યાત્રા/ઊર્મિ અને શિલા

ઊર્મિ અને શિલા
[૧]

મને આકર્ષે તું,
છતાં ના તર્પે તું : અહ જટિલ કેવી જ સમસ્યા?
શિલા જેવી જાણે જલનિધિતટેના ખડકની
રહી ઝીલી ઊર્મિ, મુજ અરવ ને નિશ્ચલ બની,
રહ્યું મારે માત્ર મુખર બનવાનું શત વસા!

અરે, આ તે કેવું અફર વિધિનિર્માણ ગણવું?
રહેવાનું તારે અડગ જડ ને મૂક ખડક–
અને મારે ઝીંક્યે જવી સતત ઊર્મિની થડકઃ
ખરે આ વૈષમ્યે કશું પ્રણયસાફલ્ય બનવું?

નહીં. એથી તો છે ઉચિત વધુ, આ ઘર્ષણ તજી,
જવું મારે મારી અસલ તલપાતાલગુહમાં;
પુરાઈ બંધાઈ વહન તજી, નિઃસ્પંદ દ્રુહમાં
સમાવું સૌ મારી તલસન, મહા મૌન જ સજી.

તને આત્મૌપમ્યે મુજ હૃદય શું એક કરવા
હવે મારે ના ના પળપળ ઉછાળા ઉભરવા.

[૨]

અરે, ભોળા ભોળા પિયુ, હૃદય મારું ન સમજ્યો,
યુગોથી હું તારા ભુજશયનમાં પોઢી તદપિ?
ઝિલી એકે એકે તવ છલક મેં લક્ષ અવધિ,
છતાં તારે હૈયે ગહન ઘન આટોપ ન તજ્યો?

શિલા હું, તું ઊર્મિ, સ્થિર હું, છલતો તું : ઉભયના
રચાયા આ ધર્મે વિષમ અમ કૈં હેતુ જ હશે.

હવે પાછા જાવું ? પ્રકૃતિજનની રુષ્ટ બનશે–
શિલા સુક્કી લુખ્ખી, હિમથર થશે ઊર્મિલયના.

હતાં એકી રૂપે અગુણમય પૂર્વા સ્થિતિ મહીંઃ
શિલા ન્હોતી, ઊર્મિ પણ નવ હતો ગૂઢ તમસે.
ત્યહીં આનંદાર્થે ધસતી પ્રકૃતિ પૂર્ણ રભસે
બની તુંમાં – હુંમાં શત વિષમતાપૂરિત મહી.

હવે ઊર્ધ્વે ઊર્ધ્વે ચડવું, જ્યહીં આ ભેદફલકે
નવા કોઈ ઐક્યે પરમ રસ કો ભવ્ય છલકે.

એપ્રિલ, ૧૯૪૩