રચનાવલી/૨૧૧


૨૧૧. ચેરીની વાડી (ચૅખોવ)


ટૂંકી વાર્તાના ક્ષેત્રે રશિયાનો મોપાસાં ગણાયેલો એન્તોન ચેખોવ મોટો નાટકકાર પણ છે જીવનને જેવું છે તેવું રજૂ કરનારા રંગમંચોની સામે એણે કહેલું કે, ‘રંગભૂમિ એ કલા છે’ અને સાથે ચેતવણી ઉચ્ચારેલી કે ‘ભૂલતા નહીં કે રંગમંચને ચોથી દીવાલ નથી.’ એટલે જ ચૅખોવે નાટકમાં આવતા એક એક વાક્યને બરાબર રચવું પડે છે એના પર ભાર મૂકેલો. ગોર્કી જેવા રશિયાના લેખકે ચેખોવનાં નાટકો માટે ત્યાં સુધી કહ્યું કે ચૅખોવ એક શબ્દમાત્રમાં પાત્રને ઊભું કરે છે અને એક વાક્યમાં તો વાર્તા કહી નાંખે છે. રશિયાના રૂઢિગત રંગમંચની કાયાપલટ કરી નાંખવામાં મોસ્કો આર્ટ થિયેટરના દિગ્દર્શકો કોન્સ્તાનિન સ્તાનિસ્લાવ્સ્કી તેમજ લાદિમિર નેમિરોવિચ રોન્શેન્કો અને નાટકકાર ચૅખોવનો મોટો ફાળો રહ્યો છે. આ બંને દિગ્દર્શકો તેમજ આ નાટકકારે જગતના નાટકનો ચહેરો પણ બદલી નાંખવામાં ઠીક ઠીક ભાગ ભજવ્યો છે. આવા સમર્થ નાટકકાર ચૅખોવનાં ચાર નાટકો ‘ધ સીગલ’, ‘અંકલ વાન્યા’, ‘થ્રી સિસ્ટર્સ’ અને ‘ધ ચૅરી ઓરચાર્ડ’નું જગતનાં ઉત્તમ નાટકોમાં સ્થાન છે. ચેખોવે કોમિકને એની પરાકાષ્ઠાએ પહોંચાડ્યું છે. ચૅખોવનાં નાટકો એની પૂર્વે થઈ ગયેલાં રશિયન નાટકોથી એકદમ જુદાં પડે છે આત્મહત્યા, દુઃખી લગ્નજીવન જેવી કથાઓ તો આ નાટકોમાં પણ છે પણ ચૅખોવનો હેતુ એકદમ જુદો હતો. એના નાટકનો સૂર સપાટી પરથી નહિ પણ ઊંડાણમાંથી પ્રગટ થતો હતો. ચૅખોવનાં નાટકો ‘શાંત સત્ય’ના આગ્રહી છે. એ સત્યને ગાઈવગાડીને રજૂ કર્યા વિના એને સંદિગ્ધ રાખીને રહસ્યમય રીતે રજૂ કરે છે. એનાં નાટકોમાં દેખીતી રીતે ધામધૂમ નથી હોતી. સ્થાનક પણ પાતળું હોય છે, પણ એમાં આડકતરી રીતે જબરદસ્ત ગતિ હોય છે. નાટકને લાગણીવેગથી ભરી દીધા વગર કે રોતલ બનાવ્યા વગર એ સંયમથી કામ લે છે. આને કારણે ચૅખોવનાં નાટકોને રજૂ કરતી વખતે દિગ્દર્શકોને ઘણી મુશ્કેલીઓ પડી છે. કૉમેડી હોવા છતાં એને કૉમેડીની રીતે રજૂ ન કરાય અને ટ્રેજેડીમાં એને લઈ ન શકાય એવી રજૂઆતની આકરી શરત સુધી પહોંચવા માટે ચૅખોવના નાટકોને બહુ રાહ જોવી પડી છે. કાંય પણ અતિરેક કે ઘેરા રંગને રજુ કરવામાં ચેખોવ માનતો નથી એનાં નાટકો એના પોતાના જમાનામાં ઓછાં સફળ થયાં એનું કારણ ચેખોવનાં નાટકોનો પ્રભાવ ઓછો હતો એવું નહોતું પણ એમાં એક પ્રકારની વિશેષતા અને અસાધારણતા હતી. ચૅખોવનાં નાટકોમાં કોમિક અને ટ્રેજિકનું અદ્ભુત મિશ્રણ એને જીવનના અને પાત્રોના નિર્મમ નિરીક્ષણ સુધી પહોંચાડે છે પણ એમાં એની મનુષ્યસ્વભાવની ઊંડી સમજ પ્રગટ થાય છે. પોતે સંડોવાયા વગર અને પ્રેક્ષકને પણ સંડોવ્યા વિના ચૅખોવ બહુ જુદી રીતે નાટકમાં સંડોવાય છે અને છતાં બ્રેખ્તની જેમ એ આંચકા આપીને કે વારંવાર સભાન કરીને સત્ય સાથે પ્રેક્ષકોને સાંકળતો નથી. ગરીબ મા-બાપને ત્યાં જન્મેલો અને બાપની નાદારી જોઈ ચૂકેલો તેમજ નાની વયથી ક્ષયની જીવલેણ બિમારીથી પીડાતો ચૅખોવ એક ડૉક્ટર તરીકે માનવપ્રેમી હતો જ, પણ એક લેખક તરીકેની એની કરુણા જે રીતે એનાં નાટકોમાં પ્રસરેલી છે એ બહુ ઓછામાં જોવા મળે છે. ‘ચૅરીની વાડી' નાટકમાં ૧૯મી સદીના અંતમાં રશિયન સમાજ એક મોટા પરિવર્તનમાંથી પસાર થતો હતો અને સામાજિક સમાનતા તરફ વળી રહ્યો હતો. એની જીવનગતિને ચૅખોવે પકડી છે. રશિયાના જાગીરદારો અને જમીનદારોની જાહોજલાલી ઘટતી આવતી હતી, એમનો પ્રભાવ ઓછો થતો આવતો હતો. શોભાનો છતાં બિનનફાકારક બની ગયેલી જાગીરદાર વર્ગ અહીં ‘ચૅરીની વાડી’ દ્વારા સૂચવાયો છે. ‘ચૅરીની વાડી’ સુંદર છતાં નફાકારક ન રહી અને કુહાડીને લાયક બની, એવું જાગીરદાર વર્ગનું થયું છે ‘ચૅરીની વાડી’ નાટકમાં માલિકો લાચારીને કારણે કુટુંબની જાગીર કઈ રીતે લીલામમાં ગુમાવે છે એની આસપાસની કથા છે. ફ્રાન્સમાં ઉડાવપણે પાંચ વર્ષ ગાળ્યા પછી લ્યુબોવ રોનેવ્સ્ક્યા અને એની દીકરી આન્યાને રશિયામાં મની જાગીર પર પાછા ફરવું પડે છે. ત્યાં પરિવાર ઉપરાંતના બીજા સભ્યો પણ જાગીર અને જાગીર સાથે સંકળાયેલી ચૅરીની વાડી દેવાના કારણે લીલામમાં હાથથી જતી ન રહે એને બચાવવા લાગી ગયા છે. વેપારી મિત્ર લોપાખિન સલાહ આપે છે કે સ્ટેશન નજીક છે અને નદી પણ નજીક છે. જો ચૅરીની વાડીને જમીનદોસ્ત કરી જાગીર પર સહેલાણીઓ માટે સમર કૉટેો ઊભાં કરવામાં આવે તો દેવું સહેલાઈથી ભરપાઈ થઈ શકે તેમ છે પરંતુ કુટુંબના સભ્યો આ પ્રસ્તાવનો સ્વીકાર કરવા રાજી નથી. રોનેયાનો ભાઈ ગેયેલ પણ પોતાની રીતે પૈસા ઊભા કરવામાં નિષ્ફળ જાય છે આથી જાગીર લીલામમાં ચાલી જાય છે અને એને વેપારી લોપાખિન જ ખરીદી લે છે. રોનેવ્સક્યા પરિવાર સાથે જાગીર છોડી જાય છે. છેલ્લા દૃશ્યમાં આખી જિંદગી પરિવારની ચાકરીમાં લાગેલો ફીર્સ જાગીરના એક ઓરડામાં પુરાઈને ચૅરીની વાડી પર પડતા કુહાડાના ટચાકા સાંભળી રહે છે. નવા પરિવર્તનનો સમય ઝટ ગળે ઊતરતો નથી અને પ્રમાણમાં કષ્ટદાયી હોય છે. ૧૪ વર્ષ પછી થનારી રશિયન ક્રાંતિના આછા અણસાર ચૅખોવે આ રચનામાં રમતા મૂક્યા છે જૂનાં મૂલ્યોની વિદાય અને નવાં મૂલ્યોનાં આગમન - આ બંનેનાં દુઃખને તટસ્થ રીતે જોતું આ નાટક ચૅખોવનું વિશિષ્ટ નાટક છે.