યોગેશ જોષીની કવિતા/શ્વેત મૌન

શ્વેત મૌન

લૉંગ વિન્ટર–કોટ, વિન્ટર હૅટ,
વિન્ટર શૂઝ પહેરી
(અંદર થર્મલ તથા અન્ય લેયર્સ)
ડગુમગુ લાકડીના ટેકે
બરફમાં
લપસાય નહિ એનું
ધ્યાન રાખતો
ધીમાં પણ મક્કમ ડગ ભરતો
પહોંચું છું પાર્કમાં,
બેસું છું
બરફની ગાદીવાળા બાંકડે
એકાંકી...

હાંફ જરી ઓછી થતાં
શરૂ કરું છું જાપ –
મહામૃત્યુંજય મંત્રના; –
વિન્ટર-કોટના ખિસ્સામાં રાખેલા
હાથના વેઢા ગણી...

ગણતરી
થીજી
જાય છે અવારનવાર....

અનેક ઠૂંઠાં વૃક્ષો
ઊભાં છે એક પગે, સ્થિતપ્રજ્ઞ;
બરફના ઢંગ નીચેની માટીમાં
મજબૂત મૂળિયાં રોપીને
ડાળ ડાળ પર
બરફની ઝીણી ધજાઓ ફરકાવતાં...
નજર પહોંચે ત્યાં લગી
ચારે તરફ

બરફ જ બરફ
બરફ જ બરફ—
જાણે
બે મિનિટનું
શ્વેત મૌન...