રચનાવલી/૧૧૧


૧૧૧. માર્તણ્ડ વર્મા (સી. વી. રામનપિલ્લાઈ)


જગતની મોટાભાગની કથાઓ વેરની કથાઓ છે. બે વ્યક્તિ વચ્ચે, બે પરિવાર વચ્ચે, બે રાજ્યો વચ્ચે, બે પ્રજાઓ વચ્ચે એમ વેરની આગ સતત ભભકતી રહે છે. કેટલીકવાર વેર મનુષ્યજીવનનો એક માત્ર ઉદેશ બનીને રહી જાય છે. વેરની પાછળ મોટેભાગે સત્તાની સાઠમારી હોય છે. ફ્રોઈડે ભલે વાસનાભૂખને મનુષ્યજીવનના કેન્દ્રમાં મૂકી પણ ફ્રોઈડના શિષ્ય આલ્ફેડ એડલરે વાસનાભૂખને બદલે સત્તાને – સત્તાભૂખને – મનુષ્યજીવનના કેન્દ્રમાં મૂકી છે. જીવન જીવવું અને વેરથી ઊગરવું શક્ય નથી. મનુષ્યની સામે મનુષ્યનો જ મોટો ખતરો છે. મનુષ્યના એના જીવવા આડે કોઈને કોઈ તો ક્યારેક આવે જ છે. અને આવો ખતરો એને બચાવ આક્રમણના દાવપેચ અને કાવાદાવામાં, ટોળકીઓ બનાવવામાં અને ટોળકીઓ વિખેરવામાં લગાડી દે છે, વેર અને હિંસા લગભગ એક સિક્કાની બે બાજુઓ છે. આ બેથી છૂટવું દોહ્યલું છે. તેથી યુગેયુગે વેરની સામે અવેર અને હિંસાની સામે અ-હિંસાનો સંદેશ પયગંબરો પહોંચાડતા રહે છે અને પયગંબરોના સંદેશાઓ ભૂંસાતા રહે છે. મનુષ્યજીવનના ઇતિહાસનું આ એક નરદમ સત્ય છે. મલયાલમ લેખક સી. વી. રામન પિલ્લાઈએ એમની ભાષામાં જ્યારે પહેલી ઐતિહાસિક નવલકથા ‘માર્તણ્ડવર્મા' રચી ત્યારે વેરની કથાને જ વર્ણવી છે. આપણે ત્યાં ગુજરાતીમાં નન્દશંકરે પણ પહેલી ઐતિહાસિક નવલકથા ‘કરણઘેલો'માં માધવના વેરને જ ક્યાં આધાર નથી બનાવ્યો? રાજ્ય હોય અને ખટપટ ન હોય એવું બને નહીં અને ખટપટ હોય એટલે પાછળ વેર આવતું હોય એ દીવા જેવી વાત છે. સી. વી. રામન પિલ્લાઈએ ત્રાવણકોર રિયાતની કથાને ‘માર્તણ્ડવર્મા'માં વિસ્તારી છે. નવલકથાનો નાયક માર્તણ્ડવર્મા છે. ત્રાવણકોરના શાસકનો એ ભાણેજ છે. ત્રાવણકોરમાં એવી પ્રથા ચાલી આવે છે કે રાજાનો દીકરો નહીં પણ રાજાના અવસાન પછી રાજાનો ભાણેજ ગાદી પર આવે. આખી કથા આ વાતથી વળ લે છે. કારણ રાજાનો ભાણેજ ગાદીનો હકદાર છે, છતાં રાજાનો દીકરી પદ્મનાભન તંપી પ્રથા તોડીને પોતે રાજા બનવા માગે છે. અલબત્ત માર્તણ્ડવર્મા પ્રતિભાવાન અને યુદ્ધ કલામાં નિપુણ છે. જ્યારે પદ્મનાભન તંપીનું ચરિત્ર સારું નથી. એ લંપટ છે. ગાંજાનું સેવન અને કોઈની ચડવણીમાં આવી જવાની એની કમજોરી છે. ‘આઠઘર'વાળા નાયર લોકોની ઈચ્છા પણ એ છે કે પ્રથાનો ભંગ થાય અને તંપી જ ગાદી પર બેસે. રાજાનો પુત્ર તંપી માર્તણ્ડવર્માની પાછળ ભાલાદાર સિપાઈઓ સાથે વલુકુરૂપને કામે લગાડી દે છે. લોકો ઇચ્છે છે કે માર્તણ્ડવર્મા જ ગાદીએ આવે પણ તંપીના માણસો છેક પદ્મનાભપુરમ પહોંચી માર્તણ્ડવર્માના રાજનિવાસને ઘેરી લે છે. એવામાં કોઈ હિતેચ્છુ ગાંડો ચાજ્ઞાન મદદ પહોંચાડીને માર્તણ્ડવર્મા અને એના માણસોને વખતસર બચાવી લે છે. માર્તણ્ડવર્મા વેશપલટાઓ કરી લોકોને પોતાના પક્ષમાં લેવા ઠેર ઠેર ફરે છે, એમાં બીજીવાર સંપીના માણસો માર્તણ્ડને ઘેરી વળે છે, ત્યારે ફરીને ગાંડો ચાન્નાન એમને ઉગારી ગાયબ થઈ જાય છે. તિરુવનંતપુરના પદ્મનાભજી મન્દિરથી થોડે દૂરના કિલ્લામાં નાયર પરિવારની મુખ્યા કાત્યાયની છે. એની દીકરી પારુકકુટ્ટિ એના પ્રેમી અનંત પદ્મનાભની વાટ જુએ છે. તંપી સુભદ્રા પર મોહિત હોવા છતાં પોતાના ધૂર્તમિત્ર સુન્દરને મોંએ કાત્યાયનીની દીકરી પારુકકુટ્ટિના સૌન્દર્યના વખાણ સાંભળ્યા છે ત્યારથી પારુકકુટિને મેળવવા તલપાપડ છે. તંપીએ સુન્દરમ્ મારફતે કાત્યાયનીને પારુકકુટ્ટિને રાજરાણી બનાવવાની લાલચ પણ આપી છે. એક દિવસ તંપી પારુકકુટ્ટિના સુવાના ઓરડા સુધી પહોંચી પારુકકુટ્ટિને સ્પર્શ કરવા જાય છે ત્યાં ફરીને કોઈ અજ્ઞાત માણસ તંપી પર તૂટી પડે છે અને પારુકકુટ્ટ મૂચ્છિત થઈ જાય છે. તંપીને ખબર છે કે સુભદ્રા માર્તણ્ડવર્માના પક્ષમાં છે અને પારુકકુટ્ટિને બહેનની જેમ ચાહે છે, તેથી સંપી સુભદ્રાને મારીને દુશ્મનની સંખ્યામાં વધારો કરવા નથી માગતો. સુભદ્રા અને પારુકકુટ્ટિને પહેરદાર પાસેથી જાણવા મળે છે કે પારુકકુટ્ટિને બચાવનાર ત્રિવેન્દ્રમના પઠાણોના મહોલ્લામાં રહે છે. માર્તણ્ડ વર્મા વેરીઓની ચાલોનો સામનો કર્યા કરે છે. સાથે સાથે અસ્વસ્થ રાજાને હકીમની ખાસ દવાઓ પણ પહોંચાડ્યા કરે છે પણ છેવટે મહારાજા અવસાન પામે છે. તંપીની ચાલને નિષ્ફળ બનાવવા એક બાજુ પારુકટિટ્ટ બંદીવાન બનેલા ગાંડા ચાન્નાન અને કુરૂપને છોડાવી લે છે તો બીજી બાજુ સુનંદા સાહસ કરીને ખેડૂતોના વેશમાં માર્તણ્ડ વર્મા અને એના માણસોને લઈને પોતાના ઘર તરફ જાય છે. રસ્તામાં તિરમુખત્તુ પિલ્લાઈનો ભેટો થાય છે; ત્યારે ખબર પડે છે કે ગાંડો ચાન્તાન એ તિરુમુખત્તુ પિલ્લાઈનો દીકરો અને પારુકટ્ટિનો અનન્ત પદ્મનાભન છે અને સુભદ્રા એની દીકરી અને અનન્ત પદ્મનાભનની બહેન છે. માર્તણ્ડ વર્માને આ દરમ્યાન પઠાણ સૈનિકોની સહાય મળે છે. અને દક્ષિણ ત્રાવણકોરથી પણ સૈનિકોની સહાય મળે છે. તંપી અને આઠઘરના નાયરો સામનો કરે છે પણ બૂરી રીતે હારે છે. પરંતુ સુભદ્રાએ માર્તણ્ડવર્માનો પક્ષ લઈ વિશ્વાસભંગ કર્યો એ કારણસર તલવારથી એની હત્યા કરી દેવામાં આવે છે. માર્તણ્ડવર્મા ઘટનાસ્થળે પહોંચે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આ વેરકથામાં સાહસિક સુભદ્રાનો બલિ કરુણ અંત સર્જે છે. આ નવલકથાની રાજકથાનો વેરથી ગતિમાન બનતો દાવપેચ અંતે તો માનવશક્તિની નિરર્થક હાણ અને માનવજીવનનો અપાર વ્યય સૂચવે છે.