રચનાવલી/૨૦૮


૨૦૮. ક્રોસ પર્પસ (આલ્બેર કામૂ)


આધુનિકતાવાદની બોલબાલા વખતે લોકો રિલ્કે અને બૉદલેરની સાથે કાફકા, સાર્ત્ર અને કામૂના નામ દરેક સાહિત્યપ્રેમીની જીભે હતાં. આમ તો ફ્રાન્સના આધુનિક તખ્તા ઉપર ત્રણ મોટાં નામ છે : આન્દ્રે, મારો, ઝાં પૉલ સાલ્શે અને આલ્બેર કામૂ પણ એમાં સૌથી સમર્થ કામૂ. આધુનિક જીવનની ધસારાબંધ પ્રવૃત્તિની અર્થહીનતાને અને ઈશ્વર વગરના જગતમાં પડકારનારું કોઈ તત્ત્વ ન રહેતા બધું જ સ્વીકારપાત્ર બને કે કેમ એની સમસ્યાને કામૂએ બરાબર ઉપસાવી. ગ્રીક સિસિફસના પાત્રને અભિશાપ હતો કે એણે પર્વત પર પથ્થર ચઢાવવાનો અને પર્વતની ટોચે જઈ પથ્થર ગબડાવવાનો. ફરી નીચે આવી એ પથ્થર ટોચ પર લઈ જવાનો અને ફરી ગબડાવવાનો. આ નિરર્થક ક્રિયા એણે જિંદગીભર કર્યે જ રાખવાની. આલ્બેર કામૂએ સિસિફસના અભિશિપ્ત પાત્રમાં સુખ મૂક્યું અને બતાવ્યું કે દરેકે સિસિફસ બનવાનું છે અને સાથે સાથે સુખી થવાનું છે. નિરર્થકતા સાથે સુખ અને દંભને જોડનાર કામૂએ ઈશ્વર વગરના જગતમાં મનુષ્યના અન્ય મનુષ્ય સાથેના સંબંધને બહુ મોટું વજન આપ્યું. કામૂએ ઠસાવ્યું કે એક મનુષ્યના સંબંધમાં જ બીજો મનુષ્ય ગુનો કરે છે. કામૂની નવલકથાઓમાં, નિબંધોમાં, નાટકોમાં આ જ ફિલસૂફી ધબકે છે. મનુષ્યના અન્તઃકરણની આવી સમસ્યાઓ પર પ્રકાશ પાડતાં એનાં લખાણોને લક્ષ્યમાં રાખી આલ્બેર કામૂને ૧૯૫૭નું સાહિત્યનું નૉબેલ ઈનામ આપવામાં આવેલું. પણ ઇનામ મળ્યાના ત્રીજા જ વર્ષે કામૂ મોટર અકસ્માતમાં મૃત્યુ પામે છે. માત્ર ૪૭ વર્ષની આયુમાં કામુએ જે કીર્તિ મેળવેલી એનો આધાર એનાં ચાર મહત્ત્વનાં પુસ્તકો પર છે. ‘ધી આઉટ સાઇડર’, ‘ધ પ્લેગ’, ‘ધ ફૉલ’ અને ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘એક્સાઇલ એન્ડ ધ કિંગડમ’ ‘ધી આઉટ સાઇડર’માં કામૂએ સમાજ વચ્ચે અજાણ્યા બની જતાં આધુનિક માણસની વાતને એની પૂરેપૂરી નિરર્થકતા વચ્ચે મૂકી આપી છે. અકસ્માતે સ્વબચાવમાં ખૂન કરનાર નાયકને મહાગુનેગાર ઠેરવવાનો ઉપહાસાત્મક પ્રયત્ન આઘાત આપે તેવો છે. તો ધ પ્લેગમાં જર્મન નાત્સીઓએ ફ્રાન્સને પોતાની એડી નીચે થોડો વખત માટે કચડેલું એની રૂપકકથા કરેલી છે. ઊંદરો જેવા નાત્સીઓએ મહારોગ ફેલાવીને પોતાના કબજા હેઠળના યુરોપને વિખૂટું પાડી દીધું હતું, એના અણસાર આ કથામાં પથરાયેલા પડેલા છે. ‘ધ ફૉલ’માં મનુષ્યની ગુનાહિત વૃત્તિ અને એની સ્વતંત્રતાનો સંઘર્ષ મૂક્યો છે. ટૂંકી વાર્તાના સંગ્રહમાં ‘ધર્મપરિત્યાગી’ (ધ રેનિગેડ) સૌથી પ્રભાવક વાર્તા છે. આ ઉપરાંત કામૂએ નાટકો પણ લખ્યાં છે એમાં ‘આંધળે બહેરું’ (ક્રોસ-પર્પસ) નાટક જોઈએ. એનું ગુજરાતીમાં કદાચ સુરેશ જોષીએ આ નાટકનું ભાષાંતર પણ કર્યું છે. ‘આંધળે બહેરું’માં રજૂ થયેલું નાટકનું કથાનક કદાચ કામૂને જૂના સમાચાર પત્રમાંથી મળ્યું હોય કારણ આ નાટ્યવસ્તુનો ઉલ્લેખ કામૂને ‘ધ આઉટ સાઇડર’ના નાયક મુરસોલ પાસે કરાવ્યો છે. મુરસોલ ચટાઈની નીચેથી એક જૂનું સમાચાર પત્ર કાઢે છે અને એમાં એક ખૂનકથા છપાયેલી વાંચે છે. એનો કેટલોક ભાગ જડતો નથી પણ મુરસોલને લાગે છે કે એ ઝેકોસ્લાવકિયાના કોઈ ગામમાં બનેલો બનાવ છે. મુરસોલે ઉલ્લેખેલી આ જ વાતને કામૂએ ‘આંધળે બહેરું’માં ગૂંથી લીધી છે. કોઈ એક ગામમાં રહેતા માણસે વિદેશમાં પોતનું ભાગ્ય અજમાવવા ઘર છોડ્યું અને પછી પચ્ચીસેક વર્ષ બાદ ધન કમાઈને એ પત્ની તથા બાળક સાથે પોતાના દેશમાં પાછો ફરે છે. આ દરમ્યાન એની માતા અને બહેન, એ જે નાનકડા ગામમાં જન્મ્યો હતો ત્યાં એક હૉટલ ચલાવતાં હતાં. નાયકને થયું કે એ માતા અને બહેનોને આશ્ચર્યમાં મૂકી દે. આથી પત્ની અને બાળકને અન્ય જગ્યાએ છોડીને એ માતાની હૉટલ પર આવે છે. ખોટે નામે રૂમ નોંધાવે છે. માતા અને બહેન એને સહેજ પણ ઓળખી શકતી નથી જમતી વેળાએ પોતાની પાસે મોટી રકમ છે એવું વાતવાતમાં જાહેર કરે છે. આ કારણે રાતને સમયે માતા અને બહેન મળીને આગન્તુકનું કાસળ કાઢી નાંખે છે. એની પાસેના પૈસા લઈને મૃત શરીરને નદીમાં હડસેલી દે છે. બીજે દિવસે સવારે એની પત્ની આવે છે અને એકદમ ઓળખ આપી દે છે. આઘાતથી માતા લટકી પડે છે અને બહેન કૂવો કરે છે. નાટકમાં ભેજિયા અંધકારભર્યા પ્રદેશમાંથી ઉજાસવાળા પ્રદેશમાં જવાની માતા અને બહેનની મહત્ત્વકાંક્ષાની પડછે નાટ્યવસ્તુને ગતિશીલ રીતે લેખકે ઉઘાડ્યું છે. બન્નેના ઇરાદા અહીં જે ટકરાય છે અને અજાણતા જે હત્યાનું પાપ થાય છે એની નિરર્થકતા કામૂએ કેન્દ્રમાં રાખી છે. મનુષ્યનું અન્ય મનુષ્ય સંદર્ભે પાપ એ એની કઠિન સમસ્યા છે, અને એવી કઠિન સમસ્યાનું આ નાટક છે.