યાત્રા/પથવિભેદ?

પથવિભેદ?
(સૉનેટ યુગ્મ)

[૧]

અહીં પથવિભેદ : જે સમજતા હતા આત્મને
મળેલ કંઈ ઉચ્ચ તત્ત્વ તણી ભૂમિ-સંવાદમાં,
ગયું જ સરી તે શું દૂર મિલનોનું સોપાન ને
ઉભા નિજ નિજ સ્થળે, ત્યહીં લહી શું પર્યાપ્તતા?

સ્વયં નિજ મતે સ્થિર, ક્રમણ અન્યથા ના ચહે,
ન અન્ય તણી ખેવના – શું અસહાયતા વા ત્યહીં,
ન અન્ય અરથે કંઈ કરી શકાય તે મૌન વા?
અરે, અધિક સંકુચાય નિજ કોટરે કીટ શું!

અહો, જગતમાં વિશૃંખલ થતું ઘણું તેવું આ–
વિકાસ બનતાં અહં, અવર તત્ત્વ વા; પૂર્તિની
હતી તરસ તે રસો બહુ મળ્યા, હવે ચાહના
કશી ન સહચારની, ત્યમ રચાય આ ભેદ, કે

જગત્-વિટપ પે સખા-વિહગ જેમ એ યુગ્મથી
રહે નિરખી એક અન્ય ચુગવા રહ્યું જે મથી?

[૨]

રહ્યું નિરખી એક અન્ય તણી ક્રીડ અશ્વત્થના
વિરાટ વિટપે, કુણી લસત કૈંક જ્યાં ટેટીઓ;
ચુગે, વળી ત્યજે, વળી કદીક ચાંચ અર્ધી ભરી,
વિમાસી રહતું વિષાદભર, જાય ટેટી ગરી.

અને કદીક પેટપૂર ભરી ભક્ષ્ય, મધ્યાહ્નની
પ્રતપ્ત ઘડીએ જતું નિંદરી ગુલ્મ છાયા મહીં;
ન ભાન કદી યે રહંત નિજ સાથી જે જાગૃત
સદા કિરણની કળી સકળ ઝીલતો જે વસે

નજીક જ, સદા નજીક; ક્યહીં યે ઉડે ને ભલે,
ભમતું નિજ ભક્ષ્ય કાજ, પણ એની સર્વ સ્થિતિ
વિષે સહ રહંત એ વિહગ મિત્ર–ને કો ક્ષણે
ઝબૂકી જઈ, ટેટીની ચણ તજી, ઉડે સંગ તે.

ઉડે ઉભય દૂર દૂર ગગનોની ઘેરી ગુહા
ગભીર અવગાહતાં, ટહુકતાં સુધાના દુહા.


સપ્ટેમ્બર, ૧૯૪૪