મોટીબા/એકવીસ

એકવીસ

મોટીબા એકલાં રહેતાં ત્યારે આગળનો મેડો ભાડે આપેલો. મોટીબા જાણે કે હવે તો બધા કાયદા ભાડવાતના પક્ષે છે. તે એક-બે વર્ષે ઘર ખાલી કરાવે. ને નવા ભાડવાતને વધારે ભાડું ઠરાવી તથા હું કહું ત્યારે ખાલી કરવું પડશે એવી બોલી કરીને ભાડે આપે. તે એક ભાડવાત એવો આવી ગયો કે મેડો ખાલી ન કરે. બહાનાં બતાવે. બીજાં ઘર જોઉં છું. સારું મળે કે તરત ખાલી કરી દઈશ. ‘કયોં કયોં ઘર જોયોં? નં કનોં ઘર જોયોં?’ મોટીબા આમ પૂછે ને પેલો બહાનાં કાઢતો'તો એ તરત પકડી પાડે. ‘મનં આવડી મોટીનં ઊઠોં ભણાવ સ?’ પછી મેડો ખાલી કરાવવા મોટીબાએ ભાડવાતને હેરાન કરવાનું શરૂ કર્યું. અવારનવાર લાઇટની મેઇન સ્વિચ બંધ કરી દે. ઓટલા પાસેથી પાણીની ચકલીમાંથી ભાડવાત પાણી ભરતો તે ચકલીય ‘પલમ્‌બર’ બોલાવી કઢાવી નાખી. પણ ભાડવાત તો પડોશીની ચોકડીમાંની ચકલીએથી પાણી ભરવા લાગ્યો. મોટીબા એ ભાડવાત પર દાઝે બળ્યાં તે એક વાર— ‘હું જાળી પાસે ઊભી રઈ, ભાડવાત દાદરો ઊતરીનં જેવો જાળી ફાહે આયો ક હતું એટલું જોર કરીનં મીં જાળીનં ધક્કો મારીનં ઉઘેડી તે ભાડવાત પડ્યો નં ઈંનં પડખામોં લોઢાની જાળી વાગી હશે એ નફામોં.. પસ મીં ઈંનં પૂછ્યું: ‘ભઈ, બઉ વાગ્યું તો નથી નં? હું કરું? અવ મનં બળ્યું ઓંખે બરાબર દેખાતું નથી નં આ જાળીય લગીર નેંચ ઊતરી ગઈ સ તે નેંચ ઘહડાય સ તે ઝટ ઊઘડતી નથી, જોર કરીએ તારઅ્ ઊઘડ… ‘અમાર ભનુ અવઅ્ રિટાયર થઈનં આવ્વાનો સ તે ઘર ખાલી કરી દેજે. પૅલી તારીખનં પંદર દા'ડાની વાર સ. પંદર દા'ડામોં ઘર માર ખાલી જોઈઅ. નકર પસ મારા જેવી કોઈ ભૂંડી નથી.’ મોટીબાએ આપેલી મુદત પૂરી થઈ પણ ઘર ખાલી ન થયું. ઘરની બહાર ડાબી બાજુએ ઓટલો ને જમણી બાજુએ કૉમન સંડાસ. તે મોટીબાએ તો સંડાસનેય તાળું વાસ્યું. ‘અવઅ્ ઘર ખાલી નીં કર તો ક્યોં જશે?' પણ ભાડવાતેય માથાનો. એણે વકીલ મારફત નોટિસ મોકલી. ‘કોરટકેસમાં તો વાલમનું ઘર ખોવું પડ્યું'તું... કોરટકચેરી કરીએ ઈંમોં તો વકીલોનં ફાયદો થાય... ને આપડોંનં નુકસોન. વળી કાયદાય બધા ભાડવાતના પક્ષમાં… બટકો ર્‌યો ઈંના બાપ જેવો ઢીલો, લાય મુન્નાડાનં તેડાવું. એ કોંક નિવેડો લાવશે.’ જયેશે આવીને ભાડવાતને કંઈક સમજાવ્યો કે ડોશીની ઉંમર થઈ છે તે બુદ્ધિ બગડી છે. ડોશીને બી.પી.ની તકલીફ તો છે ને પાછાં હાર્ટનાં પેશન્ટ. ભાડવાતનેય થયું હશે કે ધારો કે પોતે કોર્ટમાં જીતી જાય તોય શું? એથી તો આ જક્કી ડોશીની હેરાનગતિ વધશે. મરી જાય તોય ભૂત થઈને વળગે એવી છે. એના કરતાં બીજું ઘર શોધી લઈએ. આમ, એ ભાડવાતના ગયા પછી મોટીબાએ મેડો ફરી ભાડે આપ્યો નહીં. પાડોશીના ઘરેથી પાણીનો રેલોય જો અમારા આંગણમાં આવ્યો તો ખલાસ. મોટીબાની સ્પ્રિંગ છટકે. સામો પક્ષ શું બોલે છે એ તો પોતાને સંભળાતું ન હોય છતાં મણ મણની જોખે ને એમનું બોલવાનું જો એક વાર શરૂ થયું તો પછી ઝટ બંધ ન થાય. નવાઈ એ વાતની લાગે કે મોટીબા એમનો સાલ્લો ફાટે તો સાંધીને કે થીગડું દઈને ચલાવે, પણ નવો સાલ્લો જો સાંધાવાળો ખરીદ્યો હોય તો એ ન જ ચાલે. પોત સારું હોય ને ભાવમાંય ખાસ્સો ફેર પડે તે મા સાંધાવાળા સાલ્લા પહેરે પણ મોટીબાને તો સાંધાવાળો ચણિયોય ન ચાલે! તૈયાર ચણિયા તો મોટે ભાગે સાંધાવાળા જ મળે. તે મા કેટલીયે દુકાનો ફરે ત્યારે માંડ સાંધા વિનાનો ચણિયો મળે. કાપડ સારું ને જાડું હોય તેવા અક્ષયના જૂના શર્ટમાંથી તેઓ કેટલાય સાંધા કરીને શિયાળામાં ઘરમાં પહેરવા બ્લાઉઝ સીવે ને હોંશે હોંશે પહેરે પણ નવો ચણિયો સાંધાવાળો ન ચાલે! આનું કારણ એમના સંકુલ ચિત્તની કઈ તિરાડમાં હશે? મોટીબા આમ ભાડવાતને ધક્કો મારીને પાડે એવાં ભારાડી ને આમ અત્યંત સંવેદનશીલ ને ઋજુ. ‘અશુભ' લખેલો કોક કાગળ આવે તો એ વાંચતાં પહેલાં જ સંડાસ જઈ આવવું પડે! સ્વભાવ પણ ખૂબ ચિંતા કરવાવાળો. મૌલિક મહેસાણા વૉટરપાર્ક જોવા ગયેલો ને સાંજે પાછા આવતાં મોડું થયું એમાં તો પાંચ દીવા ને નાળિયેર માનેલાં. અક્ષયને નોકરી ન’તી મળી ત્યાં સુધી રોજ છાપામાં બધી ટચૂકડી જાxખ સુધ્ધાં વાંચે. આટલાં સંવેદનશીલ ને આવા મિજાજવાળાં મોટીબા એમનાં લગ્ન વખતે કેવાં હશે?! પચાસેકના ગંગાશંકર સાથેના લગ્નનો વિરોધ કર્યો હશે? કે પછી કીકા મહેતા જેવા બાપ પાસે કશું ચાલ્યું નહિ હોય સત્તર વર્ષની સબળાનું?! ગંગાશંકર કેમ છેક પચાસેક વર્ષે પરણ્યા હશે? અને એય શા માટે સત્તરેક વર્ષની કન્યા સાથે? સત્તરેક વર્ષની કોઈ કોડભરી કન્યાની જિંદગી બગાડવાનો શો અધિકાર હતો એમને?! બાપુજી પાસેથી કેટલીક વિગતો જાણવા મળેલી. ગંગાશંકર સંસ્કૃતના વિદ્વાન હતા. કાશી જઈને ભણેલા. મોઢેરા તથા ચૌધરીઓના એક-બે ગામમાં ગોરપદું કરતા. ભોટમાં ખપે એટલી હદે ભોળા. ઓલિયા. અલગારી. ચુસ્ત કર્મકાંડી. લગ્ન નથી કરવાં એવું નક્કી કરેલું. તે વખતે તો સંયુક્ત કુટુંબો હતાં. મોટાભાઈ ભવાનીશંકર અને ભાભી હેતથી રાખે. એમની બંને બહેનોને સાસરું સારું મળેલું. ભવાનીશંકરને બે દીકરીઓ. કોઈ દીકરો નહિ. ભવાનીશંકરના અવસાન પછી ગંગાશંકર, એમનાં ભાભી અને બે દીકરીઓ શાંતિથી રહે. નિકટનાં સગાં અને સમાજ વંશ ટકાવી રાખવા માટે લગ્ન કરવા સતત ગંગાશંકરને દબાણ કર્યા કરે. ‘હવે આ ઉંમરે લગન નથી કરવાં...’ એવું ગંગાશંકર કહેતા પણ એ જમાનામાં ‘વંશ’ ટકાવી રાખવાની વાત ખૂબ મોટી ગણાતી. આ બાજુ કીકા મહેતાના ભાઈ પુરુષોત્તમને કોઈક કારણસર કોઈ કન્યા દેતું નહોતું. ને ઉંમરેય ખાસ્સી થઈ ગયેલી. તે સાટાપેટાનું કોઠું ઘડાયું – ગંગાશંકરના ભાઈની દીકરીને કીકા મહેતાના ભાઈ સાથે પરણાવવાની અને કીકા મહેતાની મોટી દીકરી તારાને ગંગાશંકર સાથે! આમ, કોડભરી બેય કન્યાઓના જીવતરને વધેરી નાખવાનું ગોઠવાયું. એક્સ-વાય-ઝૅડ… કોઈનીયે સાટાપેટાની વાત સાંભળતાં જ હજીયે મોટીબા ભડકે છે ને એમનું ચિત્ત ફાનસની જેમ ભપકે છે– ભપક્ ભપક્ ભફક્ ભપક્. ગંગાશંકર જ્યોતિષ પણ સારું જાણતા. સંસ્કૃતમાં, એમના સુંદર હસ્તાક્ષરોમાં, જ્યોતિષ વિશે કશું લખેલાં કાગળિયાં, કાપડમાં વીંટાળેલાં, એક પેટીમાંથી મળી આવેલાં. કહે છે કે ગંગાશંકરે પોતાના મરણ વિશે પણ તારીખ ને સમય સુધ્ધાં એમના મિત્રોને અગાઉથી કહી રાખેલાં, જે બિલકુલ સાચું પડેલું. બાપુજી નાના હતા ત્યારે ઘરડા લોકો એમને એવુંય કહેતા કે ગંગાશંકર પક્ષીઓની ભાષાય જાણતા. જોકે, એ વાત અત્યારે સાચી ન લાગે. પણ એમની વિનોદવૃત્તિ સારી હશે એવું એક સાંભળેલી વાત પરથી લાગે છે — એક વાર એક શેરીમાં, ખુલ્લામાં નાગરી ન્યાત જમવા બેઠેલી. ત્યાં એક કાગડો બોલ્યો. એક જણે ગંગાશંકરની ઠેકડી ઉડાડવા પૂછ્યું — ‘તમે તો પક્ષીઓની ભાષા જાણો છો ને? તો કહો જોઉં કે હમણાં પેલો કાગડો શું બોલ્યો?' ‘કાગડો એમ બોલ્યો કે હું એકાદ પતરાળીમાં ચરકી જઈશ.’ ત્યાં તો ઠેકડી ઉડાવનારની જ પતરાળીમાં કાગડો ચરક ચરક્યો. પરસાળમાં, જેના પર ગોદડાં મુકાતાં એ લાકડાની મસમોટી પેટીમાં શું-શું ખજાનો હશે એવું કુતૂહલ હું નાનો હતો ત્યારે થતું. હું ચોથામાં ભણતો ત્યારે એ લાકડાની પેટીમાંથી એક પોટકું નીકળ્યું. એ ખોલ્યું તો એમાં પિત્તળની લાલજીની મૂર્તિ — એક હાથમાં લાડુડી રાખીને ભાંખડિયે ચાલતા હોય તેવી, નૃત્યની મુદ્રામાં ગણપતિની પિત્તળની મૂર્તિ, નાનકડા શાલિગ્રામ, રુદ્રાક્ષની માળા, દર્ભનું આસન, તાંબાની લોટી, તરભાણી-આચમની, ચંદનના લાકડાના નાના ટુકડા, પિત્તળની આરતી ને નાનકડી ઘંટડી.. આ બધું જોઈને મને તો ખૂબ મઝા પડી. જાણે કોઈની પાસે ન હોય તેવાં નવાં રમકડાં મળ્યાં! મેં મોટીબા પાસે પ્રસ્તાવ મૂક્યો — ‘બા, આ બધું બહાર કાઢો ને.. પેટીમાં કેમ રાખ્યું છે? ‘પછી પૂજા કોણ કરશે?’ ‘હું વળી.’ એમ જવાબ આપેલો, પણ તે વખતે ‘પૂજા કોણ કરશે?’નો અર્થ સમજાયો નહોતો, આજે સમજાય છે. તે વખતે, પૂજા-બૂજા તો ઠીક, પણ પથ્થરના ઓરસિયા પર બે-ત્રણ ટીપાં પાણી નાખીને, સુખડનું લાકડું ઘસીને ચંદન બનાવવાની, એનાં રંગ, સુગંધ ને શીતળતાની, એનાથી દેવ-દેવતાઓને ને પોતાને પણ, ચાંલ્લા કરવાની મઝા પડતી. ને સૌથી વધુ મઝા તો દીવાસળીથી જાતે જ દીવા પેટાવી, પિત્તળની નાની ઘંટડી વગાડીને આરતી કરવાની. સંધ્યાટાણે, દીવા પ્રગટાવેલી આરતીને આમ ગોળ ગોળ ફેરવતાં ફેરવતાં ભીંતો પર જે અંધારાં-અજવાળાંના નાનામોટા આકારો રચાતા, બદલાતા એની રમત જોવાની મઝા પડતી. મા-બાપુજીનું આરતી ગાવાનું બંધ થાય તોય મારું આરતીને ગોળ ગોળ ફેરવવાનું તો થોડી ક્ષણ ચાલુ જ રહેતું. પાછળથી જાણેલું, દાદાના અવસાન પછી મોટીબાએ દેવ-દેવલાંને, પૂજા-અર્ચનાની બધી સામગ્રી સાથે એક પોટકામાં બાંધીને લાકડાની પેટીમાં કેદ કરી દીધેલાં! ને મેં એ બધું બહાર કાઢવા કીધેલું ત્યારે પણ સવાલ કરેલો કે પૂજા કોણ કરશે?! ઈશ્વર સામેનો વિદ્રોહ પણ કેટલાં વરસો સુધી ટકેલો એમનામાં! જોકે, અત્યારે મોટીબા કહે છે, ‘માળા હાથમોં હોય ક નોં હોય, મનમોં નં મનમોં મારા જાપ તો ચાલુ જ હોય... મોત ગમે તાર આઈનં કૅ ક હૅંડ, ઈંની જ વાટ જોઉં છું… અજામિલની વાત તો તું જોંણ સ…' મોટીબા આમ જિદ્દી, જુનવાણી અને વહેમીય ખૂબ. ગુરુવારે અમદાવાદ (વિસનગરથી) નોં જવાય, હોંમો કાળ કહેવાય, ચૌદશ-અમાસે હારું કોંમ નોં થાય, છેંક થઈ તે ઊભો રૅ, ઘૂંટડો પોંણી પીનં પસ જા, ઓછાયો પડશે તો પસઅ્ પાપડ લાલ થઈ જશી નં દરહઈ જશી..’ વગેરે. છતાં સુરેન્દ્રનગર મારી સાથે રહેતાં ત્યારે મારા કહેવાથી તેઓ શીતળાસાતમે ગરમ રસોઈ બનાવતાં ને પોતેય ગરમ જમતાં. રશ્મિ બધાં માટે ગરમ રસોઈ તો કરે શીતળાસાતમે, પણ પોતે તો ટાઢું જ ખાય. મારાં ફોઈની દીકરી પરનાતના એક યુવકના પ્રેમમાં પડેલી તો મોટીબાએ ફોઈને પરનાતમાં દીકરી કિન્નરીને પરણાવવાનીય હોંશથી સંમતિ આપેલી ને કહેલું, ‘દીકરીનં કોઈ દા'ડો દુઃખી નોં કરીએ. છોકરો હારો હોય એટલ બસ. બીજું હું જોઈઅ? થોડોં વરસ કેડી આ નાત નં જાત કોંય રૅવાનું નથી...’

આવું કહેનાર મોટીબાએ પછી, જયેશને પ્રેમલગ્નની સંમતિ નહોતી આપી! કારણ, કન્યા નાગર નહોતી, ઔદિચ્ય બ્રાહ્મણ હતી!