રચનાવલી/૧૮૦


૧૮૦. રુઓ વ્હાલા દેશ (એલન પેટન)


‘કોઈ પણ ખ્રિસ્તી દુઃખથી મુક્ત હોય એવું મેં કદી વિચાર્યું નથી. આપણા પ્રભુએ પણ દુ:ખ વેઠ્યું છે અને હું માનતો થયો છું કે તેમણે આપણને યાતનામાંથી ઉગારવા સહન નહોતું કર્યું, એમણે સહન કર્યું હતું. આપણને યાતના જીરવવાનું શીખવાડવા માટે.’ જગતની રચના અને જગતની વાસ્તવિકતા સામે ટકી રહેવાનો આવો ધડખમ સંદેશો એક પાત્ર દ્વારા વહેતો કરનાર લેખક છે દક્ષિણ આફ્રિકાનો એલન પેટન અને એની પ્રસિદ્ધ નવલકથા છે : ‘જુઓ વહાલા દેશ’ (ક્રાય ધ બીલવ્ડ કન્ટ્રી) આ નવલકથા છે તો યાતનાની કથા. દક્ષિણ આફ્રિકાની પ્રજાની આપત્તિની કથા, છતાં આ યાતનાની કથા પાછળ એક આશ્વાસન છે. ગુલામીનો ભય અને ભયની ગુલામી વર્ણવતી આ કથા એમાંથી મુક્તિ આપનાર પ્રભાતની રાહ જુએ છે, એ જ આનંદની વાત છે. ૧૯૪૮માં પ્રકાશિત થયેલી આ નવલકથાની ફિલ્મ બની છે અને એણે જગતભરમાં દક્ષિણ આફ્રિકાની કાળી પ્રજાની કાયદા વ્યવસ્થા અંગે ખાસ્સો ઊહાપોહ ઊભો કરેલો. આ પુસ્તક વિશે એવું લખાયું છે કે જે કામ અમેરિકાના હબસી ગુલામો માટે ‘અંકલ ટોમ્સ કૅબિને’ કર્યું હતું તે સ્થાનિક આફ્રિકાવાસીઓ માટે આ પુસ્તકે કરવું જોઈએ. દક્ષિણ આફ્રિકાના પીટર મેરિત્સબર્ગમાં જન્મેલા એલન પેટને નાતાલ યુનિવર્સિટીમાંથી ઉપાધિ મેળવેલી અને ઇકસોપોમાં લાંબો સમય શિક્ષણ કાર્ય કરેલું. જોહાનિસબર્ગ જેવા મોટા શહેરમાં જઈને ખોટે રસ્તે ચઢી ગયેલા અને લગભગ અસામાજિક તત્ત્વોમાં ફસાઈ ગયેલા યુવાનો માટેના દક્ષિણ આફ્રિકાના એક મોટા સુધારણાઘરમાં એમણે તે૨ વર્ષ સુધી પોતાની સેવાઓ આપેલી. સુધારણાઘરને ન્યાયખાતાને બદલે શિક્ષણખાતા સાથે જોડી ગુનેગાર યુવાનોની સજા અંગેની વિચારણા પણ એમણે નવી દષ્ટિથી કરેલી. એમણે લિબરલ પાર્ટી ઑવ સાઉથ આફ્રિકાની સ્થાપના કરેલી અને એના પ્રમુખ રહેલા. એમણે જાતિ-જાતિ વચ્ચે ભય અને શંકાના સંબંધોને સ્નેહ અને આદરમાં પલટાવવા ખાસ્સું લેખન કાર્ય કરેલું. દક્ષિણ આફ્રિકાના એમના આ બધા અનુભવો સાથે, છિન્નભિન્ન થતા આદિમ સમાજનો તેમજ નવા રચાઈ રહેલા સમાજનો ચિતાર એમણે આ નવલકથામાં પૂરી તન્મયતાથી અને છતાં નિષ્પક્ષપાત રીતે પૂર્વગ્રહ મુક્ત રહીને આપ્યો છે. આફ્રિકાની સોનાની ખાણો અને ખાણિયાઓના શોષણની અને આર્થિક નીતિની વાત પણ એમાં વણાયેલી છે. અલબત્ત, એનો અર્થ એવો નથી કે આ સાચી ઘટના છે. લેખક જણાવે છે તેમ આ આખી કથા સાચી ઘટના નથી, પણ એ દસ્તાવેજી શૈલીમાં લખાયેલી છે અને બાઈબલની ભાષાની જેમ એમાં ભાષાની સાદગી અને સરળતા છે. નવલકથાનું કથાનક તો બહુ પાંખું છે. ચાલી ગયેલા પુત્રને એક ગામનો પાદરી પિતા જોહાનિસબર્ગ જેવા અટપટા શહેરમાં શોધવા નીકળે છે અને અંતે એનો ગુનેગારના રૂપમાં ભેટો થાય છે. પરંતુ આ ઘટના દરમ્યાન કાળા અને ગોરાઓનો, ગામડાઓ અને શહેરનો, ધર્મ અને અધર્મનો, પિતા અને પુત્રનો, લેખકે જે વિરોધ રચ્યો છે એમાંથી નવલકથા બની છે. નવલકથા ત્રણ ખંડમાં રજૂ થઈ છે. પહેલા ખંડમાં દક્ષિણ આફ્રિકાના એક ગામના જૂના પુરાણા ચર્ચના પાદરી કુમાલો પોતાની માંડ બચાવેલી થોડી ઘણી મૂડી સાથે પત્નીને આશ્વાસન આપી પુત્ર એબ્સલમને શોધવા નીકળે છે. પોતાના ખાણિયા પતિની શોધમાં ગયેલી ફોઈને શોધવા ગયેલો એબ્સલમ જોહાનિસબર્ગમાં જ રોકાઈ ગયો છે પણ એનો કોઈ કાગળપત્તર નથી કે એનો કોઈ પત્તો નથી. પાદરી કુમાલો લાંબી મુસાફરીને અંતે જિંદગીમાં પહેલીવાર અજાણ્યા જોહાનિસબર્ગમાં પ્રવેશે છે. પ્રવેશતામાં જ ઠગાય છે પણ એમના સદ્ભાગ્યે એમનો પરિચય એક પરગજુ બીજા પાદરી સિમાન્તુ સાથે થાય છે. સિમાન્ગુની મદદથી કુમાલો એબ્સલમની શોધ આદરે છે, એમાં ઘણા વખતથી જુદા પડેલા અને અત્યારે ભ્રષ્ટ રાજકારણી તરીકે કાળાઓનો પક્ષ લેતા નાનાભાઈ જ્હૉન કુમાલોનો પણ ભેટો થાય છે. પાદરી કુમાલોને સુધારણાઘર સુધી પહોંચતા જાણવા મળે છે કે તેમનો દીકરો ચોર બન્યો છે, રખડુની જેમ સ્થળે સ્થળે ભટકે છે, ગભરુ બાળા સમી છોકરી સાથે રહેવા માંડ્યો છે અને એવા બાળકનો પિતા થવાનો છે કે જેને નામ નહિ હોય પણ સાથે એ પણ જાણવા મળે છે કે એમના દીકરાએ છોકરીને તથા ન જન્મેલ બાળકને છોડી દીધાં છે. કાયદા અને પ્રણાલિઓને બાજુએ મૂકીને જીવન જીવે છે. ત્યાં છાપામાં ખબર ચમકે છે કે ‘પાર્ક બોલ્ડમાં ખૂન શહેરના જાણીતા ઇજનેરની ગોળીથી હત્યા, હત્યારાઓ દેશી હોવાની ધારણા’ કુમાલાનો ભય સાચો ઠરે છે. એબ્સલને જ બીજા બે યુવાનોને સાથે રાખીને એ હત્યા કરી હોય છે. એક્સલમ ગુનાનો સ્વીકાર કરી લે છે. સિમાન્ગુની મદદ વિના ખર્ચે ગરીબ પાદરી કુમાલોનો પુત્રનો કેસ લડવા એક વકીલ મળી જાય છે, ત્યાં પહેલો ખંડ પૂરો થાય છે. બીજા ખંડમાં જેની હત્યા થઈ છે તે જાર્વિસ અને જાર્વિસના પિતા કેન્દ્રમાં આવે છે. જાર્વિસ ગોરો અંગ્રેજ હોવા છતાં કાળાઓના પ્રશ્ને પોતાની અંગ્રેજ પ્રજાની જવાબદારી વિચારનારો અનુકંપાશીલ મનુષ્યપ્રેમી હતો. અકસ્માતે જાર્વિસનો મૂળ પરિવાર પાદરી કુમાલોના ગામની નજીકની ટેકરીએ વસેલો છે અને જાર્વિસના પિતાને હત્યાની ખબર પહોંચ છે. મુકદમો ચાલે છે. એબ્સલમને ફાંસીની સજા થાય છે. જેલમાં એબ્સલેમને પરણાવી સગર્ભા ગભરુ બાળાને લઈને અને પોતાના બહેનના દીકરાને લઈને પાદરી કુમાલો ગામમાં પાછા ફરે છે. ત્રીજા ખંડમાં પાછા ફરેલા પાદરી કુમાલોને એમની ગેરહાજરીથી અધીર બનેલા ગામ લોકોના પ્રેમનો અદ્ભુત પરિચય મળે છે. ગામની અભણ અને અણઘડ રીતે ખેતી કરતી પ્રજા, ગામની વેરાન ઘાસિયા ભૂમિ, ગામની અસહ્ય ગરીબી બધાનો કોઈ ઉપાય કરવા પાદરી કુમાલો પોતાના મનને જોતરે છે, અને કાળા ખેડૂત સમાજના પુનઃ સ્થાપન અંગે સક્રિય બને છે. હત્યા પામનાર જાર્વિસનું કાળા પ્રત્યેનું અનુકંપાભર્યું કાર્ય જાર્વિસના પિતા બહુ આશ્ચર્યકારક રીતે આગળ ધપાવે છે અને પાદરી કુમાલોને દૂધની સેવા માટે, ખેતીની સુધારણા અર્થે પોતાની સંપત્તિ પૂરી પાડે છે. એટલુંજ નહીં પોતાના જ પુત્રને મારી નાખનાર પાદરીના પુત્રની દયાની અરજીનો સ્વીકાર થયો કે નહીં તે જાણવા પ્રયત્ન કરે છે પણ દયાની અરજીનો સ્વીકાર થતો નથી. એબ્સલમની પ્રિટોરિયાની જેલમાં થનારી ફાંસીના દિવસે પાદરી કુમાલો ગામ નજીકના પર્વત પર ચાલી જાય છે. પુત્ર અર્થે પ્રાર્થના કરે છે. ત્યાં રાત ગાળે છે અને પ્રભાતની રાહ જુએ છે. આ પુસ્તક વિશે જે લખ્યું છે કે ‘આ પુસ્તક એવું છે કે જેને શરૂ કર્યા પછી મૂકી દેવાનું સહન ન થાય કે હિંમત વિના આગળ વાંચી ન શકાય’ એ તદ્દન સાચું છે. ગુજરાતી ભાષામાં જયંત પંડ્યાના હાથે ‘વ્હાલો મારો દેશ' નામે આ પુસ્તકનો અનુવાદ થયો છે. માણસ તરીકે માણસમાં રસ ધરાવનાર કોઈ પણ વાચકે એ અનુવાદ વાંચી લેવો જોઈએ.