રચનાવલી/૮૪


૮૪. ગ્રામાયણ (રાય બહાદુર)


ભારત ગામડાંઓનું બનેલું છે એવું આપણે સાંભળતા આજના છીએ. પણ ગામડું શાનું બનેલું છે – એની વાત બહુ મોડી હાથમાં લેવામાં આવી છે. ગુજરાતી સાહિત્યનો દાખલો લો તો છેક પન્નાલાલ પટેલ પાસે પહોંચીએ છીએ ત્યારે સાચકલું ગામડું આપણા હાથમાં આવે છે. નન્દશંકર મહેતાએ વર્તમાન છોડીને ‘કરણ ઘેલો'નો ઇતિહાસ સેવેલો, ગોવર્ધનરામ ત્રિપાઠીએ નાગરજગત સેવેલું. કનૈયાલાલ મુનશીને ફરી ઇતિહાસનો જ ચસકો લાગેલો. ધૂમકેતુ અને ૨. વ. દેસાઈએ ગામડું ચીતર્યું પણ પોતાની કલ્પનાનું. એમણે ગામડું નહીં પણ શહેરીજીવનના વિરોધમાં ગામડાનો ગુણિયલ આદર્શ આપ્યો. પણ પન્નાલાલે માનવીય જીવનના પૂરેપૂરા કાવાદાવા સહિતનું જીવતું ગામડું આપણી સામે લાવી મૂક્યું. જીવાતા માનવસમાજનો એની બધી વિશેષતા અને એની બધી મર્યાદા સાથેનો જાણે કે એક એકમ, ધબકતો એક પિંડ નવલકથામાં ઊભો થયો. જેમ ગુજરાતીમાં તેમ કન્નડભાષામાં રાવબહાદૂરે ગ્રામજગતને એની સમગ્રતાથી રજૂ કર્યું. ૧૯૮૦માં જેના હિન્દી અનુવાદને દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો એ રાવબહાદૂરની ‘ગ્રામાયણ’ નવલકથા એમની નવલકથાઓમાં મોખરે છે. એમાં ગ્રામજીવનને, એના ખેતીપ્રધાન સમાજને, એ સમાજમાંથી જ ઊભી થતી. સમાજને ગ્રસી જતી સમસયાઓને નવલકથાકારે વારંવાર આવી પડતી કુદરતી આપત્તિઓ વચ્ચે એવી આબાદ ઝડપી છે કે ગ્રામજીવનના નાના ફલક પર જાણે કે વિશ્વની અવનતિની, એના વિનાશની વેદના અને વિનાશમાંથી ફરીને થનારા ઉત્થાનની આશા એક સાથે અનુભવાય છે. એમાં નાના નાના સ્વાર્થ, ક્રૂરકપટ અને મૌન અકસ્માતો વચ્ચેના માનવીય સંબંધો તૂટતા અને જોડાતાં ગતિ કર્યા કરે છે. ‘ગ્રામાયણ’ ૧૯ મી સદી અને વીસમી સદીની સંક્રાન્તિકાળને પકડે છે. ગામડાં ધીમે ધીમે કેવાં ઘસાતાં આવે છે એનો પરિચય તો પરશુરામક્ષેત્રનું રામક્ષેત્ર, રામક્ષેત્રનું રામગ્રામ અને રામગ્રામનું માત્ર પાદલ્લી એવું ગામનું નામ રહી જાય છે એમાંથી થાય છે. આ પાદલ્લી ગામમાં રાણોજીરાવની રાજનીતિ અંગ્રેજોને ખુશ કરી એમના તરફથી મહાન રાજભક્ત વ્યક્તિ તરીકેની પ્રશંસા ઉઘરાવવાની રહી. પરંતુ રાણોજીરાવના અવસાન પછી એની બે પત્નીઓ પુતળીબાઈ અને લક્ષ્મીબાઈમાં મિલકત અંગે ઝઘડો થતાં બધા દસ્તાવેજો લઈ પુતળીબાઈ પિયર ચાલી જાય છે. પણ લક્ષ્મીબાઈ વારંવાર પોતાના ભાણેજના ઇન્દ્રપુર સંસ્થાનમાં જઈને રહેતી હોવાથી ગામના પ્રમુખ આગેવાનો પુતળીબાઈને નોતરી લાવે છે. પુતળીબાઈ એની સાથે પોતાના ભાઈ બાપુસાહેબને લાવે છે. બાપુસાહેબ સિલહધરની દીકરી ચિમણાને જુએ છે. ત્યારથી એના તરફ આકર્ષાય છે અને પુતળીબાઈએ ચેતવણી આપી હોવા છતાં મઠના પડદય્યાને સાધે છે. આ બાજુ ગામમાં પુનમનો ઓચ્છવ છે. ચિમણા પુતળીબાઈની રજા લઈને દાનબ્બાની સાથે ઓચ્છવ જોવા નીકળે છે. ફૂટેલી દાનબ્બા ચતુરાઈથી ફોસલાવીને ચિમણાને મઠમાં લાવે છે. બાપુસાહેબ મઠમાં ચિત્રણા પર બળાત્કાર કરે છે. ચિમણા સગર્ભા બને છે. પિતા સિલધર મૃત્યુ પામે છે. બાપુસાહેબ ૫૨ સિલહધરને ઝેર આપી માર્યાનો આરોપ છે. સિલહરનો ભત્રીજો દાદો કુસ્તીબાજ છે અને ત્રણ દિવસમાં આવવાનો છે. લોકોમાં એનો આતંક છે. પણ સિલહધરના મૃત્યુને પોલિસખાતામાં રફેદફે કરવા માટે ગામના મુખીઓ બાપુસાહેબને દંડ કરી, એની પાસેથી પૈસા ઓકાવે છે. દાદા આવે છે. એને વાતની ખબર પડે છે અને એ સીધો મઠમાં બાપુસાહેબની સામે જઈને ઊભો રહે છે. એ બાપુસાહેબ પર તૂટી પડે છે પણ બાપુસાહેબની પત્ની રત્ના વચ્ચે પડી બાપુસાહેબને બચાવે છે. પરંતુ આ બાજુ મળી ગયેલા ગામના મુખીઓ લાંચ રૂશ્વત આપી ફન્નુદીન ફોજદારને ફોડે છે અને ગુનો દાદા પર ઢોળી પાડે છે. ફોજદાર ધર્મશાલામાં દાદાને કેદ કરે છે. આ દરમ્યાન પાદલ્લી ગામમાં મરકી ફાટી નીકળે છે. લોકોને ઘરમાંથી બહાર નીકળી રહેવાનો આદેશ અપાય છે. પણ લોકો એને ખતરનાક માનવા તૈયાર નથી. પુષ્કળ વરસાદ ચાલુ રહે છે એવામાં મઠના આચાર્યની પત્નીનું ઓચિંતું અવસાન થતાં લોકોમાં ભય ફેલાવા માંડે છે. દૈવીપ્રકોપ છે એવું માનીને લોકો ભજન અને જાગરણમાં લાગી જાય છે. આનો મોકો ઉઠાવી મઠના કમરામાં કેદ ચિમણા પાસે ગામનો એક આગેવાન લિંગપ્પા પહોંચી જાય છે. દરવાજો તોડવા લાગી ગયેલો લિંગપ્પા અને ભયભીત ચિમણા. છેવટે ચિમણા ઓરડામાં પડેલી દારૂની બાટલી અંગો પર છાંટી દીવાની જાળમાં પોતાને ધરી બળીને ખાખ થઈ જાય છે. ત્રણ દિવસમાં આખું ગામ ખાલી થઈ જાય છે. દાદા મહારાજા સાથે ઇન્દ્રપુર આવેલો. પાદલ્લીથી જાણે કે પોતે કપાઈ ગયો હોય એવો અનુભવ કરે છે. અને મહારાજની ગેરહાજરીમાં પાદપલ્લી પહોંચી જાય છે. આખું ગામ ખાલી છે. દાદા માથા પર હાથ રાખી બેસી પડે છે. રાત પડી. ઘુવડ બોલ્યાં. અડધી રાત થઈ. દાદાને ડર લાગ્યો. બગીચા નજીકની ઝૂંપડીમાં એને કરિયપ્પાનો ભેટો થયો. સવાર સુધી ચિમણાનું મોત, આચાર્યનું પૂરમાં તણાઈ જવું, પલંગ – વગેરેની વાતો ચાલી. દાદાને ફરીથી એકવાર પાદલ્લી જોવું હતું. કરિયપ્પા સાથે નીકળી પડે છે. ખાલી ઘરો, બરબાદી. જૂની યાદો, ભૂતના ભણકારા. દાદાને થાય છે કે પોતે પણ પ્રવાહમાં વહી જાય.... દાદા પૂરને જોતો રહે છે. ચારેબાજુ ફેલાયેલી જમીન, કિનારે ઊગેલું ઘાસ. દાદાને થાય છે : કેવી રીતે કહેવાય કે પાદલ્લી ફરીથી નહીં વસે? પલંગથી ડરીને ભાગેલા ફરી પાછા નહીં ફરે? પોતે પણ પાછો આવ્યો જ છે ને? એને લાગે છે કે નવી સૃષ્ટિની રચનાની યોજનામાં કુદરત જાણે કે લાગી ગઈ છે. માનવસમાજનું ઘડતર, એનો વ્યય અને ફરીને એનું નવઘડતર એ સતત ચાલનારી ક્રિયા છે, એવું દર્શન આ નવલકથા આપણને જાણે કે આપતી જાય છે.