રચનાવલી/૧૧૩


૧૧૩. અડધી ઘડી (પારપ્પુ રત્તુ)


‘પારપ્પુરત્તુ’ એવા ઉપનામથી મલયાલમ ભાષાના જાણીતા નવલકથાકારનું મૂળ નામ છે : શ્રી કે. ઈ. મત્તાયિ. શાળાના શિક્ષણ પછી લશ્કરમાં જોડાઈ પંદર વર્ષ સુધી લીધેલો લશ્કરી જીવનનો અને સૈનિકજીવનનો અનુભવ એમણે એમની અનેક કથાઓમાં ઉતાર્યો છે. પરંતુ સાથે સાથે તેઓ પોતાના અસલી ગ્રામજીવનના અનુભવને પણ ભૂલ્યા નથી. એમનાં પાત્રો સાધારણ જનજીવનમાંથી આવે છે પણ એવી સૂઝબૂઝથી આવે છે કે એમની રજૂઆત અસાધારણ બની જાય છે. ક્યારેક આ લેખક ‘લોહીથી ખરડાયેલા પગનાં નિશાન' જેવી નવલકથામાં સૈનિકની હૃદયવેધક કથા કહે છે; ક્યારેક ‘શોધ્યું પણ જડ્યું નહીં' જેવી નવલકથામાં કોઈ નર્સની વ્યથાને ઉઘાડી આપે છે. તો કયારેક ‘પ્રથમ કિરણો’ જેવી નવલકથામાં પછાત વિસ્તારનો ચહેરો બદલી નાખતી કોઈ ગ્રામસેવિકાની વાત માંડે છે, પરંતુ ‘પારપ્પુરત્તુ’ની નવલકથાઓમાં સૌથી વધુ સમર્થ અને પ્રસિદ્ધ નવલકથા તો અડધી ઘડી (સરનાષિકનેરમ્) છે. આ નવલકથા ત્રાવણકોર રિયાસતનાં મધ્યભાગમાં વસતા એક ખ્રિસ્તી કુટુંબના નેવું વર્ષની વયના વૃદ્ધ કુંયેનાચ્ચનની કથા છે. લાંબા આયખા દરમ્યાન થયેલા ભાતભાતના બનાવોથી આ વૃદ્ધના અંદરના જગતમાં જેમ ઊથલપાથલ છે, તેમ બહારના જગતમાં પણ ઊથલપાથલ છે. અંદર અને બહારના જગત સાથે ઝૂઝતાં ઝૂઝતાં જીવી રહેલા આ વૃદ્ધની કલ્પના લેખકે બહુ વર્ષોથી જે પોતામાં સંઘરી રાખેલી એને અહીં મૂર્તિમંત કરી છે. અહીં ત્રણ પેઢીના ઉતરાવચઢાવની વાત છે. વૃદ્ધની ધૂંધળી સ્મૃતિમાં ઘણું બધું ધસી આવે છે અને ઘણુંબધું એની આસપાસ વર્તમાનમાં પણ બનતું આવે છે. આ બે વચ્ચેથી પસાર થતો વૃદ્ધ મૃત્યુની ક્ષણ સુધી પહોંચે છે. આમ તો જીવનની એની આ છેલ્લી ‘અડધી ઘડી'માં એ ફરીને આખું આયખું જીવી લે છે. આ રીતે વૃદ્ધજનના મનનો આલેખ અહીં આબાદ પકડાર્યો છે. પણ એ દ્વારા લેખકે ગંભીરજીવનની વેદનાને પૂરેપૂરી અવતારી છે. વૃદ્ધ કુંયેનાચ્ચનનું મન ખુલ્લી ધર્મશાળા જેવું થઈ ગયું છે. ચિંતાઓ વણબોલાવી દિલ પર કબજો કરે છે. પોતે એક તેલ ખલાસ થઈ જતાં ધૂંધળો પડી ગયેલો દીવો હોય, વધુમાં વધુ હવે એ અડધી ઘડી જ ચાલવાનો હોય એવી લાગણી અનુભવે છે. પણ આંખ મીંચતાં મીંચતાં સુધીમાં કુંયેનાચ્ચન ઘણુંબધું જુએ છે. કુંયેનાચ્ચનની પત્ની કુંયેનાચ્ચનના અન્ય સ્ત્રી સાથેના સંબંધના આઘાતથી, તો એની જુવાન દીકરી વિવાહ પછી જોતજોતામાં અકસ્માતથી અવસાન પામી છે. આધારસ્તંભ જેવો એનો મોટો દીકરો પણ જમીનના ઝઘડામાં મોતને ઘાટ ઊતર્યો છે. આ વૃદ્ધ પાંખ કપાયેલા પંખીની જેમ પાણીથી ચારેતરફ ઘેરાયેલા ટાપુની જેમ બધું જોતો સાંભળતો શરણ વગરનો બેઠો છે. કુંયેનાચ્ચનની એક દીકરી અને એનો મોટો દીકરો મરી જતાં હવે ચાર દીકરા બચ્યા છે. દીકરાઓને ઘેર પણ દીકરા-દીકરીઓ છે. આ અશક્ત વૃદ્ધ એની પાછળ જીવ બાળે છે, દીકરાઓમાંથી દરેકને અલગ અલગ પ્રકારનું દુઃખ છે. મોટો કીવરત શિક્ષિકા દીકરીની કમાણી પર નભી રહ્યો છે અને એને પરણવા દેતો નથી. તેથી દીકરી સહશિક્ષક જોડે પરણી જાય છે. વૃદ્ધ જેની સાથે રહે છે તે દીકરો માત્તુકકુટિ અને એની બીજીવારની પત્ની દીનામ્મા વૃદ્ધની કાળજીપૂર્વક સંભાળ લે છે પરંતુ માત્તુકકુટિ ઘર માટે લાપરવાહ છે અને લોકોમાં ફરતો ફરે છે. સૈનિકમાં ભરતી થઈને ગયેલો એની પહેલી પત્નીનો તાજો પરણેલો પુત્ર રાજન લશ્કરી તાલીમ દરમ્યાન અકસ્માતે મૃત્યુ પામે છે. ત્રીજો દીકરો કુંયુચેરુક્કન અને એનો દીકરો ખોટા અને આડા ધંધામાં ફસાઈને પોલિસના હાથમાં પડ્યા છે, તો ચોથો દીકરો ફિલિપ્સોસ અને એનો દીકરો ઘરની એક જ નોકરાણીની સાથે ફસાયેલા છે. આ બધા દીકરાઓ અને એના દીકરાઓનો વૃદ્ધ પર ખૂબ પ્રેમભાવ છે. તો વૃદ્ધને પણ દીકરાઓ ખૂબ વહાલા છે. કોઈપણ દીકરાનું દુ:ખ જુએ તો તેમનું મન હાથમાં નથી રહેતું. અફીણ પૂરું પાડતા શિવરામ કુરુપ વૃદ્ધનો સાથી છે અને એની ઘરમાં અવરજવર છે. વૃદ્ધના ખ્રિસ્તીધર્મનો શિવરામ કુરુપના વેદધર્મ સાથે મેળ તો મળ્યા કરે છે, પણ એક દિવસ વૃદ્ધને ખબર પડી જાય છે કે શિવરામ કુરુપને પુત્રવધુ દીનામ્મા સાથે સંબંધ છે. આ વાતની શિવરામકુપને ખબર પડી જતાં એને દહેશત જન્મે છે કે વૃદ્ધ લોકોમાં વાતને ઉઘાડી પાડી દેશે. તેથી શિવરામ કુરુપ વૃદ્ધને અફીણ સાથે થોડું ઝેર આપી દે છે. દીનામ્મા અંતે વૃદ્ધના ચરણ પકડી રહે છે. લોકોને તો એમ જ છે કે વૃદ્ધને છેવટ સુધી દીનામ્માની સેવાચાકરી મળી છે – વૃદ્ધ ખુશનસીબ છે! આમ કથાવસ્તુ તો સાદું છે પરંતુ વૃદ્ધના સ્મરણમાંથી એની સાક્ષીએ જે પ્રસંગો રચાય છે અને એમાં વૃદ્ધની બાઈબલની જે આસ્થા ભળતી આવે છે, એ આ નવલકથાને બહુ જુદો સ્વાદ આપે છે. વૃદ્ધ વાતવાતમાં અફીણના ઘેનને કારણે તરંગમાં સરકે છે અને પોતાની અંદર સરકી ઊંડા કળણમાં ગરક થયા કરે છે. એને મૃત્યુનો આભાસ આવ્યા કરે છે. વૃદ્ધ કાં તો પોતાને ભૂતકાળ સાથે જોડે છે અને કાં તો પોતાને ભવિષ્ય સાથે સાંકળે છે. ભૂતકાળની સ્મૃતિ અને ભવિષ્યની કલ્પના અંગેની ગૂંથણી અને એમાં ય વૃદ્ધના દિમાગમાંથી નીકળેલા બાઈબલની ઠેર ઠેર વેરાયેલી કથાઓ અને સરખામણી એના બુટ્ટાઓ નવલકથાને પોતાનું વાતાવરણ રચી આપે છે. વળી કેરાલાના પહેરવેશથી માંડી, એના રીતરિવાજો અને ભોજન સુધીની ખાસિયતો પણ એમાં ઊતરેલી છે. ક્યાંક લેખકની ભાષા અને દૃષ્ટિનું બળ પણ જોવા જેવું છે : 'જેને પામવામાં સુખ છે એમ લાગતું હતું તે મળી ગયા પછી ખાલી નાળિયેર જેવું લાગે છે. તેં કરોળિયાને જાળ ગૂંથતો નથી જોયો? તે માને છે કે મોટું સામ્રાજ્ય બનાવી રહ્યો છું. પળવારનો યે આરામ લીધા વિના મહેનત કરે છે. ઈરાદો છે એકાદ જીવને સપડાવીને તેને ગળી જવાનો. ક્યારેક તે મળી જાય છે. ક્યારેક જાળું પૂરું ગૂંથાય તે પહેલાં જ તોફાની હવા આવીને એને વિખેરી નાખે છે.' બીજું ઉદાહરણ જોઈએ; જુવાન રાજનું લશ્કરી તાલીમમાં અકસ્માત મૃત્યુ થતાં વૃદ્ધ કહે છે : ‘સુકાયેલી ડાળોવાળા જીર્ણ વંધ્ય વૃક્ષ જેવો હું ઊભો છું. ઢગલાબંધ ફળ આપનારું ઝાડ ઊખડી ગયું.' નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા તરફથી આ મલયાલમ નવલકથાનું ગુજરાતીમાં મકરંદ દવેએ ભાષાન્તર કર્યું છે.