યોગેશ જોષીની કવિતા/હું તો બસ...
હું તો બસ
રાહ જોયા કરીશ–
વૃક્ષને પાન ફૂટવાની.
દોસ્તો,
નદીને પૂછવું નથી પડતું
દરિયાનું સરનામું
કે
વાદળોને જળ પહોંચાડવા
જરૂર નથી પડતી
નળની.
ભલે હું
આકાશ વગરનો રહું
મારે નથી ચોંટાડવી
પીઠ પર પાંખો,
ભલે હું
શબ્દ વગરના રહું
મારે
નથી જન્માવવા
ટેસ્ટ-ટ્યૂબ શબ્દો.
હું તો બસ,
રાહ જોયા કરીશ....