રણ તો રેશમ રેશમ/કૃતિ-પરિચય

કૃતિ-પરિચય

‘રણ તો રેશમ રેશમ’

આ પ્રવાસ નિબંધો નોખાં પ્રવાસ સ્થળોનો વિશિષ્ટ પરિચય કરાવવા સાથે વાચકને પણ એ પ્રદેશોના સાંસ્કૃતિક ઇતિહાસમાં તથા પ્રાકૃતિક સૌન્દર્યમાં વિહાર કરાવે છે. આપણા પ્રવાસલેખકોએ દુનિયાના ઘણા દેશોમાં પ્રવાસો કરીને સારા નિબંધો લખ્યા છે. પરંતુ ભારતી રાણે(અને રાજીવ રાણે)એ પોતે પસંદ કરેલાં પ્રવાસ સ્થળો બહુધા વણબોટ્યાં અને ગુજરાતી વાચક માટે નવાં છે. એક વખત વાંચવા માંડો પછી પુસ્તક મૂકવાનું મન નહિ થાય! એમનું વર્ણન પણ રેશમ રેશમ છે. આ ગ્રંથના ૨૯ નિબંધોમાં ઉઝબેકિસ્તાન અને જોર્ડન દેશનાં વિવિધ સ્થળોનું હૃદયસ્પર્શી અને માહિતીસભર વર્ણન મળે છે. ઉઝબેકિસ્તાનને ‘મૃગજળમાં તરતો ઈશ્વરનો ચહેરો’ કહેતાં લેખિકાએ તાશ્કંદ – બુખારા – સમરકંદ - ચાર્વાક સરોવરનું આલેખન ઈતિહાસ અને પ્રાકૃતિક રમણીયતાના સન્દર્ભેં કર્યું છે. જોર્ડનનાં શહેરો-પહાડો-કિલ્લાઓનું વર્ણન મનમોહક છે. વાદીરમ - માઉન્ટ નેબો - દાના – કરાક – અકાબા – જેરાશ – અમ્માન તથા પેટ્રાનું વર્ણન કરતા નિબંધો વાચકને સંડોવીને સંમોહિત કરી દે છે. આ નિબંધોનું ગદ્ય તથા એની શૈલી ભારતી રાણેની સર્જકતાને ઉજાગર કરી આપે છે.

–મણિલાલ હ. પટેલ