રણ તો રેશમ રેશમ/રક્તાશ્રુની ગોપિત સરવાણી : બુખારા

(૩) રક્તાશ્રુની ગોપિત સરવાણી : બુખારા
Ran to Resham 8.jpg

મધ્યાહ્નના સૂર્યના ઝળહળાટમાં એના ઉપર પહેલી નજર પડેલી. ખબર નહીં કેમ, એને જોઈને અજંપ અકળામણનો અનુભવ થવા લાગ્યો. સામસામે ઊભેલા એ બે મહાલયોના એકબીજા સાથે વાતો કરતા પડછાયાની ઓથે નિરાંતે બેઠાં ત્યારે પણ ઉદાસીથી મનને ભરી દેતી લાગણીથી મુક્ત ન થઈ શકાયું. એના સૌંદર્યથી અભિભૂત તો થવાયું, પણ ન જાણે કેમ, એ લાગણી લાંબું ટકી શકી નહીં. બે વિશાળ સ્થાપત્યો સામસામે ઊભેલા હતા. એમાંથી એક મદરેસા હતી ને બીજી મસ્જિદ હતી, અને એ બંને વચાળે એક અત્યંત ઊંચો મિનારો હતો. પથ્થર જેવી દેખાતી રતૂમડી ઈંટોના બનેલ એ ત્રણેય સ્થાપત્યો ઉપર ભૂરા રંગનું મીનાકારી કરી હોય તેવું મોઝેઈકનું જડતરકામ તથા ચિત્રકામ અજોડ હતું. અહીં બધું જ ભવ્ય હતું, સુંદર હતું અને અનેરું ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું હતું; છતાંય એની આસપાસનું વાતાવરણ કોઈ રહસ્યમય ઉદાસીમાં ઝબકોળાયેલું લાગ્યું. મદરેસાનું નામ ‘મીર એ અરબ મદરેસા’ હતું. ઉઝબેકિસ્તાનની પ્રાચીન નગરી બુખારાના તત્કાલીન રાજા ઉબાયદુલ્લાખાનના યમનથી આવેલ ગુરુના નામ પરથી આ નામ પડેલું. અબ્દુલ્લા યામાની અહીંના શિક્ષક હોવા ઉપરાંત ગૃહપિતા પણ હતા. એમની ઇચ્છા હતી કે મૃત્યુ પછી એમને ક્લાસરૂમમાં દફનાવવામાં આવે. ગુરુને આ મદરેસાના ક્લાસરૂમમાં દફનાવવામાં આવ્યા, ત્યાર બાદ ઉબાયદુલ્લાખાને કહ્યું કે, મારા મૃત્યુ બાદ મને મારા ગુરુના ચરણો નીચે દફનાવજો. આમ, આ મદરેસામાં રાજા ઉબાયદુલ્લાખાન ગુરુના ચરણોમાં પોઢેલા છે. સદીઓથી યુનિવર્સિટી જેવું મહત્ત્વ ધરાવતી આ મદરેસામાં ચેચનિયાના પહેલા પ્રમુખ અહમદ કદીરન સહિત મધ્ય એશિયાના અનેક ખગોળશાસ્ત્રીઓ તથા વૈજ્ઞાનિકો ભણી ગયેલા. આજે પણ ઇસ્લામિક આલમમાં આ મદરેસાની પ્રતિષ્ઠા છે. ૧૯૨૦માં આ વિસ્તાર રશિયન બોલ્શેવિકોના કબજામાં આવ્યો, તે પછી બોલ્શેવિકોએ ઇસ્લામિક, ખ્રિસ્તી વગેરે બધી જ ધાર્મિક શાળાઓ બંધ કરાવી. બોલ્શેવિકો માનતા કે, જનતાએ લેનિન, સ્ટાલિન અને નૉલેજમાં જ માનવું જોઈએ. આમાં કોઈ ધાર્મિક જ્ઞાનને અવકાશ જ ન હોઈ શકે. વરસો સુધી મદરેસા બંધ રહ્યા પછી ઈ. સ. ૧૯૪૮માં બીજા વિશ્વયુદ્ધ પછી બુખારાના ઇમામે મદરેસા પુનઃ શરૂ કરવા લેખિત વિનંતી કરી. સ્તાલિનને ખબર તો નહોતી કે ત્રીજું વિશ્વયુદ્ધ અરેબિક દેશોમાં લડાશે, પણ તેને એટલો અહેસાસ તો હતો કે ફરી યુદ્ધ થાય, તો આંકડાના ગુપ્ત સંકેતોવાળી અરેબિક સંજ્ઞાઓ તથા જટિલ અરેબિક લિપિ ઉકેલવા અરેબિક જાણનારા વિદ્વાનોની જરૂર પડશે. જેમકે, અરેબિક ભાષામાં ૭૮૬ના આંકડાનો અર્થ થાય, હેલ્લો ફ્રોમ અલ્લા. એ જ રીતે આપણે ત્યાં ઠગ માણસ માટે વપરાતો ૪૨૦નો આંકડો પણ અરેબિક કોડ લેંગ્વૅજમાંથી આવ્યો છે, તેવું અમારા ગાઇડે કહ્યું, ત્યારે નવાઈ લાગી! ખેર, બુખારાના ઇમામની વિનંતી માન્ય રાખવામાં આવી અને એમ સોવિયત રાજ્યકાળમાં ઇસ્લામિક અધ્યયન માટેની આ એક માત્ર મદરેસા ચાલુ રહી. આજે પણ એ ચાલે છે. અત્યારે એમાં ૧૦૦ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, પરંતુ હવે માત્ર ઉઝબેક સિટીઝનને એમાં પ્રવેશ મળે છે. વિદ્યાર્થી ૯ ધોરણ પાસ કર્યા પછી ૪ વર્ષ અહીં ભણે, એટલે એને યુનિવર્સિટીની ડિગ્રી મળ્યા બરાબર લેખાય. બુખારાની આ સદીઓ પુરાણી ઇસ્લામિક યુનિવર્સિટી. ગાઇડ એનું મહત્ત્વ સમજાવતો હતો, ત્યારેય એ સૂમસામ મકાનનાં અંધારાં ભેદી તથા અકળ લાગી રહ્યાં હતાં. એનું કારણ જરા વાર પછી સમજાયું. ગાઇડે કહ્યું કે, પુરાણા સમયથી લઈને આજ સુધી આ સ્થાપત્યમાં ઈરાનીઓ પગ મૂકતાં નથી! અહીં થઈ ગયેલ રાજા ઉબાયદુલ્લાખાનના પિતા મુઝફ્ફરખાનના રાજ્યકાળમાં ઈરાનના બાદશાહ નાદીરશાહે બુખારા પર આક્રમણ કરેલું. એ સમયે નાદીરશાહે બુખારાના ૩૦૦૦ નાગરિકોને બંધક બનાવી ગુલામો તરીકે વેચી દીધેલા. થોડા સમય પછી મુઝફ્ફરખાનના પુત્ર ઉબાયદુલ્લાખાને બદલો લેવા ઈરાન પર હુમલો કર્યો અને જીત મેળવી. તે સમયે શરિયતના કાયદાને અનુસરતા લોહીના બદલામાં લોહી, એ ન્યાયે એણે ૩૦૦૦ ઈરાની નાગરિકોને પકડી લાવીને યુરોપની બજારોમાં ગુલામો તરીકે વેચી નાખ્યા. આમાંથી મળેલ પૈસા રાજાએ પોતાના ખજાનામાં ન નાખતાં એમાંથી આ વિશાળ મદરેસા બંધાવી તથા પોતાના આરબ ગુરુ અબ્દુલ્લા યામાનીના નામ પરથી એનું નામ ‘મીર એ અરબ મદરેસા’ પડ્યું. ઈરાનીઓ આ વાતનો ડંખ આજ સુધી ભૂલ્યા નથી. પોતાના દેશવાસીઓની જિંદગીના વ્યાપારની કમાણીમાંથી બંધાયેલ આ મદરેસામાં તેઓ આજે પણ પગ મૂકતાં નથી. આ વાત જાણ્યા પહેલાં જ એમાં પગ મૂકવાની ઇચ્છા મરી પરવારી હતી. ગાઇડ ખરું કહેતો હતો : ‘કેટલીક ઘટનાઓ અણગમતી લાગે, એવું પણ થાય કે, જે કાંઈ બની ગયું, તે બરાબર નહોતું; એ ન બન્યું હોત તો સારું હતું; પરંતુ આપણે ઇતિહાસને બદલી શકતા નથી. માટે એ હકીકતોને નિર્લેપભાવે સ્વીકારી લેવી જ રહી.’ મીર એ અરબ મદરેસાની સામે જ ‘મસ્જિદ એ કલાન’ નામનું સ્થાપત્ય હતું. એક સમયમાં મધ્ય એશિયાની મોટામાં મોટી મસ્જિદ હોવાનું માન ધરાવતા આ ભવનનું પ્રાંગણ અત્યંત વિશાળ હતું. દસ હજાર માણસો એકસાથે નમાજ પઢી શકે, તેટલી વિશાળ આ મસ્જિદ મૂળે ઝોરાષ્ટ્રીયન ધર્મસ્થાનક હતું. ઇસ્લામિક અતિક્રમણના સમયગાળામાં એમાં મસ્જિદ બનાવવામાં આવી. ત્યાર બાદ મંગોલોના આક્રમણે એને ઘમરોળી નાખી અને મંગોલોનો સમય પૂરો થયા પછી બુખારાના રાજાએ ઈરાનથી સ્થપતિઓ બોલાવીને એનો પુનરુદ્ધાર કર્યો. માટે જ એ ઈરાનના સ્થાપત્યો સાથે સામ્ય ધરાવે છે. કહેવાય છે કે, વિશ્વવિજયની મહત્ત્વાકાંક્ષાના ઝનૂન સાથે વિવિધ વિસ્તારોને કબજે કરતો ચંગીઝખાન જ્યારે અહીં પહોંચ્યો, ત્યારે આ વિશાળ મકાનને જોઈને ઉદ્ગારી ઊઠ્યો : ‘શું આ તમારા રાજાનો મહેલ છે?’ જવાબમાં મસ્જિદના મૌલવીએ કહ્યું, ‘જી ના, આ રાજાનો નહીં, અલ્લાહનો મહેલ છે.’ ચંગીઝખાન અને એના સૈનિકો ઘોડા ઉપર સવાર હતા. મૌલવીએ કહ્યું, ‘આ અલ્લાહનો દરબાર છે, અહીં એમની અદબ જાળવવા આપ સૌને ઘોડા ઉપરથી ઊતરીને અંદર આવવા વિનંતી છે.’ રાજાએ આંખ મિચકારતાં પોતાના સેનાપતિને કહ્યું, ‘મૌલવી ખરું કહે છે. હવે આરામનો સમય થયો છે.’ સાંકેતિક ભાષાનો આદેશ સમજીને સેનાપતિએ તથા સૈનિકોએ હુમલો કર્યો. મૌલવીને મારી નાખી ઘોડેસવારોએ પરિસરમાં પ્રવેશ કર્યો. બુખારાના લોકોની શ્રદ્ધાનું અપમાન કરવા તથા એમનું આત્મસન્માન તોડવા ચંગીઝખાને મસ્જિદના પરિસરમાં ઘોડાઓનો કોઢાર બનાવ્યો. તેણે અહીં સૈનિકોને મન ફાવે તેમ કરવાની છૂટ આપી તથા અંતે તેણે પરિસરને આગ લગાડી દીધી. મસ્જિદનો મહાવિનાશ કરતાં પહેલાં અહીં એક બીજું અત્યંત જઘન્ય કૃત્ય પણ ચંગીઝખાને કર્યું. તેણે આખાય રાજ્યનાં બાળકોને અહીં બોલાવ્યાં. દરેક બાળકનાં હાથમાં એક લાકડાની તલવાર પકડાવવામાં આવી. જે બાળકો લાકડાની તલવાર ઊંચકી શકવા માટે નાનાં હતાં અથવા એને ઊંચકવા માટે દુર્બળ હતાં, તે તમામને એણે અહીં ને અહીં મારી નાખ્યાં. જે બાળકો લાકડું ઊંચકીને ચાલી શક્યાં તેમને લશ્કરમાં ભરતી કરવામાં આવ્યાં. જ્યારે લશ્કર કૂચ કરે, ત્યારે સૌથી આગળ આ બાળકોની હારને લાકડું ઊંચકીને ચલાવવામાં આવતી. આમ સામો વાર ઝીલવા માટેની ઢાલ તરીકે તથા ચંગીઝખાનના સૈનિકો માટેની રક્ષક દીવાલ તરીકે એ બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો. બાળકો ગુમાવનાર માબાપોએ જ્યારે ચંગીઝખાનને પૂછ્યું કે, ‘શું વાંક હતો, અમારાં બાળકોનો કે એમને આમ નિર્દયતાથી મારી નાખવામાં આવ્યાં?’ જવાબમાં તેણે કહ્યું, ‘ભણેલો માણસ ભૂલો પરથી શીખે છે, જ્યારે શાણો માણસ ભૂલો કરતો જ નથી. હું શાણો છું, આ બાળકો કાલે મોટાં થઈને મારાં દુશ્મન બને, તે પહેલાં મેં એમને મારી નાખ્યાં છે. હવે બાકી બચેલાં લડાઈમાં મરી જશે.’ લાચાર જનતા મનની ભીતર જ લોહીનાં આંસુએ રડી પણ મોંમાંથી એક શબ્દ પણ ઉચ્ચારી ન શકી. સમયાંતરે મસ્જિદનો જીર્ણોદ્ધાર થયો, ત્યારે એનાં પ્રાંગણમાં કત્લ કારયેલ બાળકોની ‘બચ્ચા એ બેગુનાહ’ નામની મજાર બનાવવામાં આવી. દરવેશોએ તથા અહીં આવનાર મૌલવીઓએ લીલાં ને બદલે શ્વેત કપડાં પહેર્યાં ને એમ બાળકોના પવિત્ર આત્માને અંજલિ આપી. મનુષ્યના ઇતિહાસની સૌથી વેદનાજનક પૈકી એક એવી એ ક્ષણ મનની આંખો સમક્ષ તરવરવા લાગી. હું ભગ્ન હૃદયે તથા ઉદાસ ચહેરે ‘બચ્ચા એ બેગુનાહ’ની મજાર જોતી રહી. હવાઓમાં હૃદયને ચીરી નાખતું ક્રંદન ઊભરી આવ્યું. રક્તાશ્રુની સૂકાઈ ગયેલી સરવાણી પુનઃજીવિત થઈ ગઈ જાણે! મજારનું દૃશ્ય સહન ન થઈ શક્યું. એ વાતાવરણમાંથી લગભગ નાસી છૂટતાં કેમ એમ લાગ્યું હશે કે એ ક્ષણે હું વાસ્તવિકતાના અસ્વીકારમાં રેતમાં મોં છુપાવી દેતું કોઈ શાહમૃગ હતી!!