રણ તો રેશમ રેશમ/પૂર્વનું મક્કા : તાશ્કંદ

(૧૦) પૂર્વનું મક્કા : તાશ્કંદ

નવું તાશ્કંદ અત્યંત પ્રભાવશાળી અને વ્યવસ્થિત છે. કાટખૂણે ગોઠવાયેલાં એનાં ચોરે ને ચૌટે મહાલયો શોભે છે. એમાંય તૈમૂરનું પૂતળું અદ્ભુત રુઆબદાર છે. એના શહીદસ્મારકનું સંકુલ અત્યંત વિશાળ છે. પ્રજાના મનમાં રહેલી શહીદો પ્રત્યેની અદબ અહીં નખશિખ અનુભવાય છે. તાશ્કંદનું પાર્લામેન્ટ ભવન, ટી.વી. ટાવર, ઓપ્રાહાઉસ બધું લાજવાબ છે. નવા તાશ્કંદને જોવા એક-બે-ત્રણ દિવસો પણ ઓછા પડે. અમે નસીબદાર હતાં. અમારી પાસે તાશ્કંદને અનુભવવા પૂરતો સમય હતો. કોઈ જાતના પૂર્વ આયોજન વગર રખડતાં જનજીવનની સાચી ઓળખાણ અહીંની બજારોમાં મળી. એક ખૂબ મોટા શેઇડની નીચે હારબંધ ઊંચા ઓટલા હોય અને એના પર લાઇનસર વિવિધ વસ્તુઓની હાટ સજાવેલી હોય. અહીં મુખ્યત્વે સૂકો મેવો વેચાતો હતો. એની સજાવટ જ એટલી સરસ હતી કે મન લોભાયા વગર ન રહે. સૂકા મેવા ઉપરાંત ત્યાં સ્થાનિક બનાવટના અનેક પ્રકારના મીઠા તથા ખારા રોટલા મળતા હતા. આ રોટલાની કરકરિયાવાળી કિનારી તથા એના પર પાડેલી કલાત્મક ભાત ધ્યાનાકર્ષક હતી. અમે એ તમામ પ્રકારના રોટલા બટકું-બટકું ચાખી જોયા. બજારમાં લોકકલાના નમૂના જેવાં ઘરેણાં, તલવાર, છરી જેવાં હથિયારો; ફળો, ફૂલો, ઊનની શાલો વગેરે વસ્તુઓ પણ મળતી હતી. બજાર અત્યંત ચોખ્ખી અને શાંત હતી. વેચનાર સૌ શાંતિથી અને હસતા ચહેરે વસ્તુઓ વેચતાં દેખાયાં. દુકાનદારોમાં સ્ત્રીઓની સંખ્યા વધારે હતી. વેચનારા સ્થાનિક લોકોનું સૌજન્ય નોંધપાત્ર હતું. ભાવતાલમાં પણ વિવેક જળવાઈ રહેતો અમે અનુભવ્યો. વળી સ્થાનિક લોકોના મનમાં ભારતના લોકો પ્રત્યે ખૂબ જ માન તથા મૈત્રીની ભાવના હોય તેવું લાગ્યું. સુખદ આશ્ચર્યની વાત હતી કે ત્યાંની પ્રજાનો આપણા માટેનો ઊંડો મૈત્રીભાવ આખાય ઉઝબેકિસ્તાનમાં ફરતાં અનુભવાયો! અજાણ્યો માણસ પણ પૂછે : ‘હિન્દુસ્તાન?’ અને હા પાડીએ તો રાજકપૂરને કે પછી શાહરૂખખાનને યાદ કરે, કોઈ બાબૂર-બાબૂર કહેતું બાબરની વાત કાઢે; તો કોઈ વળી કહેશે, ‘ચાલો, સાથે ફોટો પડાવીએ.’ બીજી ઑક્ટોબરનો એ દિવસ. હાથમાં ગુલાબનાં ફૂલો લઈ અમે રસ્તો શોધતાં હતાં, ત્યાં નવેક વર્ષનું એક બાળક દોડતું આવ્યું ને પૂછવા લાગ્યું : ‘લાલ બહાદૂર શાસ્ત્રી?...ધીસ વૅ!’ તાશ્કંદની એ ખુશનૂમા સવાર. શાસ્ત્રીજીના સ્મારકનું પ્રાંગણ ચોખ્ખુંચણાક હતું, ને એમના પૂતળાં પર કોઈ ફૂલોનો ગુચ્છો મૂકી ગયેલું હતું! આ શહેરમાં શાસ્ત્રીજીના અકાળે મૃત્યુ પામ્યા પછી અહીંની સરકારે એમનું સ્મારક બનાવ્યું છે, રસ્તાનું નામ શાસ્ત્રીજીના નામ પરથી રાખવામાં આવ્યું છે અને એ આખીય ગલીને મૈત્રીના પ્રતીક તરીકે વિકસાવવામાં આવી છે. કેવો સુખદ યોગાનુયોગ કે અમે શાસ્ત્રીજીની વર્ષગાંઠે તાશ્કંદમાં હતાં! આ પહેલાં એક સાંજે લોકજીવનને નીરખવા ફરતાં ફરતાં અમે સૌ ઍલિશર નેવૉય થિયેટર પહોંચેલા. ઓગણીસમી સદીના સૌથી નોંધપાત્ર ઉઝબેક કવિ ઍલિશર નેવૉયના નામ પરથી નામાંકિત આ ઉઝબેકિસ્તાનના સૌથી વિખ્યાત પ્રેક્ષાગૃહનું મરમ્મતકામ ચાલી રહ્યું હતું, એટલે અંદર પ્રવેશ તો ન મળ્યો. અમારી સાથે રંગમંચનાં આરાધિકા સોનલ વૈદ્ય કુલકર્ણી હતાં, એમને અફસોસ રહી ગયો. અમે બારીની ફાંટમાંથી ડોકિયું કરી મનમાં કલ્પના કરી લધી કે, અહીં નાટકો તથા ઑપેરાની ભજવણી થતી હશે ત્યારે કેવો ભવ્ય માહોલ સર્જાતો હશે! થિયેટરના પ્રાંગણમાં એક રંગીન ફુવારો હતો. શુક્રવારની સાંજ હતી, એટલે લોક બાળકોને લઈને અહીં ઊમટી પડેલું. નવયુવાન યુગલો સાથે એમનાં બાળકોના ફોટા પાડવાની મજા પડી. થિયેટરના મકાનની બરાબર સામે એક હોટેલ હતી. તાશ્કંદ શાંતિમંત્રણા તથા શાંતિ કરાર માટે અહીં આવેલ શાસ્ત્રીજી જ્યાં ઊતર્યા હતા તથા જ્યાં એમણે છેલ્લા શ્વાસ લીધા તે તાશ્કંદ પેલેસ હોટેલ. ત્યાર બાદ એક વાર એ હોટેલની ભારતીય રેસ્ટોરાંમાં સાંજનું ભોજન લેવા જવાનું પણ થયું. એ હોટેલને જોઈને એક પ્રકારનો ગ્લાનિભાવ અનુભવાય. એ સમયે શું બન્યું, તે તો ક્યારેય જાણી શકાશે નહીં. પણ આજેય એક રહસ્યમયતાભર્યા વિશાદનો પડછાયો એના ઉપર છવાયેલો હોય તેવું લાગ્યા કરે. વામન શાસ્ત્રીજીનો વિરાટ આદર્શવાદ યાદ આવ્યા વગર ન રહે. એની નજીક ઊભા રહીએ ત્યારે અનુભવાતા એ સમયના અને એ મહાન વ્યક્તિના અણસાર એ સ્થળને ભાવવાહી બનાવે છે. નવું તાશ્કંદ એક પછી એક વિસ્મયોની રસલહાણ કરી રહ્યું હતું, પરંતુ તાશ્કંદની સૌથી રોમાંચક જગ્યા તો જૂના તાશ્કંદમાં અમારી રાહ જોઈ રહી હતી. સિલ્ક રૂટની વણજારો સદીઓ પહેલાં જ્યાંથી પસાર થતી અને જ્યાં વાસો કરતી તે ગલીઓમાં જામા મસ્જિદનું અતિભવ્ય અને સુરેખ સ્થાપત્ય હતું. એની પાછળ મદરેસા અને ઇસ્લામિક યુનિવર્સિટીનું સ્થાપત્ય હતું. વળી એની પાછળના એક પુરાણા મકાનમાં સરકારે હસ્તકલાના નમૂનાઓનું બજાર બનાવ્યું છે. એ જ પરિસરના એક મકાનમાં વિશ્વના પહેલામાં પહેલા મૂળ કુરાનનો થોડોક હિસ્સો મૂકવામાં આવેલો છે. બીજી સદીમાં લખાયેલ આ હસ્તપ્રતનો થોડોક ભાગ તૈમૂર પંદરમી સદીમાં અહીં લાવેલો. મકાનના મુખ્યખંડમાં આ વિશાળ હસ્તપ્રત મૂકેલી છે અને એની ફરતે ત્રણ ખંડોમાં આદિકાળથી આજ સુધીના કુરાનગ્રંથોનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. હવે ખ્યાલ આવ્યો કે તાશ્કંદને કેમ પૂર્વનું મક્કા કહેવામાં આવે છે! એ હૃદયસ્પર્શી રોમાંચક જગ્યાએ પ્રથમ કુરાનની ભવ્ય હસ્તપ્રતને અદબપૂર્વક વંદન કરતાં અમે અમારા મિત્ર ડૉ. મેમણને એસ. એમ. એસ. કર્યો : ‘વિશ્વના પ્રથમ કુરાનની સમક્ષ ઊભા રહી અમે તમને યાદ કરી રહ્યાં છીએ અને તમારા માટે દુઆ અર્ચી રહ્યાં છીએ!’