રચનાવલી/૮૫


૮૫. હંસગીત (ત. રા. સુબ્બારાવ)


ગુજરાતી પ્રજાને કંઠે પ્રભાતિયાં રમતાં રહેશે ત્યાં સુધી નરસિંહ મહેતો ભુલાવાનો નથી. મધ્યકાળમાં થયેલા આ કવિની આસપાસ ઘણી દંતકથાઓ અને ઘણા ચમત્કારો પ્રચલિત છે. હાર, હૂંડી, મામેરું, વિવાહ અને શ્રાદ્ધ – એના જીવનના આ પાંચ પ્રસંગો અતિ પ્રસિદ્ધ છે. એનાં ‘હારમાળા’નાં પદોમાં વર્ણવ્યું તેમ સંન્યાસીઓની ચડામણીથી રા'માંડલિક નરસિંહ સામે ક્રોધે ભરાય છે. નરસિંહની સખીઓ અને કુંવરબાઈ ભગવાનને પ્રાર્થના કરી નરસિંહ મહેતાને રાગ કેદારો ગાવાનું કહે છે પણ નરસિંહે રાગ કેદારો ધરણીધર મહેતાને ત્યાં ગીરવે મૂકેલો હોવાથી ગાઈ શકે તેમ નથી. કથામાં આગળ બને છે તેમ ભગવાન એ કેદારો રાગ છોડાવીને લાવે છે અને નરસિંહના ખોળામાં નાખે છે. આમ રાગ કેદારોને ગીરવે મૂકવાની વાત નરસિંહ મહેતા સાથે જોડાયેલી છે. અહીં ચમત્કારમાં માનો તોયે શું અને ન માનો તોયે શું – પણ એક વાત નક્કી એમાંથી બહાર આવે છે કે નરસિંહ મહેતા પદો ગાતાં, એમાં ઉત્તમ રીતે રાગ કેદારમાં ગવાતાં પદો હશે. અને તેથી જ રાગ કેદારો નરસિંહની મોટી પુંજી બની છે. અને તો જ એવી કોઈ પુંજીને ગીરવે લેનારો સ્વીકારે પણ છે. રાગને ગી૨વે મૂકવાની આવી જ વાત કન્નડના અત્યંત લોકપ્રિય લેખક ત. રા. સુબ્બારાવની નવલકથા 'હંસગીત'માં આવે છે. આ ‘હંસગીત’ નવલકથા પરથી બહુ જાણીતી ફિલ્મ બસંત બહાર' ઊતરી છે. ચિત્રદુર્ગના ઇતિહાસ પર આ લેખકે ઘણી નવલકથાઓ લખી છે પણ ‘હંસગીત’માં ચિત્રદુર્ગના નિવાસી મહાન ગાયક ભૈરવી વેંકટસુબ્બયાની કથાને આલેખી છે. લેખકે કથાને સીધે સીધે રજૂ નથી કરી પણ એમની રજૂઆતમાં પણ રસપ્રદ રીતિઓને અજમાવી છે. કથા કોઈ સાહિત્યકાર સુબ્રહ્મણ્યને મુર્ખ કહેવાયેલી છે. એ કથાને માટે પ્રેરનાર એના વકીલમિત્ર રાઘવેન્દ્ર રાવ છે અને રાઘવેન્દ્ર રાવના સૂચનથી સંશોધન કરવા જતાં જુદાં જુદાં પાત્રો મારફતે સાહિત્યકાર સુબ્રહ્મણ્યને વેંકટસુબ્બય્યાની કથા હાથ લાગે છે. અને જે હાથ લાગે છે તે જાણે કે નવલકથા રૂપે રજૂ થયું છે. આમ પુરાતત્ત્વ, સાહિત્ય અને સંગીત એ ત્રણનો સંદર્ભ આ નવલકથાકારે આબાદ રીતે ગૂંથ્યો છે. કથાની શરૂઆત દાનપત્રના ઉલ્લેખ સાથે અંતથી થાય છે અને પછી પાછળ હટીને વેંકટસુબ્બય્યાના જીવનની કથાનો આરંભ કરવામાં આવે છે. કથા અલગ અલગ તબક્કે રસપૂર્વક આગળ વધે છે. કાલ્પનિક સાહિત્યકાર સુબ્રહ્મણ્ય પોતે આ કથામાં સંડોવાઈને આપણને વાત કરે છે. સુબ્રહ્મણ્ય સાહિત્યકાર છે અને ચિત્રદુર્ગની ક્લબમાં એમના વડીલમિત્ર રાઘવેન્દ્ર રાવ છે. બંનેને પહાડમાં, એના કિલ્લામાં, મન્દિરમાં અને જ્યાં ત્યાં વિખેરાઈને પડેલા પ્રાચીન અવશેષોમાં રસ છે. કિલ્લાનો એક એક ખૂણી બંનેને પરિચિત છે. એવામાં રાઘવેન્દ્ર રાવના હાથમાં એક પ્રાચીન દાનપત્ર આવે છે, જેમાં હૈદરઅલીના પુત્ર ટીપુ સુલતાને ચિત્રદુર્ગના નિવાસી ભૈરવી વેંકટસુબ્બય્યાને દાન કર્યું છે એનો ઉલ્લેખ છે. રાઘવેન્દ્ર રાવ આ દાનપત્રનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે વેંકટસુબ્ધય્યા મોટો ગાયક હતો અને એણે ટીપુ સુલતાન આગળ ગાવાનો ઇન્કાર કરેલો અને પોતાની જીભ કાપી નાખી હતી. આનાથી પ્રભાવિત થઈને ટીપુ સુલતાને ‘તોરેયૂર’ની નજીકની જમીન ગાયકને જાગીર તરીકે આપેલી. ભૈરવી વેંકટસુય્યાનો સિદ્ધ રાગ હતો. રાઘવેન્દ્ર રાવ સાહિત્યકાર સુબ્રહ્મણ્યને વેંકટસુબ્બય્યાના જીવન અંગે સંશોધન કરવા કહે છે. સાહિત્યકાર સુબ્રહ્મણ્ય પહેલો સંપર્ક વેદ પાઠશાલાના ગોપાલાચાર્યનો કરે છે. ગોપાલાચાર્ય પોતાના પૂર્વજ મૈસુરથી ચિત્રદુર્ગ આવતાં કઈ રીતે ગાયકના પિતા નરસિંહ જોઈસના પરિચયમાં આવે છે તે જણાવે છે. ગાયક વેંકટસુબ્બય્યા માતાપિતાનું મોટી વયનું એક માત્ર સંતાન હતું. પાઠશાળામાં એનું ધ્યાન ભણવામાં નથી રહેતું અને જ્યારે ગુરુ પૂછે છે કે ‘ભણવામાં તારું ધ્યાન કેમ નથી?’ તો સુબ્બય્યા જણાવે છે કે ‘પીપળાના ઝાડ પર કોયલ ગાઈ રહી હતી. સાંભળતો હતો' સુબ્બય્યાના ભાગ્યમાં કદાચ ગાયક બનવાનું લખ્યું હશે – એટલું કહી ગોપાલાચાર્ય સંધ્યાવંદન માટે ચાલ્યા જાય છે. પણ જતાં જતાં કહેતા જાય છે કે કદાચ કુસ મરડીમાં નવટંકી ખેલતો ચિન્નપ્પા વધુ જાણકારી ધરાવતો હશે. સુબ્રહ્મણ્ય ચિન્નપ્પા પાસે પહોંચે છે. ચિન્નપ્પા એને વેંકટસુય્યાની સંગીતશિક્ષા અંગે જણાવે છે. ગુરુ તિરુમલય્યાને વેંકટસુબ્બય્યા કઈ રીતે પરાસ્ત કરે છે અને સુબ્બય્યાનો રાગ કલ્યાણી સાંભળતાં ગુરુ કઈ રીતે મૂર્તિવત બની જાય છે. એની કથા ચલાવતા ચિન્નપ્પા કહે છે કે બીજે દિવસે ગુરુ તિરુમલય્યા તળાવમાં જઈને આપઘાત કરે છે. આ પછી સુબ્બય્યાના ગુરુ બનવા કોઈ તૈયાર નથી. મામા અનંતધ્યાના સૂચનથી ગાયક સુષ્મા છેવટે મહામહેનતે ગુરુને શોધે છે. શરૂમાં સુબય્યાને ધિક્કારનાર ગુરુ અંતે બેશુદ્ધ બનેલા સુય્યાનો ઉપચાર કરે છે અને સુય્યાનનો શિષ્ય તરીકે સ્વીકાર કરે છે. સુબ્બય્યાની સંગીતશિક્ષાની આટલી વાત કરીને ચિન્નપ્પા સુબ્રહ્મણ્યને કહે છે કે આગળની વાત તો પુટ્ટતાયમ્મા પાસે જ સાંભળવી પડે. સુબ્બય્યાની કથા ત્રીજા પાત્ર પુટ્ટતાયમ્મા દ્વારા આગળ વધે છે. સુબ્બય્યાએ કઈ રીતે વારાંગના ચન્દ્રમ્માને તળાવમાં ડૂબતી બચાવેલી એની વાત પુટ્ટતાયમ્મા આરંભે છે. સુબ્બય્યા પહેલીવાર ચન્દ્રમ્માના નખશિખ સૌન્દર્યને જોતાં સ્તબ્ધ બની ગયેલો. છેવટે સુબમ્મા ચન્દ્રમ્માના ગણિકાગારમાં પહોંચે છે. પણ દાસીઓ રોકે છે. કહે છે કે હજાર સોનામહોર લાવ્યા હો તો જ પ્રવેશ મળશે. ગાયક સુબ્બય્યા વિરૂપાક્ષ શેઠ પાસે જઈ હજાર સોનામહોર માગે છે; ત્યારે વિરૂપાક્ષ કહે છે કે તારા પ્રિય રાગોમાંથી મારા માગેલા બે રાગ ગીરવે મૂકવા પડશે અને જ્યાં સુધી પૈસા પાછા ન મળે ત્યાં સુધી તું એને ગાઈ નહીં શકે, વેંકટસુબ્બય્યાએ એમ કર્યું. કથામાં છેલ્લા ગાયક સુબ્બય્યાના વિકાસ માટે અને એની થંભી ગયેલી કારકિર્દીને આગળ ધપાવવા માટે ચન્દ્રમ્મા હીરો ચૂસીને પ્રાણ આપે છે. આ પછી માત્ર કંઠની નહીં, પણ શરીરના રોમરોમથી વીણાના તારોની જેમ નિનાદ કરતાં કરતાં ગાયક સુબ્બય્યાને ભૈરવી રાગની સિદ્ધિ મળે છે. ‘હંસગીત’નો અર્થ થાય છે, અંતિમ ગાન. માન્યતા છે કે હંસ મરણ પહેલાં જ માત્ર ગાય છે. ટીપુ સુલતાન આગળ જીભ કાપી નાખનાર ગાયકનો અંત જોતાં નવલકથા ‘હંસગીત’ નામે ઓળખાવી છે તે બરાબર છે.