યુરોપ-અનુભવ/નિસનો સાગરતટ : અનાવૃત રૂપાકારો!

નિસનો સાગરતટ : અનાવૃત રૂપાકારો!

આમસ્ટરડામ, વિયેના, રોમ, ફ્લૉરેન્સ આદિ નગરોના કલામ્યુઝિયમોમાં ચિત્રો અને શિલ્પોમાં કલાકારો-નિર્મિત માનવ-સૌન્દર્યની અન્-અંતતા મુગ્ધ કરી દે એવી હતી. હજી તો અમારે પૅરિસ, માડ્રિડ અને લંડનની ગૅલેરીઓ જોવાની છે. પરંતુ, એ સાથે કલાકારોના કલાકાર એવા ઈશ્વરે નિર્માણ કરેલા માનવદેહોના સૌન્દર્યની જે ઝાંખી ફ્રાન્સના સાગર તટે થઈ એ વિષે વાત કરું.

જિનીવાથી રાત્રે અગિયારદશની ગાડી પકડી. સ્ટેશને જ ફ્રાન્સની પોલીસે વિસા પાસપૉર્ટનું ચેકિંગ કરી લીધું હતું. જિનીવાથી ગાડી ઊપડે કે થોડી વારમાં જ ફ્રાન્સની સરહદ શરૂ થઈ જાય છે. અમારી પાસે રાત્રિની આ ગાડી માટે રિઝર્વેશન નહોતું. પણ ગાડી આવતાં જ અમે બે કંપાર્ટમેન્ટ રોકી લીધાં. પ્રથમ વર્ગમાં બહુ ભીડ પણ નહોતી. ગાડીમાં ઊંઘ આવી ગઈ, તેમાંય આ ગાડીની ગાદીઓ વધારે નરમ લાગી. અમારે વહેલી પરોઢે ફ્રાન્સના આવિન્યો શહેરમાં ઊતરવાનું હતું. વહેલા ઊઠવાની ચિંતામાં ત્રણ વાગ્યે જાગી જવાયું. એક વાર તો વિચાર આવ્યો કે, આવિન્યો ઊતરવાને બદલે સીધા સમુદ્રતટે નીસ પહોંચી જઈએ. પણ આવિન્યો આવતાં અમે ઊતરી ગયાં. વહેલી પરોઢ હતી. સ્ટેશન પર ગરમ ગરમ કૉફી પીધી. એક કૉફી એટલે ૧૦ ફ્રાન્ક. લગભગ ૩૦ રૂપિયા! કેટલી નાની પ્યાલી? દૂધ જરા નાખવાનું કહેતાં કાફેની સન્નારીએ નાની ચમચીથી થોડાં ટીપાં પાડ્યાં.

અમારી પાસે સમય હતો, એટલે લૉકર્સમાં સામાન મૂકવાને બદલે અમે બે ગ્રૂપ કરી લીધાં. હું અને દીપ્તિ સ્ટેશન પર રોકાયાં. રૂપા, નિરુપમા અને અનિલાબહેન આવિન્યો નગર તરફ ગયાં. એ આવ્યાં, પછી આ પ્રોવાંસના એક ઐતિહાસિક નગરને જોવા અમે ચાલ્યાં. નગર હજી તો ઊઠતું હતું. અમે સીધાં આવિન્યોના કિલ્લા ઉપર હુમલો કર્યો. પણ સ્ટેશનથી કિલ્લા સુધીનો, વૃક્ષોની હારમાળાથી મંડિત, પહોળો માર્ગ એટલો સુંદર કે એટલાથી પણ અમે જિતાઈ ગયાં. અમારે માટે ફ્રાન્સની ભૂમિનું આ પ્રથમ દર્શન હતું. ફ્રેન્ચ ભાષા તો સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવામાં પણ સાંભળવા મળી હતી, પણ આ તો ફ્રેન્ચ ફ્રેન્ચ.

યુરોપની યુવતીઓ ગોરી હોય છે, એટલે સુંદર હોય છે એમ તો હું કહીશ નહિ; પણ ખરેખર સ્વસ્થ ભરપૂર દેહના સૌન્દર્યનું પણ વરદાન આ પ્રજાઓને મળ્યું હોય એવું લાગે. અહીં વૃદ્ધાઓ ઘણી વૃદ્ધ લાગે છે, પણ તરુણીઓનું તારુણ્ય તરવરાટભર્યું લાગે.

આવિન્યોનો કિલ્લો પાલાઈ દે પાયે વિશાળતા ધરાવે છે. અહીં જૂનું ચર્ચ પણ છે. ઉપર કિલ્લા પરથી ગામની પાદરમાં વહેતી નદી દેખાય અને હારબંધ ઘર. દીપ્તિ કહે : આવિન્યો એટલો નાવીન્યો અર્થાત્ નવીન.

આવિન્યો ‘નવીન’ નહીં, પણ નાનું એવું ઐતિહાસિક નગર છે. ચૌદમી સદીમાં પોપ અને ફ્રાન્સના રાજા વચ્ચે સંઘર્ષ થયેલો. એ વખતે પોપ રોમથી આવિન્યો આવી ગયેલા, પણ પછી થોડો વખત કેદમાં રહેલા. અત્યારે તો આ નગરનું મહત્ત્વ અહીં યોજાતા નાટ્યમહોત્સવને લીધે છે, જે સામાન્ય રીતે જુલાઈ-ઑગસ્ટમાં યોજાય.

અમે કિલ્લો જોઈને આવ્યાં, ત્યાં સુધીમાં તો ત્રણે સાથીઓ ઊપડવાની તૈયારી કરીને બેઠાં હતાં. બધાંએ એક એક ચૉકલેટ ખાધી પછી આવિન્યોથી ફરી ગાડી પકડી, તે નીસના સમુદ્રતટે. નીસ પહોંચીએ તે પહેલાં ભૂમધ્યસાગરનો કિનારો શરૂ થઈ જાય. ગાડી સાગરને કિનારે કિનારે દોડી જાય છે.

નીસના સ્ટેશને ઊતરી સામાન લૉકર્સમાં મૂકી દીધો. હવે નીસના સાગરતટે જવાનું હતું, પરંતુ અમે નીસના સાગરતટે સાંજે જવાનું નક્કી કર્યું અને નીસથી મોનાકો – મોન્ટે કાર્લોના સાગરતટે ગયાં. એ માટે પાછું ગાડીમાં જવું પડે છે. નીસ આવડું મોટું નગર હશે એ તો કલ્પના જ નહિ. મનમાં હતું કે, સાગરકિનારાનું સહેલાણીઓ માટેનું નાનું અમથું મથક હશે. આ તો રીતસરનું મહાનગર. બહુમાળી ઇમારતોવાળું.

મોનાકો પણ મોટું નગર નીકળ્યું. અમે બસ કરી સાગરતટ તરફ જવા નીકળ્યાં. માર્ગમાં મોન્ટેકાર્લૅનો પ્રસિદ્ધ કાસીનો – જુગારખાના-ની ઇમારત આવી. પાછા વળતાં આ જગપ્રસિદ્ધ કાસીનોમાં થોડો જુગાર ખેલવાની ઇચ્છા દરેકે કરી.

ભૂરો સાગર અને ખુલ્લો તડકાનો દિવસ. જેવાં સાગરતટે પહોંચ્યાં કે જોયું : અનેક અનેક લોકો સમુદ્રસ્નાન કરે છે, પણ એથી વધારે લોકો સૂર્યસ્નાન કરી રહ્યાં છે. સાગરના રમ્ય બીચની કાંકરિયાળી ભૂમિ પર નામમાત્રનો વસ્ત્રખંડ રાખી સ્ત્રીઓ-પુરુષો તડકાનું સેવન કરી રહ્યાં છે. ગોરાં બદન સૂર્યના તડકાથી વધારે લાલ બન્યાં છે. આપણી આંખો આ દેશનું સૌન્દર્ય જોઈ રહે. પહેલ પરથમ તો આપણી આંખને સંકોચ થાય – આપણી ભારતીય આંખને જે શરીરને વધારેમાં વધારે ઢાંકેલું જોવાથી ટેવાયેલી છે. ખુલ્લા ચહેરાના સૌન્દર્યને આપણે જોવા ટેવાયેલા છીએ, પણ ખુલ્લી છાતીનું સૌન્દર્ય, ખુલ્લા નાભિપ્રદેશ અને ઉરુપ્રદેશનું સૌન્દર્ય મોનાકોના આ સાગરતટે જ જોયું! આ સ્ત્રીઓ પોતાના ખુલ્લા દેહને સૂર્ય સમક્ષ ધરી કુન્તીની જેમ એનું આવાહન કરી રહી છે કે શું? એની એમને કોઈ કુંઠા નથી. પુરુષો-સ્ત્રીઓ પાસપાસે સૂતાં છે, બેઠાં છે.

સાગરમાં સ્નાન કરી રહ્યાં છે. રમી રહ્યાં છે તરુણ સ્ત્રીઓ-પુરુષો. અનેક સ્ત્રીઓનાં વક્ષ:સ્થળ ખુલ્લાં. મ્યુઝિયમોનાં ચિત્રો અને શિલ્પોમાં સ્ત્રીઓ-પુરુષોનાં અનેક નગ્ન રૂપો જોયાં હતાં, પણ આ તો જીવંત અનાવૃત રૂપાકાર.

મેં સાગરસ્નાનની ઇચ્છા કરી. એટલો કામ્ય પારદર્શી સ્વચ્છ જળથી લહેરાતો સમુદ્રતટ કે નાહ્યા સિવાય કેવી રીતે રહી શકાય? મેં અમારા સહપ્રવાસીઓને પણ નાહવાનું કહ્યું, પણ એમણે સમુદ્રજળમાં પગ બોળીને સંતોષ માન્યો. જોકે, એમ કરવામાં કપડાં સમેત અર્ધસ્નાન તો થઈ ગયું.

આ નગ્નપ્રાય માનવો વચ્ચે કપડાં પહેરનાર અસંસ્કૃત લાગે એવું હતું. મેં નિરાંતે સાગરસ્નાન કર્યું. દૂર દૂર વિસ્તરેલો સાગર આવાહન આપતો હતો. સ્નાન કરી લોકો શાવર લઈ પછી સાગરતટે દેહ તપાવતા પડ્યા હતા. ભારતીય આંખોને આ દૃશ્ય અસ્વાભાવિક લાગે, પણ, ફ્રાન્સના આ સાગરતટની એ જ સ્વાભાવિકતા હતી. માનવદેહ કેટલો રૂપાળો હોઈ શકે છે!