રચનાવલી/૪૧


૪૧. ખગ્રાસ (સિતાંશુ યશશ્ચન્દ્ર)



૪૧. ખગ્રાસ (સિતાંશુ યશશ્ચન્દ્ર) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ

મધ્યકાળમાં નરસિંહ – મીરાં, પ્રેમાનંદ શામળ, તો અર્વાચીન કાળમાં દલપત - નર્મદ, ઉમાશંકર – સુન્દરમ્ જેવાં જોડકાં ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ છે. તે જ પ્રમાણે આધુનિકકાળમાં સિતાંશુ - લાભશંકરનું જોડકું પ્રસિદ્ધ છે. આમાં સિતાંશ અગ્રણી કવિ હોવા ઉપરાંત અગ્રણી નાટકકાર પણ છે. સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે કે કાવ્યમાં જો કોઈ રમ્ય તો નાટક છે અને સિતાંશુને હાથે કાવ્ય ઉપરાંત નાટકો પણ લખાયાં છે. મોટાભાગનાં તન્ના ઉપર ભજવાયાં છે અને કેટલાંક તો સફળ પુરવાર થયાં છે. ગુજરાતી પ્રજામાં સાહિત્ય અને તખ્તાનો બહુ મેળ નથી. તખ્તો બોલતો હોય ત્યારે સાહિત્ય ચૂપ રહ્યું છે અને સાહિત્ય બોલતું હોય ત્યારે તખ્તો ચૂપ રહ્યો છે. પણ સિતાંશુ જ્યારે નાટક લખે છે ત્યારે આપણા સફળ નાટકકાર મધુ રાયની જેમ તખ્તો અને સાહિત્ય એ બંનેને બોલતાં કરે છે. બારીકાઈથી જોશો તો જણાશે કે મધુ રાય નાટકને કાવ્ય સુધી પહોંચાડે છે તો સિતાંશુ કાવ્યને નાટક સુધી પહોંચાડે છે. સિતાંશુના નાટકના ગદ્યની સાથે એના નાટકનું પદ્ય પણ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા કથાકારો અને નાટકકારો પાત્રોને પાત્રોની ભાષા આપી શક્યા છે. મોટાભાગના સાહિત્યકારો પાત્રો મુખે જ બોલ્યા કરે છે. મધુ રાય અને સિતાંશુ એવી મર્યાદાઓને ઓળંગી જાય છે. સિતાંશુ યશશ્ચન્દ્રના તખ્તા પર ભજવાયેલાં અને ધ્યાને ચડેલાં નાટકો એક પછી એક પુસ્તક સ્વરૂપે પ્રગટ થવા માંડ્યાં છે. પરંતુ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રકાશિત થતાં ‘શબ્દસૃષ્ટિ’ માસિકના નવેમ્બર - ડિસેમ્બર '૯૯ના સંયુક્ત દીપાત્સવી અંકમાં એકાંકી, દ્વિઅંકી અને ત્રિઅંકી નાટકો મુકાયાં છે. ચિનુ મોદીનું જાણીતું ‘શુકદાન’ નાટક ઉપરાંત સિતાંશુ યશશ્ચન્દ્રનું ‘ખગ્રાસ’ નાટક પણ એમાં છે. ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા?’, ‘આ માણસ મદ્રાસી લાગે છે’ વગેરે સિતાંશુનાં જાણીતાં નાટકો છે. એમાં ‘ખગ્રાસ’નું પણ સ્થાન છે. ‘ખગ્રાસ’ પી. એસ. ચારીના દિગ્દર્શન હેઠળ ભજવાઈ પણ ચૂક્યું છે. ગ્રીક નાટક ઇડિપસ રેકસમાં અભાનપણે માતાગમન કરતાં પાત્રનું વર્ણન આવે છે. શેક્સપિયરના એક નાટકમાં આપણને બધાને પ્યાદાં બનાવી દઈ ખેલ ખેલતા ઈશ્વરનું ઉદાહરણ આવે છે, અને ઈબ્સનના એક નાટકમાં સમાજના સ્તંભ ગણાતા આગેવાનો સમાજના શિરોમણિઓની ખોખલી પોકળતા રજૂ કરવામાં આવી છે ‘ખગ્રાસ’ આવાં ઉત્તમ નાટકોની હારોહાર ચાલી વિષયને તદ્દન પોતાની રીતે માવજત આપે છે. એમાં એક બાજુ આખ્યાન કરતાં ભટજી છે અને એના મુકુંદલાલ અને ભાસ્કરલાલ શિષ્યો છે; બીજી બાજુ નવગ્રહો પાત્રોરૂપે એમની સામે હાજર છે. ત્રીજી બાજુ અમેરિકાથી ગ્રહણનો અભ્યાસ કરવા આવેલો આદિત્ય અને દેશવાસી ડૉલર છે. ચોથી બાજુ ગોમી અને ખમિયો જેવાં ભીલપાત્રો છે. પાંચમી બાજુ ટિંબા ઉપર અડિંગો જમાવી બેઠેલો બાવજી અને એના સાગરિતો છે આવા પાંચેક ખૂણાઓની ગડમથલ એકબીજામાં ગૂંથાતી આવે છે અને નાટક રચાતું આવે છે. નાટકનો વિષય આવો છે : ભટજી આખ્યાનકાર છે. બે શિષ્યો સાથે આખ્યાન કરતા હોય છે ત્યારે બેમાંનો એક શિષ્ય જે ભટજીનો દીકરો છે, એને નવો અવતાર આપી સોમ, મંગળ, બુધ જેવા નવે ગ્રહો નવી રમત માંડે છે. નવગ્રહો અને ભટજી સામસામી શરત કરે છે. ગ્રહો કહે છે કે ‘સૃષ્ટિ અમારી, ઘટનાઓ અમારી, નાટક આખું અમારું’ તો ભટજી કહે છે કે, ‘હા ને દૃષ્ટિ મારી, કથન મારું, આખ્યાન સુવાંગ મારું’ અને ભટજી શરત મૂકે છે કે ‘જે બને છે તે તમારા વશમાં, જે બોલું તે મારી વશમાં કબૂલ?’ નવગ્રહો ભટના પુત્રના નવા અવતાર આદિત્યને ડોલર સાથે મેળવે છે. આદિત્ય ગ્રહણનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવા અમેરિકાથી સાધનો લઈને આવ્યો છે પણ સાથે સાથે પોતે અનાથ છે માટે પોતાના મૂળની શોધ કરવા આવ્યો છે. આદિત્ય અને ડોલર સાથે ગોમી અને ખમિયો કામ કરનારા ભીલો છે. આ ભીલોના સમાજને ટીંબા પરનો બાવજી, બાંધ પરનો કોન્ટ્રાક્ટર અને ચૂંટણી માટે ધારાસભ્ય ચૂસતા રહે છે. ગ્રહણ વખતે અંધમાન્યતાનો આશરો લઈ બાવજી ‘ઉજાણ’ અને ‘ઉઘરાણું’ કરાવે રાખે છે અને માતાની ભક્તિનું ઓઠું લઈ ભીલ સ્ત્રીઓનો ભોગ કર્યા કરે છે. આદિત્ય આવવાથી અને એની વૈજ્ઞાનિક દૃષ્ટિને કારણે બાવજી કોન્ટ્રાક્ટર અને ધારાસભ્યની સાંઠગાંઠથી ચાલતો અંધમાન્યતાનો રસાલો જોખમમાં આવી પડે છે. અને તેથી આદિત્ય અને ડોલર સામે મોરચો મંડાય છે. આદિત્ય અને ડોલરની વયમાં ફેર હોવા છતાં બંને એકબીજાની નજીક આવ્યાં હોય છે ત્યાં આદિત્ય ડોલરનો દીકરો છે એના પુરાવો સાથે બાવજી હાજર થઈ જાય છે. આ કરુણ ઘટનાને અંતે નવગ્રહોની શેખી સામે ભટજી પડકાર ફેંકે છે. ભટજી નવગ્રહોને કહે છે કે, ‘સ્વામી બહારના બ્રહ્માંડમાં તમે પેલો નિત્યરાસ ખેલો પણ ભીતરના બ્રહ્માંડમાં આ માનવકથાનો ય એક રાસડો ઘૂમે છે.’ પછી ઉમેરે છે ‘મહારાજ જ્યારે આ જગતનું અજબ કેદખાનું બનાવ્યું જ છે ત્યારે એમાં કેદીઓ જેટલી હદે સપડાય છે એટલી જ હદે ચોકિયાતો પણ સપડાય છે. તુરંગના સદાનો બંદી તો તુરંગપાળ જ રહેવાનો’ ભટ આવી માનવ ઘટનાની કરુણતાને જુદી દૃષ્ટિએ જુએ છે. ભટ કહે છે : ‘મનુષ્ય જીવનને કષ્ટ કોક આપી શકે (પણ) કોઈ આપી શકે ન દુ:ખ’ નસીબ કે નિયતિ રૂપે ગણાતાં કે નવગ્રહોના ધાંધલરૂપે ઓળખાતાં મનુષ્યને દોરતા બળોની સામે કષ્ટ ભલે આવે પણ દુ:ખી થવું કે ન થવું એનું સ્વાતંત્ર્ય જે મનુષ્ય અખંડ પોતા પાસે જાળવ્યું છે એનો મહિમા આ નાટકે અદ્ભુત રીતે ઉપસાવ્યો છે.