતી અને અત્યારની હાલતમાં તે પડખું ફરી શકે તેમ ન હતો. તે ગમે તેટલું જોર કરીને જમણે પડખે થવા જાય કે તરત જ પાછો પીઠભર થઈ જતો હતો. ઓછામાં ઓછું તેણે સોએક વાર આમ કરી જોયું, પોતાના ઝૂઝતા પગ ન દેખાય એટલા માટે તે આંખો મીંચી રાખતો હતો અને જ્યારે આ પહેલાં કદી ન અનુભવ્યું હોય એવું આછું દરદ પડખામાં થવા માંડ્યું ત્યારે જ તેણે પોતાનો પ્રયત્ન પડતો મૂક્યો. તેને થયું : હે ભગવાન, સાવ થકવી નાખે એવી નોકરી મેં શા માટે પસંદ કરી? દરરોજ મુસાફરી કર્યા જ કરવાની. ગોદામમાં કામ કરવું સારું, આ તો સાવ નકામું કામ કરતો હતો અને તેમાંય વળી સતત મુસાફરીઓ, ગાડીઓ પકડવાની ચિંતા; રાતવાસો, અનિયમિત ભોજન, દર વખતે નવા નવા ચહેરાઓ જોવાના અને એમની એવી ઓળખાણો કદી મૈત્રીમાં તો ફેરવાવાની નહીં. જહન્નમમાં જાય આ નોકરી! પેટ પર જરા બળતરા થઈ; ધીમે રહીને તેણે શરીર ઉપલી બાજુએ ખસેડ્યું જેથી તે પોતાનું માથું સહેલાઈથી ઊંચું કરી શકે; બળતરા થતી હતી એ જગ્યા શોધી કાઢી, એની આસપાસ નાના નાના સફેદ ડાઘ હતા, એ શાના હતા તે સમજાયું નહીં; એક પગ વડે અડકવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ સ્પર્શથી કમકમાં આવી ગયાં એટલે પગ તરત ખેંચી લીધો. ફરી તે અગાઉની સ્થિતિમાં ગોઠવાઈ ગયો. તેણે વિચાર્યું - આ વહેલા ઊઠવાથી સાવ બાઘા બની જવાય છે. માણસને ઊંઘવા તો જોઈએ ને! બીજા ધંધાદારીઓ તો જનાન-ખાનાની સ્ત્રીઓની જેમ રહેતા હોય છે. દાખલા તરીકે, મને જેટલા ઓર્ડર મળ્યા હોય તેની નોંધ કરવા સવારે હોટલમાં પાછો આવું ત્યારે બીજાઓ તો નિરાંતે નાસ્તાપાણી કરતા હોય છે. હું આવું કરવા માંડું તો મારો સાહેબ મને ત્યાં ને ત્યાં જ બારણું બતાવી દે. એ પણ મારા માટે તો સારી ઘટના પુરવાર થઈ શકે. જો મારે મારા માબાપને મદદ કરવી પડતી ન હોત તો ક્યારનું રાજીનામું આપી દીધું હોત, ક્યારનોય સાહેબ પાસે પહોંચી ગયો હોત અને તેમના વિશે હું શું માનું છું એ કહી દીધું હોત. સાંભળીને તો તે ટેબલ પરથી ગબડી જ પડત. ઊંચા ટેબલ પર બેસીને સાહેબ હાથ નીચેનાઓ સાથે વાતો કર્યા કરે એ જ કેવું વિચિત્ર કહેવાય, અને તેમાંય પાછું એમને સંભળાય ઓછું એટલે તમારે નજીક જઈને વાતો કરવાની, છતાં આશા મૂકી નથી દીધી; મારા માબાપ પાસે એ જે પૈસા માગે છે એ બચત કરી કરીને ચૂકવી દઉં એટલે ચોક્કસ છૂટો જ થઈ જઈશ. બીજાં પાંચછ વરસ નીકળી જશે. પછી હું સાવ સ્વતંત્ર થઈ જઈશ પણ અત્યારે તો ચાલ, બેઠો થઉં, મારી ટ્રેન પાંચ વાગ્યાની છે. પેટી પર ટિકટિક કરતા એલારામ સામે તેણે જોયું. અરે ભગવાન.... આ તો સાડા છ વાગી ગયા અને કાંટા તો ધીમે ધીમે આગળ ખસી રહૃાા છે; મોટો કાંટો છ ઉપરથી પણ ખસવા માંડ્યો છે અને હવે પોણા સાત વાગવાની તૈયારી. ઘંટડી વાગી તો ગઈ નહીં હોય? પથારીમાંથી તે જોઈ શકતો હતો કે બરાબર ચાર વાગ્યાનું એલારામ ગોઠવ્યું હતું; ઘંટડી તો ચોક્કસ વાગી જ હશે. હા, પણ કાન ફાડી નાખે એવા અવાજે ઘંટડી વાગતી હોય ત્યારે શાંતિથી ઊંઘ આવે ખરી? પણ તેને ગાઢ ઊંઘ નહીં આવી હોય તોય ઘંટડી સંભળાય એટલી નિરાંતે તો ઊંઘ્યો જ હશે. પણ તેને ખરેખર તો નિરાંતે ઊંઘ આવી જ ન હતી અને એટલે જ આંખ મળી ગઈ હશે પણ હવે શું કરવું? બીજી ટે્રન સાત વાગ્યાની હતી. એ પકડવા માટે તો રઘવાયા બનીને દોટ મૂકવી જ પડે; હજુ તો કાપડના બધા નમૂના પેક કર્યા વિનાના પડ્યા છે, તે પોતે પણ તાજોમાજો લાગતો નથી અને એ ગાડી પકડાય તો પણ સાહેબ તરફથી ઠપકો તો મળવાનો જ છે. કારણ કે ગોદામમાંથી માણસ તો પાંચ વાગ્યાની ગાડીની રાહ જોતો ઊભો હશે અને હું સમયસર પહોંચ્યો નથી એની ફરિયાદ ક્યારની કરી દીધી હશે. એ માણસ સાહેબનો ચમચો છે; તદ્દન મૂરખ અને કાયર. પરંતુ ‘હું માંદો હતો’ એવું જો કહું તો? પણ એ પાછું ખરાબ કહેવાશે અને સાહેબ વળી વહેમાશે, કારણ કે પાંચ વરસની નોકરીમાં એકે વખત બિમાર પડ્યો ન હતો. પછી તો સાહેબ જાતે વીમા કંપનીના કોઈ દાક્તરને લઈને આવી ચઢશે, માબાપને મારી આળસ બદલ ઠપકો આપશે અને દાક્તર તરફ આંગળી ચીંધીને બધાં બહાનાં ફગાવી દેશે અને આ દાક્તર તો બધા જ માણસોને હટ્ટાકટ્ટા માનતો હતો, એટલે બીજા બધાને આળસુ તરીકે જ ઓળખાવે. અત્યારે ખરેખર સારું લાગે છે. આટલી લાંબી ઊંઘ ખેંચી એટલે થોડી સુસ્તી ચઢી ગઈ છે અને રોજ કરતાં વધારે ભૂખ પણ લાગી છે. આ બધા જ વિચારો તેના મનમાં પૂરઝડપે આવી ગયા અને તે પોતાની પથારીમાંથી બેઠો થવાનો નિર્ણય કરી ન શક્યો. એલારામ ઘડિયાળે હમણાં જ પોણા સાતનો ટકોરો વગાડ્યો, તેના પલંગની પાછળ પડતા બારણા પર ધીમેથી ટકોરો પડ્યો. અવાજ આવ્યો – ‘ગ્રેગોર...’ એ તેની માનો અવાજ હતો. ‘પોણા સાત વાગી ગયા. તારે ટે્રન પકડવાની નથી?’ એ આછો અવાજ. માને જવાબ આપવા તે કશું બોલ્યો પણ પોતાનો અવાજ સાંભળીને તેને આઘાત લાગ્યો; એ વાત સાચી કે એ અવાજ તેનો જ હતો પણ એની પાછળ કશો ઘોઘરો, ભયાનક અવાજ સતત સંભળાતો હતો. એને કારણે શરૂઆતમાં સ્પષ્ટ રૂપ લેતા અને પછી પડઘા પાડતા તેના શબ્દોનો કશો અર્થ નીકળતો ન હતો. એટલે બરાબર સંભળાયું છે કે નહીં તે જ નક્કી થઈ શકતું ન હતું. ગ્રેગોર નિરાંતે ઉત્તર આપીને બધું સમજાવવા માગતો હતો પણ આ નવા સંજોગોમાં તે માત્ર આટલું જ બોલ્યો : ‘હા...હા...મા, હું હવે બેઠો થઉં છું.’ એ બંનેની વચ્ચે રહેલા લાકડાના બારણાને લીધે તેના અવાજમાં આવેલું પરિવર્તન બહાર સ્પષ્ટ રીતે વરતાયું નહીં કારણ કે તેની માને તેના ઉત્તરથી સંતોષ થયો અને ત્યાંથી ચાલી ગઈ. આમ છતાં આ ટૂંકી વાતચીતથી ઘરના બીજા સભ્યોને જાણ થઈ ગઈ કે ગ્રેગોર હજુ ઘરમાં જ છે; તેમને માટે એ અણધાર્યું હતું અને તરત જ બીજા એક બારણા આગળ આવીને તેના બાપા ધીમેથી પણ મુઠ્ઠીઓ વડે ઠોકવા લાગ્યા : ‘ગ્રેગોર, ગ્રેગોર, કેમ શું થયું?’ અને થોડી વારે ફરી તેઓ ઘેરા સાદે બોલ્યા : ‘ગ્રેગોર, ગ્રેગોર.’ બીજા બારણે તેની બહેન ધીમા અને ખિન્ન સાદે બોલી રહી હતી : ‘ગ્રેગોર, તારી તબિયત તો સારી છે ને? તારે કંઈ જોઈએ છે?’ તેણે બંનેને તરત ઉત્તર આપ્યો : ‘હા, હું તૈયાર જ છું.’ પોતાના શબ્દો સ્પષ્ટ સંભળાય એ રીતે અને બે શબ્દની વચ્ચે ખાસ્સા વિરામ લઈને તે બોલ્યો અને પોતાના અવાજને શક્ય તેટલો યથાવત્ રાખવાનો પ્રયત્ન કર્યો. એટલે તેના બાપા નાસ્તો કરવા ટેબલ આગળ ગયા પણ તેની બહેન ધીમે સાદે બોેલી : ‘ગ્રેગોર, બારણું ખોલ જોઈએ.’ પણ તે બારણું ખોલવા માગતો ન હતો. મુસાફરીની આદતને કારણે રાતે બધાં બારણાં વાસીને સૂઈ રહેવાની આદત તેને અત્યારે સારી લાગી, ઘેર પણ બારણાં વાસી રાખતો હતો. પહેલાં તો તે સહેજ પણ અસ્વસ્થ થયા વિના શાંતિથી ઊભો થવા માગતો હતો. કપડાં પહેરવા માગતો હતો પણ એ બધાં પહેલાં નાસ્તો કરવો હતો. પછી જ જે કરી શકાય તે કરવાનું કારણ કે પથારીમાં પડ્યા રહીને તો તેના વિચારો કોઈ ચોક્કસ નિર્ણય લેવા નહીં દે એની તેને ખાત્રી થઈ. તેને યાદ આવ્યું કે ઘણી વાર પથારીમાં સૂઈ રહે ત્યારે જરા જરા દુઃખાવો થતો હતો. કદાચ કઢંગી રીતે સૂઈ જવાથી એવું થતું હશે પણ એક વાર ઊભા થઈ જાઓ એટલે બધું ગાયબ. અત્યારે પણ આ સવારની બધી ભ્રમણાઓ ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે એની રાહ આતુરતાથી તે જોવા લાગ્યો. એના અવાજમાં જે ફેરફાર થયો એ તો અમસ્તો જ, ભયાનક શરદીની અગમચેતી રૂપે. બધા જ સેલ્સમેનોની આ કાયમી બિમારી, આ બાબતમાં તો તેને કશી શંકા હતી જ નહીં. રજાઈ દૂર કરવી તો સાવ સહેલું હતું; જરાક પેટ ફુલાવવાનું કે એ જાતે સરી જવાની પણ ત્યાર પછીની વાત અઘરી હતી, ખાસ કરીને તો તે અત્યારે બહુ પહોળો થઈ ગયો હતો એટલે ઊભા થવા માટે તો હાથપગ જોઈએ; એને બદલે તો સાવ નાના નાના ઘણા બધા પગ હતા અને બધી દિશાઓમાં તે સતત ધ્રૂજ્યા જ કરતા હતા; એમને તે જરાય અંકુશમાં રાખી શકે એમ ન હતો. જ્યારે તેણે એક પગ વાળવાનો પ્રયત્ન કર્યો ત્યારે સૌથી પહેલો પગ સીધો થયો અને છેવટે પોતાને જેવી હાલતમાં જોઈતો હતો એવી હાલતમાં તે ગોઠવી શક્યો, પણ બીજા બધા પગ સાવ આડેધડ ધૂ્રજવા લાગ્યા અને એનાથી તેને ભારે અસુખ થવા માંડ્યું. ગે્રગોર મનોમન બબડ્યો : ‘પણ પથારીમાં પડ્યા રહેવાનો કયો અર્થ?’ તેને લાગ્યું કે શરીરના નીચલા ભાગ વડે પથારીમાંથી બેઠો થઈ શકશે પણ હજુ સુધી આ નીચલો ભાગ તો જોયો જ ન હતો, એના વિષે તે કશો અંદાજ બાંધી શકે એમ ન હતો, આ ભાગ તો જરાય હાલેચાલે એવો ન હતો, માંડ માંડ હલાવી શકાતો હતો; અને છેવટે ખૂૂબ જ ક્રોધે ભરાઈને તેણે બધી તાકાત ભેગી કરી અને ગમે તેમ ઊભો થવા ગયો. તેણે દિશાનો અંદાજ ખોટો બાંધ્યો હતો એટલે પલંગની સામી ધારે પછડાયો; તેને જે તીવ્ર વેદના થઈ તેનાથી એટલો ખ્યાલ આવ્યો કે અત્યારે તો તેના શરીરનો આ નીચલો ભાગ અત્યંત સંવેદનશીલ હતો. એટલે તેણે શરીરના ઉપલા ભાગને ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો અને પલંગની ધાર તરફ માથું સાવચેતીથી સરકાવવા માંડ્યું. તે સહેલું લાગ્યું અને તેનું શરીર પહોળું અને વિશાળ હોવા છતાં ધીમે ધીમે તેના માથાની દિશામાં ગતિ કરવા માંડ્યું. છતાં, તે ધાર પર મુક્ત રીતે માથું રાખી શક્યો ત્યારે આગળ વધવાની બીક લાગી; કારણ કે જો તે આ રીતે પડતું નાખશે તો માથાને ઇજા થતાં ભાગ્યે જ અટકાવી શકશે અને અત્યારે આ પળે તો તે કોઈ પણ ભોગે બેહોશ થવા માગતો ન હતો; એના કરતાં તો તે પથારીમાં પડ્યો રહેશે. પરંતુ એવા પ્રયત્નો વારંવાર કર્યા પછી તે ફરી પોતાની મૂળ સ્થિતિમાં નિ:શ્વાસ નાખતો પડી રહૃાો અને પહેલાં કરતાં પણ વધારે જોરથી એના નાના પગને એકબીજાની સામે ઝઝૂમતા લાચારીથી જોઈ રહૃાો. આ સ્વચ્છંદી અરાજકતાને અટકાવવાનો કોઈ રસ્તો દેખાયો નહીં; તેણે ફરી પોતાની જાતને કહૃાું. પથારીમાં તો પડી નહીં જ રહેવાય અને પથારીમાંથી ઊભા થવાની સાવ આછીપાતળી આશા પાર પાડવા માટે પણ ગમે તે જોખમ લેવાનો જ એક માત્ર રસ્તો બાકી રહૃાો છે. સાથે સાથે તે પોતાની જાતને એટલું યાદ કરાવવાનું પણ ભૂલી ગયો ન હતો કે મરણિયા બનીને પ્રયત્નો કરવા કરતાં તો સ્થિર ચિત્તે વિચારવું વધુ સારું ગણાય. આવી પળોમાં તેણે પોતાની આંખો બારી પર બરાબર માંડી રાખી પરંતુ દુર્ભાગ્યે સવારના ધુમ્મસને કારણે એ સાંકડી શેરીનો સામો છેડો પણ ધૂંધળો બની ગયો હતો એટલે તે નાહિંમત થયો, દુઃખી થયો. એલારામમાં ફરી ટકોરા પડ્યા એટલે બબડ્યો, ‘સાત તો વાગી ગયા અને તોય ધુમ્મસ કેટલું બધું ગાઢ છે!’ થોડી વાર તે ચુપચાપ પડી રહૃાો, ધીમે ધીમે શ્વાસ લેવા લાગ્યો; કદાચ આવી પૂરેપૂરી સ્વસ્થતાથી બધું પૂર્વવત્ અને સામાન્ય બની જશે એવી તેને આશા બંધાઈ. પણ પછી તે મનોમન બોલ્યો : ‘સવા સાત થાય એ પહેલાં મારે કોઈ પણ રીતે આ પથારીમાંથી બેઠા થઈ જ જવું પડશે. ગમે તેમ પણ ત્યાં સુધીમાં તો ગોદામમાંથી કોઈ મારી તપાસ કરવા આવી જ ચઢશે; કારણ કે સાત પહેલાં એ ખૂલી જાય છે.’ અને તે પોતાના શરીરને નિયમિત લયથી ઝુલાવવા લાગ્યો, એથી પથારીમાંથી ફંગોળાઈ જવાય તો સારું. જો તે આ રીતે પોતાને ગબડાવી દે તો નીચે પડતી વખતે માથું સહેજ અધ્ધર કરી શકાય અને ઇજામાંથી ઊગરી શકાય. એની પીઠ તો સખત લાગે છે એટલે ગાલીચા પર પડવાથી એને ઇજા થવાની નથી. તેની સૌથી મોટી ચિંતા તો પડવાથી અટકાવી ન શકાય એવો મોટો જે ધબાકો થશે અને બધાં બારણાં પાછળથી સંભળાશે તેની હતી. એનાથી બધા બી નહીં મરે પણ ચંતાિ તો કરશે ને! આમ છતાં તેણે જોખમ ઉઠાવવું જ રહૃાું. આ નવી પદ્ધતિ પુરુષાર્થ કરતાં તો રમત જેવી વધારે હતી કારણ કે તેણે તો પોતાની જાતને આમતેમ ઝુલાવ્યા જ કરવાની હતી અને આ રીતે જ્યારે તે અડધે આવી પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે જો કોઈની મદદ મળી જાય તો કામ બહુ આસાન થઈ જાય. બે હટ્ટાકટ્ટા માણસો પૂરતા થઈ પડે; તેને તેના બાપાનો અને નોકરાણીનો વિચાર આવ્યો. તેમણે તો માત્ર પોતાના હાથ મારી બહિર્ગોળ પીઠની નીચે મૂકવાના, પલંગમાંથી મને ઊંચકીને નીચે મૂકવાનો અને પછી મારી જાતે ફરસ પર સરખી રીતે ગોઠવાઈ જઉં એટલી ધીરજ રાખવાની; જમીન પર મારા પગ સરખી રીતે કામ કરતા થશે એમ લાગે છે. ચાલો, બારણાં બધાં બંધ છે એ ભૂલીને પણ મારે મદદ માટે બૂમ પાડવી જોઈએ. પોતાની આવી કફોડી પરિસ્થિતિમાં આવો વિચાર આવ્યો એ બદલ તે હસવું ખાળી ન શક્યો. તે ખૂબ જોરથી પોતાની જાતને ઝુલાવતો હતો ત્યારે સમતુલા જાળવી ન શકાય એટલી હદ સુધી તે પહોંચી ગયો હતો અને હવે પાંચ જ મિનિટમાં સવા સાતનો ટકારો પડશે એટલે છેવટનો નિર્ણય કરવા તેણે પોતાની જાતને તૈયાર કરવી જ પડશે; અને ત્યાં તેમના મકાનના પ્રવેશદ્વારની ઘંટડી વાગી. તે મનોમન બોલ્યો : ‘ગોદામમાંથી કોઈ આવ્યું લાગે છે.’ તેના નાના પગ વધુ વેગથી કૂદાકૂદ કરવા લાગ્યા; તે પોતે અક્કડ થઈ ગયો. ઘડીભર તો બધે જ ચુપકીદી પ્રસરેલી રહી. ગ્રેગોર બબડ્યો: ‘એ લોકો બારણું નહિ ખોલે.’ તેને કંઈક વિચિત્ર પ્રકારની આશા બંધાઈ પણ તરત જ નોકરાણી ધબધબ કરતી બારણા પાસે ગઈ અને તેણે બારણું ખોલ્યું. આવનારના મોઢેથી ‘કેમ છો?’ શબ્દો સાંભળવાની જ વાર હતી, ગ્રેગોરને તરત જ ખ્યાલ આવી ગયો કે કોણ આવ્યું હતું. મુખ્ય કારકુન પોતે જ આવી ચઢ્યો હતો. જરાક ચૂક થાય એટલે તરત જ ભયાનક શંકાકુશંકા કરવા માંડે એવી કંપનીમાં નોકરી કરવાનું દુર્ભાગ્ય મારા લમણે લખાયું છે! આ કંપનીમાં બધા લુચ્ચાલફંગા છે પણ એમાં મારા જેવો માણસ શું નિષ્ઠાવાન, વફાદાર નથી? ભલે મેં કંપનીનો એકાદ કલાક સવારના પહોરમાં બગાડ્યો પણ મારો અંતરાત્મા મને એટલો બધો પીડી રહૃાો છે કે મારું ચિત્ત ઠેકાણે જ નથી. અને હું ખરેખર પથારીમાંથી બેઠો થઈ શકતો નથી. જો તપાસ કરવી જરૂરી જ હોય તો કોઈ નવાસવા માણસને મોકલીને કરી શકાય, મુખ્ય કારકુને જાતે આવવાની કઈ જરૂર? એમ કરીને તો મારા નિર્દોષ કુટુંબીજનોને જણાવી દીધું કે આવા શંકાસ્પદ સંજોગોની તપાસ મુખ્ય કારકુન સિવાય બીજા કોઈથી થઈ જ ન શકે. અને કોઈ ઇચ્છાશકિતથી પ્રેરાઇને નહીં પણ આ બધા વિચારોથી ઉત્તેજિત થઈને ગ્રેગોરે પોતાની બધી તાકાત વડે પલંગમાંથી ભૂસકો માર્યો. મોટો અવાજ થયો પરંતુ ખરેખર એ કંઈ ધબાકો ન કહેવાય. ગાલીચાને કારણે તેના ભૂસકાની અસર થોડી ઓછી થઈ. તેણે ધારેલું તેના કરતાં પીઠ ઓછી સખત હતી; એટલે માત્ર ઓછો ધબાકો થયો, કોઈ એનાથી ચોંકી ન ઊઠે. માત્ર તેણે સાવચેતીથી માથું ઊંચું રાખ્યું ન હતું, એટલે તે પછડાયું હતું; તેણે માથું ફેરવ્યું અને ગાલીચા પર વેદનાથી અને ઉત્તેજનાથી ઘસ્યું. ડાબી બાજુના ઓરડામાંથી મુખ્ય કારકુનનો અવાજ આવ્યો : ત્યાં કશુંક પડ્યું લાગે છે. ગ્રેગોર એવી કલ્પના કરવા મથ્યો કે આજે મારી સાથે જે ઘટના બની છે તેવી ઘટના કોઈ દિવસ મુખ્ય કારકુનના જીવનમાં પણ બનશે. એની શક્યતાનો કોઈ ઇનકાર તો કરી ન શકે પણ આવી કલ્પનાના તોછડા ઉત્તર રૂપે મુખ્ય કારકુન બાજુના ઓરડામાં દૃઢતાથી ડગ ભરવા માંડ્યો અને તેના ખાસ ચામડાના બુટમાંથી અવાજ આવવા લાગ્યો. જમણી બાજુના ઓરડામાંથી તેની બહેન તેને આ પરિસ્થિતિની જાણ આછા અવાજે કરી રહી હતી. ‘ગ્રેગોર, મુખ્ય કારકુન આવ્યા છે.’ ગ્રેગોર મનોમન બબડ્યો : ‘મને ખબર છે.’ પણ બહેન સાંભળી શકે એટલો મોટો અવાજ કાઢવાની તેણે હિંમત ન કરી. ડાબી બાજુના ઓરડામાંથી તેના બાપા બોલ્યા : ‘ગ્રેગોર, મુખ્ય કારકુન આવ્યા છે. તું પહેલી ટે્રન કેમ ચૂકી ગયો તેનું કારણ જાણવા માગે છે. એમને શો ઉત્તર આપવો તે અમે જાણતા નથી. વળી તે તારી સાથે રૂબરૂમાં વાત કરવા માગે છે. એટલે મહેરબાની કરીને બારણું ખોલ. તારો ઓરડો અસ્તવ્યસ્ત હશે તો એનો તે વાંધો નહીં લે.’ દરમિયાન મુખ્ય કારકુને મૈત્રીભર્યા અવાજે કહૃાું : ‘મિ.સામસા, તમારી તબિયત તો સારી છે ને!’ તેની માએ તેમને કહૃાું : ‘સાહેબ, એને ઠીક લાગતું નથી.’ તેના બાપા હજુ ગ્રેગોર સાથે વાત કરી રહૃાા હતા : ‘સાહેબ, મારી વાત માનો, એની તબિયત નથી સારી. નહીંતર એ ગાડી ચૂકી જાય કેવી રીતે? મારા દીકરાને તો કામ સિવાય બીજું સૂઝતું જ નથી. સાંજે પણ ઘરની બહાર જાય નહીં, મને તો એટલી બધી ચીડ ચડે. આજે આઠ દિવસથી તે ઘેર છે અને દરરોજ સાંજે ઘેર જ રહે છે. કાં તો ટેબલ આગળ બેસી ચુપચાપ છાપું વાંચ્યા કરે કે રેલવેના ટાઇમટેબલ વાંચ્યા કરે. એનું એક માત્ર મનોરંજન કોતરકામ. એક નાનકડી ફ્રેમ તૈયાર કરવા તેણે બેત્રણ સાંજ ખરચી નાખી હતી; એ કેટલી સરસ છે તે જોઈને તમને અચરજ થશે; ગ્રેગોર બારણું ખોલશે એટલે તેની ભીંત પર લટકતી દેખાશે; સાહેબ, તમે આવ્યા તે બહુ સારું કર્યું; અમારી જાતે તો અમે તેની પાસે બારણાં ખોલાવી જ ન શકત; એ તો એવો હઠીલો છે. અને મને ખાત્રી છે કે તે માંદો છે; પણ આજે સવારે તેને માંદા પડવાને કોઈ કારણ નથી.’ ગ્રેગોરે ધીમેથી અને કાળજીપૂર્વક કહૃાું : ‘આ આવ્યો.’ પણ તેમની વાતચીતનો એક પણ શબ્દ ચૂકી જવાય એ બીકે તે તસુભાર પણ હાલ્યો નહીં. મુખ્ય કારકુને કહૃાું : ‘હાસ્તો, એ સિવાય બીજું કોઈ કારણ મને લાગતું નથી. આશા રાખું કે ગંભીર બિમારી નહીં હોય. પણ મારે એક વાત તો કહેવી જોઈએ. સદ્ભાગ્યે કે દુર્ભાગ્યે અમે રહૃાા ધંધાદારી માણસો, કામ પર તો ચઢવું જ પડે એટલે નાનીમોટી બિમારી તો વેઠી લેવી પડે.’ ‘તો હવે મુખ્ય કારકુન અંદર આવે કે?’ ગ્રેગોરના બાપા અધીરા બનીને ફરી બારણું ઠોકવા લાગ્યા. ગ્રેગોરે કહૃાું : ‘ના.’ ડાબી બાજુના ઓરડામાં તેના આ નકાર પછી દુઃખદ મૌન પ્રસરી ગયું અને જમણી બાજુના ઓરડામાં તેની બહેન ધૂ્રસકાં નાખવા લાગી. તે શા માટે ઘરમાં બીજાં બધાં છે ત્યાં નથી જતી? કદાચ તે હમણાં જ પથારીમાંથી બેઠી થઈ હશે અને કપડાં પણ બદલ્યાં નહીં હોય. ઠીક, પણ એ શા માટે રડે છે? હું ઊભો થતો નથી અને મુખ્ય કારકુનને અંદર આવવા દેતો નથી એટલા માટે? મારી નોકરી જતી રહેશે એ બીકે? ફરી પાછા સાહેબ જૂનાં દેવાં માટે માબાપને પજવ્યા કરશે એટલા માટે? પણ અત્યારે આ બધી બાબતોની ચિંતા કરવાની ન હોય. ગ્રેગોર હજુ તો ઘરમાં જ હતો અને કુટુંબને ત્યજી દેવાનો વિચાર તે જરાય કરતો ન હતો. એ વાત સાચી કે અત્યારે તે ગાલીચા પર પડ્યો હતો અને તેની પરિસ્થિતિનો જેને સાચો ખ્યાલ હોય એ એવી તો અપેક્ષા રાખે જ નહીં કે ગ્રેગોરને તરત ને તરત નોકરીમાંથી છૂટો કરી દેવાય. ગ્રેગોરને એમ લાગ્યું કે અત્યારે અશ્રુપાત અને વિનવણીઓ કરી કરીને હેરાન કરવાને બદલે મને શાંતિથી પડી રહેવા દેવાનું વધુ શાણપણભર્યું લેખાય અને છતાં તેમની અનિશ્ચિતતાએ તેમને બીવડાવી માર્યા છે, એટલે તેમની વર્તણંૂક ચલાવી લીધી. મુખ્ય કારકુને હવે જરા મોટેથી કહૃાું : ‘ મિ. સામસા, તમને થયું છે શું? તમારા ઓરડામાં પુરાઈ રહીને માત્ર હા-નામાં જ જવાબો આપ્યા કરો છો, તમારા માબાપને બિનજરૂરી મુશ્કેલીઓમાં મૂકો છો અને આ તો વાત ભેગી વાત કરું છું. તમે વિચિત્ર રીતે તમારા નોકરીધંધાની, ફરજની પણ અવગણના કરો છો. હું તમારા માબાપ વતી અને આપણા સાહેબ વતી કહી રહૃાો છું; એકદમ ગંભીર થઈને તમારી પાસેથી તાત્કાલિક ચોક્કસ જવાબ માગું છું. તમારો વર્તાવ મને ખૂબ નવાઈ પમાડે છે. હું તો તમને સ્વસ્થ અને ભરોસાપાત્ર માનતો હતો અને એને બદલે તમે તો તમારી જાતનું બેવકૂફીભર્યું પ્રદર્શન કરી રહૃાા છો. આજે સવારે જ સાહેબે મને તમારા અચાનક ગાયબ થવાનું એકાદ કારણ કહૃાું હતું. તાજેતરમાં જ બીજાઓને ચૂકવવા માટે રોકડ રકમ તમને આપી છે ને! પણ મેં એમને ચોખ્ખા શબ્દોમાં કહૃાું હતું કે એવું તો બને જ નહીં પણ હવે તમે આટલા બધા જ્યારે હઠીલા થઈ રહૃાા છો ત્યારે તમારો બચાવ કરવાની મને જરાય ઇચ્છા નહીં થાય. અને આપણી કંપનીમાં તમારું સ્થાન એટલું બધું તો સારું નથી. હું આ બધી વાત ખાનગીમાં કરવા માગતો હતો પણ તમે મારો સમય ખોટી રીતે વેડફી રહૃાા છો એ જોયા પછી લાગે છે કે આ બધું તમારા માબાપે પણ સાંભળવું જોઈએ. છેલ્લા થોડા સમયથી તમારી કામગીરી સંતોષકારક નથી; એ વાત સાચી કે અત્યારે આપણા ધંધામાં સામાન્ય રીતે મંદી જ હોય; પણ આ સમય એવોય નથી કે ધંધો કરી જ ન શકાય, મિ. સામસા, ધંધો છે જ નહીં એમ માની જ ન શકાય.’ ‘પણ સાહેબ,’ ગ્રેગોરે ચીસ પાડી, ખૂબ ઉદાસ બનીને. તથા પોતાની આ ઉત્તેજિત અવસ્થામાં બીજું બધું ભૂલી ગયો; ‘હું હમણાં ખોલીશ, મારી તબિયત જરા નરમ થઈ ગઈ છે. થોડા ચક્કર આવ્યા છે એટલે ઊભા નથી થવાતું. હું અત્યારે પથારીમાં જ છું પણ હવે સારું લાગે છે. જરા ધીરજ રાખો. મેં માની લીધેલું એટલી બધી સારી મારી તબિયત નથી. પણ હવે સારી થઈ છે. એકાએક આવી વાતથી માણસની હાલત બગડી કઈ રીતે જાય! ગઈ કાલ રાત સુધી તો કેટલો સાજોસમો હતો. મારા માબાપ પણ હા પાડશે, જોકે રાતથી જ જરા એવું લાગતું હતું, કોઈ લક્ષણ તો દેખાયું હશે. મેં ગોદામમાં જ કેમ વાત કરી નહીં! પણ હંમેશાં આવી સામાન્ય બિમારી તો તરત મટી જ જાય એમ માનીને ઘરમાં કહેવાનો કોઈને ખ્યાલ જ ન આવે. સાહેબ, મારા માબાપને આમાં વચ્ચે ન લાવો. તમે અત્યારે મને જે ઠપકો આપો છો તે સાવ બિનપાયાદાર છે. અત્યાર સુધી કોઈએ એક શબ્દ પણ મને કહૃાો નથી. કદાચ મેં જે છેલ્લા ઓર્ડર મોકલેલા તે તમે જોયા લાગતા નથી. ગમે તેમ હું હજુ પણ આઠ વાગ્યાની ટે્રન પકડી શકીશ. થોડા કલાક આરામ મળ્યો એટલે મારી તબિયત સારી લાગે છે. હું તમને અહીં વધારે વાર રોકી નહીં રાખું. હું તરત જ કામ પર ચડી જઈશ, સાહેબને પણ તમે મારો સંદેશો પહોંચાડી દેજો, મારી મુશ્કેલી તેમને સમજાવજો.’ અને આ બધું અષ્ટંપષ્ટં ચાલી રહૃાું હતું ત્યારે ગ્રેગોરને તો પોતે શું બોલી રહૃાો છે તેની ભાગ્યે જ કશી ખબર પડી. આ દરમિયાન તે કબાટ સુધી સરળતાથી પહોંચી ગયો. પથારીમાં જે તાલીમ લીધી એને કારણે કદાચ આમ બન્યું હશે અને હવે તે પોતે બેઠો થવાનો પ્રયત્ન કરી રહૃાો હતો. વાસ્તવમાં તો તે બારણું ખોલીને મુુખ્ય કારકુન સાથે મોઢામોઢ થવા માગતો હતો. જો તે મને જોઈને છળી મરશે તો પછી એની જવાબદારી મારી નહીં અને હું ચુપચાપ પડી રહીશ. પણ તેઓ જો આ ઘટનાને એમ જ સ્વીકારી લેશે તો પછી અકળાઈ જવાને કોઈ કારણ નથી અને જો ઉતાવળ કરું તો આઠ વાગ્યાની ટ્રેન પકડી શકાશે. શરૂઆતમાં તો તે કબાટની લીસી સપાટી પરથી અવારનવાર લસરી પડ્યો પણ છેવટે તે એક નિ:શ્વાસ નાખીને ઊભો રહી શક્યો ખરો. શરીરના નીચલા ભાગમાં થતી પારાવાર વેદનાની જરાય પરવા ન કરી. પછી તેણે પાસેની ખુરશીની પીઠને અથડાવાય એ રીતે પડતું નાખ્યું, એની ધારને નાના નાના પગ વડે પકડી રાખી. આનાથી ફરી પોતાના શરીર પર અંકુશ જમાવી દીધો અને તેણે બોલવાનું બંધ કર્યું કારણ કેે મુખ્ય કારકુન અત્યારે જે બોલતો હતો તે સાંભળી શકતો હતો. મુખ્ય કારકુન પૂછી રહૃાો હતો : ‘મેં કહી એમાંની એકે વાત તમને સમજાય છે ખરી! એ આપણને બધાને મૂરખ તો બનાવી નથી રહૃાો ને!’ તેની મા આંખમાં આંસુ લાવીને કકળવા લાગી : ‘અરેરે... કદાચ એ બહુ માંદો લાગે છે, આપણે એને દુઃખી કરી રહૃાા છીએ. ગ્રેટા .. ઓ ગ્રેટા!’ તેણે મોટેથી બૂમ પાડી. બીજી બાજુએથી તેની બહેને ઉત્તર આપ્યો : ‘શું છે મા?’ માદીકરીની વચ્ચે આવેલા ગ્રેગોરના ઓરડામાં થઈને બંને એકબીજા સાથે વાતો કરતા હતા. ‘તું હમણાં ને હમણાં ડોક્ટર પાસે જા. ગે્રગોર માંદો પડ્યો છે. જલદી ડોક્ટરને બોલાવી લાવ. તેં એનો અવાજ સાંભળ્યો?’ એની માના અવાજની કર્કશતાની સરખામણીમાં મુખ્ય કારકુનનો અવાજ બહુ આછો હતો. તે બોલ્યો : ‘આ અવાજ માણસનો લાગતો જ નથી.’ તેના બાપા બેઠકખંડમાંથી રસોડામાં કામ કરતી નોકરાણીને તાળી પાડીને બોલાવતા હતા : ‘એન્ના, એન્ના, હમણાં ને હમણાં જ કોઈ તાળાકૂંચીવાળાને બોલાવી લાવ.’ બંને છોકરીઓ બેઠકખંડમાં થઈને દોડવા માંડી, તેમના સ્કર્ટની સળોનો અવાજ આવતો હતો. તેની બહેને આટલી બધી ઝડપથી કપડાં કેવી રીતે બદલ્યાં હશે? તેમણે આગલો દરવાજો ધડાક કરીને ઉઘાડ્યો. એ બંધ થવાનો અવાજ આવ્યોેે નહીં એટલે તેમણે જાણી કરીને ખુલ્લો રાખ્યો હોવો જોઈએ, જે ઘરમાં કોઈ ભારે દુર્ઘટના બની હોય ત્યાં આવી રીતે દરવાજા ખુલ્લા રાખવામાં આવે છે. પણ ગ્રેગોર અત્યારે ખાસ્સો સ્વસ્થ હતો. દેખીતી રીતે એ જે બોલતો હતો તે કોઈને સમજાતું ન હતું; જોકે તેને પોતાને તો સ્પષ્ટ સમજાતું હતું, પહેલાં કરતાં પણ વધારે સ્પષ્ટ. કદાચ એના કાન એ પ્રકારનો અવાજ સાંભળવાને ટેવાઈ ગયા હતા. આમ છતાં તેને કશું થઈ ગયું છે એમ લોકો હવે માનતા હતા અને તેને મદદ કરવા તૈયાર હતા. આ આરંભનાં પગલાં જે હકારાત્મકતાથી લેવાઈ રહૃાાં હતાં તેનાથી તેને રાહત થઈ હતી. તેને લાગ્યું કે ફરી એક વખત તે માનવજગતમાં જઈ પહોંચ્યો છેે અને ડોક્ટર તથા તાળાકૂંચીવાળા તરફથી ખાસ્સાં પરિણામો આવશે જ એવી આશા તેને બંધાઈ – એ બંને વચ્ચે તે કશોે ભેદ પાડી શકતો ન હતો. હવે થનારી મહત્ત્વપૂર્ણ વાતચીત માટે તેના અવાજને વધુ સ્પષ્ટ બનાવવા તેણે થોડો ખોંખારો ખાધો પરંતુ શક્ય તેટલો ધીમેથી, કારણ કે તેની દૃષ્ટિએ આ અવાજ પણ કદાચ માનવઅવાજ ન લાગે. એ દરમિયાન બાજુના ઓરડામાં પૂરેપૂરી શાંતિ પથરાયેલી રહી. કદાચ એના માતાપિતા મુખ્ય કારકુનની સાથે ટેબલ આગળ બેસીને ધીમેધીમે ગણગણતા હશે, કદાચ તેઓ બારણે કાન માંડીને સાંભળતા હશે. ધીમે રહીને ગ્રેગોરે ખુરશી બારણા તરફ ધકેલી, પછી એને બાજુ પર રહેવા દઈ ટેકો મેળવવા બારણું ઝાલ્યું, એના નાના પગનાં તળિયાં થોડાક ચીકણાં હતાં, થોડી મહેનત કર્યા પછી બારણે ટેકો દઈને ઊભો રહૃાો. પછી મોંમાં ચાવી લઈને તે તાળું ખોલવા મથ્યો. દુર્ભાગ્યે તેના મોંમાં દાંત ન હતા એવું લાગ્યું. ચાવી શાનાથી પકડી રાખવી તો પછી? પણ તેનાં જડબાં ખૂબ જ મજબૂત હતાં; એમની મદદથી તે ચાવી ફેરવી શકતો હતો; પણ એમ કરવા જતાં જડબાંને ક્યાંક ઇજા પહોંચાડી રહૃાો છે એ હકીકતની તેણે પરવા ન કરી કારણ કે તેના મોઢામાંથી કથ્થઈ પ્રવાહી વહી રહૃાું હતું અને ચાવી પર થઈને ફરસ પર ટપકતું હતું. બાજુમાંથી મુખ્ય કારકુનનો અવાજ આવ્યો : ‘જુઓ, જુઓ; તે તાળું ખોલી રહૃાો છે.’ ગ્રેગોરને એથી ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. પરંતુ તેમણે બધાએ તેને મોટેથી હિંમત આપવી જોઈતી હતી; તેના માબાપે પણ મોટેથી કહેવું જોઈતું હતું, ‘બરાબર, ગ્રેગોર, બરાબર. પ્રયત્ન કર; ચાવી બરાબર ફેરવ.’ તેઓ બધા એના પ્રયત્નને ખૂબ જ ગંભીરતાથી લઈ રહૃાા હતા એમ માનીને ગ્રેગોરે હતી એટલી બધી તાકાત એકઠી કરીને જડબાં વડે ચાવી બરાબર દબાવી. ચાવી તાળામાં પૂરેપૂરી ફરી એટલે તેણે પોતાના મોં વડે તાળું પકડી રાખ્યું અને જરૂરિયાત પ્રમાણે ચાવી ધકેલી અને શરીરનું બધું બળ ભેગું કરીને ખેંચી, છેવટે તાળાએ મચક આપ્યાનો જે અવાજ આવ્યો તેનાથી ગ્રેગોરે ખરેખર ઝડપ વધારી. રાહતનો શ્વાસ લઈને મનમાં બબડ્યો : તો મારે તાળાકૂંચીવાળાની જરૂર પડી નહીં અને તેણે બારણું ખોલવા પોતાનું માથું બારણાના હેંડલ પર ટેકવ્યું. બારણું અંદરથી ખૂલતું હતું એટલે જ્યારે એ બરાબર ખૂલ્યું ત્યારે પણ તે નજરે તો પડ્યો જ નહીં, બેવડા દરવાજાવાળા બારણાની અધવચ્ચે ટેકો દઈને ઊભા રહેવું પડ્યું. ઉંબરા ઉપર ચત્તાપાટ પડી જવામાંથી બચવું હોય તો એ કાર્ય બહુ સાચવીને કરવું પડે. બીજું કશું જોવા કરવાનો સમય હતો નહીં, આ ખૂબ જ અઘરો પુરુષાર્થ કરી રહૃાો હતો ત્યારે મુખ્ય કારકુનના મોઢે મોટેથી અવાજ નીકળી ગયો : ‘અરે!’ પવનના સુસવાટા જેવો એ અવાજ હતો. એ બારણાની સૌથી વધારે નજીક હતો એટલે ગ્રેગોરને જોઈ શકતો હતો; તેણે એક હાથ ખુલ્લા મોં પર મૂકી દીધો અને કોઈ અદૃશ્ય સ્થિર ધક્કાથી દોરાતો હોય તેમ તે ધીમે ધીમે પાછો હટવા માંડ્યો. મુખ્ય કારકુન ત્યાં હાજર હતો અને છતાં તેની માએ માથું ઓળ્યું ન હતું, તેના વાળ બધી બાજુ ઊડાઊડ કરતા હતા; તેણે પહેલાં તો હાથ ભીડી દીધા અને પછી ગ્રેગોરના બાપા સામે જોયું; પછી બે ડગ ગ્રેગોરની દિશામાં ભર્યાં અને તે જમીન પર પથરાઈને પહોળા થઈ ગયેલા સ્કર્ટ પર પડી ગઈ, તેનો ચહેરો તેની છાતીમાં ઢંકાઈ ગયો. તેના બાપાએ કરડો ભાવ આણીને કપાળે હાથ જોરથી પછાડ્યો, જાણે તે ગ્રેગોરને ધક્કો મારીને એના ઓરડામાં ધકેલી દેવા માંગતા હતા; પોતાની આંખો પર હાથ મૂકી દીધા; રડવા માંડ્યા અને છેવટે તેમની છાતીમાં ડૂમો વળ્યો. ગ્રેગોર બેઠકખંડમાં ગયો નહીં પણ અડધા ચસોચસ વસાયેલા બારણાની અંદરની બાજુએ દૃઢતાથી ટેકો દઈને ઊભો રહી ગયો જેથી તેનું માત્ર અડધું શરીર દેખાઈ શકે; બીજાઓને જોઈ શકાય એ રીતે એણે બંને બાજુએ માથું ટેકવ્યું હતું. એ દરમિયાન સૂર્યપ્રકાશ વધુ તીવ્ર બન્યો; શેરીના સામે છેડે લાંબા લાંબા, ભૂખરા મકાનનો એક ભાગ જોઈ શકાતો હતો; એ હોસ્પિટલ હતી. ચોક્કસ અંતરે મૂકેલી બારીઓેથી એ ઇમારત આગળના ભાગમાં વચ્ચે વચ્ચેથી કપાયેલી લાગતી હતી. વરસાદ હજુ પણ પડતોે હતો; મોટાં મોટાં ફોરાં સ્પષ્ટ રીતે અલગ અલગ જોઈ શકાય એ રીતે પડી રહૃાાં હતાં. ટેબલ પર નાસ્તાની તાસકો ખૂબ જ સારી રીતે સજાવી હતી; કારણ કે ગ્રેગોરના બાપાને મન તો આખા દિવસ દરમિયાન નાસ્તાનું મહત્ત્વ સૌથી વધારે હતું અને નાસ્તો કરતાં કરતાં જાતજાતનાં છાપાં વાંચતા. ગ્રેગોરના પલંગની બરાબર સામી ભીંતે તેના બાપા લેફટેનન્ટ હતા ત્યારનો એક ફોટો ટીંગાડેલો હતો, સામી વ્યકિતને તેમના ગણવેશ અને લશ્કરી નિશાનીઓ જોઈને માન થાય. બેઠકખંડમાં પડતું બારણું ખુલ્લું હતું અને મકાનનો આગલો દરવાજો પણ ખુલ્લો જોઈ શકાતો હતો; ત્યાંથી બે દાદર વચ્ચેની જગ્યા તથા નીચે ઊતરવાનાં પગથિયાં જોઈ શકાતાં હતાં. આ બધામાં જો કોઈ સંપૂર્ણ સ્વસ્થ રહૃાું હોય તો તે પોતે, આ વાતથી ગ્રેગોર પૂરેપૂરો સભાન હતો. તે બોલ્યો : ‘હં... હવે હું કપડાં બદલી લઉં; નમૂનાઓ બેગમાં ગોઠવીને તરત જ નીકળી પડું છું. તમે મને જવા દેશો ને? સાહેબ, તમે જોઈ શકો છો કે હું હઠીલો નથી; હું માત્ર કામ કરવા માગું છું; સતત મુસાફરી કરવી એ બહુ કપરું કામ છે પણ એના વિના તો હું જીવી નહીં શકું; સાહેબ, તમે ક્યાં જાઓ છો? ઓફિસ ને? હેં? આ બધાંનો તમે વ્યવસ્થિત અહેવાલ આપશો ને? કોઈ થોડો સમય માટે કામ કરવા અશક્ત બની જાય ખરું પણ તેની ભૂતકાળની કામગીરી યાદ કરવી જોઈએ ને! જ્યારે આવી અશક્તિ દૂર થઈ જાય ત્યારે બમણી મહેનત અને એકાગ્રતાથી કોઈ કામે વળગે જ એ વાત પણ યાદ રાખવી જોઈએ. હું વફાદારીથી આપણી કંપનીની નોકરી કરવા બંધાયેલો છું; તમે આ વાત સારી રીતે જાણો છો. વળી માબાપનું અને બહેનનું પૂરું કરવાની જવાબદારી મારા પર છે. મારે ઘણી ઘણી ચિંતાઓ છે પણ એમાંથી હું ફરી બહાર આવી જઈશ. અત્યારે જે મુશ્કેલીઓે છે તેમાં વધારો કરવાનો પ્રયત્ન ન કરતા. મારી પડખે ઊભા રહેજો. મને ખબર છે આપણી કંપનીમાં મુસાફરી કરતા સૅલ્સમેનો માટે ઝાઝું માન નથી. લોકો તો એમ જ માને છે કે અમે પુષ્કળ કમાઈએ છીએ અને મસ્તીથી જીવીએ છીએ. આ તો એક માન્યતા બંધાઈ ગઈ છે, એને બદલવા માટે કોઈ ખાસ કારણ નથી. પણ સ્ટાફમાં બીજા બધા કરતાં તમને આ પરિસ્થિતિનો વધારે સાચો ખ્યાલ છે, ખાનગીમાં જો કહું તો આપણા સાહેબ કંપનીના માલિક તરીકે કોઈ કર્મચારીની વિરુદ્ધ બહુ જલદી નિર્ણય બાંધી લે છે. જેણે વરસ દરમિયાન ક્યારેય ઓફિસમાં પગ મૂક્યો ન હોય તે તો આવી ભંભેરણીનો, દુર્ભાગ્યનો અને વજૂદ વગરની ફરિયાદોનો તરત ભોગ બની જાય; એને તો આમાંનો કશો ખ્યાલ આવે જ નહીં, પોતાના કામકાજમાંથી થાક્યોપાક્યો આવે ત્યારે જ ખબર પડે અને એમનાં કાવતરાંઓથી દુઃખી દુઃખી થઈ જાય; એ મૂળ કારણોનો તો અંદાજ પણ લગાવી ન શકે. સાહેબ, ઓ સાહેબ, હું થોડો ઘણો પણ સાચો છું એવું મને કહૃાા વિના તમે જતા ન રહેતા.’ પરંતુ ગ્રેગોરના શરૂઆતના થોડા શબ્દો સાંભળીને જ મુખ્ય કારકુને પાછાં ડગલાં ભર્યાં અને ખભા ઉલાળીને, હોઠ ખુલ્લા રાખીને તેની સામે તાક્યા કર્યું. ગ્રેગોર વાતો કરી રહૃાો હતો ત્યારે તે સ્થિર ઊભો ન રહૃાો. પોતાની આંખો ગ્રેગોરની સામે ને સામે તાકીને ધીમે ધીમે બારણા તરફ તે સરી રહૃાો; આ ઓરડો ત્યજી દેવાની કોઈ રહસ્યમય આજ્ઞાને વશ થતો હોય તેમ એક સાથે જરા જરા ડગ ભર્યાં; હોલની લગોલગ પહોંચી ગયો અને બેઠકખંડમાંથી બહાર જવા માટે જે ઝડપથી છેલ્લું ડગ ભર્યું તે જોઈને એમ જ લાગે કે તેના પગનું તળિયું દાઝી ગયું હોવું જોઈએ. એક વાર જ્યાં તે હોલમાં આવી ગયો એટલે દાદર તરફ જમણો હાથ લંબાવ્યો, જાણે કોઈ અતિ માનુષી શક્તિ તેને મુક્તિ અપાવવા ઊભી ન હોય! ગ્રેગોરને ખ્યાલ આવી ગયો કે જો કંપનીમાં મારા સ્થાનને યથાવત્ રાખવું હોય તો મુખ્ય કારકુનને આવી માનસિક હાલતમાં તો જવા ન જ દેવાય. તેના માબાપને આ વાતનો બરાબર ખ્યાલ આવ્યો ન હતો; તેમણે તો આ વરસો દરમિયાન માની જ લીધું હતું કે આ કંપનીમાં ગ્રેગોર કાયમી થઈ ચૂક્યો છે અને તે ઉપરાંત તેઓ પોતાની નાની નાની ચંતાિઓમાં એવા વ્યસ્ત હતા કે આવી દીર્ઘ દૃષ્ટિ તેમણે ગુમાવી દીધી હતી. છતાં ગ્રેગોરમાં આ દૃષ્ટિ હતી. મુખ્ય કારકુનને રોકી રાખવો જોઈએ, તેને શાંત પાડવો જોઈએ, તેને ખાત્રી કરાવવી જોઈએ અને તેનું હૃદય જીતી લેવું જોઈએ; ગ્રેગોરના અને તેના કુટુંબના સમગ્ર ભવિષ્યનો આધાર તેના ઉપર હતો. અત્યારે જો તેની બહેન હોત તો! એ બુદ્ધિશાળી હતી; ગ્રેગોર જ્યારે ચત્તોપાટ સૂતેલો હતો ત્યારે તે રડતી હતી. એટલે સ્ત્રીઓ પ્રત્યે પક્ષપાત ધરાવતા મુખ્ય કારકુનને એ સમજાવી શકી હોત; તેણે મકાનનો આગલો દરવાજો બંધ કરી દીધો હોત અને હોલમાં ઊભા રાખીને એનો ભય દૂર કરી આપ્યો હોત પણ એ ત્યાં હતી નહિ અને આખી પરિસ્થિતિ તેણે એકલે હાથે સંભાળવાની હતી. હલનચલન કરવા માટે તેની પાસે કયા પ્રકારની શક્તિઓ છે એનો બરાબર ખ્યાલ હજુ આવ્યો ન હતો. તેની ભાષા સમજાશે કે નહીં તે વાત ભૂલી જઈને તેણે બારણું ખૂલવા દીધું; ખુલ્લી જગ્યામાંથી તેણે શરીરને ધકેલ્યું અને બંને હાથ વડે કઠેડાને કઢંગી રીતે પકડીને ઊભા રહેલા મુખ્ય કારકુનની દિશામાં તેણે ચાલવા માંડ્યું. પણ તેને ટેકાની જરૂર હતી એટલે જરા ચીસ પાડીને ઘણા બધા પગ ઉપર જ પડી ગયો. તે હજુ નીચે અડ્યો ન હતો ત્યાં તેને આ સવારે પહેલી વખત થોડો કરાર વળ્યો; તેના પગ નીચે બરાબર નક્કર ધરતી હતી. તેણે આનંદથી જોયું કે પગ ઉપર તેનો પૂરેપૂરો અંકુશ હતો; તે જે દિશામાં જવા ચાહે તે દિશામાં તેને લઈ જવા તે સમર્થ હતા; આ બધી જ યાતનાઓનો અંત હવે હાથવેંતમાં છે એમ માની લેવાની તૈયારીમાં તે હતો. પણ જે વખતે તે જમીન પર આવી પડ્યો હતો અને હલનચલન કરવાની ઊંડી ઊંડી ઇચ્છાથી આનંદિત થઈ રહૃાો હતો ત્યારે ઢગલો થઈ પડેલી તેની મા એકદમ ઊભી થઈ ગઈ; તે એનાથી બહુ દૂર ન હતો, ખરેખર તો એની બરાબર સામે જ હતો; તેણે હાથ લંબાવ્યા અને ચીસ પાડી : ‘બચાવો, અરે ભગવાન, બચાવો.’ તેણે ગ્રેગોરને સરખી રીતે જોવા માટે જાણે માથું નમાવ્યું; અને ખરેખર તો તે અસ્વસ્થતાથી પાછાં પગલાં માંડી રહી હતી; તેની પાછળ સજાવેલું ટેબલ છે એ વાત તે ભૂલી ગઈ અને શૂન્યમનસ્ક થઈ ગઈ હોય એ રીતે તે જ્યારે ટેબલને અથડાઈ પડી ત્યારે એના પર બેસી ગઈ; એ કારણે કોફીની મોટી કિટલી આડી પડી ગઈ અને એમાંથી કોફી ઢોળાઈને જાજમ પર પડી તેનો પણ ખ્યાલ આવ્યો નહીં. ગ્રેગોર ધીંમા સાદે બોલ્યો : ‘મા, મા.’ તેની સામે જોયું, ઘડીભર માટે તો મુખ્ય કારકુનનો વિચાર તેના મનમાંથી નીકળી ગયો; ઊલટ, ક્રીમવાળી કોફી જોઈને તે પોતાનાં જડબાં હલાવવાની લાલચ રોકી ન શક્યો. એને કારણે તેની માએ ફરીથી ચીસ પાડી, તે ટેબલ આગળથી દૂર ખસી ગઈ અને તેને ઝાલવા આવી રહેલા ગ્રેગોરના બાપાની બાથમાં આવી ગઈ. પરંતુ હવે ગ્રેગોર પાસે તેના માબાપ માટે સમય ન હતો; મુખ્ય કારકુન દાદર પાસે પહોંચી ગયો હતો. ઝરુખા પર હડપચી રાખીને તે છેલ્લી વાર પાછળ વળીને જોઈ રહૃાો હતો. તેને પકડી પાડવાના આશયથી ગ્રેગોરે કૂદકો માર્યો; મુખ્ય કારકુનને તેના આ આશયની જાણ થઈ ગઈ હોવી જોઈએ કારણ કે તે ઉતાવળે પગથિયાં કુદાવતો અદૃશ્ય થઈ ગયો. તે હજુ પણ ‘ઊંહ..’ બોલી રહૃાો હતો અને આખા દાદર પર તેના પડઘા પડતા હતા. અત્યાર સુધી તેના બાપા પ્રમાણમાં સ્વસ્થ રહૃાા હતા પરંતુ દુર્ભાગ્યે મુખ્ય કારકુનની આ પીછેહઠ જોઈને તેઓ તેની પાછળ દોટ મૂકવાને બદલે અથવા તેને પકડવા જઈ રહેલા ગ્રેગોરના માર્ગમાં અવરોધરૂપ ન બને એ જોવાને બદલે મુખ્ય કારકુન જે ખુરશી ઉપર લાકડી, હૅટ અને ઓવરકોટ ભૂલી ગયો હતો ત્યાંથી ડાબા હાથે છાપું લીધું અને તેમણે પગ પછાડવા માંડ્યા; લાકડી અને છાપા વડે તેઓ ગ્રેગોરને એના ઓરડામાં પાછો ધકેલી દેવા મથ્યા. ગ્રેગોરે પોતાનું માથું નમાવી નમાવીને આજીજીઓ કરી, તેની કોેઈ આજીજી સમજાઈ જ નહીં અને તેઓ જમીન પર જોરજોરથી પોતાના પગ પછાડવા લાગ્યા. તેના બાપાની પાછળ તેની માએ ભયાનક ઠંડી હોવા છતાં એક બારી ખોલી નાખી અને બંને હાથ વડે મોં ઢાંકી દઈને તેણે માથું બહાર કાઢ્યું. શેરીમાંનો કાતિલ પવન દાદર પર ફરી વળ્યો; બારીના પડદા ફરફરવા માંડ્યા; ટેબલ પરનાં છાપાં ઊડવા લાગ્યાં; છૂટાં પાનાં જમીન પર પથરાઈ ગયાં. ગ્રેગોરના બાપાએ નિર્દયતાથી એને ધકેલ્યો, આદિવાસીની જેમ તે ‘સિસ... સિસ...’ કરવા લાગ્યા. પરંતુ ગ્રેગોરને પાછાં પગલાં ભરવાની કશી ફાવટ જ ન હતી એટલે તેણે તોે મંદ ગતિએ ડગ ભર્યાં. જો તેને પાછળ મોં ફેરવવાની તક મળે તો તરત જ પોતાના ઓરડામાં જઈ શકાય; પણ આમ કરવા જતાં સમય લાગે અને એનાથી એના બાપા વધુ ચિડાઈ જાય અને ગમે ત્યારે હાથમાંની લાકડી વડે પીઠ પર કે માથા ઉપર જીવલેણ ફટકા મારી બેસે તેની તેને બીક લાગી. જોકે અંતે તેની પાસે કશો રસ્તો રહૃાો નહીં કારણ કે તેણે ભયાનક આઘાત અનુભવતાં જોયું કે પાછાં ડગ ભરતી વખતે તે પોતાની ધારી દિશા ઉપર અંકુશ રાખી શકતોે ન હતો; અને એટલે ખભા પાછળથી તેના બાપા ઉપર સતત ચાંપતી નજર રાખતા તેણે શક્ય તેટલી ઝડપથી પાછળ ફરવાનો પ્રયત્ન કર્યો પણ એ બહુ મંદ ગતિએ થઈ રહૃાું હતું. કદાચ તેના બાપાને ગ્રેગોરના સારા આશયનો ખ્યાલ આવી ગયો હતો કારણ કે તેઓ હવે દખલગીરી કરતા ન હતા; માત્ર દૂરથી જ લાકડીના ઇશારે તેને અવારનવાર તેના પ્રયત્નમાં મદદ કરતા હતા. માત્ર તેઓે જો પેલો સિસ...સિસ... અવાજ બંધ કરી દે તોે કેટલું સારું. એ અવાજ ગ્રેગોરના માથાને ભમાવી દેતો હતો. તે લગભગ પાછો વળી ગયો હતો અને ત્યારે જ પેલા સિસકારાએ એને એવો ચકરાવી દીધો કે તે ફરી ખોટી દિશામાં ઘૂમ્યો, પણ છેવટે તેનું માથું બરાબર આગળ આવી ગયું ત્યારે તેને લાગ્યું કે તેનું પહોળું શરીર આટલી ખુલ્લી જગ્યામાંથી પસાર થઈ નહીં શકે. ગ્રેગોર અંદર દાખલ થઈ શકે એટલા માટે બીજું બારણું ખોલવું જોઈએ એવો વિચાર તેના બાપાને આવે એવી માનસિક સ્થિતિ તેમની ન હતી. તેમના મનમાં તો એક જ વિચાર ઘૂમરાતો હતો અને તે જેમ બને તેમ જલદી ગ્રેગોરને એના ઓરડામાં ધકેલી દેવાનો. ગ્રેગોર ઊભો થાય અને બારણામાં થઈને અંદર જાય એ માટે બધી તૈયારીઓ કરીને યાતનાઓ વેઠે એવું તેમણે ઇચ્છ્યું નહીં હોય. કદાચ ગ્રેગોરની સામે હવે બીજો કોઈ અંતરાય નથી એમ માનીને તેને ધકેલવા વધુ મોટેથી તેઓ અવાજો કરી રહૃાા હતા; પણ ગ્રેગોરની પાછળથી આવતો અવાજ તેને માત્ર બાપાનો લાગતો ન હતો; એ કંઈ મજાક ન હતી; અને જે થવાનું હોય તે થાય એમ માનીને ગ્રેગોરે બારણામાં પોતાની જાતને ધક્કેલી, તેના શરીરનું એક પડખું ઊંચું થયું; બારણાના એક ખૂણે તે ઘસાયો; તેની એક બાજુની કમરે ઉઝરડા પડ્યા; સફેદ બારણા પર ગંદા ડાઘ દેખાયા; તરત જ એ ફસાઈ ગયોેે; પોતાની જાતે તે કશું હલનચલન કરી શકે એમ ન હતો. એક બાજુના પગ હવામાં ધ્રૂજવા લાગ્યા; બીજી બાજુના પગ જમીન પર કચડાઈ ગયા. તેના બાપાએ પાછળથી જ્યારે જોરથી ધક્કો માર્યો ત્યારે જાણે એને મુક્તિ જ મળી હતી અને એ પોતાના ઓરડામાં દૂર ફંગોળાઈ ગયો અને લોહીલુહાણ થઈ ગયો. લાકડી વડે તેનું બારણું ધડામ્ કરતું વસાઈ ગયું અને છેવટે શાંતિ પ્રસરી ગઈ.