યુગવંદના/ફાટશે અગ્નિથંભો ને –

ફાટશે અગ્નિથંભો ને –

થંભો જબાનો, કવિ-ગાન થંભો,
વાણી અને સંગીત દોય થંભો;
અબોલ ઓ અંતરજામી માહરા!
‘નમું તને!’ એટલું બોલી થંભો.
ઝીંકાતી લાઠીઓ નીચે, ઢળી જો નિરદોષતા;
એના ઘાવે થતા જખ્મી, અંકધારી રહ્યા પિતા.
ઝીંકો ઝીંકો જોરથી ઔર ઝીંકો,
કાંડાં કળે ત્યાં લગ ભાઈ! ઝીંકો;
કૂણાં કૂણાં બાળક વીણી વીણી
ભાલે અને ગાલ પરે જ ઝીંકો.
પ્રભુનાં પ્રેમ-અશ્રુ શાં બુંદે બુંદે જુઓ ફૂટે
પુણ્યનાં પોયણાં રાતાં, કાળસિંધુ તણે તટે.
પ્રહ્લાદની વાત પુરાણ-કાળની
ન્હોતી મનાતી, પણ આંહીં બાળની
ફડાફડી ખોપરીઓની ભાળતાં
લળી પડે અંતર એ કથા ભણી.
પરંતુ થંભનાં લોઢાં હજુ આંહીં ધગ્યાં છ ક્યાં!
પિતાએ હાથીને પાદે શિશુઓ ચગદ્યાં છ ક્યાં!
કતાર કીડી તણી જેહ થાંભલે
જલ્યા વિના અગ્નિપથે ચડી હતી,
હા! એ જ થંભા સમ તોપ-ગોળલે
તમે શિશુડાં! રમવા ચડી જજો!
લોઢાં ટાઢાં થશે ને એ થંભા દાતણ-ચીર-શા
ચિરાશે, સ્થિર રે’જો હો! હવે તો બહુ વાર ના.
નહિ તદા દિવસ રાત્રિ નૈ હશે,
નહિ નહિ અંદર બા’ર નૈ હશે,
સંક્રાન્તિના ઉંબર ઉપરે ઊભા
પ્રજાત્વનો થંભ ધગેલ ફાટશે.
ને ત્યાં કોણ – નરસિંહ? ના, ના, કોક નવે રૂપે
અપાપી પાપીની સૌની ઊઠશે અંબિકા જગે.
૧૯૩૮

“અમે ‘ફૂલછાબ’માં જોડાવા આવ્યા એ સવારે જ મેઘાણીભાઈ કાર્ટૂન તૈયાર કરવા બેઠા. ભાંગેલો ખડિયો ને તૂટલી કાતર, કાગળિયાના કટકા ને ચિત્રો-કાર્ટૂનોના કૂથ્થા ટેબલના પેટમાંથી બહાર કાઢ્યા: જાણે જાદુગરની કોથળી ઠલવાણી! મંડ્યા લપેડા મારવા. પીંછીથી લીટો ન ફાવે એટલે હોલ્ડરની ટાંકથી લીટા તાણે. પીંછી નીચે મૂકવી ભૂલી જાય ને ઝીણી કારીગરવાળા કામની પડખે લપેડા તણાઈ જાય. લપેડા ભૂંસવા સફેદાનો કૂચડો ફેરવે ને કાળી શાહી સફેદાનેય કાળો બનાવી મૂકે. પોતે જૂના ચિત્ર ફેંદે ને એમાંથી કોઈ કાઢે નટી ને કોઈ કાઢે ક્રિકેટ-ખેલાડી. એકનું લે માથું ને બીજાના લે ટાંટિયા. ચોડીને તૈયાર કર્યું એક ચિત્ર. બે કલાકે કાર્ટૂન તૈયાર થવા આવ્યું પણ કાર્ટૂનમાં જ્વાળાઓ મૂકવાની હતી એ ન ફાવી એમને કહે: ‘તમને કાંઈ ચિત્ર આવડે છે? અહીં જરાક જ્વાળાઓ કરવી છે પણ ફાવતી નથી.’ અમેયે હાથને હિંમત આપી ને લીટા મારી દીધા ને કાર્ટૂન થઈ ગયું તૈયાર. અમને કહે: ‘અહીં તો. ભાઈ , કોણી મારીને કૂરડું ઊભું કરવાની વાત છે. તંત્રીયે આપણે ને ખબરપત્રી પણ આપણે. કવિયે થવું પડે ને સમલોચક પણ. આપણું પત્રકારત્વ તો છે કોણી મારીને કૂરડું ઊભું કરવાની કળા.’” [નિરંજન વર્મા, જયમલ્લ પરમાર]