યોગેશ જોષીની કવિતા/પૂરની આગાહી માત્ર...

પૂરની આગાહી માત્ર...

પૂરની આગાહી માત્ર સાંભળીને જ આમ
ગામ છોડીને ચાલ્યા જવું’તું તો પછી
શા માટે છેડ્યો’તો મલ્હાર?
શા માટે પીપળાને વીંટ્યા’તા સૂતરના તાર?
ભરતી વખતે મોજાંઓને કહી દો ઊછળવાનું બંધ
ને ભરવરસાદે ધરતીને કહી દો પલળવાનું બંધ
એ તે કેમ ચાલે?
નહીં તો પછી ગીચ જંગલોમાં ભૂલા પડેલા મારા શબ્દોને
કોણ બતાવશે રસ્તો?
પીપળા પરનાં પાન શું ટપોટપ ખરી નહીં પડે?
પ્રલય એ તો
જળના ઉમંગનું જ બીજું નામ છે, કલ્પના!
જો સાચા મનથી ડૂબવું જ હોય તો
જળનો ડર થોડો રખાય?
અને ઝંઝાવાત એ તો આપણા વહાણનું જ બીજું નામ છે!
આંધી હોય તો તો ઊડવાની ઓર મઝા આવે
હરણની આંખોમાં હિલ્લેાળાતાં મૃગજળને
મરણ ન માની લેવાય, કલ્પના!
વીજળીના ઝબકારે શોધી લે ઉર્વશીનું ખોવાયેલું ઝાંઝર!
ઝાંઝર ખોવાવાનો અર્થ
કંઈ એવો ન થાય કે ખોવાઈ ગયો પગ!
અને મેં તો
આ થીજી ગયેલા જરઠ અંધકાર પર
ચોક લઈને ઠેર ઠેર લખી દીધું છે તારું નામ!
ચાલી આવ, કલ્પના;
હાથમાં કંકાવટી લઈને
ક્યાં સુધી ઊભી રહીશ આમ અહીં ત્રિભેટે?