રચનાવલી/૧૫૫


૧૫૫. ઘાસની પત્તીઓ (વૉલ્ટ વ્હીટમન)


વૉલ્ટ વ્હીટમન. પોતાના અવાજ દ્વારા પહેલીવાર અમેરિકાને પોતાનો અવાજ આપનાર. અમેરિકાને એનો પરિચય કરાવનાર, અમેરિકાની લોકશાહીને, લોકશાહીનાં મૂલ્યોને ગાનાર અને પ્રજાના લયને પકડનાર અમેરિકાનો સાચા અર્થમાં પહેલો અમેરિકી કવિ. આ કવિનો માત્ર બાર કાવ્યોનો પહેલો સંગ્રહ ‘ઘાસની પત્તીઓ’ (લીવ્ઝ ઑવ ગ્રાસ) ૧૮૮૫માં બહાર પડ્યો ત્યારે એ સાથે એક સંસ્કૃતિનો અંત અને નવી સંસ્કૃતિનો પ્રારંભ થયો હતો. અમેરિકાએ ૪ જુલાઈ, ૧૭૭૬ના રોજ અમેરિકન ક્રાંતિ દ્વારા ગ્રેટ બ્રિટનથી મુક્તિ મેળવેલી. પણ અંગ્રેજી અને યુરોપીય પરંપરાની ઘૂસરી હજી ચાલુ હતી. આ સંગ્રહના પ્રકાશન સામે જાણે કે અમેરિકાએ વિદેશી પ્રભાવમાંથી મુક્તિ મેળવી લીધી. વૉલ્ટ વ્હીટમન એના યુગનું માત્ર સંતાન નથી, એના યુગના ઘડવૈયા પણ છે. વ્હીટમન નામની ઘટના અમેરિકામાં શમી નથી. એનો અધ્યાય પૂરો થયો નથી. હજી પણ એનાં કાવ્યોમાં એવું ભાવજગત પડ્યું છે, એવું ભાષાનું જાદુ ફેલાયેલું છે કે જાતજાતના અનુસરનારાઓને એ નિમંત્રી રહે છે. અમેરિકાનો એમાં ઝિલાયેલો મિજાજ જોઈને એના સંગ્રહને કેટલાક ‘લોકશાહીનું બાઈબલ’ કહે છે. ૩૧મે ૧૮૧૯માં વેસ્ટહિલ્સમાં જન્મેલા વૉલ્ટર વ્હીટમનનનું ૧૧મે વર્ષે શાળાનું શિક્ષણ પૂરું થાય છે અને પછી મુદ્રક તરીકે જુદા જુદા પ્રેસમાં એ સતત નોકરી બદલતા રહી ઊગતી યુવાનીમાં પણ ઠરીઠામ થયા વગર એ સોળમે વર્ષે ન્યૂયોર્ક પહોંચે છે. ત્રણ વર્ષ શિક્ષક તરીકે ભણાવતા રહ્યા પછી મગજ ફર્યું અને વ્હીટમન નાનું પ્રેસ શરૂ કરે છે, એ પણ છોડી જુદાં જુદાં છાપાંઓમાં કામ કરતા રહી ‘બ્રૂકલીન ઇંગલ’ના તંત્રી બને છે. આ દરમ્યાન નાના મોટા લેખો લખ્યા, અવલોકનો કર્યાં, કવિતાઓ ય લખી પણ એ બધી ચીલાચાલુ અને પ્રાસબાજીથી સાવ કાચી રચનાઓ હતી. પરંતુ ત્રીસી વટાવ્યા પછી વ્હીટમને કાવ્યોમાં પ્રયોગો શરૂ કર્યા. અત્યાર સુધી છાપાંઓમાં એણે પ્રગટ કરેલી સાવ નકામી રચનાઓ કરતાં આ કંઈક જુદું હતું. આ કાવ્યોનું સ્વરૂપ મુક્ત હતું એના લયને કોઈ બંધન ન હતું. પ્રાસ સદંતર ગાયબ થઈ ગયા હતા, કાવ્યોનાં વાક્યો ભરપૂર ભાર અને અનિયમિત તાલથી રચાયાં હતાં. ઘણીવાર વાક્યો પુનરાવૃત્ત થતાં હતાં. ક્યારેક એકબીજાને મળતાં વાક્યોનો ચઢઉતર હતી અને ચુસ્ત છંદોના માપનું બંધન તો ફગાવી જ દેવામાં આવ્યું હતું. ભાષા ઈંગ્લૅન્ડના પ્રભુત્વ હેઠળની નહીં પણ અમેરિકાના લોકોમાં હજારો પોતીકા લહેકારૂપે રચાતી જતી અમેરિકન અંગ્રેજી હતી. વ્યવહારની ભાષાનો અને બોલચાલની રૂઢિઓનો, પોતાની આસપાસની બોલાતી ભાષાના સ્વાદનો એમાં મહિમા હતો. જીવતી બોલી અને સાહિત્યની ભાષાનું એમાં અજબ મિશ્રણ હતું. ભાષાની કસરતને ઠેકાણે એમાં સહજભાવથી સ્ફુરેલા જીવંત ઉદ્ગારો હતા. ગુંડાઓ, બદમાશો, વેશ્યાઓ અને સમાજના નિમ્ન ગણાતા વર્ગના પ્રતિનિધિઓને તેમાં વાચા મળતી હતી. પૃથ્વી જેમ દૂષિતોને અંદર લઈ મધુર વસ્તુઓને ઉગાડે છે તેમ અહીં માનવવાસના અને લાલસાના ઝેરને અંદર લઈ એનું સૌંદર્યમાં રૂપાંતર થયું હતું. સમાજની શિષ્ટતાના, વ્યાકરણના અને છંદમાપના નિયમોને નેવે મૂકીને ચાલતા આવા કાવ્યપ્રયોગોને ૧૮૫૫ વ્હીટમેને પુસ્તકરૂપે તો મૂક્યા પણ સાથે સાથે પોતાના ભૂતકાળથી છેડો ફાડતા હોય તેમ પોતાનું નામ પણ વાલ્ટરમાંથી ‘વૉલ્ટ’ કર્યું, પણ એમના કાવ્યપ્રયોગોની આકરી ટીકાઓ થઈ. કેટલાકે કહ્યું કે અંગ્રેજી ભાષાની સામે અહીં ગુસ્તાખી કરવામાં આવી છે. કેટલાકે કહ્યું કે આ લેખકને શિષ્ટ સમાજમાંથી ખદેડી મૂકવા જોઈએ કેટલાકે કહ્યું કે ઢંગધડા વગરના બબડાટમાં અહીં કોઈ પદ્ધતિ કે કોઈ સમજ નથી, તો કેટલાકે કહ્યું કે ભુંડ જેટલું ગણિતથી અભાન હોય છે એટલો કવિ અહીં કલાથી અભાન છે. ન તો છંદમાં, ન તો પ્રવાહી પદ્યમાં, પણ ઉત્કટ ગણાતા રાગયુક્ત ગદ્યમાં રજૂ થયેલો આ સંગ્રહ નિયમ વગરનો નિરંકુશ અને વિચિત્ર ગણાયો. બહુ ઓછા આ સંગ્રહની તાજગી અને સાદગીને પામી શક્યા. એ વખતના અમેરિકાના મોટા લેખક-ચિંતક એમર્સનનો એકમાત્ર અપવાદ હતો. એમર્સને વ્હીટમનની પયગંબરી શક્તિને ઓળખી. આ નવા મિજાજને ઓળખ્યો, નવા અવાજને વધાવ્યો અને બહુ માનપૂર્વક વ્હીટમનને પત્ર લખ્યો. એમાં જણાવ્યું કે આ સંગ્રહની અદ્ભુત પ્રતિભા તરફ હું આંખિમચામણાં ન કરી શકું, તમારા મુક્ત અને નીડર વિચારો માટે હું મારો આનંદ વ્યક્ત કરું છું. અનન્ય વસ્તુઓ અહીં અનન્ય રીતે કહેવાયેલી છે. તમારી મહાન કારકિર્દીના આરંભ ટાણે હું તમારું સ્વાગત કરું છું. આ પછી આ સંગ્રહ વારંવાર જુદા જુદા સંસ્કરણ પામતો રહ્યો છે અને કાવ્યો ઉમેરાતાં રહ્યાં છે છતાં મૂળ આવૃત્તિ પ્રભાવની રીતે હજી આજે ય અધિકૃત રહી છે. આ સંગ્રહનાં બાર કાવ્યોમાંથી પહેલું કાવ્ય ‘મારા વ્યક્તિત્વનું ગાન’ (સૉન્ગ ઑવ માયસેલ્ફ) ઉત્તમ ગણાયું છે. એમાં લગભગ નવ ખંડ કરવામાં આવ્યા છે. પહેલા ખંડમાં કવિ પોતાને રજૂ કરે છે. બીજા ખંડમાં કવિનું અને એની ચેતનાનું મિલન છે. ત્રીજા ખંડમાં ઘાસ કેન્દ્રમાં છે. તુચ્છમાં તુચ્છ વસ્તુમાં રહેલા ચમત્કારને અહીં બનાવવામાં આવ્યો છે. ચોથા ખંડમાં કવિ અને વ્યક્તિની વાત છે. પાંચમા ખંડમાં ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતા આનંદની વાત છે. છઠ્ઠા ખંડમાં અણુ અણુમાં કવિ અનંત આશ્ચર્યને જુએ છે. સાતમા ખંડમાં અતિમાનવની વાત છે. આઠમા ખંડમાં સંદેશ છે અને નવમો ખંડ કવિની વિદાયનો છે. અહીં કવિનું સંવેદન ભારતીય સંવેદનની ખૂબ નજીકનું છે. વેદ ઉપનિષદની વાણીની નજીક સરતી આ કવિની વાણીમાં જીવમાત્ર પરત્વેનો નર્યો સ્નેહ ઊભરે છે. કવિ કહે છે : ‘હું માનું છું કે ઘાસની પત્તી કોઈ પણ રીતે તારાઓના પ્રવાસકૃત્યથી કમ નથી અને કીડી પણ પરિપૂર્ણ છે...' કયાંક કહે છે : ‘હું મને ઊજવું છું અને હું ગાઉં છું મને અને હું માનું છું એ તમે પણ માનશો. કારણ, મારા એક એક અણુ પરમાણુ જેવા મારા છે એવા તમારા પણ છે.’ અહીં કવિનો ખુલ્લાપણાનો માર્ગ છે. અહીં બારીબારણાં ઉઘાડાં છે એના જમાનામાં અને પછીના જમાનાઓમાં પણ એ બંધિયાર વાતાવરણમાંથી નર્યા સૂર્યપ્રકાશ અને તાજી હવામાં આવી મૂકે છે. ઉપરથી ગમે તેટલો ઘાટઘૂટ વગરનો અણસરખો લાગતો આ સંગ્રહ એની અનેક નાની મોટી ટોચો સાથે અમેરિકી સાહિત્યમાં પહાડ જેવો અડીખમ છે.