મોટીબા/વીસ

વીસ

જે પાટીમાં અમે મોટીબાને લખી લખીને બધું બતાવતા એના ચાપટા તો ચારેક વરસથી નીકળી ગયેલા. વળી કોઈ છોકરાના હાથે પાટી પછડાઈ હશે તે તૂટી. પોણા ભાગનું ડગળું બાકી રહેલું, એમાં ચૉકથી લખીને બધાં મોટીબાને બતાવતાં. આવી તૂટલીય પાટી છે ત્યાં સુધી નવી લાવતાં બાપુજી બીતાં કે બા બોલશે, ‘ખોટો ખરચો હું કોંમ કર્યો?’ છેલ્લે હું વિસનગર ગયો ત્યારે મોટીબા કહે, ‘તારા બાપનં ઈંમ નથી થતું ક આ પાટી હાવ તૂટી ગઈ સ તે નવી લઈ આવું...’ એ સાંજે જ હું નવી પાટી તથા ચૉકનું બૉક્સ લઈ આવ્યો. પાટી મોટીબાએ હાથમાં લઈને જોઈ. ચહેરો સખત બન્યો. ‘કેટલા રૂપિયા થયા?’ ‘ત્રીસ.’ ‘જા, આલીયાય પાછી. નં ત્રીસ રૂપિયા લઈ આય પાછા.’ મેં ઇશારાથી કહ્યું, ભલે રહી. તો મોટીબા બગડ્યાં— ‘મારું કહ્યું કેમ હોંભળતો નથી? બહુ મોટો સાહેબ થઈ ગયો સ?’ પછી અવાજમાં સખતાઈ જરી ઓછી કરી, ‘નં ત્રીસ રૂપિયા પાછા આલવાની જો ના પાડ તો પસઅ્ પાટીના બદલ ત્રીસ રૂપિયામોં જેટલી આવ એટલી નોટો લીયાય. છોકરોનં લખવા થશી. નં ધ્યોંનથી હોંભળ. પાછી આલવાની પાટી પહેલાં દેખાડતો નંઈ. પહેલાં નોટોનો ડઝનનો ભાવ પૂછી લેજે.' પછી અવાજ વધારે ધીમો કરી — ‘પહેલાં તો ત્રીસ રૂપિયા જ પાછા માગજે... કે’જે ક મારી બાએ કીધું સ.’ છતાં મેં જવાની ના પાડી. ‘અવઅ્ હું કેટલું જીવવાની છું તે મારા માટઅ્ ત્રીસ રૂપિયાની પાટી લાયો? નં તારો બાપ નં તારી મા મનં લખી લખીનં કેટલું બતાડ સ તે મારા માટઅ્ પાટી લાયો? પૈસા થઈ જાય તમોં તારો બાપ મારી દવાઓય પૂરતી લાવતો નથી નં તીહ રૂપિયા પાટીના ઠીકરામોં ખરચાય? લે, કૅ, હેંડ..’ માએ રશ્મિને કહ્યું પાટી પાછી આપી આવવા. દુકાનદારે જરીકે આનાકાની વિના ત્રીસ રૂપિયા પાછા આપ્યા. એ પછી જ મોટીબાના જીવને ટાઢક થઈ! મોટીબા એકલાં વિસનગર રહેતાં ને બાપુજી માણસા હતા ત્યારે, એક વાર ઘઉં ભરવાની સિઝન વખતે, મહિનાના ખર્ચની રકમ તો મોકલેલી, પણ ઘઉં ભરવા માટેની અલગ રકમ મોકલવામાં થોડું મોડું થયું. ઘઉં ભરવા માટેના પૈસા જ્યારે આપ્યા ત્યારે મોટીબાએ ચૂપચાપ લઈ તો લીધા. પણ ઘઉં તથા દાળ-ચોખા તો એ અગાઉ જ એમણે ભરી દીધેલાં! એ પછી મા તથા બાપુજી જ્યારે વિસનગર આવ્યાં ત્યારે પડોશીઓ પાસેથી જાણ્યું — મોટીબા લારી કરીને બજારમાં વાસણ વેચવા નીકળેલાં! પછી ઘરમાં જોયું તો ખાસ્સાં બધાં વાસણ ઓછાં હતાં! વતનના ગામમાં જ, ભરબજારે મોટીબા આમ લારી કરીને, લારી ભરીને વાસણ વેચવા નીકળે તો લોકો શું કહે? – છોકરો મોટો પોસ્ટમાસ્તર સ પણ ડોસીનં પૈસા નંઈ મોકલતો હોય તે ઘઈડેઘડપણ માજીનં બાપડોંનં ઓંમ વાહણ વેચવા નેંકળવું પડ્યું… – વહુનંય હાહુ ખંટાતી નૈં હોય તે ડોસીનં બાપડીનં ઓંય ઘઈડેઘડપણ એકલોં રૅવું પડ સ.. .  નં ડોસી હાજોમોંદો થાય તો કરનારું કુણ? મોટીબા જયેશને કહેતાં, ‘બહો રૂપરડીમોં હું થાય આ મુંઘવારીમોં? જા, લઈ જા પૈસા પાછા નં કૅ’જે તારા બાપનં ક અવથી પૈસા મોકલવાની જરૂર નથી. હું માર વાહણ વેચી વેચીનં ખયે નં જરૂર પડ્યે આ ઘરેય ફટકારી મારે.’ મોટીબા અવારનવાર આમ બોલતાં. પણ સાચેસાચ તેઓ બજાર વચ્ચે આમ વાસણ વેચવા નીકળશે એવું તો કોઈએ વિચાર્યુંય નહોતું. અને એય પાછું ઘઉં ભરવા બાબત મા કે બાપુજી સાથે કશી જ વાત સુધ્ધાં કર્યા વિના સીધું જ આવું પગલું? તે આ ઘટનાથી બાપુજીને સખત આઘાત લાગેલો ને ભયંકર ગુસ્સે થયેલા છતાં, પાટીમાં લખીને મોટીબાને માત્ર એટલું જ પૂછી શક્યા— ‘વાસણો શું કામ વેચવાં પડ્યાં?’ ‘તારી વહુ એ વાહણો દહેજમોં લાઈ'તી?’ મોટીબા કાળઝાળ. બાપુજી ચૂપ. ગુસ્સાથી ને મોટીબાની બીકથી અંદરથી ધ્રૂજે. ‘તું ઘઉં ભરવાના પૈસા નોં મોકલઅ્ પસઅ્ મારઅ્ હું કોંકરા દળાવવા? વાહણોમોંથી એકેય તારી કમોંણીનું નથી ક મનં હોંમો સવાલ કર સ.. વહુએ ચાવી ભરીનં મોકલ્યો લાગ સ...’ ‘થોડું મોડું થયેલું, પણ ઘઉં ભરવા માટેના પૈસા મેં મોકલ્યા છે.’ ‘તેં જો પૈસા મોકલ્યા હોય તો મારઅ્ હું કોંમ બજાર વચીં વાહણ વેચવા નેંકળવું પડ?’ જૂઠું બોલતાં કે ફરી જતાંય મોટીબાને જરીકે વાર ન લાગે. ઘણી વાર વાતવાતમાં મોટીબા જાતે જ કહે— ‘ઈંમ તો હું બધોંયનં પોંચું એવી છું. સૉમ, દોંમ, દંડ, ભેદ, છળ, કપટ... બધું આવડ સ. ઈંમ કોંય હું પાછી પડું એવી નથી. હુંય ‘પોલિટિકલ’ છું.’ જયેશ માટેય મોટીબા કહે— ‘બટકો અમાર સીધો. પણ અમારો મુન્નાડો પોલિટિકલ.’ બાપુજી રિટાયર્ડ થઈને વતનમાં આવ્યા. ઘણાં વર્ષોથી ઘર ધોળાવ્યું નહોતું તે ઘર ધોળાવવાનું નક્કી કર્યું. ચૂનો, કૂચડો વગેરે સામાન સાથે લઈને આવેલા ધોળવાવાળાને જોતાં જ મોટીબાનો ગુસ્સો સાતમા આસમાને — ‘કનોં લગન આવવાનોં સ તે ઘર ધોળાવ સ?’ મોટીબા જે ઘરમાં મરવાની હઠ લઈને બેઠાં છે, જે ઘર એમણે નાકનું ટેરવું ઊંચું રાખવા ખરીદેલું, જે ઘરમાં એમણે આટઆટલાં વર્ષો કાઢ્યાં છે, જે ઘર માટે એમને આટઆટલો લગાવ છે એ જ ઘરને ધોળાવવાની બાબતેય મોટીબા કેમ આમ ગુસ્સે થયાં હશે?! આવો સવાલ થતાં જ મોટીબા એકલાં રહેતાં ત્યારનો પ્રસંગ સાંભરે છે — એક નવરાત્રિ પછી હું વિસનગર ગયેલો ત્યારે મોટીબા કહે, ‘આ ઘર ધોળાયે ખાસ્સોં વરસ થઈ ગયોં… તે આ દિવાળી વખતે ઘર રંગાવું સ... અવઅ્ તો પેલી ટ્યૂબ આવ સ નં એ ચૂનામોં નખીએ એટલઅ્ રંગ થઈ જાય નં બઉ ખરચો નોં થાય.’ રજા નહોતી તે હું રોકાઈ શકું તેમ ન હતું. મેં મોટીબાને ઘર ધોળાવવા પૈસા આપ્યા તો મોટીબા રાજીનાં રેડ થઈ ગયાં. દિવાળીના ચાર દા'ડાય મા-બાપુજી સાથે માણસા રહેવાની ચોખ્ખી ના. પણ આટલી ઉંમરેય, સાવ એકલાં જ રહેતાં હોવા છતાં, મોટીબાને દિવાળી વખતે ઘર રંગાવવાનું મન થાય છે! દિવાળી પછી અમે મોટીબાને પગે લાગવા ગયા તો જોયું— આછા આસમાની રંગથી બધીયે દીવાલો શોભતી હતી! મેં દોરેલા ને પછી મઢાવીને ટીંગાડેલા એક ફોટા પર મારી નજર ગઈ કે તરત મોટીબા બોલ્યાં — ‘અવઅ્ ઉંમર થઈનં તે ટેબલ પર ચઢીનં બધા ફોટા જાળવીનં નેંચ ઉતાર્યા પણ એ ફોટો હાથમાં લેતાંભેર તું હોંભર્યો નં ક્યાર ફોટો હાથમોંથી પડી ગયો કોંય ખબર નોં પડી.’ ઘર રંગાવતી વખતે બધો સામાન ફેરવવાની કેટલી માથાકૂટ થાય છે! ને આટલી ઉંમરે મોટીબાએ ટેબલ પર ચઢીને બધા ફોટા ઉતારવાની શી જરૂર હતી? ધોળવાવાળો ઉતારત. મેં પાટીમાં લખ્યું— ધોળવાવાળાને જ બધા ફોટા ઉતારવાનું કહ્યું હોત તો?’ ‘આ વાંચીને મોટીબા ખડ ખડ હસવા માંડ્યાં ને પછી બોલ્યાં— ‘ધોળવાવાળાને બોલાયો'તો જ કને?’ આવડું મોટું ઘર મોટીબાએ જાતે રંગેલું! એટલું જ નહિ, પણ એક ફોટોય જાતે ફ્રેમ કરેલો! કરિયાણાવાળાએ આપેલા કૅલેન્ડરમાંનો એક ફોટો એમને ખૂબ ગમતો. એને મઢાવવાનું મન થયું હશે. તે ઘર રંગવા માટે બધા ફોટા નીચે ઉતાર્યા ત્યારે એમાંથી ઓછા ગમતા એક ફોટાની પાછળથી ઝીણી ઝીણી ખીલીઓ હથોડી વડે ઉખાડી, હાર્ડબૉર્ડ બહાર કાઢીને એ જૂનો ફોટો કાઢી નાખ્યો. કાચ-ફ્રેમ સાફસૂફ કર્યાં. ગમતા ફોટાની સાઇઝ કાપીકૂપીને માપસર કરી. પછી ફ્રેમમાં કાચ મૂક્યો, એના પર ફોટો, ને એના પર હાર્ડબૉર્ડ. પછી એક પતરાના ડબ્બામાંની ખીલીઓ નીચે ઠાલવી ને જરૂરી માપની ખીલીઓ વીણી કાઢી ને હાર્ડબૉર્ડ પર માથું રહે તેમ એ ખીલીઓ ફ્રેમમાં લગાવીને એમણે ગમતો ફોટો જાતે મઢ્યો! મોટીબાને, આટલી ઉંમરે, એકલાં જ રહેતાં હોવા છતાં, દિવાળીમાં ઘર રંગાવાનું મન થાય એ તો ઠીક પણ રંગવાનું કામ પણ જાતે?! કોઈનીયે મદદ વિના, સામાનની ખસેડાખસેડ પણ જાતે?! ને આટલી ઉંમરેય જૂની ફ્રેમમાં જાતે જ નવો ફોટો મઢવાનું મન થાય?! જિંદગીમાં આટઆટલાં દુઃખો વેઠ્યાં પછી પણ મોટીબામાં આટલો ઉત્સાહ, આવો જીવનરસ કઈ રીતે ટક્યો હશે?! આટલો જીવનરસ ટકાવી રાખનારું એવું તે કયું બળ હશે?! ઘર જાતે ધોળ્યું ને મજૂરીના જે પૈસા બચ્યા એ તેઓ મૂકી આવેલાં પોસ્ટઑફિસ જઈને એમના ખાતામાં! જાતે ઘર ધોળનારાં એ જ મોટીબા સખત ગુસ્સે થઈને મા-બાપુજીને કહે પણ ખરાં —

‘કનોં લગન આવવાનોં સ તે ઘર ધોળાવ સ?’