રણ તો રેશમ રેશમ/સરળ સાદગીનું સૌંદર્ય : અમ્માન

(૨૫) સરળ સાદગીનું સૌંદર્ય : અમ્માન

આદિમાનવ ખોરાકની શોધમાં પશુની જેમ ભટકતો હતો ત્યારે તેને વિશાળ નદીઓનો ભેટો થયો. સિંધુ, નાઈલ, ટિગ્રીસ, યુફ્રેટ્સ, યાંગ-ત્ઝી, યલો રિવર વગેરે નદીઓથી તે આકર્ષાયો. ભટકવાનું છોડીને તેને એક સ્થળે ઠરીઠામ થઈને રહેવાનો વિચાર તેને આવ્યો. નદીઓને કિનારે વસીને તેણે ખેતી કરી, પશુપાલન કર્યું અને એમ એ સુસંસ્કૃત થતો ગયો. આશરે દસ હજાર વર્ષ પહેલાં આવા જ એક માનવસમૂહે જોર્ડન નદીને કાંઠે પડાવ નાખ્યો. નદીના ફળદ્રુપ ખીણપ્રદેશમાં તેણે ખેતી કરી. ધરતીએ એની ઝોળી મબલખ પાકથી ભરી દીધી. એટલું ધાન્ય પાક્યું કે તે આસપાસના પ્રદેશમાં વેચી શકાયું. જોર્ડન વૅલીનો આ ફળદ્રુપ પ્રદેશ ‘ફૂડ બાઉલ ઑફ જોર્ડન’ કહેવાયો. પહેલાં એક વસાહત માત્ર હતી તે વિકસતી ગઈ. સમૃદ્ધ થવાનું સપનું લઈને આવતું લોક એમાં ભળતું ગયું. આ પ્રદેશમાં શાંતિથી રહેતો એ માનવસમૂહ ઉદાર અને આતિથ્યસભર હતો. કાળક્રમે મધ્યપૂર્વે અનેક પ્રકારની રાજકીય તથા ધાર્મિક અથડામણો જોઈ. ખાસ કરીને વીસમી સદીના ઉત્તરાર્ધમાં મુઠ્ઠીભર મહત્ત્વાકાંક્ષી મનુષ્યોના હિંસક અત્યાચારોથી બચવા નિર્દોષ લોક અહીંતહીં આશ્રય શોધતું રહ્યું. પહેલાં ઇઝરાયલના આંતરવિગ્રહના નિરાશ્રિતો આવ્યા, ત્યાર બાદ આરબ-ઇઝરાયલ યુદ્ધના પીડિતો, લેબેનોનની સિવિલ વૉરના શરણાર્થીઓ, ઈરાન–ઇરાક યુદ્ધના ત્રસ્ત લોકો, જોર્ડનની શાંતિમાં ઉજ્જ્વળ ભવિષ્ય બનાવવા ઇચ્છાતા ઇરાક, કુવૈત, પેલેસ્ટાઈનના શ્રમજીવીઓ, દરેકને અહીં આશ્રય મળ્યો. છેક રશિયાની સરહદ સુધીના નિરાશ્રિતોને આ નગરે આશરો આપ્યો. વળી અહીં આવીને વસેલા લોકોએ પણ પોતાની આવડતથી શહેરના વિકાસમાં ફાળો આપ્યો. આ રીતે અહીં જે શહેર વિકસ્યું તે અમ્માન. શહેર સ્થપાયું ત્યારે એનું નામ ‘રબ્બાથ અમ્મૉન’ હતું. પછી રોમનોના રાજ્યકાળમાં એ ‘ફિલાડેલ્ફિયા’ તરીકે ઓળખાયું અને પછી છેલ્લે એ પોતાના મૂળ નામ પરથી હાશેમાઈટ કિંગડમ ઑફ જોર્ડનનું પાટનગર ‘અમ્માન’ કહેવાયું. રોમ અને લિસ્બનની જેમ આ શહેર પણ સાત ટેકરીઓ પર વસેલું છે. ચારેકોર વિસ્તરેલા અમ્માન શહેર પર તેની સૌથી ઊંચી ટેકરી પર સ્થિત કિલ્લો – અમ્માન સિટાડેલની ઊંચાઈ પરથી નજર નાંખીએ તો એક તરફ પરંપરાગત બાંધણીવાળું ખીચોખીચ ભરેલું પુરાણું શહેર દેખાય અને બીજી તરફ છેલ્લા દશકોમાં વિકસેલું અને આજે પણ વિકસી રહેલું આધુનિક સ્થાપત્યો અને બહુમાળી મકાનોવાળું નવું અમ્માન દેખાય. પરંતુ આ શહેરની ખાસિયત એ છે કે વિકાસમાં એની અસ્મિતા ખોવાઈ નથી. હજી અહીં મહાનગરની યાંત્રિકતા પ્રવેશી નથી. માણસ અહીં તાણમુક્ત, સહજ અને સરળ લાગે. એનું કારણ કદાચ અહીંના રાજવીઓનું પ્રજા પ્રત્યેનું વાત્સલ્ય તથા સાદગી પણ હોઈ શકે. શહેરમાં ફરતાં ત્યાંનું રૉયલ ઑટોમોબાઈલ મ્યુઝિયમ જોયેલું. આ સંગ્રહસ્થાનમાં રાજકુટુંબ પાસેના વાહનો પ્રદર્શિત કરાયાં છે. તેમાં કેટલાંક પુરાણા સમયના ફોટા પણ મૂકેલા છે. એમાં એક ફોટામાં વરસો પહેલાંનું અમ્માન દેખાય છે, જેની એક ગલીમાં રાજા સાદા પોશાકમાં એકલા ચાલતા જઈ રહ્યા છે! આ મ્યુઝિયમમાં રાજકુટુંબના નમણાં અને જાજરમાન, પરરંભિક અને આધુનિક – તમામ પ્રકારનાં વાહનોને પ્રદર્શિત કરવામાં આવેલાં છે. અત્યંત પુરાણા જમાનાનાં દ્વિચક્રી વાહનો તથા એન્જિનથી ચાલતાં ત્રિચક્રી વાહનો, શરૂઆતના સમયની મોટરસાયકલો તથા મોટરકારોથી માંડીને વિશ્વભરની તમામ અગ્રગણ્ય કંપનીઓની વૈભવી ગાડીઓ ત્યાં જોવા મળી. છેક ૧૯૦૧માં બનતાં પ્રાથમિક કક્ષાનાં વાહનોથી માંડીને સદીની મધ્યમાં બનેલાં વૈભવી વાહનો સહિત અત્યાધુનિક વાહનોનો એમાં સમાવેશ કરાયેલ હતો. ૧૯૩૭ની ટાટાકારથી માંડીને રૉલ્સરોઈસની ફેન્ટમ ફોર મોડેલની જાજરમાન કાર, કૅડીલૅક, ડૉજ, લિંકન, પોન્ટિયાક, ફૉક્સવેગન, ફોર્ડ, ગૌરવશાળી બ્રિટીશ કાર ઍસ્ટન માર્ટિન વગેરે પુરાણા જમાનાની ગાડીઓ ઉપરાંત પોર્શેનું શ્રેષ્ઠ મોડેલ કરેરા, પરીની પાંખો જેવાં બારણાંવાળી ચકચકતી લાલ ફેરારી વગેરે અત્યંત આધુનિક વાહનો પણ હતા. આ ઉપરાંત પુરાણા જમાનાથી માંડીને મેડિકલ સેવા માટે વપરાતાં વાહનો, રણપ્રદેશમાં ચાલી શકે તેવાં લશ્કરી વાહનો પણ ત્યાં જોવા મળ્યાં. જૂના જમાનાની ડુકાતી કંપનીની રણમાં ચલાવી શકાય તેવી મોટરબાઇકથી માંડીને હાર્લે ડૅવિડસન, બૅનેલી, રૉયલ એનફિલ્ડ જેવી અત્યંત આધુનિક મોટરબાઇકો પણ ત્યાં હતી. આ ઉપરાંત ત્યાં રૉલ્સરોઈસ તથા મર્સિડીસ બૅન્ઝ કંપનીઓની લિમિટેડ એડિશન કાર હતી, જે કંપનીએ વિશ્વભરમાંથી પસંદ કરેલ દસ-પંદર વ્યક્તિઓ માટે ખાસ બનાવી હોય. કેટલીક વિન્ટેજ કાર એવી હતી જે દુનિયાભરમાં ત્રણેક જ હોય! અમુક ગાડીઓનાં ચકચકતાં સોનેરી હૅન્ડલો, સોનાની બનાવેલી હોય તેવી હેડલાઇટ એસેમ્બલી તથા ફ્રન્ટગાર્ડ, સોનેરી આરકાવાળી વ્હીલકૅપ વગેરે વાહનને રાજાશાહી અસબાબ બક્ષતા હતા. અહીં દરેક વાહનને જતનપૂર્વક ચકચકતા રખાયા છે. વાહનની સામે તેની માહિતી તો ખરી જ, પરંતુ તેની પાછળની દીવાલ પર જે-તે વાહન કોઈ યાદગાર પ્રસંગે વપરાયું હોય, તેના પોસ્ટર સાઇઝ ફોટા લગાવાયા હતા. પુરાણા સમયનું જોર્ડન, તે સમયનો વાહનવ્યવહાર, ત્યારનાં ગરાજ, વાહનો સમારવાની પુરાણી વ્યવસ્થા વગેરેના ફોટા જોવાની પણ મજા પડી. સૌથી નોંધપાત્ર એ મ્યુઝિયમનું પ્રવેશદ્વાર હતું. પ્રવેશદ્વારના પારદર્શક કાચના દરવાજા પર ઝાંખા સફેદ રંગની રેખાઓથી કોઈ વિન્ટેજ કારની હેડલાઇટ્સ સાથેના ફ્રન્ટ વ્યૂનો સ્કેચ દોરવામાં આવ્યો છે જે જોતાં એમ જ લાગે કે સામે કોઈ પુરાણી કાર ઊભેલી છે! આ પહેલાં જર્મનીમાં મર્સિડીસ બેન્ઝ કંપનીનું કાર મ્યુઝિયમ જોયેલું અને આજે આ જોર્ડનનું રૉયલ ઑટોમોબાઈલ મ્યુઝિયમ જોવા મળ્યું. બંને અલગ છતાં પોતપોતાની રીતે અજોડ. સાત ટેકરી પર વસેલા એ શહેરની સૌથી ઊંચામાં ઊંચી ટેકરી પર અમ્માન સિટાડેલ છે. પુરાણા સમયના એ અવશેષો તો આકર્ષક છે જ, પરંતુ એ ટેકરીની ટોચ પરથી દેખાતું અમ્માનનું રૂપ પણ આસ્વાદ્ય છે. આ પરિસરનું અસ્તિત્વ ઈ. સ. પૂર્વેની સદીઓ પુરાણું છે. સ્વાભાવિક રીતે જ તે વિવિધ યુગોમાં વિવિધ શાસકોની અસર તળે આવ્યું. મજાની વાત એ છે કે દરેક કાળના દરેક જાતિના રાજ્યકર્તાઓએ તેને પોતપોતાની રીતે સજાવ્યું અને સંવાર્યું છે. કિલ્લાની વચ્ચોવચ એક વિશાળ મંદિરનું ખંડિયેર છે. ગ્રીકો-રોમનકાળના એ મંદિરના અધિષ્ઠાતા દેવ હરક્યુલિસ છે. મંદિરના સ્તંભોની પાસે એક આંગળીઓ સાથેના કાંડાનો અવશેષ જોવા મળે છે. આ અવશેષનું કદ એટલું મોટું છે કે તે પરથી અંદાજ મૂકવામાં આવે છે કે આખું પૂતળું તેર મીટર ઊંચું હોવું જોઈએ. ગ્રીકો-રોમન કાળનાં સૌથી મોટાં પૂતળાં પૈકીનું આ એક. આ પૂતળાં પરથી સમજાય છે કે ભૂતકાળમાં અહીં બળ અને શક્તિના દેવતા હરક્યુલિસનું દેવાલય હતું. પરિસરમાં આગળ જતાં એક ચર્ચનું ખંડિયેર દેખાય છે. પહેલી નજરે બધાં જ અવશેષો એક સરખાં લાગે, પણ અમારા ગાઇડ તલાલે સમજાવ્યું કે, પેલું પૂર્વાભિમુખ છે એટલે એ ગ્રીક દેવતાનું મંદિર હશે એમ ચોક્કસપણે કહી શકાય અને આનું પ્રવેશદ્વાર પશ્ચિમમાં ખૂલે છે એટલે એ બાઈઝેન્ટાઈન કાળનું ચર્ચ હતું તેવું સાબિત થાય છે. વળી ગ્રીકો-રોમન મંદિરોની છત ઊંચી હોય, પણ ક્યારેય તે બહુમંજલા નથી હોતા, તે પણ તેણે જ સમજાવ્યું. પાછળ એક મહેલના અવશેષો હતા, જે મુસ્લિમ રાજ્યકર્તાઓએ બનાવેલો હતો. તેની અંદરની દીવાલો કોતરણીથી ખીચોખીચ ભરેલી બતાવી તલાલે સમજાવેલું કે ઇસ્લામમાં આદેશ છે કે મનુષ્યે ખાલી નવરા બેસવું ન જોઈએ. માટે સતત કાર્યરત રહેવાના પ્રતીક રૂપે આ દીવાલો પર ખાલી જગ્યા નહીં દેખાય અને આ હકીકત સાબિત કરે છે કે આ મહેલ મુસ્લિમોએ બાંધ્યો હતો. આમ એક જ પરિસર સમયના પ્રવાહમાં ગ્રીકો-રોમન, ખ્રિસ્તી અને મુસ્લિમ રાજ્યકર્તાઓની અસર તળે ઘડાયો હોવાના અણસાર આ સિટાડેલમાં સાંપડે છે. સિટાડેલના પરિસરમાં સ્થિત મ્યુઝિયમને જોતાં પણ આજ વાત સ્પષ્ટ થાય છે. આનંદની વાત એ છે કે આ તમામ સ્થાપત્યો વચ્ચે સંવાદિતા દેખાય છે. કોઈએ કોઈને નુકસાન કરીને નહીં, પોતાની આગવી કલાથી નૂતન સર્જન કરીને પરિસરને સજાવ્યો છે. સુખ-શાંતિ અને સંવાદિતામાં સર્જનાત્મકતા પાંગરતી હોય છે તે હકીકતની પ્રતીતિ ફરી એક વાર અમ્માનના સિટાડેલમાં થઈ રહી છે. મહેલના ચોગાનમાંથી એક તરફ જૂનું અમ્માન અને બીજી તરફ નવું અમ્માન દેખાઈ રહ્યું છે. જૂનું અમ્માન ટેકરી પર ખીચોખીચ પણ સુરેખ એવા મકાનોથી છવાયેલું દેખાયું, સાંકડા રસ્તા પર વહી જતા ટ્રાફિક વચ્ચે રોમનકાળનું એમ્ફિથિયેટર પણ દેખાય છે. રોમનો હોય અને તેમનું પ્રેક્ષાગૃહ ન હોય તેવું બની જ ન શકે. ગ્રીસના એથેન્સમાં જોયેલું આવું ડાયોનિસસનું થિયેટર યાદ આવી ગયું, સાથે સાથે ડાયોનિસિયન ફ્રેન્ઝીમાં બકરાની ખાલ ઓઢીને નાચતા ગ્રીક કલાકારો પણ યાદ આવી ગયા. નીચે દેખાતા પે..લા ઓપન એર થિયેટરમાં પણ એવાં જ દૃશ્યો સર્જાયાં હશે ને! નવા અમ્માનમાં આધુનિક ટૅક્નૉલૉજીથી બંધાયેલી બહુમજલા ઇમારતોની આસપાસ વિશાળ રસ્તાઓ પથરાયેલા છે. દૂર એક અત્યંત ઊંચા થાંભલા પર આખા શહેરથી ઉન્નત મસ્તકે જોર્ડનનો રાષ્ટ્રધ્વજ ફરફરી રહ્યો છે. અમે ઊભાં છીએ તે ચોકમાં મુઠ્ઠી વાળેલો હાથ ઊંચો રાખીને ઊભા રહેવાનું કહેતાં ધ્વજને હાથમાં ધરીને ઊભાં હોઈએ તેવો આભાસ ઊભો કરતો ફોટો તલાલ પાડી આપે છે. પેલો તાજમહાલ પર હથેળી મૂકી હોય તેવો કે પછી પિસાના ઢળતા મિનારાને ટેકો આપીને પડતો અટકાવતાં હોઈએ તેવો ફોટો પાડેલો ને તેવું જ અહીં જોર્ડનના ધ્વજનું ધારણ કરવું!