રચનાવલી/૧૧૭


૧૧૭. મહારાજાની કથાઓ (અય્યપ્પા પણિક્કર)


કવિ પોતાની ને પોતાની વાત કયાં સુધી કર્યા કરે? જેમ ઈશ્વરને એકલો છું તો લાવ જરા ‘બહુ’ થાઉં એવી ઇચ્છા થયેલી તેમ કવિને પણ થાય કે મેં બહુ બોલ બોલ કર્યા કર્યું છે. હવે મારે બદલે કોઈ બોલે અથવા કોઈને બદલે હું બોલું એવું કંઈ થઈ જાય અને એવું થઈ જાય ત્યારે કવિ પોતાનામાંથી કોઈ પાત્રને ઘડે છે. આપણા ગુજરાતી સાહિત્યમાં કવિ લાભશંકર ઠાકરનો ‘લઘરો' પ્રખ્યાત છે; કવિ સિતાંશુ યશ્ચન્દ્રનો ‘મગન’ પ્રખ્યાત છે; રમેશ પારેખનો ‘આલા ખાચર' પ્રખ્યાત છે; હરિકૃષ્ણ પાઠકનો ‘અડવો’ પ્રખ્યાત છે. બરાબર એ જ રીતે મલયાલમ ભાષાના બહુ પ્રતિભાશાળી કવિ અય્યપ્પ પણિક્કરનું ‘મહારાજા’નું પાત્ર પણ ભુલાઈ તેવું નથી. આમે ય કવિઓ જેમ પોતાની ને પોતાની વાત કરે ત્યારે પણ સીધી વાત તો કરતા નથી; તેમ જ્યારે પાત્ર ઊભું કરીને એના દ્વારા વાત કરે ત્યારે પણ સીધી વાત કરતા નથી. કવિઓ હંમેશા આડી વાત કરે છે અને ક્યારેક તો આડી વાતમાં પણ કરવતના દાંતાની જેમ દાંતા લગાવીને વાત દ્વારા પોતાને, બીજાને, સમાજને, રાજ્યને, જાતિને વ્હેરતા હોય છે. કવિની પાત્ર દ્વારા થતી આડી વાતમાં આવતા આ દાંતા તે બીજું કાંઈ નહીં પણ એના કટાક્ષો છે. કવિ કટાક્ષો દ્વારા ભાષાને એક નવું બળ આપે છે. અને એ દ્વારા ધર્મ, સમાજ, રાજકારણ, સમાજકારણ, સત્તાકારણ બધે જ ફરી વળે છે. છએક જેટલી ‘મહારાજાની કથાઓ' નામનાં કાવ્યોમાં મલયાલમ કવિ પણિક્કરે પણ ‘મહારાજા’ના પાત્ર મારફતે આજના 'મહારાજા' બની બેઠેલા રાજનેતાઓને બરાબર અડફેટે લીધા છે. મહારાજાઓની સાથે સાથે એના હજૂરિયાઓ અને ખુશામતિયાઓને તો જરાયે છોડ્યા નથી. રાજનેતાઓના તરંગતુક્કાઓ, એમનો ભોજનશોખ, એમની વંધ્યતા, એમની ખુરશીને ચીપકી રહેવાની લાલસા, એમની મૂર્ખતા અને એમની નિરક્ષરતાને પણિક્કરે કટાક્ષોથી જબરદસ્ત રીતે ઉપસાવ્યાં છે. કવિ પણિક્કરે કટાક્ષને ધારદાર કરીને પણ આડકતરો રાખવા માટે એને કથાઓમાં લપેટ્યો છે. નાની નાની કથાઓ મારફતે પણિક્કરે આજના ભારતના રાજકારણના રજવાડાને છતું કર્યું છે. કદાચ આ રાજકારણનું રજવાડું કોઈપણ જમાનામાં આવું ને આવું રહેશે એમ કહેવા માટે ‘મહારાજા'ને પાત્ર તરીકે પ્રવેશ આપ્યો છે; જેથી અગાઉની ભૂતકાળની વાત લાગે અને છતાં રાજકારણીઓ ‘મહારાજો' ગયા પછી પણ બીજા મહારાજાઓ બની બેસી રહેવાના છે એવી વર્તમાન અને ભવિષ્યની પણ વાત લાગે એવા લાંબા દોરે કવિએ અહીં કામ કર્યું છે. પણિક્કરની બે ત્રણ કથાઓને વિસ્તારથી જોઈએ. પહેલી કથામાં મહારાજાને ઝાડા થયા છે. તેથી આખું રાજ્ય બિમાર પડી ગયું છે. રોગનિવારણ જલદી થવું જોઈએ, મંત્રીથી માંડી દાંડી બજાવનાર દૂતો સુધી ખબર પહોંચી ગઈ છે. એક દૂત રાજવૈદ્ય પાસે પહોંચે છે; તો રાજવૈદ્ય કહે છે કે રોગીને તપાસ્યા વગર દવા નહીં આપીએ પણ રાજમહેલમાંથી આજ્ઞા છૂટે છે કે મહારાજા શાહીભોજનમાં રોકાયેલા છે તો એમનું ચાલવું મુશ્કેલ છે. તેથી દૂતને જ તપાસીને દવા તૈયાર કરવામાં આવે. એવી પણ આજ્ઞા થઈ કે મહારાજા માટે મોંઘી દવા જોઈએ. દૂત દવા લઈને મહેલે પહોંચે છે. દરબાર આખો રાહ જુએ છે. પણ ત્યાં મંત્રીએ ખબર આપ્યા કે શાહીભોજનમાંથી મહારાજ દરબારમાં હાજર થઈ શકે તેમ નથી. આ બાજુ મહારાજાને બદલે વિશ્વાસુ મંત્રીએ દવા પી લીધી. આખો દરબાર રોમાંચિત થઈ ગયો. ત્યાં સુધીમાં શાહીભોજનને કારણે મહારાજા અમર થઈ ગયા. બીજી કથા જોઈએ : નાસ્તો કર્યા પછી બે એક ઘડી વીતી હશે ત્યાં ડાબા હાથ પર રાતોરાત ઊઠેલી ફોડલીને મહારાજા જમણા અંગૂઠાના નખથી ખંજવાળવા લાગ્યા. એવામાં થાંભલા પર ચઢેલો દેડકો મહારાજાના મુગટ ૫૨ કૂદ્યો. મહારાજાએ કહ્યું ‘કોઈ છે?’ એક પ્રતિહારી હાજર થયો : ‘જી હજૂર.' મહારાજા કહે : ‘મંત્રીને બોલાવો.’ મંત્રી આવ્યા : ‘જી હજૂર.’ મહારાજા કહે ‘મંત્રીવર અમને હમણાં હમણાં ખબર પડી છે કે અમારા મુગટમાં એક દેડકો પ્રવેશી ગયો છે. એ દેડકો અમારા મસ્તકમાં પ્રવેશ કરે તે પહેલાં અક્ષૌહિણી સેનાને અબી કા અબી પ્રસ્થાન કરવાની આજ્ઞા આપો.' મંત્રીવરે કહ્યું : ‘જી હજૂર.' મંત્રી ગયા. કે અક્ષૌહિણી સેના આવવા લાગી. ભાલા, ગદા, તીર, બરછી અને અધુનાતન શસ્ત્રો સાથે તૂટી પડી. રાજમુગટ તોડી નાખ્યો અને સાથે સાથે અન્દર બેઠેલા દેડકાને અને મુગટ ધારણ કરનાર રાજકીય મસ્તકને પણ ચકનાચૂર કરી નીચે પાડી દીધું. શરીરથી અલગ થતાં મહારાજાનું મસ્તક પડતાં પડતાં બોલ્યું : ‘આમ જ થશે, જો દેડકો મહારાજાની સાથે ખેલ ખેલશે.' મહારાજાની એક કથામાં પદભ્રષ્ટ મહારાજા પાસેથી કરોળિયો પાઠ શીખે છે. મહારાજા કહે છે કે ‘કરોળિયા, જો બે પગવાળો હું અને ત્રણ પગવાળી ખુરશી થાકી નથી તો આઠ પગવાળો તું કેમ દુઃખી થાય છે?’ બીજી એક કથામાં મહારાજાનો વિદ્યા અને નિદ્રા વચ્ચેના સંબંધ પરનો વિચાર પણ જોવા જેવો છે. આ વિચાર એમણે પોતાના મંત્રીને પણ કહ્યો છે. કોઈપણ છાપેલી સામગ્રી પછી એ લેખ હોય કે ગ્રંથ હોય પણ એમાં કોઈ પક્ષપાત નહીં. અક્ષરો પાસે આવે કે એને જોવા માત્રથી નિદ્રા પ્રાપ્ત કરવાની મહારાજા પાસે કુશળતા છે. મહારાજા માત્ર શયનકક્ષમાં જ પુસ્તકને લઈ જાય છે. કાર્યો વિશે વિચારતાં વિચારતાં પુસ્તક ખોલીને અક્ષર ભણી સ્નેહથી જોતામાં જ એમની આંખ મીંચાઈ જાય છે. એમના નસ્કોરાના અવાજ સાંભળીને સભાસદોને દિવ્યાનન્દની અનુભૂતિ થાય છે. ‘મહારાજાની કથાઓ' પરથી પણિક્કરની કવિદૃષ્ટિનો પરિચય મળી રહે છે. અમેરિકાની ઇંડિયાના યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી, કર્યા બાદ લાંબો સમય એમણે ભારતમાં અને ભારત બહા૨ અંગ્રેજીના અધ્યાપક તરીકે કામ કર્યું છે. એમનો શિક્ષકજીવ અને એમનો જગત અંગેનો વિસ્તૃત અનુભવ એમને આવી તેજસ્વી સુબોધકથાઓ તરફ ખેંચી ગયો છે, એમાં કોઈ શંકા નથી. સાહિત્ય અકાદમી દિલ્હીએ શ્રી રતિ સક્સેના પાસે ‘અય્યપ્પ પણિક્કર કી કવિતાએં' (૧૯૯૭) નામક પુસ્તકમાં હિન્દીમાં અનુવાદ કરાવીને પણિક્કરનાં કાવ્યો મલયાલયમાંથી ઉપલબ્ધ કરાવ્યાં છે.