રચનાવલી/૧૫૮


૧૫૮. રોબર્ટ ફ્રૉસ્ટ


જવાહરલાલ નહેરુના ટેબલ પર એક કવિની ચાર પંક્તિઓ એમના ધ્યેયને હંમેશાં જાગૃત રાખતી એમની સામે રહેતી હતી. આ પંક્તિઓનું ઉમાશંકરે કરેલું ભાષાન્તર જોઈએ : ‘વનો છે શ્યામલ, ગહન મજાના / પરંતુ મારે છે વચન પાળવાના / સૂતા પહેલાં ગાઉ કૈં કાપવાના / સૂતા પહેલાં ગાઉ કૈં કાપવાના" જાણો છો આ કોના કાવ્યની પંક્તિઓ છે? હા, આ રોબર્ટ ફ્રૉસ્ટના ‘બરફની સાંજે વનમાં વિરામ’ કાવ્યની છેલ્લી કડીની ચાર પંક્તિઓ છે. રોબર્ટ ફ્રૉસ્ટ વીસમી સદીનો અમેરિકાનો સૌથી મહત્ત્વનો કવિ છે. અમેરિકાનું પુલિત્ઝર પ્રાઇઝ ચાર ચાર વાર મળે, ૪૪ જેટલી ઉપાધિઓ મળે, પ્રેસિડેન્ટ કૅનેડી સાથે ઉદ્ઘાટન મંચ પરથી શપથવિધ પહેલાં રોબર્ટ ફ્રોસ્ટ કાવ્યવાચન કરે - આવાં સન્માન બહુ ઓછાને મળ્યાં છે. રૉબર્ટ ફ્રૉસ્ટની બાબતમાં નવાઈની વાત એ છે કે જુનવાણીઓમાં આધુનિક કવિ છે અને આધુનિકોમાં જુનવાણી કવિ છે. પંદર વર્ષની ઉંમરે આ કવિએ કાવ્ય લખવાની શરૂઆત કરી. પણ ૧૪ વર્ષ સુધી તો ‘ધ ઇન્ડીપેન્ડન્ટ’ સામયિકમાં છપાયેલી એની છએક રચનાને બાદ કરતાં બીજા કોઈ સામયિકે એની રચનાઓ છાપવાનો ઉત્સાહ ન બતાવ્યો. એ વખતે ફૅશનમાં હતી એવી કવિતાથી તદન જુદી ગ્રામવિસ્તારના શાંતજીવનની કવિતામાં કોઈને રસ ન હતો. ઘણાને એની ભાષા બિલકુલ બિનસાહિત્યિક લાગી. આ કવિ શિક્ષણ જગતથી ઉબાયેલો હતો અને ખેતીવાડી તરફનો એનો પક્ષપાત દેખીતો હતો. વન અને વનસ્પતિનું એને જબરું આકર્ષણ હતું. મૂળે એ પૂર્વોત્તર અમેરિકાના ન્યૂ ઇંગ્લૅન્ડનો રહેવાસી ન્યૂ ઇંગ્લૅન્ડના ખેડૂતો, ખેતમજૂરો, વાઢનારાઓ, સફરજન વીણનારાઓ એના રસનો વિષય હતા એટલે કે સામાન્ય માણસો તરફ, એ માણસો જે રોજિંદી બોલી બોલે છે એ તરફ, એમના વિચારો અને ભાવો તરફ એનું ખેંચાણ હતું. આ કવિ આમ તો જેવું છે તેવું રજૂ કરવાના પક્ષનો છે પણ એના મત પ્રમાણે સાચસૂચનો બટાટો પુરવાર કરવા એને માટી સહિત રજૂ કરવાના નહીં પણ સાફ કરીને રજૂ કરવાના પક્ષનો છે. ફ્રોસ્ટ માને છે કે કલા બધું ચોખ્ખું કરે છે, છોલીને આકાર આપે છે અને એમ વાચક પાસે પહોંચે છે. ફ્રૉસ્ટની કવિતાનું ધ્યેય જ સામાન્ય જનસમુદાય રહ્યો છે. ૧૪ વર્ષ સુધી એની કવિતાને પૂરો પ્રતિભાવ ન મળ્યો તેથી ફ્રૉસ્ટ ઇંગ્લૅન્ડ ઊપડી ગયો. ઈંગ્લૅન્ડમાં એક સાંજે હજી સુધી અપ્રકાશિત પોતાનાં વીસ વર્ષનાં કાવ્યોમાંથી પસાર થતાં એને થયું કે જો પોતાને ડબલ્યુ.ઈ. હેન્લી જેવો કવિ ગમે છે તો હૅન્લીના પ્રકાશકને કદાચ એની કવિતામાં રસ પડે. ફ્રોસ્ટે હેન્લીના પ્રકાશકનો સંપર્ક કર્યો. બંને એકબીજાથી અપરિચિત હતા તો પણ ફ્રૉસ્ટનો પહેલો સંગ્રહ પ્રકાશકે છાપ્યો. કવિની ઉંમર ત્યારે ૩૮ વર્ષની હતી. આમ કવિની કારકિર્દીની શરૂઆત બહુ મોડી શરૂ થઈ પણ કવિનો બીજો કાવ્યસંગ્રહ પ્રગટ થતામાં તો કવિ ઇંગ્લૅન્ડ અને અમેરિકાના અત્યંત લબ્ધપ્રતિષ્ઠ કવિ તરીકે બહાર આવે છે. નક્કર વિષયવસ્તુ, નાટકની જેમ ખૂલતી વાત, ભાવની સ્વસ્થ રજૂઆત અને સાદો શબ્દભંડોળ – આ બધાંએ તો રંગ રાખ્યો, પણ સાથે સાથે પ્રકૃતિનું સૌંદર્ય, ઝીણવટભરી નજરનો જાદુ અને સામાન્ય જનજીવનના સામાન્ય પ્રસંગોને અસામાન્ય સ્થિતિમાં રજૂ કરવાનો કીમિયો – આ બધું પણ ધ્યાન ખેંચનારું હતું. વર્ડ્ઝવર્થની કવિતાની જેમ પૂરી સાદગીથી એના આ કવિની કવિતાએ વાચકો પર તરાપ મારી છે, કારણ વાચકોને ફ્રૉસ્ટનાં કાવ્યો વાતચીત કરતા લોકો જેવા લાગે છે. હા, આ કાવ્યો દેખીતી રીતે સપાટી પર સહેજ પણ હલચલ વગરનાં લાગે પણ જેવા તમે સપાટીની નીચે ઊતરો એટલે એની લોભામણી અનિશ્ચિતતા તમને અર્થ કરવા માટે મજબૂર કરે છે. ફ્રૉસ્ટને ખબર છે કે મનુષ્યની સહજ સૂઝ આડે જો નકરો તર્ક આવે તો એની સર્જનાત્મકતા જોખમમાં પડે તેથી ફ્રૉસ્ટ અર્થને બુદ્ધિગ્રાહી બનાવીને કાવ્ય પર થોપતા નથી. આથી કાવ્યો અર્થના અવાજને અને અવાજની જુદી જુદી ભંગીઓને અનુસરે છે કવિનાં રમતિયાળ વાક્યો છૂટાંછવાયાં જો હાથમાં લો તો સીધાં સાદાં લાગે પણ એ બધાંને એકઠાં કરો એટલે કશુંક એવું એમાંથી સૂચવાય કે કાવ્ય સુંદર બની જાય. અનેક કાવ્ય સંગ્રહોમાં વહેંચાયેલું ફ્રૉસ્ટનું કાવ્યજગત જોવા જેવું છે. ક્યારેક કવિ કૂવાને થાળે બેસે છે અને પાણીમાં ઊંડે પોતાના પ્રતિબિંબની પાર કશુંક ધવલ જુએ છે. પાણી હાલી જાય છે અને કશુંક ધવલ વિખેરાઈ જાય છે. એ ધવલ શું એની મૂંઝવણમાં કવિ પોતાને અને આપણને છોડી દે છે. ક્યારેક વનની સરહદ પર અટકેલા કવિને કોઈ સાંજનું પંખી અંધાર અને વિષાદ માટે જાણે કે અંદર બોલાવે છે, પણ કવિ વનની અંદર ન જતાં આકાશના તારાઓ માટે બહાર રહી જાય છે. ક્યારેક કવિ કહે છે કે દુનિયાનો પ્રલય આગથી પણ થાય અને હિમથી પણ થાય. કારણ કવિને ધીખતી ઇચ્છા અને ઠંડો દ્વેષ બંનેનો પરિચય છે. ક્યારેક કવિ સફેદ ફૂલ પર ધોળા કરોળિયાને મરેલી પાંખવાળું પતંગિયુ ખેંચી જતો જુએ છે અને એવી નાની શી વાતમાં કંપાવી નાંખે તેવી કોઈ કાળી કરામતનો અણસાર અનુભવે છે. ક્યારેક વાડનું સમારકામ કરતાં કવિ અનુભવે છે કે વાડ સારા પડોશી બનાવે છે એ ખરું પણ કશુંક એવું પણ આપણામાં છે કે જેને વાડ પસંદ નથી. ક્યારેક કવિ વનમાં બે રસ્તાઓ ફંટાતા હોય એવી જગ્યાએ આવીને ઊભો રહે છે અને એને થાય છે કે પોતે બંને રસ્તા એકી સાથે ખેડી શકે તેમ નથી, તો બેમાંથી એક ઓછો ખેડાયેલો રસ્તો પસંદ કરે છે, અને એ વાત ઘણું બદલી નાંખે છે. ક્યારેક બારીમાંથી દેખાતા વૃક્ષને જોયા પછી કવિ એવા તારણ પર આવે છે કે વૃક્ષ અને પોતે બંને હવામાન સાથે સંકળાયેલાં છે. વૃક્ષ બહારના હવામાન સાથે અને પોતે અંદરના હવામાન સાથે. તો ક્યારેક પેસિફિક જેવા સમુદ્રકાંઠે ઊભા ઊભા કિનારાને જાણે કે પાણીએ કદી વિતાડ્યું ન હોય એ રીતે મોટાં મોજાઓને પછડાતા જુએ છે કવિને થાય છે કે સારું છે કિનારાને ખડકનો આધાર છે અને ખડકને સમ્રગ ભૂમિખંડનો આધાર છે. દુષ્ટ કાળી રાત આવી રહી છે માત્ર રાત - નહીં, યુગ આવી રહ્યો છે અને એ યુગના આક્રમણ અંગે આપણે તૈયાર થવાની જરૂર છે. પણ, રોબર્ટ ફ્રૉસ્ટની જગત સાથે આક્રમણ કરવાની કે લડવાની તૈયારી એક પ્રેમીજનના કલહ જેવી છે એટલે ફ્રૉસ્ટે માન્યું છે કે કવિતા આનંદમાંથી જન્મે છે પણ અંતે સમજમાં જઈને ઠરે છે.