રચનાવલી/૧૪૩


૧૪૩. ગીતગોવિન્દ (જયદેવ)


કોઈ પ્રશ્ન કરે કે સંસ્કૃત સાહિત્યની સુન્દરતા કોઈ એક સ્થાને જોવી હોય તો કયાં જોવી? તો, એનો જવાબ કાલિદાસનું નાટક ‘શાકુન્તલ’ કે એનું મહાકાવ્ય ‘કુમારસંભવ' હોઈ શકે. કોઈ પ્રશ્ન કરે કે સઘનતા કોઈ એક સ્થાને ક્યાં જોવી, તો એનો જવાબ બાણની ‘કાદંબરી' હોઈ શકે. કોઈ પ્રશ્ન કરે કે સરલતા કોઈ એકસ્થાને ક્યાં જોવી? તો, એનો જવાબ ‘ભગવદ્ગીતા' હોઈ શકે. બરાબર એ જ રીતે કોઈ પ્રશ્ન કરે કે મધુરતા કોઈ એક સ્થાને કાં જોવી, તો એનો જવાબ કવિ જયદેવનું ‘ગીતગોવિન્દ’ હોઈ શકે. સંસ્કૃત સાહિત્યમાં પ્રાચીન રચનાઓમાં છેલ્લું અને અર્વાચીન રચનાઓમાં પહેલું ગણાયેલું ‘ગીતગોવિન્દ’ કૃષ્ણ અને રાધાને બહાને મનુષ્યની પાંચે ઇન્દ્રિયોને ઉત્સવ આપતું કાવ્યગાન છે. ગુજરાતીમાં કેશવ હર્ષદ ધ્રુવનો અનુવાદ જાણીતો છે. રાજેન્દ્ર શાહનો અનુવાદ પણ ધ્યાન ખેંચે છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તાજેતરમાં રાજેન્દ્ર શાહના અનુવાદની બીજી આવૃત્તિ બહાર પાડી છે. મનુષ્યજીવનમાં સ્ત્રી અને પુરુષનો સંબંધ ખૂબ નજીકનો અને પારદર્શક ગણાયો છે. એને જ કારણે ધર્મની પરાકાષ્ઠામાં એ સંબંધ આદર્શરૂપ ગણાયો છે. વૈષ્ણવોના પ્રેમલક્ષણાભક્તિના ઉદ્ગારોમાં, શક્તિ સંપ્રદાયના તંગમંત્રોમાં અને સૂફીવાદની આશક્યાશૂકની વાતોમાં એક પ્રકારની તન્મયતા છે. અહીં ‘ગીતગોવિન્દ’માં જયદેવે પણ કૃષ્ણ-એક-માત્ર તત્ત્વનો રાધા સંદર્ભે આશરો લઈને શૃંગારલીલા ગાઈ છે. રાધાકૃષ્ણની શૃંગારલીલાને જયદેવે એટલી બારીકાઈથી અને એટલી વિગતે વર્ણવી છે કે રાધાકૃષ્ણનો પ્રેમરસ શૃંગારમાં પલટાઈ ગયો છે. કાવ્ય બધું એટલું હૂબહૂ કરે છે કે કેટલાકને એવું કહેવું પડ્યું છે કે ‘ગીતગોવિન્દ’માં ગીત છે પણ ગોવિંદ નથી. શારીરિક માધ્યમમાં પ્રગટ થયેલો રાધાકૃષ્ણનો ઉત્કટ પ્રેમ, આમ છતાં ‘ગીતગોવિંદ’માં ભાષા અને લયની સમૃદ્ધિનો એવો નાટ્યાત્મક છાક બતાવે છે કે ભારતના ખૂણે ખૂણે એનું ગાન પ્રસિદ્ધ છે. વૈષ્ણવોએ એને ધર્મગ્રંથ ગણ્યો છે. ઓરિસ્સાના જગન્નાથમંદિરમાં રાતે પૂજા વખતે એનાં ગીતો આજે પણ ગવાય છે. કેરળનાં મન્દિરોમાં આજે પણ કથકલી નૃત્યમાં ‘ગીતગોવિંદ' રજૂ થાય છે. કેટલીય ચિત્રશૈલીઓમાં આ કાવ્યનાં શબ્દચિત્રો વિવિધ રંગોમાં ઊતર્યાં છે. મધ્યકાળમાં પ્રસરેલા ભક્તિ આંદોલનમાં ‘ગીતગોવિન્દ’નું એક અનોખું સ્થાન હતું. ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં બંગાળનો સેનવંશનો છેલ્લો હિન્દુ રાજા લક્ષ્મણસેન હતો અને એની સભામાં જયદેવ કવિ હતો. મહાકવિ જયદેવની આસપાસ ઘણી દંતકથાઓ રચાયેલી છે પણ જગન્નાથપુરી પાસેના ઉત્કલ પ્રદેશમાં કેન્દ્રબિલ્વ ગામે તેનો જન્મ થયો હતો એ વાત સ્વીકારવામાં આવી છે. જયદેવ અને એના પત્ની પદ્માવતી બંને એકતાન થઈ ગીત અને નૃત્ય દ્વારા કૃષ્ણનું સંકીર્તન કરતાં એ વિગતમાં જયદેવની ઉત્કટ કૃષ્ણભક્તિ સ્પષ્ટ થાય છે. બીજી બધી દંતકથાઓમાંથી પણ કવિનું કૃષ્ણભક્તનું ચિત્ર જ ઊપસી આવે છે. ‘ગીતોવિન્દ'ની શરૂઆતમાં તેથી જ જયદેવે પોતે ગાયેલા શૃંગાર અંગે કોઈ ગેરસમજ ન કરે એ માટે કહ્યું છે કે જો હરિસ્મરણમાં મન રમતું હોય, જો કૃષ્ણની વિલાસ કલા માટે કૌતુક હોય તો જ જયદેવની સરસ્વતીને શ્રવણે ધરવી અને એ સરસ્વતી પણ કેવી? મધુર, કોમળ અને કાન્ત પદાવલી સાથેની સરસ્વતી! કદાચ ‘ગીતગોવિંદ’નો આથી વધુ સારો કોઈ પરિચય હોઈ ન શકે. આ કાવ્યમાં જે કાન્ત (સુન્દર) છે તે મધુર અને કોમળ સાથેનું સુન્દર છે. ‘ગીતગોવિન્દ’માં બાર સર્ગો છે અને એ બાર સર્ગોમાં ચોવીસ પ્રબંધો છે. આ પ્રબંધો ગીત સ્વરૂપનાં છે. અન્ય ગોપીઓ સાથે રમમાણ રહેવાથી કુપિત રાધા અને કુપિત રાધાથી વ્યથિત કૃષ્ણ અહીં જુદી જુદી ભાવદશામાંથી પસાર થાય છે; અને અંતે સહચરીના દૂતીકાર્યથી બંનેનું મિલન થાય છે એની કથા અહીં રજૂ થઈ છે. ઘણાખરા પ્રબંધો રાધાની, કૃષ્ણની કે સહચરીની ઉક્તિઓ રૂપે રજૂ થયા છે, તેથી એમાં સંવાદનું તત્ત્વ દાખલ થતાં કાવ્ય નાટ્યાત્મક બનતું લાગે છે. વળી કૃષ્ણને કેન્દ્રમાં રાખી દરેક સર્ગને અલાયદું નામ આપ્યું છે. કોઈમાં આનંદિત, કોઈમાં વ્યથિત, કોઈમાં મુગ્ધ, કોઈમાં સ્નિગ્ધ, કોઈમાં ઉત્કંઠ, કોઈમાં નાગર, કોઈમાં ચતુર – એમ કૃષ્ણની વિવિધ ભાવભંગીઓ એમાં સૂચવાય છે. શરૂમાં ‘જય જગદીશ હરે'માં દશ અવતારના વર્ણન પછી ‘જય જયદેવ હરે'માં કૃષ્ણનું વર્ણન થયું છે. ત્યારબાદ ‘લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે' જેવી મધુર લયાન્વિત પંક્તિઓમાં વસંતનું વર્ણન થયું છે. એક બાજુ રીસાયેલી રાધા કહે છે ‘કરોમિ કિમ્’ – ‘હું શું કરું?’ તો બીજી બાજુ વ્યથિત કૃષ્ણ કહે છે : ‘હરિ હરિ અનાદરભરી ગઈ ધરીને ખીજ' કૃષ્ણ આગળ સહચરી રાધાની દશા વર્ણવે છે : ‘તવ વિરહે અતિ દીન / મનસિજશરનો ભય ઉર ધરતી, માધવ સ્મરણે લીન' અને ઉમેરે છે: વિરહે મરણ શરણ અભિલષતી / હરિ હરિ હરિ હરિ સંતત જપતી.' આ પછી સહચરી રાધા પાસે આવીને કૃષ્ણની દશા વર્ણવે છે: ‘તવ વિરહે વનમાલી સખી તલસે.' કહે છે : ધીર સમીરે યમુના તીરે, અધીર કુંજવિહારી' ફરી સહચરી કૃષ્ણ પાસે જઈ કહે છે : ‘નાથ, હરે, ઝૂરત રાધા કુંજવને' અંતે રાધા સહચરી પોતાને ભોળવી ગઈ છે એવું માની કૃષ્ણની વાટ જોતાં થાકી જાય છે : ‘વેળ વીતી ગઈ, હરી ન આવ્યા હજી / વિકલ મુજ રૂપ યૌવન : અરણ્યે તજી / જાઉં રે કવણ શરણે હવે, સહચરી ભોળવી?' છેવટે કૃષ્ણ આવે છે પણ રાધા ગુસ્સે છે : જાવ જાવ હરિ જાઓ માધવ, કેશવ સઘળી વાત જવા દો.' પણ કલહ કર્યા પછી રાધા પલળે છે. સહચરી રાધાને કહે છે : ‘મોંઘી ન થા એ ય માનુનિ માધવથી.' કૃષ્ણ પણ અભિમાન મૂકી દેવાનું કહેતા કહે છે : ‘તું મુજ પરમ ધન, તું જ મુજ પ્રાણ પણ.' સહચરી વિનવે છે : ‘આવ, આવ, માધવને મળ રાધે’ આખરે, કૃષ્ણને સમર્પિત થતી રાધિકા સાથેનો સમાગમ ઉપસંહાર બનીને આવે છે. ભારતની કલાસાહિત્યસંસ્કૃતિમાં ‘ગીતગોવિંદ’નો વિવિધ સમયે વિવિધ રૂપે આવિષ્કાર થયા કર્યો છે.