યુરોપ-અનુભવ/કૉલોન

કૉલોન

હમણાં અમારો પ્રવાસ આસ્ટરડામ અને બ્રસેલ્સ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. ભોળાભાઈનો પાસપૉર્ટ ખોવાઈ ગયેલો છે. શું થશે? શું કરીશું? જાતજાતના તર્કવિતર્ક વચ્ચે નક્કી કર્યું કે, જ્યાં એમનાથી અવાય ત્યાં ત્યાં પાંચ જણે સાથે સવારથી સાંજ સુધી ઘૂમી આવવું. એમાં ઘેન્ટ, લક્ઝમબર્ગ, નામુરનો સમાવેશ થાય છે, પરંતુ કૉલોન જર્મનીમાં હોવાથી તેમને ‘પ્રવેશબંધી’. ‘તમે લોકો કૉલોન જઈ આવો. પછીથી આપણને સમય રહે ન રહે… હું બ્રસેલ્સમાં રહીશ’. એમના આગ્રહે અમને તા. ૨૮મીએ કૉલોન ધકેલી જ દીધાં.

જર્મન નામ Koln – ક્યોલ્ન – અંગ્રેજી Cologne – કૉલોન રાઇન નદીને કિનારે આવેલું પશ્ચિમ જર્મનીનું મોટું શહેર છે. રાઇનલૅન્ડ નામે ઓળખાતા વિસ્તારનું તે ઉદ્યોગ, વેપાર તથા સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર છે. મધ્યયુગીન મજબૂત દીવાલોને બદલે હવે તેની સીમા (હદ) અર્ધવર્તુળાકાર રસ્તાઓની ગૂંથણીથી બંધાયેલી છે. શહેરમાં ઘણાં મ્યુઝિયમ, થિયેટર્સ, લાઇબ્રેરીઓ અને ઉચ્ચ કેળવણી માટેની શાળાકોલેજો પણ છે. બીજા વિશ્વયુદ્ધ વખતે બૉમ્બમારાને કારણે શહેરના ઘણા ભાગને નુકસાન થયું હતું. તેથી ઘણા રહેવાસીઓ એ શહેર છોડીને જતા રહ્યા હતા અને યુદ્ધ પછી પાછા આવી રહ્યા હતા.

‘કૉલોન’ શબ્દ સાંભળીએ એટલે તરત જ આપણને ‘કૉલન વૉટર’ યાદ આવે. ઘરમાં એક શીશી તો રાખીએ કે તાવ-તરિયામાં પોતાં મૂકવા કામ આવે. આ જગમશહૂર પરફ્યૂમ ‘યુ ડી કૉલોન’ મૂળ અહીંની જ બનાવટ. હવે બીજા દેશોમાં પણ તે બને છે. જોયું નહોતું ત્યારે તો મનમાં એમ પણ થતું કે અહીં આવા સુગંધી જળવાળી નદી વહેતી હશે? અરે, અહીં તો નદી ક્યાં? – નદ જ વહે છે. રાઇનના એક કિનારે જૂનું-નવું શહેર પથરાયેલું છે અને સામેની બાજુ નદીકિનારા તરીકે વિકસી છે. આપણી ગંગામૈયા ને ખાસ તો નર્મદામૈયાની યાદ અપાવે. પણ અહીં તો આગળ ઉલ્લેખ કર્યો તેમ મૈયા નહીં પણ ‘ફાધર રાઇન’ કહેવાય છે. બીચ પર ઘણા લોકો ‘ટેન’ કરવા બેઠા – સૂતા હતા. નદી કિનારા આગળથી જ ઊંડી હોવાને કારણે પગ પણ ના ડબોળાય. ભોળાભાઈને તરત યાદ કર્યા. નદી દેખે એટલે દોડે. અમને પણ થોડું એવું ઘેલું તો ખરું, પણ અહીં તો આગમન કે માથે પાણી છાંટવાનો કોઈ સવાલ જ નહોતો. નદીમાં મોજાં સરસ ઊછળે છે. એમાંયે rafting કરવાવાળા કે મોટરબોટ લઈને જનારા તો આગળ-પાછળ જાણે ફુવારા જ ઉડાડે. અમે ફાધર રાઇનમાં એક કલાક માટે ક્રૂઝ (cruise) લીધી હતી. અમે તો અમારી બોટના તૂતક પર બેસી સફર માણી. કૉલોન ઘણા લાંબા સમય સુધી અગત્યનું નદીનું બારું તથા રેલવેકેન્દ્ર હતું.

યુરોપના દેશોમાં – ખાસ કરીને લંડન, જર્મની, ફ્રાંસમાં ફરતાં ફરતાં આપણા મનમાં એક વાત તો સતત નોંધાય કે યુદ્ધોમાં કેટલી ખાનાખરાબી પછી પણ આ દેશોએ જે વિકાસ કર્યો છે તેને સલામ કરવી પડે. કૂઝમાં ફરતાં જોયું કે, બોટ પ્રવાસીઓથી ભરચક હતી, દરેકના હાથમાં કોઈ ને કોઈ પીણાનું ડબલું અને હળવા નાસ્તાનું પૅકેટ હોય, એ ખાધે કે પીધે જાય અને સિગારેટોની ફૂંકો મારતા જાય તોપણ કાગળનો એક ટુકડો કે સિગારેટનું એક પણ ઠૂંઠું આપણને પાણીમાં જોવા ના મળે. સ્વચ્છતાની શિસ્ત તો એમના બાપની જ!

અને હવે વાત કરું કૉલોનના અદ્ભુત કેથિડ્રલની કૉલોનમાં પ્રવેશતાં જ તેનાં દર્શન થાય. અમે પહેલાં ત્યાં જ ગયાં હતાં. આ કેથિડ્રલ કૉલોન શહેરનું ખૂબ પ્રસિદ્ધ સીમાચિહ્ન છે. ભવ્ય ગોથિક (Gothic) બાંધણીવાળું આ કેથિડ્રલ ઉત્તર યુરોપનું સૌથી મોટું ચર્ચ છે. અણિયાળી કમાનો, કમાનોવાળા ઘુમ્મટો અને અંદરના ભાગમાં ભીંતની મજબૂતાઈ માટે ભીંત પર જડેલી કે પસાર કરેલી લાંબી પટ્ટીઓ – (પુસ્તા–Flying buttresses). બે ઊંચા મિનારા. નાના હતા ત્યારે લાકડાના મોટા ટુકડા ઉપર નાનો, પછી એનાથી નાનો અને છેલ્લે શંકુ આકારનો ટુકડો મૂકી મિનારો બનાવતા હતા તેવું જ. દૂરથી નાનાં નાનાં મંદિર ગોઠવ્યાં હોય તેવું પણ લાગે. ચર્ચની બંને બાજુ ૧૫૭ મીટર ઊંચી સતત ગોળ ગોળ વળાંક લેતી નિસરણીઓ છે જેમાં કુલ પ૦૯ નાનાં નાનાં પગથિયાં પાડેલાં છે. ચર્ચની અંદરની બાજુ ભીંતોમાં સરસ સ્ટેઇન્ડ ગ્લાસ(stained glass)ની બારીઓ છે. કાચ પર ઈસુ ખ્રિસ્તના જીવનપ્રસંગો ચીતરેલા હોય. એમાં ઘેરા લાલ, વાદળી, લીલા, પીળા રંગનો ઉપયોગ કર્યો છે. એનું રંગકામ જાણે વેલ્વેટી હોય તેવું અનુભવાય. વર્ષોનાં વર્ષો વીત્યાં હોય તોપણ હજુ ગઈ કાલે જ ચીતર્યું હોય તેવું તાજું લાગે. એ નીચે અને પાસે હોત તો થાત: જાણે અડી લઈએ! વસ્ત્રોની ગડીઓ પણ અકબંધ! ઈ.સ. ૧૨૪૮માં આ ચર્ચ બાંધવાનું શરૂ થયેલું અને કેટલીય સદીઓ સુધી એનું બાંધકામ ચાલેલું.

સાંજ પડી ગઈ છે. બ્રસેલ્સમાં અમારી રાહ જોવાઈ રહી છે. ટ્રેનમાં ઘર તરફ, કહો કે, બ્રસેલ્સ તરફ પાછાં ફરી રહ્યાં છીએ. રસ્તે આપણા ‘સાબરમતી પાવરહાઉસ’ની યાદ અપાવે તેવાં મોટાં ભૂંગળાં અને ધુમાડા જોયા. અમારી રાહ જોઈ રહેલા ભોળાભાઈને કંઈક તો કહેવું જ પડશે, પછી માંડીને વાત કરીશું. કહ્યું :

‘કૉલોન નગરીમાં પ૦૯ પગથિયાં,

૫૦૯ ચઢવાં, પ૦૯ ઊતરવાં.

જઈ રાઇન વેલીનાં દર્શન કરવાં.

વચ્ચે લીધી કૂઝ,

અમે થયા ખુશ

ક્રૂઝ લીધી કલાકેકની,

રે’લ લીધી બ્રસેલ્સની.’

(રૂપા)