યાત્રા/ટિપ્પણ..

ટિપ્પણ
(પૂર્તિ વિનાના ભાગનું)
[પૅરાના આરંભમાં મૂકેલા મોટા આંકડા કાવ્યનું પૃષ્ઠ સૂચવે છે,
અંદરના આંકડા પંક્તિઓના છે.]
.

૮, ક્ષેપનટોચ – રેડિયો બ્રોડકાસ્ટિંગમાં વપરાતા અવાજ ફેંકવા માટેના ઊંચા થાંભલાની ટોચ.

૧૩ ૨, ગ્રાવા–પથ્થર.

૧૮ ૧, ઢેફેલાં–વાવીને ઉપર માટી ઢાંકી દીધેલાં.

૨૧ ૭, વેરીનું કામ ચૂર્ણ, દર્પની એ ચૂર્ણને લીધે પણ તેને પોતાને રજત વર્ણ પ્રાપ્ત થયો હોઈ શકે.

૨૭ ૮, પૂષણા – પુષ્ટિદાયક.

૨૮ ૧૩, નીરમ – વહાણને સમતોલ રાખવા ભરાતા ભાર.

૩૧ ૪, માત્ર – યતિસ્થાને આવતો લઘુ ‘ત્ર’ પંક્તિ અંતે આવતા લઘુ પેઠે અહીં ગુરુ તરીકે ચલાવ્યો છે, અને ચાલે પણ છે. ૧૩, દ્રુહ – ધરો.

૩ર ૧૧, રભસ – વેગ.

૩૩ છંદ : આ તથા આ સંગ્રહમાંની બીજી કેટલીક કૃતિઓમાં છંદના મુખ્ય એકમ એવા માત્રાસમૂહને લઈ તેનો યથેચ્છ ઉપયોગ કરી નાની મોટી પંક્તિઓ નિપજાવી છે. વળી આવી રીતે બનેલી પંક્તિમાં તાલનું સ્થાન કેટલીક વાર ઉપરની પંક્તિના અનુસંધાનમાં ચાલુ રહેતી પંક્તિના આરંભમાં નિયમ પ્રમાણે નથી પણ આવતું, તેમ જ પૂર્વની પંક્તિ સાથે અનુસંધાન ન હોય તેવે વખતે નિયમિત તાલસ્થાનની પૂર્વે કદીક બે માત્રાનો એક વર્ણી વધુ પણ આવે છે. વળી પંક્તિ હંમેશાં નિયમ પ્રમાણે પૂરી ન થતાં ગમે ત્યાં અટકે છે, અને નવી પંક્તિ નિયમ મુજબ શરૂ થાય છે. આવી અનિયમિતતા છંદના લયમાં વૈવિધ્યની સાધક પણ બને છે. આવી છંદરચનાઓને ‘ખંડ’ વિશેષણથી વર્ણવવી ઠીક રહેશે. નરસિંહરાવે યોજેલા ‘ખંડ હરિગીત’ માં નિયમિત માપવાળી પંક્તિઓ આવે છે. પણ મૂળ પંક્તિના એક વાર ટુકડા કર્યા પછી, તેનું માપ નિયમિત કે અનિયમિત રહે તે વસ્તુને ગૌણ ગણી, આવાં સર્વ સંયોજનોને ‘ખંડ’ વિશેષણથી ઓળખવાં વધુ ઠીક રહે. આ કાવ્યમાં ઝૂલણાના ખંડો છે. પૃ. ૪૪, ૪૭, ૫૦, ૯૪, ૧૧૦, ૧૬૩ પરની રચનાઓ ખંડ હરિગીતમાં છે. પૃ. ૧૬૭ પર ‘કત્લની રાત’માં ખંડ લાવણી છે, જોકે એમાંની કેટલીક પંક્તિઓ કટાવમાં પણ બની આવેલી છે.

૩૬ ૭, મસૃણ – કોમળ; ૪૧, કાકુ – ઊર્મિ અનુસાર બદલાતો સ્વરભંગ; ૭૮, અધિત્યકા – ઊંચી ભૂમિ.

૪૧ ૧૨, પૃથુ – વિશાળ.

૪૭ ૬, અન્તિકે – પાસે.

૫૦ ૬, મિસ્કીન – ગરીબ.

પર ૮, અસિત – શ્યામ, સિતથી ઊલટું.

૫૩ ૧૪, ચરમ–અંતિમ.

પપ ૩, પીન-પુષ્ટ, માતેલું.

પ૭ ૧, યુગપત્–એકી સાથે.

પ૮, દીપ્તાર્ક-સળગતો સૂર્ય.

૫૯ ૮, નલિની-કમળ, તળાવડી; ૧૬, ખનિકા-ખાણ; ૨૧, ક્ષિપ્ર-વેગીલી; ૩૩ કચ્છપમતિ-કાચબાના જેવી ધીરી છતાં દૃઢ વૃત્તિ, ૪૮, તરી–હોડી; ગરિમા-ગુરુત્વ; ૭૪, મૃદ-માટી; ૭૯, થીજ્યું–થીજેલું; ૯૦, દોલન-હિંડોળો; ૧૧૮, ઉચ્છ્રિત-ઊંચું; ૧૨૬, અયસ-લોઢું.

૬૮ ૧૪, રસધિ-રસનિધિ, જલધિ પેઠે.

૭૦ ચિત્રકાર રોરિકના એક ચિત્ર પરથી લખ્યું.

૭૫ ૧૩, સ્થવિર-ઘરડો.

૭૮ ૨૪, મનુષ્યનો અને તારા સંગમ બન્યા છે ત્યારે.

૭૯ ૧૫, તથા–પરવા, દરકાર; ૧૮, દુર્ગ-રૂપઃ-દુર્ગમ, રક્ષણશીલ સ્વરૂપ; ૨૧, કમઠ-કાચબો; ૨૮, એકે–એકે કરામત; ૩૧, અભ્રંકષ-અભ્રને અડતું, ગગનચુંબી; ૩૨, અવચ-નીચું, ઉચ્ચથી ઊલટું; ૪૨, જિગીષણા વિજયેષણા; ૫૨, અશનિ-વજ્ર જેવાં; પ૪, જય પરાજય રૂપ બની ગયા છે, મંગળમાંથી જંગલ બની રહ્યું છે.

૮૯ ૨, ઉત્પલ–નીલ કમલ.

૯૦ ૪, સમવિષમ-પૉઝિટિવ-નેગેટિવ.

૯૩ ૧૦, વિશ્રમ્ભ-વિશ્વાસ, ગ્રહ-વૃત્તિ: ૧૨, વિનયન-શંકર, પંચઈષુ-કામદેવ.

૯૬ રવીન્દ્રનાથ ઠાકુરને ઉદ્દેશેલું.

૯૭ શ્રી બળવંતરાય ક. ઠાકોરને ઉદ્દેશાયેલું. એ વૃદ્ધ સ્નેહીની ૭૪મી વર્ષગાંઠે કવિ પૂજાલાલે તેમને એક મુક્તક લખી મોકલેલું. તેના ઉત્તરમાં તેમણે થોડી લીટીઓ લખી મોકલી. તે પરથી આ કાવ્ય રચાયું, અને તેના ઉત્તર રૂપે તેમના તરફથી એક ઉત્તમ કૃતિ આવી. એ ત્રણે અહીં આપી છે.

.
(૧)મુ. શ્રી બલુચાચાને-૭૪મી વર્ષગાંઠે

વર્ષોના બહુ પાશથી કસકસી બાંધી બલાત્કારથી
જાતો કાળ વિનાશની પ્રતિ લઈ થંભ્યા વિના સર્વદા:
એવા પાશ ચુંવોતરા બલવતે તોડી ફગાવી દઈ
રાખ્યું યૌવન જીવતું હજુ ય જે તે બાલ્ય દૈવી ઘરો!
૩-૧૧-૪૨પૂજાલાલ

(૨)

પૂજાલાલ, ત્હમે કરી હદ ભલા આ સુંદરા’શીષથી:
ચુમ્મોતેર લખાય આંક ઉલટા, છે આંક યૌવનતણો;
નીચે ઉપર માંડી જોડિ લઈયે, છે આંક અગિયારનો,
જો મોટા થકિ બાદ ન્હાન કરિયે રહે આંક શૈશવતણો!
અંકોની શબદોતણી રમતથી જો કે ઘડી રાચિયે.
ને આશામધ એમ ચાટિ ઠગિયે કે ઘડી આપને,
તો યે જાત ડુબંત આ ન તરતી વાર્ધક્યવારે બને,
તો યે પાવડી કાળની ખખડતી આ નિઃસ્વના ના બને.
કાર્તિક સુદ બીજની રાતેબo

‘ભાઈશ્રી...એ પાછલી કડી આપી ને તુર્ત ચાલતી લેખણે.
વાર્ધક્યવારિમાં ડુબતી જાય છે તે પછી તરતી નથી.’
૩) ‘હે શ્વેતકેશી પિતર!’ લખનારને આશિષો
પૃથ્વીસૉનેટ

સખા કહું ગણૂં ન પુત્ર, વારસ તું ’નેક ગુરુ-બુદ્ધિનો,
કર્યા ગુરુ ઘણા, કરીશ વળિ, ને હતો પ્હેલથી
વડો ગુરુ તું પંડનો, ટકિ રહે જ તેવો હજી.
જતો દિસત હૂંથિ દૂર, વળિ ભૂમિ વર્જેલ મેં
તને દિસત સત્ય શાંતિ સુખ-સર્વ શ્રેયે ભરી :
મ્હને ભય, રખે તું બુદ્ધિ તુજ હારિ જા એહની
પ્રલોભનપરંપરામહિં, તરંગમાં સિંધુના
સદોચ્છલત રંગરંગિ ચળકોલ્લસદ્ધિવતમાં
જતો સફર માટ જેમ ભડવીર તારો ડુબે
સખો, તરિ ઠરે તું કોઈ ઘન ખંડ બેટે, ’થવા
તરંગવમળે ડુબે : તુજ ભવિષ્યનો તૂં ધણી.
સખે, તર તું, ડૂબ તું : વિકટ સત્યયાત્રા સદા;
અને વિરલ દૃઢમનસ્ક યાત્રાળુ યે સાહસી.
ભલે સફર તૂં ચડ્યો : સભય તો ય દૌ આશિષો.
૧૬–૧૨–૪૨બo

નોંધ—’નેક : અનેક ગુર-બુદ્ધિ : આનો ફલિતાર્થ બુદ્ધિમાન ગુરુઓ.
પ્હેલું સત્ય બીજું શ્રેય શાંતિ ત્રીજું સુખ અને બીજાં અનેક.
શ્રેય એકબીજા સાથે સંલગ્ન હોય એટલે બે મોટાં ત્યાં બીજાં
સર્વ એ ભૂમિ–એ રહસ્યવાદી યુગપ્રક્રિયા આદિની તેમ
પ્રાચીનતમ તે વધુ જ્ઞાની, ગુહ્યતમ તે વધુ સારું એવા ગોળા
ગબડાવતી એ ભૂમિ અત્યંત વિતત wide vast expanse
વાળી દરિયાના વિતત જેવી તરંગ દ્યુતિઓ ચળકાટોની અનંત
માયાનાં પ્રલોભનોવાળી, અંદર વમળોવાળી પણ જેમાં મોટા
તારા પણ ડૂબે-ડૂબેલાના દાખલા થઈ ગયા છે. બo

૬. ’પિ-અપિ, પણ; ઉપનિષદની જાણીતી સૂક્તિ,-પૂર્ણમિદં પૂર્ણ મદઃ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે! પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ।। ૧૬, કારાપતિ – જેલર, મૃત્યુ – યમ એ કોઈ સર્વનાશક પ્રાણહારક તત્ત્વ જ નથી, અમૃતત્વની વિદ્યાનો મંત્રદાતા ગુરુ પણ છે.


આ કૃતિના અનુસંધાનમાં બ. ક. ઠા. તારાઓના ડૂબી ગયાનો ભય સેવે છે, ડૂબેલાના દાખલા નોંધે છે, તો તેની સામે તરી ગયેલાના અને બીજાઓને તારી ગયેલાઓના દાખલા પણ સ્મરણમાં રાખી શકાય.

.

૯૯. આના પૂર્વસંધાન રૂપે ‘કાવ્યમંગલા’માંના ‘ત્રિમૂર્તિ’માંનું ત્રીજું ગાંધીજી વિષેનું સૉનેટ વાંચી શકાશે. ૧૦, વીંધી ગૈ–ગોળી. આવું ઘાતક મૃત્યુ એ શું પ્રભુની કરુણા જ નહિ હોય? એ ભાવથી કવિ આ મૃત્યુ અંગે ઊભી થયેલી દારુણ વ્યથાને એક નવા જ શામક તત્વથી શાંત કરવા માગે છે. જે મૃત્યુ માટે ગાંધીજી પોતે રડ્યા ન હોત, જેમાં તેમણે પ્રભુની કૃપા અવશ્ય ભાળી હશે, તેથી બીજાએ શા માટે રડવું, સિવાય કે પોતાની વૃત્તિને માર્ગ આપવા ખાતર જ? આ કડીમાં બીજો પ્રશ્ન છે જગતમાં સત્યની–પ્રેમની સ્થાપનાના માર્ગ વિષે. શહીદી, અસત્‌ને હાથે સદાયે સત્ય હણાતું રહે, સત્યના સ્થાપકે હમેશાં શહીદ જ થવું પડે એ જ શું સત્યના જયનો એક માત્ર માર્ગ છે? પ્રશ્ન ઊભો કર્યો છે એનો અર્થ એ છે કે ના, એ સિવાય પણ સત્યના જયનો બીજો માર્ગ છે. અને તે માટે અંતમાં પ્રભુની મહાશક્તિને પ્રાર્થના ગુજારી છે

૧૦૦ ૬, અચ્છોદ-કાદંબરીમાં આવ્યું છે તેવું નિર્મળ જળનું કાવ્ય સરોવર; ૭૧, શારદ પૂર્ણિમા-કાન્તે કવિને માટે ઘટાવેલી તેમની જ એક પંક્તિ, ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’નો અહીં ધ્વનિ છે.

૧૦૪ સ્વ. યુવાન કવિ ગોવિંદ સ્વામીને અનુલક્ષીને લખાયેલું. ગોવિંદ અમુક વખત સામ્યવાદી વિચારસરણીમાં તરબોળ હતો. કાવ્યમાંનું કેટલુંક ચિંતન સામ્યવાદ અને બીજી ભૌતિકપ્રધાન જડાત્મક વિચારદૃષ્ટિની આસપાસ ચાલે છે, ૬૦, મધ્યની ઘટમાળ-ઉદ્‌ભવ અને લયની વચ્ચેનો જીવનગાળો.

૧૧૦ ગુલબાસ-જેને અમે પીપળિયો ગલ કહીએ છીએ, તેને પીપળા જેવાં પાન હોવાથી. તેનાં ફૂલ, લાલ કે સફેદ, સાંજથી ખીલે છે, આખી રાત ખુલેલાં રહે છે. યોગમાં હરેક પુષ્પની ચેતના પ્રત્યક્ષ થઈ શકે છે તેનું રહસ્યરૂપ વરતી શકાય છે. આ ફૂલનું રહસ્યરૂપ છે, ‘આશ્વાસન.’ પૃ. ૧૪૭ મે આવતું ‘ચિત્તપૂર્ણતા’ એક ચંપક પુષ્પના રહસ્યરૂપનું કાવ્ય છે.

૧૧૪ ૯, રેણ–રાત્રિ.

૧૧૫ ૮, કોટર-પોલાણ, દર; ૯ થી ૧૪, ભેદ કેમ પડ્યો તેનાં કારણોની કલ્પના કરી છેઃ અહં કે બીજા કોઈ તત્ત્વનો વિકાસ થયો હોય, જીવનરસો તૃપ્ત થઈ ગયા હોય, તેથી સહચારની ચાહના ન રહી હોય, કે પછી ઉપનિષદમાંના દ્વા સુપર્ણા પંખીયુગ્મના જેવી આ સ્થિતિ છે.? બીજું સૉનેટ એ પંખી રૂપકનો આશ્રય લઈ બેના જીવન વચ્ચેના ભેદ અને તેમના ભાવિ મિલનની આશા નિરૂપે છે.

૧૧૬ ૩ થી ૬, ટેટીઓ ખાનારા પક્ષીની જીવનચર્ચા; ૭ થી ૧૧, એના વિહગ મિત્રનું ચિત્ર; ૧૨, ટેટીઓ પડતી મૂકી પહેલું પંખી બીજા જાગૃત પંખી સાથે ચાલી નીકળે છે.

૧૧૯ ૬, સુફીત-ફીણાળાં, સમૃદ્ધ, ૧૫ ઈષુ-બાણ.

૧૨૦ ૧૧, ભાસ્કર્યકોતરણી; ૧૪ હરિદ્રદ્યુતિ-હળદરની શોભા.

૧૨૪ ૭, વિતથ-મિથ્યા.

૧૨૭ ૯, પલ્વલ–નાનું તળાવ.

૧૩૫ ૧, હરિની – જ્યોતિ અને સુધા બંને સાથે સંબંધક શબ્દ છે, દેહલીદીપક ન્યાયે.

૧૪૦ ૨, સરભસ-સવેગે, રભસ–વેગ.

૧૪૧ ૧૦, ગ્રાહ-મકર; ૧૧ સંબોધિ-જ્ઞાન.

૧૪૭ ચિત્તપૂર્ણતા-ચંપાના પુષ્પનું રહસ્યરૂ૫. ચંપાની પાંચ પાંખડીઓ ચિત્તને-અંતરાત્માને પૂર્ણતા પ્રતિ લઈ જતા પાંચ ભાવોની વાચક છે; એ ભાવ પાંચ છેઃ અભીપ્સા, શ્રદ્ધા, સમર્પણ, ભક્તિ, સત્યનિષ્ઠા-sincerity. સત્યનિષ્ઠાની સમજણ શ્રી અરવિંદે આ રીતની આપી છે: ‘આપણે ચૈતન્યની અને સાક્ષાત્કારની જે ઉચ્ચમાં ઉચ્ચ ભૂમિ સિદ્ધ કરી હોય તે ભૂમિકા ઉપર આપણી સર્વ ક્રિયાઓને પહોંચાડીએ તે સત્યનિષ્ઠા છે. સત્યનિષ્ઠા માગે છે કે પરમાત્માના દિવ્ય સંકલ્પની ફરતે આપણા સ્વરૂપના સર્વ અંશઉપાંશો અને પ્રવૃત્તિઓને એકત્ર કરી તેમને સંવાદમય કરી દઈએ.’

૧૫૦ ૫, અજસ્ર = સતત, અખંડ.

૧૫૧ ૧૪, આહટ-ધ્વનિ.

૧૫૫ ૧૪, અર્ચિ—જ્વાલા.

૧૫૬ ૧૦, ક્ષુરા નિશિત–તીક્ષ્ણ છરી.

૧પ૯ ૫ થી ૧૨, મધુર સ્વપ્નની રેખા તે આપી છે.

૧૬૦ રતિયાં, રૈન–રાત્રિ; તોહે મોહે-તને, મને; સાંવરી–શ્યામલ, સુંદર.

૧૬૧ ૧૩, ઋત-મેરુ-સત્યનો મેરુ પર્વત.

૧૭૮ આ કૃતિ અર્વાચીન તામિલ કવિ સુબ્રહ્મણ્ય ભારતીની કૃતિનો અનુવાદ છે, મૂળના અંગ્રેજી અનુવાદ પરથી.

૧૮૩ છેલ્લી કડીમાં આવતા લલિત, વસંત, ભૂપ, કલ્યાણ, આસા એ શબ્દો રાગોનાં નામ પણ છે. અને આમ શબ્દોના વાચ્યાર્થમાંથી પણ એક બીજો અર્થ નીકળે છે.

૧૮૪ ભારતીય સંગીતના હરેક રાગની પાછળ એક વ્યક્તિત્વ, એક વાતાવરણ, એક રસ રહેલો છે. બેશક, સંગીત જેવી સૂક્ષ્મ વસ્તુનાં સંવેદનોનું સ્વરૂપ તર્કની રીતે નિયમબદ્ધ ભાગ્યે જ થઈ શકે. ગાનાર અને સાંભળનારની સર્જકતા અને ગ્રાહકતામાં રહેલી વિવિધ કક્ષાઓ પણ સંગીતની અસરમાં અનેક વિવિધ ઝાંયો પ્રગટાવે છે. રાગનાં જેવી રીતે ચિત્રો થયેલાં છે, તેવી રીતે આ રાગનાં કાવ્યો છે. એ રાગના શ્રવણથી કવિને દેખાયેલી સૃષ્ટિનાં આ ચિત્રો છે. કશા બૌદ્ધિક સંકલ્પ કે વિચાર વિના રાગના વાતાવરણમાં વહેતાં વહેતાં જે દૃશ્યાવલિ, જે ભાવ ઊભો થતો ગયો તેને અહીં કાવ્યબદ્ધ કર્યો છે. ૨, અશ્મ–પથ્થર; ૩, પુકુર–નાનું તળાવ; ૪, ઉત્સ-ફુવારો; ૧૩, આમોદ-આનંદ.

૧૮૫ ૧, ક્ષિતિ-પૃથ્વી, ૫, શલ્પ-કૂણું ઘાસ; ૭, લિહલિહી-ચાટીને; ૮, શાવક-બચ્ચું; ૧૦, ભોજ-ભોજન.

૧૮૮ ૬, નારાપતિ-સમુદ્ર; ૧૪, ગાહી-અવગાહી, સ્નાન કર્યું.

૧૮૯ ૧૩, સ્તનત–ગાજતો.

૧૯૧ ‘કાવ્યમંગલા’માં આવેલા ‘ધ્રુવપદ ક્યહીં?’ કાવ્યના પ્રશ્નનો અહીં કવિનો ઉત્તર મળે છે. જગતનું ચિંતન કરતાં કરતાં કવિને વિષાદ પ્રગટેલો, મૂર્છા આવેલી. એમાંથી જાગીને કવિએ જગતનું સત્ય જોયું છે અને તેની વીણા ફરી ગાન શરૂ કરે છે, પ્રકૃતિને ખોળે બેસી કવિ પંખીઓને સંબોધે છે અને જગતના સત્યનું દર્શન તારવે છે. ૫-૨૦: કવિ પંખીઓને ભૂરાં ગહન ગગનની સહેલ માટે આમંત્રે છે. ત્યાં મધ્યાહ્નના પૂર્ણ પ્રકાશમાન ભાનુનું દર્શન થાય છે. પણ એ મધ્યાહ્નનો પ્રકાશ પૃથ્વીના પ્રાણીથી કંઈ જીરવી શકાય છે? આ સ્થૂલ તેમ જ સૂક્ષ્મ પ્રકાશ ઝીલી શકે તેટલો વિકાસ હજી જીવનનો તેમ જ બુદ્ધિનો થયો નથી. એટલે એ ગગનો મૂકી કવિ પંખીઓને શીતલ કુંવજમાં વિશ્રાંતિ કરવા લઈ જાય છે. ૨૧–પર : એ કુંજમાંથી કવિ પ્રકૃતિનું દર્શન આદરે છે. આ છે પૃથ્વી, આ સાગર, આ ગગન, આ વાયુ, આ તેજ-સૂર્ય. ૨૧-૨૮, ભૂમિનું વર્ણન; ૨૭, નિર્વારિ અતૃણ-નહિ પાણી, નહિ ઘાસ એવું રણ; ૨૯-૩૨, સાગર; ૩, નારા-જલોનાં કુળોનો પિતા એવો આ સાગર હજારો ફેણવાળા શેષ જેવા હરિનું શયન બનેલો છે. ૩૩-૩૬, ગગન, જાણે પ્રભુનું હૃદય છે, વિશ્વોના ગુચ્છોના ગુચ્છ તેમાં ઘૂમી રહ્યા છે, કિરણોની ગતિ પણ તેમાં અટકી જાય છે. ૩૭-૪૪. વાયુ. જગતમાં વિચરતો, આકાશમાં સૂતો આ માતરિશ્વા એ શિશુના ઉરનું ક્રન્દન બની રહે છે, રુધિરનું સ્ફુરણ બને છે. કંઠનું ગાન બને છે, જગતમાં સંવાદનું અનુરણન રચે છે. ૪૯-૫૨. અને આ સૂર્ય, પૃથ્વીનો પિતા સવિતા, બાળક પૃથ્વીના મુખમાં એ પોતાનાં પયધરોની મોખ સીંચી પૃથ્વીના વિપુલ જીવનનું સંવર્ધન કરે છે.

૫૩-૬૪ : અને આ ધરા એ સૌ જીવોની માતા છે. એ ધરિત્રી શું છે! તૃણના અંકુરથી માંડી ઠેઠ મનુજની મતિ સુધી, માનવને પ્રેરતી પ્રેરણા બની તે જીવનની રિદ્ધિ રચી રહી છે.

૬૪-૮૪ : માનવ? પંખીઓ ભડકી ઊઠે છે. એ બીક સકારણ છે. તોપણ માનવની સિદ્ધિ એ માત્ર ભયોત્પાદક વસ્તુ નથી. એણે શિકારો કર્યા છે, તો મહાન આત્માયજ્ઞો પણ એણે જ કર્યા છે. સર્વ પ્રાણીને તેણે વશ કર્યા છે, તો પ્રણયનું તીર્થ પણ એણે રચ્યું છે. ભૂતલ પર રહી સ્વર્ગની સુધા ઝંખનાર એ પ્રથમ પ્રાણી છે. અને ત્યાંથી માનવની એ ઝંખનામાંથી પૃથ્વીના જીવનનો નવો તબક્કો રચાય છે એ ધરાતત્ત્વની પોતાની ઊર્ધ્વગતિ છે.

૮પ-૯૬:અને માનવને મળેલું આ ત્રીજું નયન તેને શું બતાવી આપે છે સ્થૂલ અને જડ જગતથી પોતાનું અવગાહન શરૂ કરી તે ઠેઠ બ્રહ્મદર્શન સુધી પહોંચે છે. જગતને બાહ્ય ચક્ષુથી જોઈ છેવટે તે અંતરમાં વળે છે અને ત્યાં તેને ચિતિનાં, શક્તિનાં પરતમ બ્રહ્મપ્રભાનાં દર્શન લાધે છે.

૯૭-૧૧૬ : પણ આ બ્રહ્મદર્શન પછી? એ પ્રશ્ન વિકટ છે. પ્રકૃતિ જે સદાચ ગતિશીલ, વિકાસશીલ રહેલી છે. અને પ્રકૃતિપુત્ર માનવ પણ હજી આગળ વિકાસ પામશે. છતાં માનવને પ્રકૃતિએ સ્વાતંત્ર્ય પણ આપેલું છે. પ્રકૃતિના પ્રવાહને તે તજી પણ શકે છે. પણ એવો ત્યાગ તે માનવતાનું મૃત્યુ નીવડશે. મનુષ્ય જો પ્રકૃતિનાં ગૂઢ લક્ષ્યની સિદ્ધિમાં સહભાગી અને સહકારી નહિ બને તો તેને પૃથ્વી પરથી નામશેષ કરી પ્રકૃતિ પોતાનું નવું સર્જન નિપજાવી, તે દ્વારા પોતાનું લક્ષ્ય સિદ્ધ કરશે.

૧૧૭–૧૩૨ : એ હશે એક નવ-માનવતા, પોતાની ઉત્તમોત્તમ દિવ્ય સિદ્ધિને પૃથ્વીની સાથે સાંકળી લેતી. જગતમાંનું નીચેમાં નીચેનું અચિત્ જડતત્ત્વ અને ઊંચામાં ઊંચેનું પરમ ચિત્‌ત્ત્વ, વિશ્વના આ બે છેડા મેળવવા એ છે. વિશ્વ પ્રકૃતિનું લક્ષ્ય, વિશ્વના આવિર્ભાવની અંતિમ ગતિ. એ પરમ ચિતિનો આ જડ ભૂમિ પર વાસ બનવો, એ વિશ્વમાં વિષ્ણુ ત્રિવિક્રમનું ચતુર્થ ક્રમણ બનશે.

૧૩૩-૧૪૪ : આ અવશ્ય બનવાનું છે, ભાવિની આ ધ્રુવ ઘટના છે, માનવનું ધ્રુવપદ પણ આ જ છે. પૃથ્વી ઉપરના આ દિવ્યસર્જનની આસપાસ માનવીની સાધનાનું ગાન સદા ગુંજશે.

.