રચનાવલી/૬૨


૬૨. વૃક્ષ જો આપણું કહ્યું ન માને તો (સુરેશ દલાલ





૬૨. વૃક્ષ જો આપણું કહ્યું ન માને તો (સુરેશ દલાલ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ


કેટલાક કલાકારો ઓછા માણસોનાં હૃદયમાં ઊંડે થર કરવા ઈચ્છતા હોય છે, તો કેટલાક કલાકારો બહુ માણસોના હૃદયમાં તાત્કાલિક કબજો જમાવવા ઈચ્છતા હોય છે. કલાના ક્ષેત્રમાં આ બે રસ્તાઓ જાણીતા છે. સાહિત્યની કલામાં પણ આ બે રચનાઓનો ઉપયોગ થતો રહ્યો છે. આજે કોઈપણ મુંબઈગરાને પૂછો કે ગુજરાતીનો આજનો કવિ કોણ? તો પહેલું નામ એને હોઠે સુરેશ દલાલનું આવશે. મુંબઈના ગુજરાતીઓમાં એમની બોલબાલા છે. કવિ સંમેલનોનાં સંચાલનોમાં એમની ધંધાદારી આવડત છે. અને ખાસ તો એમનાં રાધાકૃષ્ણ અંગેનાં ગીતો અને ગીતોની સુગમ બંદિશોએ એમને ખાસ્સા લોકપ્રિય કર્યા છે. વર્ષોથી ચાલતા ‘કવિતા' નામના માસિકના સંપાદનથી તેઓ કવિતાપ્રેમી તરીકે આગળ તરી આવ્યા છે. રાધાકૃષ્ણનાં ગીત સુરેશ દલાલની કવિતાના સિક્કાની એક બાજુ છે, પણ એમના કવિતાના સિક્કાની બીજી બાજુ પર નગરમાં વસતાં માણસના રોજિંદા જીવનની સમસ્યાઓનો સામનો છે. મુંબઈ જેવા મહાનગરમાં ગળાડૂબ માણસની ગૂંગળામણ અને અકળામણ સહિતનો નગરપ્રેમ એમાં અનેક કટાક્ષો અને વ્યંગ સાથે પ્રગટ થયો છે. ક્યારેક તો એમાં સામાજિક વ્યવહારો, સભ્યતા, સંસ્કૃતિની કૃતક અને આડંબરી સ્થિતિ સામેની જેહાદ પણ ભળેલી છે. સુરેશ દલાલે લખેલાં કેટલાંક દીર્ઘકાવ્યોમાં આ વાત આંખે ઊડીને વળગે એવી રીતે મુકાયેલી છે. ‘અસ્તિત્વ’ (૧૯૭૩) એમનો દીર્ઘકાવ્યોનો સંગ્રહ છે. એમાં ‘વૃક્ષ જો આપણું કહ્યું ન માને તો' જેવું કાવ્ય ઉદાહરણ રૂપે જોવા જેવું છે. કવિ કાવ્યની શરૂઆત આ રીતે કરે છે; સમુદ્રને અમે ઊછળતાં મોજાંથી નહીં પણ રેતીથી ઓળખતાં થઈ ગયાં છીએ ઊછળતાં મોજાંથી સૂચવાતી લાગણી અને રેતથી સૂચવાતી લાગણી વગરની સ્થિતિ દ્વારા શહેરીજીવનમાં અને ખાસ તો સમુદ્રના ઉલ્લેખથી મુંબઈ-જીવનમાં કવિ સીધો પ્રવેશ કરાવે છે. પાણીનાં એકમેકમાં ભળી જતાં બિન્દુઓ અને રેતીના એકબીજાથી છૂટા રહેતા પણ દ્વારા શહેરીજીવનની તમા વગરની રુક્ષતાનો કવિ પરિચય આપે છે. તેથી જ કવિ એને ‘સમાજ' કહેવાને બદલે ‘ટોળા’થી ઓળખાવે છે. કહે છેઃ ‘ટોળાનું કેન્દ્ર ટોળું પોતે જ છે કારણ ટોળું ટોળું છે' આ પછી કવિ જાહેર કરે છે કે ‘ખરી પડેલાં પાંદડાં એ જ આપણો પ્રેમ' કવિને એવાં સૂકાં પાંદડાંનો ઘોંઘાટ સંભળાય છે. મૈત્રી, પ્રેમ કરુણા અંગેનો અભાવ ચારેકોર દેખાવા માંડતા વ્યથા સાથે કવિ કટાક્ષ કરે છે: ‘છેવટે ગોડસેને વસવસો થયો હોવો જોઈએ ગાંધીને મારવામાં ત્રણ ગોળી નકામી બગાડી/ એક જ ગોળીએ ગાંધી ગયા હોત તો?/ તો બાકીની બે ગોળી બીજા માટે કામમાં તો આવત!’ સમાજ કેટલે અંશે સંવેદનહીન બની શકે છે એના તરફનો કવિનો છૂપો આક્રોશ અહીં અછતો નથી રહેતો, સમાજની આ સંવેદનહીનતા હવે પહેરો ભરે છે અને ગાંધી ન જન્મે એની જ તકેદારી રાખે છે. સમાજની આવી જડતા વચ્ચે તેમજ સભ્યતાની અને સંસ્કૃતિની આડે પહોંચેલી વ્યવસ્થા વચ્ચે કવિને વૃક્ષ સાંભરે છે. સભ્ય અને સંસ્કૃત મનુષ્યની સામે કવિએ વિરોધમાં વૃક્ષને ખડું કર્યું છે. અને પછી સંસ્કૃતિની વિકૃતિને વૃક્ષની પ્રકૃતિની બાજુમાં નકારોથી ગોઠવી છેઃ વૃક્ષ ખબરઅંતર પૂછે છે પણ યાંત્રિક રીતે નહીં વૃક્ષ રોજ ફોન નથી કરતું' અને પછી તરત ઉમેરે છે ‘વૃક્ષની નીચે ધરતી છે અને આસપાસ દીવાલ નથી.' આ રીતે કવિએ શહેરીજનો મૂળિયાં વગર જીવી રહ્યા છે અને મનમાં સંકુચિતતા સાથે આસપાસમાં વસી રહ્યા છે. એનો ભાવ જગાડ્યો છે. કવિને વૃક્ષ કવિતા જેવું લાગે છે પણ લોકો વૃક્ષોથી આનંદ લેવાનો બદલે એનો ઉપયોગ કરવા માંડ્યા છે.કવિ કહે છે: ‘ વૃક્ષમાંથી તમે ખુરશી બનાવો, ટેબલ બનાવો પુસ્તકો બનાવો, ટેબલ બનાવો/ પુસ્તકો બનાવો, લેબલ બનાવો...' પણ વૃક્ષનો વિનાશ એ ખરેખર તો પ્રકૃતિનો વિનાશ છે. અને તેથી કવિ વૃક્ષવિનાશ નહીં પણ વૃક્ષવિકાસનો મહિમા કરે છે: ‘ પણ વૃક્ષમાંથી વૃક્ષ બનાવવાનો/ કીમિયો જે જાણે છે એ પરમેશ્વર છે.’ પણ શહેરી મનુષ્યને તો વૃક્ષ ઉખાડવામાં આનંદ આવે છે. મનુષ્ય ત્યાં નથી અટકતો, એને તો વૃક્ષને પણ નાગરી બનાવવું છે. જો પ્રકૃતિને છોડી વૃક્ષ નાગરી ન બને તો?' તો, ગાંધીજી અને માર્ટિન લ્યૂથર કિંગ જેવી એની દશા કરવા એ તત્પર છે. અને પછી નાગરી બનવા માટે વૃક્ષે શું શું કરવું જોઈએ એના નિયમો શહેરીમનુષ્ય ઘડવા માટે તલપાપડ થાય છે. પૂરા કટાક્ષ સાથે કવિ કહે છેઃ ‘વૃક્ષોએ પગારવધારો માગવો જોઈએ/ ને કુંટુંબનિયોજન કરવું જોઈએ/ વૃક્ષોએ વૃક્ષત્વને ભૂંસી, યુનિયન સ્થાપી/ હડતાલ પાડવી જોઈએ વૃક્ષોએ’ આ પછી છેવટે કવિ શહેરી જીવનના ખોળિયામાં પ્રવેશીને ફરમાન કાઢે છે; ‘વૃક્ષ જો અમારું કહ્યું નહીં માને/ તો અમે.../ ... એની દશા કરીશું’ લોકશાહીનો ટોળાશાહીમાં અને ટોળાશાહીના હિટલરશાહીમાં બદલાતા અવાજ આગળ કાવ્ય પુરું થાય છે. વૃક્ષ પર લાદેલી નિયમોની લાંબી યાદી દ્વારા આધુનિક શહેરીજીવનનાં યાંત્રિક અને જીવવગરનાં પાસાંઓમાં કવિએ કટાક્ષ સાથે ધીમો આક્રોશ ભંડાર્યોં છે. આ ધીમો આક્રોશ આ કાવ્યની કરોડરજ્જુ છે. એનાં જ વિવિધ સ્વરૂપો આ કાવ્યમાં ઠેર ઠેર પથરાયેલાં છે. આપણા અનુભવની સાથે તાળો મેળવી આપી આ કવિ આપણને આપણે ઓછું અ-કુદરતી જીવન જીવીએ એનો સંદેશ પહોંચાડે છે.