રચનાવલી/૧૬૬


૧૬૬. બેવૂલ્ફ


આજે બોલાતી ગુજરાતી ભાષા જેમ ગૌર્જર અપભ્રંશ તેમજ જૂની ગુજરાતીમાંથી ઊતરી આવી છે, એ જ રીતે આજે બોલાતી અંગ્રેજી ભાષાનું પણ એક જૂનું સ્વરૂપ છે. આ ભાષાને એંગ્લોસેક્સન ભાષા તરીકે ઓળખવામાં આવે છે. આ ભાષામાં ૮મી સદીમાં અંગ્રેજી ભાષાનું જૂનામાં જૂનું દીર્ઘકાવ્ય ‘બેવૂલ્ફ’ મળી આવે છે. આ દીર્ઘકાવ્ય મૌખિક પરંપરાનું હતું એટલે કે કંઠોપકંઠ ચાલી આવેલું હતું અને તેથી એમાં પ્રાસ અનુપ્રાસની ઝાઝી ભરમાર છે. વળી કંઠોપકંઠ વહેતાં વહેતાં વખતોવખત આ દીર્ઘકાવ્યમાં ખાસ્સા ફેરફારો પણ થતા રહ્યા હશે. છેલ્લું રૂપ એનું હાથ આવ્યું એ પહેલાની કોઈ જાણકારી હજી સુધી મળી આવી નથી. આ ભાષા એવી જૂની છે કે અંગ્રેજીમાં અનુવાદ કરવો પડે છે. આજે એક કરતાં અનેક અનુવાદ મળે છે એમાં છેલ્લે છેલ્લે નૉબેલ ઇનામવિજેતા કવિ સીમસ હીનીના અને આર.એમ. લ્યૂઝાના અનુવાદો પ્રકાશિત થયા છે. અંગ્રેજીના આ દીર્ઘકાવ્ય ‘બેવૂલ્ફ’ને ૧૯૩૬માં ટોલ્કીને કાવ્ય તરીકે આગળ કર્યું નહીં, ત્યાં સુધી એ પુરાતત્ત્વીય અને ઇતિહાસની ખોજનું સાધન રહેલું શિક્ષણ જગતમાં સંશોધનો માટે વારંવાર એને અડફટમાં લેવાતું પણ પ્રાસાનુપ્રાસ અને અલંકારોથી ભરેલું આ દીર્ઘકાવ્ય કોઈકે કહ્યું એમ હલકા પ્રકારનો દારૂ નહોતો પણ ટોલ્કીને કહ્યું છે તેમ એ તો કડવો અને કીમતી મૃત્યુના સ્વાદથી ભરેલો દારૂ હતો. ‘બેવૂલ્ફ’ને મહાકાવ્ય કહેવા કરતાં કે જનસાધારણ સંબંધી કાવ્ય કહેવા કરતાં એને વીરકરણકાવ્ય કહેવું યોગ્ય છે. આ દીર્ઘકાવ્યમાં જે કથા રજૂ થઈ છે એનો નાયક શૂરવીર તો છે, પરાક્રમો પણ કરે છે પણ અંતે નશ્વર મનુષ્યદેહનું સત્ય જ મહત્ત્વનું બન્યું છે. આ દીર્ઘકાવ્ય લખાયું હશે ત્યારે યુરોપમાં ખ્રિસ્તી સંસ્કૃતિનો સમય ચાલતો હશે પણ એમાં ખ્રિસ્તી સંસ્કૃતિ પહેલાની બિનખ્રિસ્તી સંસ્કૃતિનો અહેવાલ પણ છે. એવું પણ કહેવાય છે કે ખ્રિસ્તી સંસ્કૃતિથી લેખનનો આરંભ થયો છે અને એને કારણે પાછળથી ખ્રિસ્તી વિગતોને દીર્ઘકાવ્યમાં ઘુસાડવામાં આવી હોવાની શક્યતાને નકારી કાઢી શકાય તેમ નથી. એક વાત તો ચોક્કસ છે કે ખ્રિસ્તી ખ્યાલને બહેલાવવાને બદલે ‘ભાગ્ય’ કે ‘તકદીર’નો ખ્યાલ કેન્દ્રમાં મુકાયો છે. ‘બેવૂલ્ફ’ જૂની અંગ્રેજીનું ૩૦૦૦ પંક્તિઓમાં વિસ્તરેલું દીર્ઘકાવ્ય છે. આ દીર્ઘકાવ્યના માળખામાં રહેલી કથા સાવ સીધી સાદી છે. અત્યારે આપણે જેને સ્વીડન તરીકે ઓળખીએ છીએ એ પ્રદેશમાં પહેલાં ગીટ નામની મનુષ્ય જાતિ રહેતી હતી અને એ જાતિમાં બેવૂલ્ફ એક વીરનાયક હતો. બેવૂલ્ફને કાને એના પડોશી દેશ ડેન્માર્કના લોકોની દુ:ખની વાર્તા આવેલી. કોઈ ગ્રેડેલ નામનો વિનાશક તથા નરભક્ષી રાક્ષસ લોકોની રાતોની રાતો હરામ કરતો હતો. દરરોજ રાત્રે એ ડેન્માર્કના રાજા હોથગારની જગાઓનો અને એના રક્ષનારાઓનો ખાતમો બોલાવતો હતો. અહીં પરાક્રમ બતાવવાની તક છે એવું સમજી બેવૂલ્ફ ડેન્માર્કના રાજાને મદદ પહોંચાડવાનો સંકલ્પ કરે છે. એકલે હાથે રાક્ષસ ગ્રેન્ડેલનો વધ કરવા એ સમુદ્ર ઓળંગી ડેન્માર્ક પહોંચે છે. ડેન્માર્કના દરબારમાં એનું સ્વાગત કરી એના ગુણગાન ગાવામાં આવે છે. આ પછી જ્યારે ગ્રેન્ડેલ આવી પહોંચે છે ત્યારે હથિયાર વાપર્યા વગર કુસ્તીમાં રાક્ષસને પછાડી એના હાથને ચીરી નાંખે છે. ગ્રેન્ડેલ મૃત્યુ પામે છે. પણ ગ્રેન્ડેલ ખતમ થતાં ખતરો વધે છે. ગેન્ડેલની મા પણ ખતરનાક રાક્ષસી છે. લોકોમાં એનો સૌથી વધુ આતંક છે. પણ બેવૂલ્ફને કોઈનો ડર નથી. આ બાજુ ગ્રેન્ડેલની મા દીકરાનો બદલો લેવા ત્રાટકે છે. સમુદ્રના પાણીની નીચે મોટી માયાજાળ વચ્ચે બેવૂલ્ફ અને ગ્રેન્ડેલની રાક્ષસી મા વચ્ચે જબ દ્વન્દ્વ ખેલાય છે. એટલામાં ગ્રેન્ડેલની માની ગુફામાં પડેલી એક તલવારને બેવૂલ્ફ જુએ છે અને એ તલવારથી રાક્ષસીને હણી નાંખે છે. ડેન્માર્કના રાજા બેવની પ્રસંશા કરે છે અને એને ભેટસોગાદો ધરે છે. આ પછી કથામાં પચાસ વર્ષનો ગાળો પસાર થાય છે. આપણે પચાસ વર્ષ પછી જ્યારે આ દીર્ઘકાવ્યના નાયકને બેવૂલ્ફને મળીએ છીએ ત્યારે એ ઘરડો બની ચૂક્યો હોય છે. ગીટ પ્રજાના રાજા તરીકે રાજ્ય કરતો હોય છે. ઘરડા બેવૂલ્ફનું રાજ્ય અગ્નિની વરાળ ઓકતા કોઈ ડ્રેગનને કારણે ભયભીત છે અને ડ્રેગને પોતાનો ખજાનો સાચવી રાખ્યો છે. ઘરડો બેવૂલ્ફ ડ્રેગનની સાથે યુદ્ધમાં ઊતરે છે. ઘરડા બેવૂલ્ફના લગભગ બધા જ સાથીદારો ભાગી જાય છે. પણ ઘરડો બેવૂલ્ફ સાથે રહેલા એક સાથીદારની મદદથી પોતાના જાનના જોખમે ડ્રેગનને મારી હટાવે છે, પણ પોતે મૃત્યુ પામે છે. ડ્રેગનનો ખજાનો હાથ આવે છે. પ્રજા બેવૂલ્ફની શાનદાર દબદબાપૂર્વક અંતિમક્રિયા કરે છે. આમ અહીં મૂળભૂત રીતે ત્રણ દંતકથા જેવા પ્રસંગો ગૂંથાયેલા છે - ગ્રેન્ડેલ,ગ્રેન્ડેલની રાક્ષસી મા અને અગ્નિ ઓતો ડ્રેગન - આ ત્રણે પ્રસંગોને અલંકારોથી અને પ્રાસાનુપ્રાસથી વહેતા પદ્યમાં બહેલાવીને મૂકવામાં આવ્યા છે. ઉપરાંત એમાં કથાની સાથે સાથે ડાનોના, ગીટોના અને સ્કેન્ડિનેવિયાની અન્ય મનુષ્યજાતિઓના રીતરિવાજો તેમજ આચારવિચારોની માહિતી પણ મળી રહે છે. ઘણા વખત સુધી ઇતિહાસના સંશોધન માટે કે ભાષાના સંશોધન માટે જાણે કે ખપનું હોય એ રીતે ઉપયોગમાં લેવાતું આ દીર્ઘકાવ્ય એનું કથા માળખું પાંખુ હોવાથી ગણનામાં લેવાવું જોઈએ એટલું ગણનામાં લેવાતું નહોતું, પણ કંઇક અંશે આદિમ લાગતા આ દીર્ઘકાવ્યમાં એકની એક વાતને વિવિધ પંક્તિઓમાં વિવિધ રીતે કહેતી લઢણો, સમર્થ રીતે અટકતો અને ચાલતો પદ્યલય, કેટલીક જૂની પણ ધ્યાન ખેંચતી અલંકાર સામગ્રી આ બધું દીર્ઘકાવ્યને સમર્થ કાવ્યના વર્ગમાં મૂકવા માટે પૂરતું છે. ટોલ્ફીન જેવાએ તો કહી દીધું છે કે ‘જગતમાં ‘બેવૂલ્ફ’ જેવી ઝાઝી કવિતાઓ મળવી મુશ્કેલ છે.’