યુગવંદના/નિરર્થક તૈયારીઓ

નિરર્થક તૈયારીઓ
[ભજન]

ચિતા સાત સો જલે સામટી,
ઇતનાં ઇંધણ રાખ્યાં’તાં
ભાઈ! ઇતનાં ઇંધણ રાખ્યાં’તાં;
લંબા ચૌડા સબ કોઈ સાટુ
ખાંપણ પૂરાં માપ્યાં’તાં
ભાઈ! ખાંપણ કોરાં માપ્યાં’તાં.
કાલા-પાની, ગરીબ ટાપુ,
વાળીઝોળી રાખ્યાં’તાં
ભાઈ! વાળીઝોળી રાખ્યાં’તાં;
ઉપવાસીની સગવડ સમજી
સ્મશાન ઓરાં રાખ્યાં’તાં
ભાઈ! મસાણ સન્મુખ રાખ્યાં’તાં.
આપઘાતિયા હતભાગીને
માવીતર સાંભરતાં’તાં!
ભાઈ! માતપિતા સાંભરતાં’તાં!
આંદામાનની અમરાપુરીથી
ગંદાં ઘર વધુ ગમતાં’તાં
ભાઈ! ગંદાં ઘર બહુ ગમતાં’તાં!
સાત સાત શત મુર્દાં કેરા
હાહાકાર નીગળતા’તા
ભાઈ! હાહાકાર ઊકળતા’તા
જીવતાંનાં ક્રન્દન કરતાં પણ
કંકાલો વધુ રડતાં’તાં
ભાઈ! કંકાલો વધુ રડતાં’તાં!
મનકી હમારે મનમેં રહે ગઈ
મરને કી મિટ ગઈ બાતાં,
ભાઈ! મરને કી મિટ ગઈ બાતાં,
કફન, ઇંધણાં, સ્મશાન સબ કુછ
રહ્યાં હાય હા! વા ખાતાં
ભાઈ! રહ્યાં બાપડાં વા ખાતાં!
૧૯૩૭