યાત્રા/બાજો વિજય દદામાં

બાજો વિજય દદામાં

બાજો વિજય દદામાં!
          હે હો, બાજો વિજય દદામાં!

આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો!
આ સરપ જુઠાણાં તણો ચીરી અબ નાખ્યો!
આ દેવગણોનો અમર સોમરસ
          પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો!
                   હે, બાજો વિજય દદામાં, હે હોo

આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે!
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે!
આ જીવનભક્ષક જમ્મ તણાં ડગ
          દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે!
          હે, બાજો વિજય દદામાં, હે હોo

આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ!
આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં
          કો ન અવર અમ પાખે!
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
          અધિક અધિક રસ દાખે!
          હે, બાજો વિજય દદામાં, હે હોo


સપ્ટેમ્બર, ૧૯૪૫