યાત્રા/ચલ—

ચલ—

ચલ ગાગર લે ઝટ જઈએ રે,
ચલ ઝટ, ચલ પનઘટ જઈએ.
સાંજ પડી અને જાગ્યા સમીરણ,
જાગી અંતરમાં કો આંધી,
સાજ સજાવટ રાખ પરી, એક
ગઠરીમાં હૈયું લે બાંધી રે.
ચલ ગાગર લે ઝટ જઈએ.
નીર ભર્યા ઘટ ઠલવી દીજે અને
સાસુની આણ ન સુણીએ,
છોરુવછોરુને છૂટાં મૂકી હવે
મોંઘું સોંઘું નહિ ગણીએ રે.
ચલ ગાગર લે ઝટ જઈએ.
સૂને ઘાટે બેઠો એકલ સાંવરો
આપણી વાટ નિહાળે,
અમ સરિખાં એને ઝાઝાં મળે ના,
બીજા કોને એ પાર ઉતારે રે?
ચલ ગાગર લે ઝટ જઈએ.


ઑક્ટોબર, ૧૯૪૪