યાત્રા/સરોજ તું –

સરોજ તું –

અહીં જગસરોવરે વિકસિયાં સરોજો મહીં
સરોજ તું અનન્ય એક મૃદુ નીલ કો ઉત્પલ,
સુનીલ અવકાશ કેરી ઘન શ્યામળી કોમળી
કંઈ તરલ ઝાંય તું મહીં ઝિલાઈ હ્યાં ઊતરી,
સ્ફુરી લસી રહી સુરમ્ય દલથી, મૃદુ સૌરભે,
મુખે સ્મિત સુહાવતી, સ્મિત તણી મહા ચાહક.

સુહાય તુજથી સરોવર, સરોવરે તું સુહે.
અહો તવ સુહાગ વિશ્વ મહીં ઇચ્છું વ્યાપે બધે,
અને પરમ પ્રોલ્લસે સ્મિત-પરાગ સૌને મુખે–
ઉદાસ હતભાગ્ય ગ્લાનિભર માનવોને મુખે.


ઑક્ટોબર, ૧૯૩૮