યોગેશ જોષીની કવિતા/સરકતું પ્લૅટફૉર્મ

સરકતું પ્લૅટફૉર્મ

બેઠો છું હું ટ્રેનમાં
બારી પાસે
ને
બારી બહાર પણ
ઊભો છું હું
મને ‘આવજો’ કહેવા.

બિડાયેલા હોઠ પર
થીજતાં જાય શબ્દો
ને આંખોમાં
વિસ્તરે ક્ષિતિજો –
કોઈ અકળ શૂન્યતા સાથે.

ખોખરી વ્હિસલ.
હળવોક ધક્કો.
ધીરેથી
ટ્રેન
સરકી;
વિદાય માટે
હાથ ઊંચકાયા...
થાય —
ઊંચકાયેલા હાથ
હમણાં
ક્યાંક પીગળવા લાગશે....
ભીતર
પીગળવા લાગે કશુંક...

ટ્રેનની
બારીમાંથી જોઉં છું -
બહાર ઊભેલો ‘હું’
ચાલે છે
ટ્રેનની સાથે ને સાથે
ધજાની જેમ હાથ હલાવતો...
ટ્રેનની ઝડપ સાથે
એનીય ઝડપ વધી;
એનું જો ચાલે તો
બારીમાંથી કૂદીને
આવી જાય અંદર!

ટ્રેનની ઝડપ ખૂબ વધી...
લાંબી ફલાંગો ભરતો,
બારીની સાથે ને સાથે
ઉતાવળે ચાલતો એ
પડવા લાગ્યો હવે
પાછળ ને પાછળ...

પ્લૅટફૉર્મ આખુંયે
ઝપાટાભેર સરકવા લાગ્યું
પાછળ ને પાછળ...

બારીમાંથી હું
પાછળ તરફ જોઉં છું —
પાછળ સરકતી ભીડમાં હવે
કેવળ
એનો
લંબાયેલો હાથ દેખાય છે...
હવે
દેખાય છે
ઝપાટાભેર પાછળ જતી
ધૂંધળી ભીડ...

હવે
પ્લૅટફૉર્મ
ચાલ્યું ગયું
ક્યાંય પાછળ...

હવે
દેખાય છે જાણે
તગતગતો ખાલીપો!
માલીપો!!

હવે
કેવળ ગતિ...
કઈ તરફ?!