યુગવંદના/અનશન-તિથિઓ

અનશન-તિથિઓ

બાપુ! માસ છ માસનાં વ્હાણાં રે
કારાગારની કબરે ઓરાણાં રે
કૂડા બોલે કાળજડાં ત્રોફાણાં
રઘુપતિ રામ! રૂદેમાં રે’જો રે!
બાપુ! લખિયા છે કાગળ કરડા રે
વાંચી હાકેમ થઈ ગયા ઠરડા રે
દેતી વગડામાં ધેનુ ભાંભરડા. – રઘુપતિ રામ
બાપુ ! માનવીઓ મત્ય ડોળે રે
મદમત્તો ઉડાડે છે ટોળે રે
તે દી ધાહ દીધી હરિ-ખોળે. – રઘુપતિ રામ
બાપુ! આતમ જેવા તપેલા રે
એવા છઠ્ઠીના ધોમ ધખેલા રે
લીધા ધાનના કોળીડા છેલ્લા. – રઘુપતિ રામ
બાપુ! સાતમે વાત વંચાણી રે
સારી સૃષ્ટિ સૂપડલે સોવાણી રે
એક અણડગ દરિયાની રાણી. – રઘુપતિ રામ
બાપુ! આઠમનાં અંજવાળાં રે
પડ પૃથ્વીનાં પડિયાં છે કાળાં રે
ઉપવાસીનાં લોહી ડોળાણાં. – રઘુપતિ રામ
બાપુ! નોમે નસેનસ તૂટે રે
નીર પાછાં વળે ઘૂંટે ઘૂંટે રે
તોયે સંત-સમાધ ન છૂટે. – રઘુપતિ રામ
બાપુ! દશમીએ ડુંગર ડોલ્યા રે
વિકરાળ વાણી વૈદ બોલ્યા રે
તો યે દોર પોતાનો ન ભૂલ્યા. – રઘુપતિ રામ
બાપુ! એકાદશે અંત ઘડીઓ રે
સારો સંસાર ચક્રાવે ચડિયો રે
તોયે તૂટી નહિ કેદી-કડીઓ. – રઘુપતિ રામ
બાપુ! બારશ ઊગી બળબળતી રે
મહાકાળ તણી છાયા ઢળતી રે
કૈકે કલ્પી ચિતા પણ બળતી. – રઘુપતિ રામ
બાપુ! તેરશે શક્તિની સીમા રે
ધબકાર હૈયા કેરા ધીમા રે
લાગી લ્હે તો કુરાન–ગીતામાં. – રઘુપતિ રામ
બાપુ! ચૌદશે આંખો ઝંખાણી રે
નવ ગમતી પોતાની યે વાણી રે
તબીબોની યે મત્ય મુંઝાણી. – રઘુપતિ રામ
બાપુ! પૂનમે હાથ તો ધ્રૂજ્યા રે
કાળી પીડાએ કંઠ વરૂંધ્યા રે
પ્યાલા તોય સ્વહસ્તેથી પીધા. – રઘુપતિ રામ
બાપુ! એકમે રગરગ વખડાં રે
માંડે છાતીએ કાન મનખડાં રે
જાણે મર્મ ન વૈદ મુરખડા. – રઘુપતિ રામ
બાપુ! નાડ્ય ગઈ વદ બીજે રે
પ્રાણ-પંખીડું પીંજરે થીજે રે
નરનારીનાં નેણલાં ભીંજે. – રઘુપતિ રામ
બાપુ ત્રીજે બોલ્યા, નથી જાવું રે
રહ્યું ગાન અધૂરું તે ગાવું રે
ભગવાનને વાત ભળાવું. – રઘુપતિ રામ
બાપુ! ઘાવ પડ્યા ઊંડા ઘટના રે
‘મહાદેવ’ના નામની રટણા રે
એની ચ્હે માથે પુષ્પોની ધખના. – રઘુપતિ રામ
બાપુ! ચોથે ચોધારે રેલી રે
મીઠા હાસ્યની સૌ માથે હેલી રે
કીધી બાળ સંગે ક્રીડા ઘેલી. – રઘુપતિ રામ
બાપુ! પંદર ખીલા ઠોકાણા રે
તોયે બિન્દુ ન રક્ત ડોકાણાં રે
ત્રીજા અગ્નિ-પ્રયાણનાં વા’ણાં. – રઘુપતિ રામ
બાપુ! વિશ્વમાં વિસ્મય રેલ્યાં રે
એવો કોણ કે મોતને ઠેલ્યાં રે!
ભોળાં! ભીષ્મની વાતું યે ભૂલ્યાં. – રઘુપતિ રામ
બાપુ! વાટ વસમલીએ* વળિયા રે
મહાશંભુ પોતે સામા મળિયા રે
ભુજ ભીડીને પૂછ્યાં કુશળિયાં. – રઘુપતિ રામ
બાપુ! ઝેરના પીતલ જોગી રે!
તમે બન્નેની પર્વણી ભેગી રે
મહારાત્રિની* મેળપ મોંઘી. – રઘુપતિ રામ
૧૯૪૩