યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/આરોહણ


સાત
આરોહણ

‘માવતર કમાવતર નોં થાય... હશે... મરશે..’ ઘર છોડીને નીકળેલા જનકરાયે પાછા ફરવાનું વિચાર્યું. રેલવેના પાટાની સાથે ને સાથે ચાલી ચાલીને ક્યાંય દૂ...૨ નીકળી ગયેલા જનકરાય પાછા વળ્યા. પાછા વળતાં એમને લાગ્યું – પોતે તો પાછા વળ્યા પણ પોતાનો પડછાયો ત્યાં જ રહી ગયો કે શું?! રોજ તો મહાદેવથી જ તેઓ પાછા વળતા. ઘરથી અડધો કિલોમીટર દૂર, રેલવે-ફાટક પાસે મહાદેવ. જનકરાય સવાર-સાંજ દર્શન કરવા આવે. સાંજે તો મહાદેવના કમ્પાઉન્ડમાં મૂકેલા બાંકડા પર કલાકેક બેસે. બીજાય ડોસાઓ બાંકડે બેઠા હોય. કોઈ કોઈની સાથે આવેલાં ટાબરિયાં કૂણી કૂણી લોનમાં ઊછળતાં-કૂદતાં-ગુલાંટ ખાતાં-આળોટતાં રમતાં હોય. આટલે દૂર આવવાથી જનકરાયને થાક તો સખત લાગતો. પણ, અહીં આ...મ બાંકડે બેસીને ટેણકાંઓને રમતાં જોઈને મનનો થાક ઊતરી જતો. રોજ આવતા કેટલાક વૃદ્ધો સામે જનકરાય ટગરટગર તાકી રહેતા ને વિચારતા – દાદા બનેલા આ લોકોય ઘરે વધારે સુખી હશે કે અહીં આ બાંકડા પર? એ લોકોય વિસામા માટે જ આવતા હશે અહીં?! મહાદેવનાં દર્શન એમને વધારે શાતા આપતાં હશે કે આ બાંકડા?! – આ વિષય લઈને ‘મંદાક્રાન્તા'માં એક સૉનેટ રચી શકાય. પણ આવા વિચાર સાથે જ હસવું આવતું. કવિતા તો નોકરી મળી ત્યારથી સાવ સુકાઈ જ ગઈ. અત્યાર સુધીમાં તો કદાચ મારી ભીતર કવિતાનાં મૂળિયાંય સાવ બળી ગયાં હશે... છતાંય, દીકરાની વહુએ કવિતાની એ જૂનીપુરાણી ડાયરી પસ્તીમાં આપી દીધી ત્યારે થયેલું – કોકે જાણે ફેફસાંનાં ઝાંખરાં-ડાળખાં વચ્ચેથી પોતાનું હૃદય ખેંચી કાઢીને પસ્તીમાં દઈ દીધું... છતાં પોતે ચૂપ રહેલા. પણ આજના પ્રસંગ પછી તો જનકરાય રિસાઈને નીકળી ગયેલા તે દર્શન કરીને બાંકડે બેસવાને બદલે રેલવેના પાટા પાસેના કાચા રસ્તે ગુસ્સામાં ને જુસ્સામાં ઉતાવળા ડગ ભરતા ચાલવા લાગ્યા... ચાલતાં ચાલતાં એવોય વિચાર આવી ગયો કે અત્યારે જો કોઈ ટ્રેન પસાર થાય તો કેવું સારું! ત્યાં જનકરાયને યાદ આવ્યું – પોતાનો પડછાયો સાચે જ પાછો ન ફર્યો?! આવું બને ખરું?! આથમતો સૂરજ પોતાની પાછળ છે... આછો સોનેરી તડકોય છે... છતાં પોતાનો પડછાયો કેમ નથી?! આ ઝાડનો પડછાયો તો પડે છે... આ થાંભલાનોય પડછાયો પડે છે... તો પછી મારો જ પડછાયો કેમ નહિ?! હું અશરીરી બની ગયો છું કે શું?! ઍટેક આવેલો ત્યારેય એવું લાગેલું કે પથારીમાં તો માત્ર મારું શરીર પડ્યું છે ને હું તો પલંગ પાસે ઊભો છું...! એંસી વરસની ઉંમર... બી.પી.ની તકલીફ ને પાછો ડાયાબિટીસ. બે વર્ષ પહેલાં જ હાર્ટ-ઍટેક આવી ગયેલો. તે જનકરાય છેક, યમરાજાની ડેલીએ જઈને પાછા ફરેલા. ત્યારે નવું જીવન મળવાથી ખૂબ રાજી થયેલા. કારણ, ત્યારે તો રેવા જીવતી... ઍટેક વખતે રેવાએ કંઈ કેટલીય માનતાઓ માનેલી. કદાચ એમાંથી જ કોઈ ફળી હશે. એ માનતાઓ પૂરી કરવામાં પાંચ-છ મહિના લાગેલા. રિટાયર્ડ થયા ત્યારે જી.પી.એફ. ને ગ્રેચ્યુઇટીની બધીયે રકમ નાખીને એકના એક દીકરા શ્રવણ માટે બે બેડરૂમવાળો ફ્લૅટ લીધેલો. એમાં જ બધું બૅન્ક બૅલેન્સ ખાલી થઈ ગયેલું. તે પેન્શનમાંથી બધીયે માનતાઓ ધીરે ધીરે પૂરી કરી. છેલ્લી માનતા પૂરી થઈ ત્યારે તો રેવાના ચહેરા પર કેવો પરમ સંતોષ જોયેલો! રેવા હતી તો જીવતર હતું.. પણ મગજના તાવમાં ઓચિંતી જ એ ચાલી ગઈ. મેં તો કહેલું, મગજનો તાવ છે તે ડૉ. પંડ્યાને ત્યાં જ દાખલ કરીએ. પણ શ્રવણ કહે, ડૉ. પંડ્યા તો ખૂબ મોંઘો છે... રેવાના ગયા પછી બધાય કહેતા 'તા કે ડૉ. પંડ્યાને ત્યાં ગયા હોત તો? એના ગયા પછી થયેલું, મનેય ઍટેક આવે તો સારું... પણ હવે હાર્ટ-ઍટેક ક્યાંથી આવે? રેવા જ તો હતી મારું હૃદય! ચાલતાં ચાલતાં જનકરાયે ટાલ ખંજવાળી. ગુસ્સામાં ને વિચારોમાં આટલું બધું ચાલી તો નાખ્યું પણ હવે પાછા ફરતાં ઢીંચણ ને પિંડીઓમાં સખત દુખાવો થાય છે. પગ જાણે વળતા જ નથી ને વળે તો પછી ઝટ સીધા નથી થતા... પણ આટલા દુ:ખે છે તે મારી પાસે પગ તો છે. સાવ અશરીરી તો નથી થઈ ગયો હું... ઉપરનું શરીર કદાચ ન હોય, પણ મારી પાસે મારા પગ તો છે. ઢીંચણ તો છે. પિંડીઓ પણ છે... તો, આખા શરીરનો પડછાયો ન પડે તો કંઈ નહિ, પણ પગનો પડછાયો તો પડવો જોઈએ ને? જનકરાયે વળી નીચે જોયું, તો પડછાયાનું નામનિશાન નહિ! આજુબાજુનાં નાનાં ઝાંખરાં ને છોડવાંના પડછાયા તો પડતા હતા! વળી પાછો એક તર્કહીન વિચાર આવ્યો – મારો પડછાયો કદાચ મારી પાછળ પાછળ આવતો હોય! સૂરજ મારી પાછળ છે તે પડછાયો મારી આગળ જ હોય ને! પાછળ થોડો હોય?! શરીર તો કામ નથી કરતું પણ રેવાના ગયા પછી મગજેય બરાબર કામ નથી કરતું... આ ગયે મહિને જ પોસ્ટમૅન મારા પેન્શનનું મનીઑર્ડર લઈને આવ્યો તે મારી સહી કરવાને બદલે મેં લખ્યું – રેવા! આ તો પોસ્ટમૅનનું ધ્યાન ગયું તે વળી એ છેકીને મારી સહી કરી. આજે સવારે કેવું થયેલું! – બાથરૂમમાં નાહીને ઊભો થયો તો એવું લાગે કે જાણે નાહ્યો જ નથી! નાહીને ઊભો થયો. કોરા થવા માટે હજી ટુવાલેય હાથમાં લીધો નહોતો છતાંય શરીર સાવ કોરુંકટ! તે ફરી પાછો ના'વા બેઠો! ને એ પછી જાંગિયાને ગંજી સમજી માથેથી ૫હે૨વા લાગ્યો! ખાસ્સી વાર વિચાર્યા કર્યું કે માથેથી આ ગંજી કેમ પહેરી શકાતું નથી? આખીયે રાત ઊંઘ ન'તી આવી તે માથું મોટું તો નથી થઈ ગયું ને? બે હાથે માથું પકડીને જોઈ જોયું, ટાલ પર હાથ ફેરવી જોયો... રેવા હતી ત્યારે રોજ ટાલ પર હાથ ફેરવતી... પછી ઓચિંતી ટ્યૂબલાઇટ થઈ કે આ તો ગંજી નથી...! ને અત્યારેય એવો વિચાર આવ્યો કે પડછાયો ક્યાંક પાછળ પાછળ આવતો હશે... તર્કશાસ્ત્રમાં મેં એમ.એ. કરેલું. એમ.એ. ફર્સ્ટક્લાસ. છતાંય કેમ આવા તર્કહીન વિચારો આવે છે? સૂરજ મારી પાછળ છે તો પછી પડછાયો તો આગળ જ પડે ને? વળી સમય પણ સમીસાંજનો તે કેવો મજાનો લાં...બો પડછાયો પડે! કે પછી મને મારો પડછાયો દેખાતો નથી? આંખોય હવે ગઈ કે શું? કઈ રીતે પહોંચીશ ઘરે? પણ... મારા પડછાયા સિવાય બાકી બધું તો દેખાય છે! ના, આ દુનિયામાં કશુંય અશક્ય નથી. નથિંગ ઇઝ ઇમ્પૉસિબલ મિ. જનકરાય મહેતા. હોઈ શકે, પડછાયો પાછળ પણ હોઈ શકે... જનકરાયે પાછળ ફરીને જોયું તો સાચે જ પાછળ પડછાયો! ધરતી પર આરામથી લંબાયેલો... માથું તો છે... ક કેટલે દૂ...૨? કેટલો બધો લાંબો પડછાયો! નક્કી, દિશાભ્રમ થયો હશે મને... લાવ, સૂરજ ક્યાં છે જોઉં... તો સૂરજ પણ મારી પાછળ ને પડછાયોય મારી પાછળ! ધ્યાનથી જોયું તો પડછાયો મારા પગ પાસેથી શરૂ થતો નહોતો! પગથી એકાદ મીટર દૂરથી શરૂ થતો 'તો! દિશાભ્રમ નહિ, પણ ચિત્તભ્રમ જેવું કંઈક થયું લાગે છે... હવે ઝટ ઘરે પહોંચી જવું જોઈએ... બાકી બધીયે વસ્તુઓના પડછાયા આગળ તરફ લંબાયેલા હતા, ને માત્ર પોતાનો જ પડછાયો પાછળ?! પડછાયો વળી ક્યાંક પાછળ તો નથી રહી ગયો ને?! જનકરાયે વળી પાછળ જોયું તો પડછાયો માત્ર એકાદ મીટર જ દૂર! ચાર-પાંચ ડગલાં ચાલી જોયું તો પડછાયોય ચાર-પાંચ ડગલાં ચાલ્યો! નક્કી થયું કે પડછાયો તો મારો પોતાનો જ છે એમાં બેમત નથી... તો પછી પડછાયો કેમ એકાદ મીટર જેટલો દૂર રહે છે?! ક્યાંક એ પડછાયો રેવાનો તો નહિ હોય?! ચુંઉંઉંઉં... જનકરાયના પગ પાસે કોઈ સ્કૂટરની બ્રેક વાગી. ‘મરવું છે કાકા? ઊંઘતાં ઊંઘતાં રસ્તો ઓળંગો છો?' રેલવેના પાટાવાળા રસ્તેથી ક્યારે પોતે આ રોડ પર આવી ગયા ખબર ન રહી. સામેથી આવતી કારનો પ્રકાશ આંખોમાં ભોંકાયો ને જનકરાય ઉતાવળે રસ્તાની બાજુએ ખસી ગયા. બેય ઢીંચણમાં અસહ્ય દુખાવો થયો તે ચીસ પડી ગઈ. ‘શું થયું દાદા?' કોક બોલ્યું. જનકરાયના કાને અવાજ તો અથડાયો પણ આંખો અંજાઈ ગયેલી તે કંઈ દેખાયું નહિ. ‘હેંડાતું નોં હોય તો આ ડોહલા ઘરમોં જ પડ્યા રૅ'તા હોય તો? હું કોંમ નેંકળતા હશે?' ઘર?! કેવું ઘર?! ક્યાં છે ઘ૨?! રેવા હતી ત્યાં સુધી તો હતું ઘર... જીવતર... પણ એના ગયા પછી તો... મહાદેવમાંનો પેલો બાંકડો એ જ કદાચ મારું ઘર... રેવાના ગયા પછી ઘણીયે વાર લાગતું કે મારું હોવું ઘરમાં કોઈનેય ગમતું નથી. રેવાના ગયા પછી તો પોતાનાથી ચાવી શકાય એવું કશું જુદું રાંધવાનુંય બંધ થઈ ગયું તે ક્યારેક તો પાણીના ઘૂંટડા સાથે કોળિયામાંના ટુકડા ગળી જતા... શરૂમાં તો પોતે કંઈક કહેતા કે તરત કકળાટ શરૂ થઈ જતો. તે પછીથી ‘હશે... મરશે... જેવી હરિ ઇચ્છા...' કહી ચૂપ રહેતા. ઘરડાઘરમાં જવાનું મન તો થઈ આવતું પણ પછી થતું, દીકરાનું ખરાબ દેખાશે. ક્યારેક પોતે પૂજા કરતા હોય ને વહુ પંખો બંધ કરીને ચાલી જતી. લાઇટ-બિલ ઓછું આવે માટે પંખો બંધ કરતી હોય તો હજીયે સહન થાય... પણ આ તો... પોતાનું અસ્તિત્વ જ એ ભૂલી જતી... જાણે ઓરડામાં કોઈ છે જ નહીં...! ઘણી વાર વહુ કહેતી, ‘સાંજે અમે બહાર જમીને આવીશું, પપ્પા, સવારનું રાંધેલું ફ્રિઝમાં છે તે ખાઈ લેજો...’ પછીથી જનકરાય સવારે એક ટંક જ જમતા. પણ આજે? – સવારે એ લોકોને ક્યાંક લગ્નમાં જવાનું હતું, પોતે પૂજા કરતા હતા. વહુ આવીને પંખો બંધ કરી ગઈ ને બેય જણા ચાલી ગયા. ‘અમે જઈએ છીએ.' એવુંય કોઈએ કહ્યું નહીં કે ‘ફ્રિઝમાં ગઈ સાંજનું જે પડ્યું હોય તે ખાઈ લેજો’ – એવુંય નહિ. વહુ તો ઠીક, પણ શ્રવણ દીકરોય.. પહેલાં તો ગાંઠ વાળી – નથી ખાવું આજે. પણ પોતે ગઈ સાંજના ભૂખ્યા ને વળી ઍસિડિટીય વધી ગયેલી તે રહેવાયું નહિ. થયું, પેટમાં કંઈક નાખવું તો પડશે. ફ્રિઝ ખોલીને જોયું તો ગઈ કાલનું વધેલુંય કશું જ નહિ! કોઈ ફ્રુટ પણ નહિ કે દૂધ સુધ્ધાં નહિ! ને જનકરાયે ગાંઠ વાળી – આ ઘરમાં ન રહેવાય... ને ઘર છોડીયે દીધું... રેલવેના પાટે પાટે ક્યાંય સુધી ચાલ્યાય કર્યું, પણ પછી જાણે કોક અદૃશ્ય સ્થાનેથી રેવાએ જ સમજાવ્યા પોતાને – ‘હશે... મરશે... માવતર કમાવતર નોં થાય, પાછા ફરો...' હવે તો પગ ઉપાડવાય મુશ્કેલ થતા હતા. ઢીંચણમાંથી પગ વળતા જ નહોતા. બેય પગ જાણે પાંચ મણના થાંભલા! રિસાઈ જઈને મારે આટલે દૂર નહોતું આવવું જોઈતું... હા... શ... લો, આ મહાદેવનું મંદિર તો આવ્યું... હવે ઘર બસ, અડધો કિલોમીટર જ. મહાદેવની બાજુમાં જ, બીજી નાની દેરી થયેલી ને એમાં ગાયત્રીની મૂર્તિની આજે જ પ્રતિષ્ઠા કરેલી... કેવી સરસ મૂર્તિ હતી! જાણે હમણાં બોલી ઊઠશે! એ મૂર્તિને જોઈને થયેલું કે લાવ, જઈને રેવાને આ સમાચાર આપું... પણ યાદ આવ્યું, રેવા તો ક્યાં છે હવે આ જગતમાં? તો પછી ઝટ જઈને વહુને કહું. વહુનેય ગાયત્રી માની ખૂબ આસ્થા. પણ પછી યાદ આવ્યું કે પોતે તો રિસાઈને, ઘર છોડીને નીકળ્યા છે! તો પછી, કોને કહું આ વાત?! શ્રવણ તો ઈશ્વર-બિશ્વરમાં માનતો જ નથી. તો આ વાત, મારા પડછાયાને કહું?! જોયું તો પડછાયો કાળો નહિ, પણ સફેદ! જાણે ચૂનામાં બોળેલા કૂચડાથી ચીતર્યો ન હોય! પડછાયા સામે જોતાં જોતાં જનકરાય માંડ માંડ પગ ઉપાડીને ઘસડાતા ઢસડાતા ચાલતા હતા. એક ટ્યૂબલાઇટ ઓળંગીને આગળ વધ્યા તોય પડછાયો તો આગળ તરફ સરકવાને બદલે પોતાની પાછળ જ! પડછાયામાં ને પડછાયામાં જ ધ્યાન હતું તે સારું થયું. ઢીંચણમાં ને પિંડીઓમાં આટલું કળતર છે તોય ધીરે ધીરે છેક ભાવના ઍપાર્ટમેન્ટ પાસે તો આવી જવાયું. હવે આગળ ચાલી ન શકાય ને પડી જવાય કે બેભાન થઈ જવાય તોય વાંધો નહિ. ઍપાર્ટમેન્ટમાં તો બધા ઓળખે છે પોતાને. તે ઘરભેગો કે દવાખાના ભેગો તો ક૨શે. પહેલાં તો કોઈ ઓળખતું નહોતું, પણ રેવા મરી ગઈ ત્યારે બેસણામાં બધાં હાજરી પુરાવી ગયેલા તે ઓળખે. ઍપાર્ટમેન્ટના લોકોમાં બેસતા વર્ષે સાલમુબારક કહેવા જેટલીયે ફોર્માલિટી ભલે ન હોય, પણ બેસણામાં જવા જેટલી ફોર્માલિટી તો છે હજી. તે પોતાને ઘરભેગો, દવાખાનાભેગો કે સ્મશાનભેગો તો કરશે.. લો, આ મારો બ્લૉક પણ આવી ગયો... પણ ફ્લૅટ છે છે...ક ચોથા માળે. આટલા દુખતા પગે કઈ રીતે જઈ શકાશે છે...ક ચોથા માળ સુધી?! એક-બે પગથિયાં માંડ માંડ ચઢ્યા. થયું, આ તો સાચે જ સ્વર્ગની સીડીઓ છે! ચાલવા માટે તો ઠીક હતું કે સાવ નાનાં નાનાં પગલાં ભરે તો પગ ઢીંચણમાંથી બહુ વાળવો પડતો નહિ. પણ પગથિયાં ચઢવા માટે તો પગ વાળવો મુશ્કેલ હતો. પગ વળે કે સણકો ઊઠે, પગ સીધો થાય કે વળી સણકો.. શ્રવણ ક્યાંકથી આવી ચઢે તો કેવું સારું? સણકા ઊઠે તો ઊઠે, મનોબળ હજીય દૃઢ કરવા દે. ગમેતેમ કરીને બસ, ઉપર પહોંચવું જ છે. જમણો હાથ જમણા ઢીંચણ ૫૨ મૂકીને જરા વજન દઈને એક પગથિયું ચઢ્યા. થોડી ક્ષણ પછી ડાબો હાથ ડાબા ઢીંચણ ૫૨ મૂકીને બીજું પગથિયું. મોંમાંથી ઊંહકારો નીકળી ગયો – ઓ રે... એક એક પગથિયું એક એક પહાડ જેવું લાગ્યું. અત્યારે જો શ્રવણ આવી ચઢે તો કેવું સારું! ખૂબ જોર કરીને જનકરાય વળી એક પગથિયું ચઢ્યા. હવે તો સખત હાંફ પણ ચઢેલી. રિટાયર્ડ થયા પછી ગિરનાર ચઢ્યા ત્યારે આવી પીડા નહોતી થઈ. કેદારનાથ પણ ઘોડા વગર ગયેલા. માનસરોવરની યાત્રા બાકી રહી ગઈ. હજી કેટલાં પગથિયાં બાકી રહ્યાં? લાવ જોઈ જોઉં... ઊંચે જોયું તો સીડીનો કોઈ છેડો જ નહોતો! ઉ૫૨ ને ઉપર, ઉપર ને ઉપર, નજર પહોંચે ત્યાં સુધી પગથિયાં જ પગથિયાં, ઊંચે ને ઊંચે જતાં, નાનાં ને નાનાં થતાં જતાં ને છેવટે અંધારામાં ભળી જતાં... સીડીને તો થોડાં પગથિયાં પછી વળાંક આવતો હતો! ને વળાંક પછી ઊલટી દિશામાં પગથિયાં ચઢવાનાં થતાં... જ્યારે આ સીડી તો સીધેસીધી ઊંચે જ જાય છે! કેમ આવું દેખાય છે?! પોતાને દિશાભ્રમ થયો છે કે દૃષ્ટિભ્રમ? લાવ જોઈ જોઉં, મારી પાછળ પાછળ આવતા પેલા સફેદ પડછાયાનું શું થયું? તો એ પડછાયોય બે પગથિયાં નીચે ઊભો હતો! ને હવે પાછો એનો રંગ પણ કાળી શાહી જેવો થઈ ગયેલો! પણ નવું કૌતુક તો એ કે એ પડછાયો જમીન ૫૨ ફેલાયેલો નહોતો! પણ પગથિયાં પર માણસની જેમ ઊભેલો! જરા વધારે ધ્યાનથી જોયું તો એ પડછાયાને ત્રીજું પરિમાણ નહોતું! બે પરિમાણવાળો સાવ ચપ્પટ પડછાયો રીતસર ઊભો હતો! પોતે વધુ એક પગથિયું ચઢ્યા તો એ પડછાયોય એક પગથિયું ચઢ્યો! એ કાળાડમ્મર પડછાયાના માથા સામે ટીકી ટીકીને જોયું તો એને સફેદ દાંત ઊપસી આવ્યા ને ‘ખીખીખી' અવાજ કાને પડ્યો! આંખ-નાક-કાન-હોઠ કશું નહિ, ચપ્પટ કાળા ચહેરાને માત્ર સફેદ બત્રીસી! આવું બને ખરું કે પછી ભ્રમણા હશે?! જનકરાયે આંખો ચોળી, પટપટાવી, મગજની શગ સંકોરી ને ફરી પાછળ જોયું તો પડછાયો ઊભેલો હૂબહૂ! ને આ વેળા તો બે વાર ‘ખીખીખી' ‘ખીખીખી' થયું. અવાજ આવે ત્યારે બત્રીસી દેખાય ને પછી કાળુંધબ્! જનકરાયે મગજને વધારે જોર આપીને પૂછ્યું કે આ બધું શું? પણ મગજ તો પથ્થર જેવું ચૂપ! ‘હશે... મરશે... જે હોય તે. લાવ, ઉપર ચઢવા દે, ઘરે પહોંચી જાઉં એટલે બસ, ગંગા નાહ્યા.’ શરીરમાં હતું એટલું જોર કરી કરીને વળી એ ચાર-પાંચ પગથિયાં ચઢ્યા. ઢીંચણના સાંધામાં તો જાણે કડાકા સાથે વીજળીઓ થતી, શરીરમાંથી થોડી થોડી માટી જાણે નીચે ખરતી જતી, પગ ધીમે ધીમે થોડા થોડા જાણે પાણીમાં ફેરવાતા જતા, સખત હાંફથી પાંસળાંય હમણાં તરડ કરતાં તૂટી પડશે એવું લાગતું... ઊભા રહ્યા તોય હાંફ વધતી જતી હતી... સીડીના વળાંકને હજી કેટલાં પગથિયાં બાકી રહ્યાં? ઉપર નજર કરી તો સીડી સીધીસટ, ઊંચે ને ઊંચે જઈને અંધારામાં અદૃશ્ય થઈ જતી! હવે તો પગથિયાંની પહોળાઈ પણ સાવ ઘટી ગયેલી! બસ, વાંસની જાડાઈ જેટલાં જ પહોળાં પગથિયાં! હવે તો ખૂબ જાળવી જાળવીને પગ મૂકવો પડશે. નહીંતર જો પડ્યા તો ખલાસ. ખેલ ખતમ. લાવ, નીચે જોઈ જોવા દે, કેટલાં પગથિયાં ચઢ્યો? નીચે જોયું તો સીડીનો નીચલો છેડો હવામાં લટકે! નીચે જમીન જ નહિ! કે બીજો કશો આધાર પણ નહિ! આંખો પટપટાવીને, મગજ સંકોરીને, વધારે ધ્યાનથી જોયું તો ભ્રમણા નહોતી... નહોતી જ વળી... ઘીના દીવા જેવી ચોખ્ખીચણક સીડી દેખાતી હતી, હવામાં જ પેલો મોટો થતો પડછાયો ઊભેલો! સાક્ષાત્! હવે તો પોતાનું માથુંય મોટું ને મોટું થતું જતું લાગતું હતું... ખોપરીને તોડવા માટે જાણે અસંખ્ય મજૂરો અંદરથી હથોડા મારતા હતા! કશીક વધારે ગડબડ લાગે છે... છેક ઘર સુધી ન પહોંચાય તો કંઈ નહિ. પહેલે માળે રહેતા મિ. મહેતાના ઘરે પહોંચું તોય ઘણું.. એ લોકો શ્રવણને બોલાવી લાવશે, પછી કશી ચિંતા નહિ. શરીરમાંથી જાણે શરીર બાદ થતું જાય છે... જરીકેય શક્તિ બચી નથી... શરી૨ ધીરે ધીરે, થોડું થોડું શબ બનતું જાય છે... સમગ્ર ચેતના આંખમાં એકઠી કરીને ઊંચે જોયું તો માત્ર નિસરણી! એ સિવાય આજુબાજુ કશુંયે નહિ! હવામાં નિરાધાર લટકતી નિસરણી! જાણે અનંત લંબાઈની ઠાઠડીને જ ત્રાંસી ઊભી ન કરી દીધી હોય અવકાશમાં! નીચે જોયું તો નીચેય પોતે જે ઠાઠડી જેવી નિસરણી પર ઊભા છે એના સિવાય બીજું કશું જ નહિ! છેક નીચેય, જમીન જ નહિ! હવે?! કંઈ નહિ, જે થાય તે ખરું. જેવી મહાદેવની ઇચ્છા... પણ ઉપર તો જવું જ રહ્યું... બસ, જાળવી સંભાળીને આ શબ જેવા શરીરને ઉપર ખેંચ્યા કરવું. ઢીંચણના સાંધાનાં હાડકાં તૂટી જાય તો ભલે તૂટી જાય... શરીરમાંથી પંચમહાભૂત તત્ત્વો છૂટાં પડતાં જાય તો ભલે... પણ ઉપર તો ચઢવું જ રહ્યું. હૃદય બંધ પડી ગયું હોય એવું લાગે છે... પણ બધીયે ચેતના મગજમાં આવીને પ્રજ્વલિત થઈ ઊઠી લાગે છે... એ ચેતનાને લઈનેય છેવટે ઉપર ચઢવું જ રહ્યું. હિમાલય પર ચઢવું હોય તોય આમ જાળવી, સંભાળીને ચઢવું પડે... સાવ સાંકડી કેડી હોય ને ચારે બાજુએ બરફ જ બરફ... હાડ ગાળી નાખતી ઠંડી... વધારે ઊંચે જાવ એટલે સાવ સૂનકાર... ભેંકાર... કૈલાસનું વાતાવરણ તો કે સાક્ષાત્ શિવજીનું જ રૌદ્ર રૂપ! અત્યારે મનેય કેમ હાડ ગાળી નાખતી ઠંડી લાગવા માંડી?! પણ ક્યાં છે મારાં હાડ?! અને તોય... આ શું? કેવી નવાઈની વાત? પોતે હવે ફટાફટ ઉપર ચઢવા લાગ્યા છે ને કંઈ! ઢીંચણ જરીકે દુખતા નથી! પિંડીઓય કળતી નથી! ને હાંફ પણ જરીકે નહિ! બધુંયે હળવું ફૂલ! શરીર જાણે છે જ નહિ! હજીયે કેટલાં પગથિયાં બાકી રહ્યાં?! ઊંચે જોયું તો આગળ પગથિયાં જ નહિ! નીચે જોયું તો નીચેય સીડી જ નહિ! તો પછી પોતે ઊભા છે ક્યાં?! પગ તળે જોયું તો ત્યાં કશું જ નહિ! પેલો પડછાયોય નહિ! ક્યાંય કશું જ નહિ! માત્ર અવકાશ, નર્યો અવકાશ...