યાત્રા/મારાં કુસુમ

મારાં કુસુમ

જ્યારે મારાં કુસુમ વિકસ્યાં, હૈયું તેના પરાગે
એવું ડૂબ્યું, જગતભરના રાગ ફિક્કા બન્યા સૌ;
જ્યારે મારા પ્રણય વિકસ્યા, જીવને જાગ જાગ્યા
એવા રૂડા, અખિલ નભના દ્યોત ઝાંખા થયા સૌ.

કિન્તુ, પુષ્પો-પ્રણય મુજ સૌ ચીમળાયાં, ખર્યાં હા,
ને ધા નાખી મુરછિત થઈ જિંદગી ભોં ઢળી ત્યાં.

સંધ્યા વીતી, રુમઝુમ સરી રેણ માઝમ રૂપાળી,
જાગી આંખો, અસિત નિશિની ભવ્ય લીલા લસી શી!–
ને મેં મારાં કુસુમ નિરખ્યાં તારકો થૈ હસંતાં,
ને મેં મારા પ્રણય પરખ્યા હૈયે હૈયે લસંતા.

૧૯૩૮