રમણીક અગ્રાવતની કવિતા/કવિ રમણીક અગ્રાવતનો રમણીય કાવ્ય-વિસ્તાર

કવિ રમણીક અગ્રાવતનો રમણીય કાવ્ય-વિસ્તાર – યોગેશ વૈદ્ય

કવિ રમણીક અગ્રાવત આપણી ભાષાનો ત્રણ દાયકાથી પણ વધુ સમયથી સતત પ્રવૃત્ત રહેલો અને નિજી મથામણમાં રત રહેલો ગઝલેતર કવિતાનો આગવો કવિ-અવાજ છે. આ કવિ ૧૯૯૧માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્ષણકમળ’ આપે છે. ત્યાર બાદ ‘વહી જતા આભાસનાં રેખાચિત્રો’ ૧૯૯૫માં પ્રગટ થાય છે. તે પછી ‘અવસર આવ્યા આંગણે’ (૨૦૦૯) અને ‘વાદ્યોમાં હું રણકાર છું’ (૨૦૧૮) નામના સંગ્રહો મળે છે, જેમાં કાવ્યો સાથે તેમને ઉઘાડાતા ગદ્યખંડો પણ સમાવિષ્ટ છે. ૧૯૨૧માં કવિનો ‘અંતરીક્ષમાં લટકતી સીડીઓ’ નામક માતબર કાવ્યસંગ્રહ આવે છે જે કવિને ખાસ્સી પ્રતિષ્ઠા અપાવે છે. ગુજરાતી કવિતા ક્ષેત્રે સતત કામ કરી રહેલા આ નિષ્ઠાવાન કવિએ કાવ્યાનુવાદ અને કાવ્ય-આસ્વાદનાં પુસ્તકો પણ આપ્યાં છે. ગુજરાતી કવિતામાં આ કવિએ ધીમેધીમે પોતાનો એક અલગ અને મક્કમ અવાજ ઊભો કર્યો છે. અહીં કવિ રમણીક અગ્રાવતની અત્યાર સુધી પુસ્તકોમાં પ્રગટ થયેલી સમગ્ર કાવ્યસૃષ્ટિને તપાસવાનો અને ભાવનનો ઉપક્રમ છે. તેમની સર્જન-સફરના પડાવ સમા બધા કાવ્યસંગ્રહોમાંથી પસાર થતા જે કંઈ સ્પર્શી ગયું છે, નોંધપાત્ર લાગ્યું છે તેનું એક ભાવક તરીકે કરેલું આકલન આપ સમક્ષ મૂકી રહ્યો છું. ક્ષણકમળ : ૧૯૯૧માં પ્રગટ થયેલો કવિનો આ પ્રથમ કાવ્યસંગ્રહ. પાનાં ફક્ત ૪૦ જ, પણ સાહિત્યમાં પોતાના પ્રાગટ્યની હાજરી પૂરાવતી ઘણી કવિતાઓ અહીં આપણને મળે છે. આમ પણ કોઈ કવિનો પ્રથમ કાવ્યસંગ્રહ કવિની સર્જકતાના મૂળનો, કુળનો, કહો કે DNAનો અણસાર આપી દેતો હોય છે. ગુજરાતી કવિતામાં આધુનિકતાનાં પૂર ઓસરી રહ્યાં હતાં અને અનુઆધુનિકતાનું ભળભાખળું થઈ રહ્યું હતું તેવા સંધિકાળની કવિતાઓ અહીં જાણે ધૂમિલ આકાશમાં પોતાની છાપ ઉપસાવવા મથતા તારોડિયાની જેમ ચમકારા કરી જાય છે. અહીં ‘જર્જરિત ચંદ્ર માંદલું જોયા કરે’ અને ‘સદીઓનાં ઘડિયાળો મૂંગામસ’ (નિશાચર) જેવી પંક્તિઓમાં કે ‘બપોરનું રેલક્રોસિંગ’ નામક આખી કવિતામાં આધુનિકતાની સ્પષ્ટ છાપ ઊપસી આવે છે તો સામે ‘સન્ધિરેખા’ (ચીકણી પિંડીઓમાં ખૂંચી ગયો વિકળ થાક/ ભીની ભીની રેતમાં/ ચોંટી રહ્યું ક્ષીણ ફીણ) અને ‘તિથલ’ કાવ્યમાં કવિ પેલી આધુનિકતામાંથી બહાર નીકળીને જરા નોખી કવિતા સિદ્ધ કરવા મથતા કળાય છે. આ મથામણ સંગ્રહના ‘બા’ કાવ્યમાં કેવી સુરેખ અને સબળ અભિવ્યક્તિ પાસે આપણને લઈ જાય છે, જુઓ : ‘ક્યારેક મારી બા હસી પડતી/ ત્યારે એના ચહેરા પર જે આભા પથરાઈ વળતી/ તેવા ચળકતા લાલ રંગનું ઘર/ દૂર દૂર દેખાય છે’, ‘ગ્રીષ્મ’ કાવ્યમાં પણ ‘બૂ નીતરે પરસેવાની/ પીધા કરે પડછાયા/આંધળી ચાકણ જેવાં વૃક્ષો જેવી પંક્તિઓ પછી કવિ ‘અજવાળાનો ભારે કોથળો ખભે ઊઠાવી/ એક ડોહો/ વૈશાખી ટેકરી ઉતરતો/ હળવે હળવે ઓ જાય...’ તેમ કહીને કવિ ગ્રીષ્મનું સુંદર કાવ્યનિરૂપણ કરી આપે છે. આ કાવ્યસંગ્રહના ‘વૃક્ષો : જે કદી લીલાં હતાં’ કાવ્યગુચ્છનાં કાવ્યો તેની અભિવ્યક્તિને લઈને નોખાં તરી આવે છે. ‘અડતાં અડતામાં’ કાવ્યમાં ‘કે મને ઊંઘ આવે છે બૌ’-ના આવર્તનો વચ્ચે કવિ એક સુંદર કાવ્યઘાટ રચી આપે છે : ખૂલું ખૂલું થતી/ કર્‌ ર્‌ ર્‌ ર્‌/ અટકી આ ડેલી/ અડતાં અડતામાં અટક્યાં આ ટેરવાં/ નાકતે ઘસાતું કૈં ખડું ઘ્રાણપ્રાણમાં/ બારી અધવચ્ચ ટીંગાયું લીલું વાદળું/ કે મને—. આ અને આવા કાવ્યકલાપ કવિ દ્વારા આગળ જતાં અન્ય કાવ્યસંગ્રહોમાં વધુ વિકસે છે, વિસ્તરે છે. કવિના છેલ્લા કાવ્યસંગ્રહ ‘અંતરીક્ષમાં લટકતી સીડીઓ’ની ઘણી કવિતાઓનાં મૂળ ‘તિથલ’, ‘બા’ અને ‘ગ્રીષ્મ’ કાવ્યોમાં નંખાઈ પડ્યાં હોય તેવું પામી શકાય છે. ‘સંતાર વાગે સે’ એ ગીતનું પોત કવિ પાસેથી બીજાં બળકટ ગીતોની અપેક્ષા જન્માવી જાય છે પણ કવિ ગીતોમાં વધુ કામ કરતા નથી જણાયા. વહી જતા અભાસનાં રેખાચિત્રો : દરેક ભાષા, સાહિત્યમાં કોઈ એક સમયે તેનાં વિષય-વસ્તુઓ, શૈલીઓ અને રચનારીતિને લગતા કોઈને કોઈ નિશ્ચિત પ્રવાહો સક્રિય હોય છે. સર્જક જાણ્યે-અજાણ્યે તેમાં વહી જતો હોય છે. પણ તેનાં આ વહેવાની વચ્ચે વચ્ચે સાચો સર્જક જોરાયતો થઈને પોતાનું માથું કાઢીને પોત પ્રકાશે જ છે. ‘વહી જતા આભાસના રેખાચિત્રો’ કાવ્યસંગ્રહનાં ૬૬ પાનાંઓમાં મળતી ૫૦ કવિતાઓમાંથી આવી માથું કાઢતી ઘણી કવિતાઓ આપણને મળી આવે છે તેનો આનંદ થાય છે. ‘ખોદ્યા કર્યો છે આયનો આયનાની બહાર’ એ (તે સમયે ખૂબ લખાતી) અરીસા વિશેની કવિતાઓનો ગુચ્છ છે અને તે દ્વારા અસ્તિત્વબોધ પામવાની કવિની મથામણ સુપેરે આલેખાઈ છે. કવિ કહે છે : ‘આડત્રીસ આડત્રીસ વરસ પછી નીપજેલી/ મારી સ્થિતિ/ એક ઝાટકે કેમ સમજાવું?/ તમારી સ્થિતિ લગોલગ/ એને રહેવા દો/ચૂપચાપ.’ તો ‘પાંચ હજાર વરસથી કાચ-પેપર ઘસ્યા કરું છું આયના પર/ ઝાકળપડ ભૂંસવા..’ દ્વારા આ મથામણ કાવ્યત્વ પામે છે. ‘પોપટ’ એ આ સંગ્રહની નોંધપાત્ર કવિતા છે. બીબીની પોચી હથેળીમાં ચાંચ ઘસીને’ મઝા મઝા બોલતા, રીઝતા, ખીજતા, લાલ લીલાં મરચાં ખાતા, જામફળ ચાખતા, સફરજનને ટોચો મારતા પોપટની મઝાને કવિએ આબાદ પકડી છે. દસ અબજ દસ કરોડ દસ લાખ નિશાળોમાં ઘૂંટાઈ રહ્યો છે આ મઝાનો મ! મઝાના મ-ની તસ્બી ફરે. પાંજરે પૂરાયેલો પોપટ જો ભૂલથી પાંજરાની જાળી ખૂલી રહી જાય તો જાતે વાસી આવે! ‘પોચી હથેળીનો પોઢણહાર ઘૂંટે મઝા કાંય! ( આ ‘કાંય’ શબ્દનો લહેકો માત્ર પાછો કવિતાને વેંત એક વધુ ઊંચાઈ આપે!) માણસજાતની ‘મઝા’ને ખૂબ ઘેરી ઘૂંટીને, કાળા કટાક્ષમાં કાલવીને કવિએ અહીં ધારદાર રીતે રજૂ કરી છે. કહેવત બની ગયેલી પોપટ ભૂખ્યો નથી...ની ઉક્તિને કવિએ નવા છેડાથી ઉપાડીને અહીં કવિતા સિદ્ધ કરી છે. આવી જ બીજી એક કવિતા ‘કાગવાણી’માં કવિ ‘જાવ કાબરબાઈ કાલ સવારે આવું છું’ની ઉક્તિમાંના કાબરની પ્રતીક્ષાને સફળતાપૂર્વક કવિતામાં ઢાળી છે. ‘વાત બહાર જાય નહીં’માં વાતની ગોપીતતા જાળવવાના પ્રયત્નોને કવિએ ઝીલ્યા છે. ઘરે ઘરે માટીના ચૂલામાં ભડભડ્યા કરતા સનાતન રહસ્યાગ્નિને આલેખતા કવિ આવી ઉપમા આપે છે : ‘દાઢી કરી લીધા પછી/ કાનમાં ચોંટેલાં સાબુફીણમાં/ ઝીણા ઝીણા ઝીણા દરિયાઈ શંખ ગૂંજ્યા કરે એમ/ મિત્રોનું નકામું રહસ્ય કાનમાં વાગ્યા કરે/ અવારનવાર’ અહીં ત્રણેક છાંદસ રચનાઓ પણ મળે છે જેમાં કવિ સબળ અભિવ્યક્તિ સાધી શક્યા છે. ‘મદિરા’ કાવ્યના આ બે બંધ જુઓ : ‘અંધારાને ભૂંસવા ઝૂઝે ચંદ્ર અધીર/ ઝાડ તળેની ચાંદની ડહોળે ઝટ સમીર’ અને ‘સન્નાટાના સાપને ચઢિયા ઘેન મદીર/ જળ જપ્યાં દશ દિશના કાળવતીને તીર.’ કવિ આવી છાંદસ કવિતાઓમાં હજુ વધુ કામ કરી શક્યા હોત જે થઈ શક્યું નથી. શહેરી જીવનની ભીડમાં હિજરાતા, ટોળાંઓમાં કચડાતા કવિ ‘ફરી ફરી’ કાવ્યમાં આત્મનિવેદન કરે છે : ‘ફેંદાયેલાં ભૂખરાં વાદળ જેમ/ શેરીઓમાં ઢસળી પડ્યાં આંખોનાં ડોળા/ ટોળાં આવે છે/ આખી શેરીમાં લંબાઈને પડેલા મારા હાથ કચડતાં/ ટોળાં આવે છે.’ તો ‘ઉત્ખનન’ કાવ્યમાં કવિના મનનું ઉત્ખનન ટ્રેનની ધસમસતી ગતિમાં શરૂ થાય છે અને અને અંતે હાથમાં આવે છે જ્ઞાનની શાંત ઘડી. અહીં અતિવાસ્તવવાદની (Surrealism) નજીક જઈને થતી કવિની અભિવ્યક્તિ આ કાવ્યોને થોડાં અલગ પાડે છે. ‘વિદાય, મિત્ર’ કાવ્યમાં પણ કવિ પગમાં છૂપાં કળતરની લાગલી થયેલી ભાળ લઈને રેલ્વેસ્ટેશન પર ઊભેલા મળે છે : ‘છેલા ડબ્બાના ફૂટબોર્ડ પર/ અચાનક કોઈ દોડતું આવી અટકી ગયેલું કે –/ –કે હજી આ હમણાં કોઈ પાછળથી ખભે હાથ મૂકી/ ચમકાવશે?’ આ આવનારાં ચાલ્યાં જાય છે ત્યારે તેમને છોડીને ઘરે પાછા ફરતા કવિને સન્નાટો કંઈ આ રીતે ઘેરી વળે છે : ‘આળી થયેલી ચામડીને અડકતાં બીક લાગે એમ/ થથરી જવાય બારણું પકડતાં/ ઓરડાની દીવાલો પહેરાવી દે/ એ જ સન્નાટો જેના ડરથી આમ ભાગતો ફરું છું.’ સંગ્રહના અંતભાગમાં કેટલીક સૌન્દર્યમંડિત ચિત્રાત્મક કવિતાઓ આપણને મળે છે. ‘સ્નાન’ કાવ્યમાં આલેખાયેલા નદીમાં ખાબકેલા રાતના આકાશનું આ રમણીય દૃશ્યનિરૂપણ જુઓ : ‘દિવસભરના અવાજનો કદડો/ ફરી ધીમું ધીમું ડખોળતો રહ્યો રાતને.../ પાંચ સાત ઉતાવળાં નક્ષત્રો વહેલાં વહેલાં ચઢી ગયાં/ ઊંચે/ તો ય ન્હાતું રહ્યું આકાશ / ધબેડિયો તારો નીકળી આવ્યો બરકતો/ ઘણું નો’તું જવું પણ/ ટિંટોડીએ ચાંચથી ધકેલ્યું બેશરમને.’ તો ‘ઘરે જતાં’માં થાક્યાપાક્યા ઘરે પહોંચેલા કવિ ગળું ખંખાળીને પત્નીના હેતને ઘટકઘટક પીએ અને પછી લાગેલા થાકના ભાગલા પડે – અડધો થાક પરસાળના હીંચકે, અડધો કાલીઘેલી પૂછતાછમાં અને વધ્યોઘટ્યો ભેગો આવે સપનામાં! કાવ્યોમાં મૌલિક ચિત્રાત્મકતા ઊભી કરીને એક રમણીય ભાવપ્રદેશમાં ભાવકને એકલો છોડી મૂકવાની આવડત આ કવિને હસ્તગત છે. તેના નમણા પુરાવા આ સંગ્રહનાં ‘સાદ’, ‘ગામ’, ‘ઘરે જતાં’, ‘ઘરભણી’ અને ‘સ્નાન’ કાવ્યોમાંથી વિશેષ મળી આવે છે. પરિવેશનું કાવ્યાત્મક ચિત્રણ જ આખાં કાવ્યોને ઊંચકી લે છે અને કાવ્ય ભાવકના મનોજગત પર છવાઈ જાય છે. આવી કવિતાઓ આ કાવ્યસંગ્રહનું ખરું હાસિલ બની રહે છે. કવિને તેમની આ આવડતને આગળ ઉપર પણ ખૂબ કુશળતાથી નિયોજતા પામી શકાય છે. ‘અવસર આવ્યા આંગણે’ અને ‘વાદ્યોમાં હું રણકાર છું. મૂળ કાવ્યપ્રવૃત્તિની સમાંતરે કવિ ‘અવસર આવ્યા આંગણે’ અને ‘વાદ્યોેમાં હું રણકાર છું’ નામક એવાં બે કાવ્યસંચયો/ કાવ્યસંગ્રહો આપે છે જે કોઈ એક વિષયવસ્તુને સમર્પિત હોય. પહેલાં વાત કરીએ ‘અવસર આવ્યા આંગણે’ વિશે. ઘરે દીકરાનાં લગ્ન લેવાયાં છે અને કવિ આ પુસ્તકના મંડાણ કરે છે. આપણી લગ્નવિધિઓ અને આપણાં લગ્નગીતો એ આપણો અમૂલ્ય સંસ્કૃતિ-વારસો છે. લગ્નગીતોની સહજ ગેયતા, ભાવ પ્રમાણે વહેતા ઢાળ અને તેનું લોક દ્વારા ઘડાયેલું ભાષાપોત એ અલગ જ અભ્યાસના વિષય છે. આપણા જૂનવાણી લગ્નગીતોના લય-ઢાળ એ મધના વહેણ જેવા ધીરા પણ ખરા અર્થમાં ભમ્મરિયા વહેણ હોય છે. અહીં કવિ કંકોતરી લખવાથી શરૂ કરીને કન્યાવિદાય અને કોડી-રમત સુધીની બધી જ વિધિઓનાં ગીતો વહેતાં મૂકે છે. સાથે સાથે વહે છે આ દરેક પ્રસંગને ઉમળકાથી પોતાની સાથે ‘સાજન માજન સામટા’ કરીને ચાલતો કવિનો ગદ્ય-ઉન્મેષ. પ્રચલિત લગ્નગીતોની વચ્ચે કવિએ કેટલાંક મૌલિક લગ્નગીતો પણ આપ્યાં છે તેનો ઉલ્લેખ મને આ સંચયમાં સમાવેશ કરવો જરૂરી જણાયો છે. આ મૌલિક લગ્નગીતોમાં કાવ્યાત્મક અભિવ્યક્તિ પામતી કેટલીક ગીત કડીઓને ટાંકીએ તો : ‘અભરે ભરી માંડ્યું ઊટકી/ રાંધણિયે કર્યાં રોગાન/ ધોળી ભીંત્યું ધોળ્યા ઓરડા/ ઊટકી લીધા જૂના વેવાર’ (સાંજી) ‘મરચાં મૂકી પોપટ ચાંટે મારી આંગળિયું/ ચાંટતાં આંગળિયું પોપટ ના ધરાય’ (પોપટ) ‘એક થાપામાં મૂક્યું બાળપણ જી રે/ બીજા થાપામાં માનાં હેત જો/ પગલાંમાં પગલું મૂકી નીસરી જી રે...’ (કંકુથાપા) ‘કોડી ભૂલી પડી એક પળમાં/ એકલી અટકી પડી અટકળમાં/ ગુંથાતાં ટેરવાં ઓચિંતા જાગે/ વીજળીયુંની ત્રમઝટ મચી હો જી.’ (રમતરંગ ) એકંદરે લગ્નગીતના પોતને જાળવીને કવિ ભાવોચિત કાવ્ય-વિસ્ફાર દાખવી શક્યા છે. અહીં મળતાં કવિનાં મૌલિક લગ્નગીતોને અને તેની સમાંતરે ચાલતા ગદ્યને માણતા આપણને એક વિચાર પણ આવે છે કે કવિ અહીં બધાં જ મૌલિક લગ્નગીતો આપી શક્યા હોત. અને જો આવું થયું હોત તો ગુજરાતી ગીત કવિતામાં એક સોળવલ્લું ઘરેણું ઉમેરાયું હોત! આવો જ બીજો કાવ્યસંગ્રહ તે ‘વાદ્યોમાં હું રણકાર છું’. આપણે ત્યાં ચિત્રકળા પર, નૃત્ય પર, શિલ્પ પર ઘણી કવિતાઓ લખાઈ છે પણ કોઈ એક કળાને કેન્દ્રમાં રાખીને આખો કાવ્યસંગ્રહ થયો હોય તેવું મારી જાણમાં નથી. સંગીત એ કવિતા પછી આ કવિનો બીજો ઊંડા રસનો વિષય રહ્યો છે. કવિ સંગીતના એક સજ્જ શ્રોતા અને તળના ભાવક રહ્યા છે. સૃષ્ટિના કણકણમાં વ્યાપેલા અખંડ સંગીતને પામવાની કવિની મથામણ અહીં સુપેરે પ્રગટ થઈ છે. તેમનો આ સંગીત સંસર્ગ કવિને તો સમૃદ્ધ કરે જ છે, કવિતા દ્વારા આપણને પણ પૂરેપૂરા સંડોવે છે. સંગીતનાં વાદ્યોની કવિતાઓ કરતાં કરતાં કવિનો ઉદેશ્ય તો મૂળ રૂપે પેલા સૂક્ષ્મ સૂર અને તાલને ઝીલીને કવિતામાં ઉતારવાનો જ રહ્યો છે. શરણાઈ, વાંસળી, હાર્મોનિયમ, તબલાં, મંજીરાં, સિતાર, સરોદ, મૃદંગ, સંતૂર, પિયાનો, સ્વરમંડળ, પખવાજ, ઈસરાજ, વોયોલીન, સેક્સોફોન, રાવણહથ્થો, રણશિંગું, ભૂંગળ, ડાકલું. ડફ... અરે નોબત, મોરચંગ, શંખ, ઝાલર હારે બે ચપટા પથરા કે લાકડાના ટુકડાઓથી વાગતી ટપટપીની કવિતાઓ કવિ આપે છે. સંગીતને, તેના વાદ્યોના અમૂર્ત રૂપને પામવાનો અને શબ્દબદ્ધ કરવાનો કવિનો એક સાચુકલો પ્રયત્ન અહીં મહદઅંશે સફળતાથી પાર પડતો જણાય છે. કવિના આ આગવા ઉપક્રમ દરમ્યાન આપણને મળતી નમણા નકશીકામવાળી કેટલીક કાવ્યપંક્તિઓ પાસે તમને લઈ જાઉં છું : શરણાઈમાં ગુંજતો બપૈયાનો ટહુકાર કવિએ કેવો આબાદ ઝડપ્યો છે! – ‘ગરમાળાનાં પીળા ઝૂમ્મરોમાં ઝગી ઊઠે/ બપૈયાનો વલોવી મૂકતો ટહુકાર’ (શરણાઈ). તો હાર્મોનિયમના ખરજના સૂરો અને આપણી ભીતરે ફફડતાં પંખીના ફફડાટનું આ સાયુજ્ય જુઓ : ‘આપણામાં વેળા-કવેળા જાગી જતાં/ વ્યાકુળ પંખીઓની પાંખોના ફફડાટમાં/ ઊંડે ઊંડે/ ક્યાંક/ બજી રહ્યું છે હાર્મોનિયમ’ (હાર્મોનિયમ), સરોદના તાર પરથી છેડાતા તીવ્ર સૂરો જે તુંબીની દુંટીમાંથી નીકળ્યા છે તે કાન પરથી ઘસરકો કરે અને રોમેરોમથી વિદ્યુત પ્રવાહ વહી જાય : ‘તુંબીની દુંટીમાંથી ઊઠે ગુંજતો ટંકાર../- જાગી પડે જારીક છેડતામાં/ તાર તાર વચ્ચેના અવકાશમાં સંભરેલી / વ્યાકુળતા/ કાનને ઘસાઈને ઝબકાવી જતો/ મધુ કંકણસ્વર વિદ્યુતક્ષણમાં’ (સરોદ). કવિ જેને શોધી રહ્યા છે તે તાલબીજ ક્યાંક ઊંડાણમાં ઢબૂરેલું છે. રાહ જોઈ રહ્યું છે કોઈ ટેરવાના ઠપકારા માત્રની! ‘સ્વરોને ઢબૂરી ઠરેલી માટી/ આંગળીને ઠપકારે/ ઝબકી જાગે../- શ્રુતિસ્તરોનાં ઊંડાણમાં/ આકુલવ્યાકુળ તાલબીજ’ (મૃદંગ). સંતુરના તાર પરથી સૂર ઢગલીઓને વેડતી દોડી જતી આ ઉત્ફૂલ્લ પગલીઓની કેવી ચિત્રાત્મક રમણા? : ‘શ્વાસ શ્વાસ વચ્ચે મૂકી સૂર ઢગલીઓ/ દાંડીને આછોતરે ટકોરે દોડી પડી/ આ કોની ઉત્ફૂલ્લ પગલીઓ?’ (સંતુર). તો સારંગીના ગજનો ઘસરકો આપણી ભીતરે ક્યાં ક્યાં તીણી સૂરરેખા આંકી જાય છે? : ‘વેદના ઠરી બન્યું વાદ્ય/ ઠરી ચૂકેલી પીડા/ ગજને ઘસરકે થાય વહેતી/ અર્થોના કાચિયાઓને તાણી જાય /વહેતા સ્વરો / ચીમળાયેલા ગજરાના/ ડમરાની ચકચૂર ગંધમાં ઘૂંટાય/ મોડી રાતના ઘેનમાં અમળાતી ટિટોડીની વ્યાકુળતા’ (સારંગી). કવિએ અહીં તેમની પંચેન્દ્રિયોથી સંગીતને સંવેદ્યું છે, વાદ્યોને સૂક્ષ્મ નજરે પેખ્યાં છે. કવિએ જ્યારે અહીં વાદ્યોની સાથે જોડાયેલા માનવીય સંદર્ભોને, અનુભૂતિઓને આલેખવાનું વલણ દાખવ્યું છે ત્યારે આપણને વધુ રૂડાં પરિણામો પ્રાપ્ત થતાં જણાયાં છે. ‘રાવણહથ્થો’ની આ પંક્તિઓ જુઓ : ‘પિયરને પાણીશેરડે ભુલાઈ ગયેલાં પગલાં/ રંગોળી પૂરતાં આડે હાથે મૂકાઈ ગયેલા ઓરતા/ સંજવારી કાઢતાં કાઢતાં ક્યાંક વાળી મૂકેલી સાંજો/ ફળિયું લીંપતાં ગોરમટી માટીમાં આળેખેલાં સપનાં/ ડેલીમાં ડાબે હાથે કંકુથાપામાં પોતાને મૂકી ચાલી નીકળવુંઃ/ ગાઈ દેશે બધું રાવણહથ્થો.’ ‘નગારું’ કાવ્યના આ દૃશ્ય પણ નગારું કેવું સુપેરે ચીતરાયું છે! : ‘ભખભખે રાંધણિયાં, મઘમઘે ધૂપ/ આંગણે આંગણે તુલસીક્યારે ઝગે દીવડા/ ટેકરીઓ પગ બોળી નદીમાં/ ઊતારે દિવસનો થાક/ પાદર પૂગતાં પૂગતાં/ આખેઆખું આભ સંકેલાય/ પંદપંદથી બજાવે તાળી પીપળા/ ઝાંખીપાંખી દિશાઓ ઢંઢોળતાં ગાજે નગારાં ઘોર’. તો આવી જ રીતે ડાકલા સાથે જોડાયેલી લૌકિક માન્યતાઓ દ્વારા ‘ડાકલું’ ચિતરતા કવિ કહે છે : ‘ચાંદનીના ઊજળા પાલવમાં/ ડાઘ જેમ ફેલાય/ ઘુવડની હૂક/ ચીબરીના ખિખિયાટાની સીડીએથી/ ઊતરી પડે/ પતરાં પર અડદના દાણા જેમ વેરાતો છમ્મકાર’. આ ઉપરાંત ‘ઢોલ’, ‘ઘૂઘરા’, ‘ભૂંગળ’ વગેરે કાવ્યોમાં પણ આવું સફળ સાયુજ્ય સધાયું છે. અંતે સંગ્રહના શીર્ષક-કાવ્યમાં વ્યક્ત થયેલું સ્વર-તાદાત્મ્ય હું જેને નહીં નોંધી શક્યો હોઉં તે વાતો કહી જાય છે : ‘સ્વરનાડીઓમાં ધખધખે અજંપ લય/ સ્વર સિવાય કશું જ સૂઝતું નથી આંખને/ કાન હવે નહીં અન્ય કૈં અન્ય કામના/ ઘૂમરાતા ઘોષમાં ધીમું ધીમું ગરજતા શંખ એ/ હાથ જાણે તડિંગ વીંઝાતી દાંડી નગારાની/ કે ઢોલ પર ઢળેલી રમ્ય થાપ/ નર્તન-ચકચૂર પગ થયા ઘૂઘરાને હવાલે.’ ‘અંતરીક્ષમાં લટકતી સીડીઓ’ ૧૯૯૮થી ૨૦૨૧ સુધીમાં લખાયેલાં કવિનાં કાવ્યો અહીં સંગ્રહિત થયાં છે. આ કાવ્યસંગ્રહ એ કવિની સાહિત્યસફરનો મહત્ત્વનો અને નોંધપાત્ર મુકામ છે. અગાઉના કાવ્યસંગ્રહોની સરખામણીએ અહીં સંખ્યા અને ગુણવત્તામાં ખૂબ સમૃદ્ધ કાવ્યો આપણને પ્રાપ્ત થાય છે કાવ્યસંગ્રહની પ્રસ્તાવતામાં કવિએ ત્રણ કાવ્યોનું એક ગુચ્છ મૂક્યું છે. આ કાવ્યો જ કવિની કાવ્યવિભાવનાના દ્યોતક છે જે વિભાવના આ આખા કાવ્યસંગ્રહનાં સુપેરે વિસ્તરી છે. એ વિભાવનાઓને ઝીલતી પંક્તિઓને નોંધીએ : ‘શબ્દ એક વિરામ છે/ શરૂઆત પહેલાંનો/ શબ્દ એક તંતુ છે/ અનેક આરંભોમાં લંબાતો/ વિલસતો રૂપરમણામાં.’ ‘શબ્દનો ઘુઘવાટ શમી રહ્યા પછી/ વારે વારે કાંઠાને ભીંજવતી વાછંટમાં/ છંટાતું રહે ફરી સંવેદન.’ ‘અધ્યાહાર અર્થો/ નિરાકારપણામાંથી મુક્ત થવા/ સદા આતુર હોય છેઃ/ પોતાના કાન ખુલ્લા રાખીને/ પોતાને જ સંભાળવા.’ ‘વાક્યવિન્યાસ એક ઝૂલતી બારી છે/ સાર્થકતાના આકાશ તરફ એને/સુખેથી ખૂલવું હોય છે.” સહુથી પહેલાં તો આ કાવ્યસંગ્રહમાં ઉઘડી આવેલા કેટલાંક કાવ્ય-વિસ્ફારને નોંધીને વાતની શરૂઆત કરીએ : ‘નકરો તડકો પહેરી ન્હાતી બપોર/ ભૂરા સુસવાટા વીંટી/ ઝૂમતાં વૃક્ષો/ કેળાની વાડીમાં લાંગર્યાં/ લીલાં લીલાં વહાણ/ કૂદતી ઠેકતી પગદંડીઓ પાર/સૂનકાર/ ઓ જાય...’ (વિસ્તાર) ‘પાંદડાંઓનું જો ચાલે/ તો આખેઆખો પીપળો લઈને ઊડે/ સાંજની વ્યાકુળતામાં પાંદડાંઓ બીજું શું કરે?’ (પ્રવાહ) ‘હાથમાંથી હાથ જાગે/ પગ બહાર નીકળી પડે પગ/ જાતમાંથી સાવ નોખી થઈ આંખ ચાલી નીકળે’ (વહી જતી સાંજ) ‘આ સાંજનું પાણી નકરું પાણી નથી/ બાને વહાલનો ઊભરો આવે/ ને ઝૂકી વળતી એમ/ હૂંફાળી ઓથ આપતું આ સાંજનું જળ...’ (છાલક) અહીં ટાંકેલી આ પંક્તિઓમાંથી કવિની આંખે અંજાતા અખંડ ઉન્મેષની બીજરેખાના, કવિની ઊંચી સર્ગશક્તિના અણસાર મળે છે જેને કવિએ બહુ સલુકાઈથી તેમનાં કાવ્યોમાં ઉતાર્યા છે. કવિનું ‘ડૂબી ગઈ ટેકરી’ કાવ્ય તેના ઘાટ અને તેમાં નિરુપાયેલી દૃશ્યાત્મકતાને લઈને ખાસ્સું આસ્વાદ્ય બન્યું છે. ‘તૂટ્યો કેડેથી પગદંડી કંદોરો/ ઊડ્યો પાલવ ને ભેરવાયો ઝાંખરે/ ના ચકલાં કે લેલાં કે કાબર હલેચલે/ પવન ભાંગી પડ્યો કે ખાય પોરો/ ખોળો રે ખોળો રે ખોળો રે ખોળો ક્યાં ગઈ વેખલી...’ વળી એટલું જ આસ્વાદ્ય બન્યું છે કાવ્ય ‘ત્રાટક’ પણ. તેની આ પંક્તિઓ જુઓ : “ભારેવગી બપોર.../ ડળક દઈને પડે/ તર-ફડે/ જરીક ત્રગત્રગતું જંતુની આંખનું આકાશ/ મીંચાતું/ મને- મને- મને- મને ગોખતી પલટણ/ વેદ બારમો ભાખે.../ ઘાસનાં ઘેરામાં બેઠા/ બસ્સો બાવીશ જીભ વલૂરતા ઉમળકા/ ટાઢાબોળ.’ તો ‘વીતક’ની આ કાવ્યક્ષણો વિષાદના કેવા ઊંડા કળણમાં ખૂંપાડી દે છે ભાવકને : ‘નિમાણો રસ્તો એકલો એકલો/ સોરવાતો ઊતરી જાય સ્મરણોમાં/ ફોદાફોદામાં વેરાયેલા આકાશની/ માંડ માંડ ખૂલી રહેતી આંખમાં/ ખટક્યા કરે રાતાબંબોળ સૂરજનું કણું’ આખીય પૃથ્વી સાથે, સમગ્ર સૃષ્ટિ સાથે એકાત્મતા સાધીને જીવતા આ કવિને આપણો કહેવાતો વિકાસ, આપણો ઉપભોગતાવાદ દઝાડે છે. પર્યાવરણના નિકંદનથી વ્યથિત થયેલા કવિના ચિત્કારો અહીં ઘણાં કાવ્યોમાં પડઘાયા છે. રસ્તાઓ બનાવવાના કાચા માલ માટે પોતાના ગામની મૂળથી ઉશેટાઈ રહેલી ટેકરીઓને જોઈને વ્યથિત કવિ તેની ‘ટેકરીઓ’ કવિતામાં લખે છે : ‘અણથક નજર માંડી ગામ પર/ ઊભી રહેલી એ હરાખુડીઓને/ એનાં મૂળમાં ભાગદાળાં પાડી/ સુંડલે ટોપલે ટ્રેક્ટરે ઉશેટાઈ ગયા છે/ કાંકરા પથરા માટી/ નવી સડક પર ભાગતું ગામ/ આમ કઈ બાજુ ઉપાડયું હશે હાંફળુફાંફળું?’ તો ‘ડૂબવિસ્તારો’ના ઘેરામાં આવીને ખિન્ન કવિ કહે છે : ‘જોતજોતામાં પગરવ અને ચીલા સમેત પાદર/ આખું ગરક/ બચ્યાંખૂચ્યાં ઝાડ નિમાણાં/ ઊભાં ડાળીઓ સમેટી/ બસસ્ટેન્ડ ભીનાં ધાબાં જેવું કળાય/ વધતાં છે કે થંભ્યાં છે પાણી, મળે ના કંઈ તાગ.’ ‘તળમાં ઊતર્યાં તળાવ’ કાવ્યનું નામશેષ થઈ રહેલા તળાવનું આ ચિત્રણ પણ જુઓ : ‘ડઘાઈ ગયેલા પીપળે બચ્યાં છે માંડ/ ગણીને બે-ત્રણ પાંદ/ મૂળે બાઝ્યાં ઊધઈનાં વરવાં પોડાં/ જાણે ચોંટ્યાં સૂકાં ખરજવાં./ કીડીઓનાં દળકટક કરે કૂચકદમ અરતેફરતે/ બૂઢા ગામની છાતીમાં મૂંઝારા જેવું/ ના હલે કે ના ચલે તળાવ.’ ભાંગી રહેલાં ગામડાંઓમાંથી શહેર ભણી ઉપાડેલાં ઘરવખરીનાં ગાડાંઓ અને પાછળ રહી જતાં એકાકી મકાનો, ગામ અને શેરીઓમાં છવાયેલા સન્નાટાને કવિએ ‘કાયાપલટ’ કાવ્યમાં આવી રીતે ઝીલ્યો છે : ‘અંજળિ છાંટી ઊભાં રાખ્યા જાણે/ હકાંબકાં તાકતાં/ એકમેકને આંટી મારે એવાં મકાન/ ભરી વસતીમાંથી શોરબકોર વચાળે ભરી ઘરવખરી/ છાને ચીલે ગાડું હલ્યું જાય એમ/ એક પછી એક ગામનાં ગામ તો હાલ્યાં.’ આ સંગ્રહનાં બે કાવ્યો ‘રાત વિતાવતું ગામ- ૧ અને ૨’નો અહીં ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. તેમાં આલેખાયેલા શબ્દચિત્રોની દૃશ્યાત્મકતા, સુદૃઢ ભાષાકર્મ અને માળામાં પરોવાયેલ હોવા છતાં ન દેખાતા દોરા જેવું પ્રબળ સંવેદનનું કાવ્યરસાયણ આ સહુએ ભેગાં મળીને આ બન્ને કાવ્યોને એક અલગ ઊંચાઈ આપે છે, નખશિખ આસ્વાદ્ય બનાવે છે. આખેઆખાં જ અહીં ઊતારવાં ગમે તેવાં કાવ્યોના સ્થળસંકોચને કારણે થોડા અંશો જ અહીં ઊતારું છું : ‘અધૂરાં મૂકેલાં ગૂંથણોમાં પોરો ખાય/ આંગણાં ગજાવતા ઉલ્લાસ/ ક્યાંક ક્યાંક કાબરચીતરાં અંધારાં ફાંદી/ હડફડ નીકળી પડે રોજિંદા કંકાસનું ભાગદાળું.’ ‘કણજીનાં વકરેલાં જાળાં જેવું ગામ/ ઈભલા પગીના ખોંખારાને ય પૂગવા ન દે/ આ પાદરથી પેલે પાદર લગી, /ઉગમણી ખળાવાડમાં નાવકોસી કૂવો/ એની ગરેડિયું એકલી ફુદરડી ફરે/ સિંચણને ઘસરે ઘસરે ઊઠે રીડ/ સવામણની ઊંઘ ચરતો સંભળાય ધબાકો.’ ‘મોડી રાતે રામગરી ઓઢી માંડ જંપેલો/ કરસનદાસ મહારાજનો રામસાગર/ ભજન ગોખતો સળવળે/ ઊંઘને સામે કાંઠે પૂગેલાં ગામ પર તૂટી પડે/ રોજનાં લેણિયાત પંખીઓનું કકલાણ.’ આ જ તરાહના અન્ય કાવ્યોમાંના ‘રાત વિતાવતું ખેતર’નું આ રમણીય દૃશ્યાંકન પણ કેવું આહ્‌લાદક!!! : ‘કૂવાના થાળામાં ઘોરતા રખેવાળનાં/ નસકોરાંને તાલે ચગે રાસ/ બોરડીનાં જાળાં હેઠ રમણે ચઢેલાં/ સર્પયુગલના સિસકારા/ એક પગે ઊંઘતા હળને/ ચૂડામાં લઈને પડ્યો કાળોતરો.’ અહીં કેટલીક વ્યક્તિઓને વિષય બનાવીને લખાયેલાં કાવ્યોએ પણ આ સંગ્રહનો એક સુંદર ખૂણો સાચવ્યો છે. અહીં પોપલા ચહેરે હસું હસું આંખે આખા ગામની ખબર લેતાં, રામજીમંદિરના પૂજારીને આંગણે પૂગતાં અને બધી ડોશીઓ ભેળાં ધોળમંગળ ગાતાં’ રામબાઈમાના લીલાલહેર છે તો ‘ઉધરસમાં બેઠાં બેઠાં મણિમા/ આખી રાત જાગ્યા કરે’નો અને ‘સુકાઈ ગયેલી લીંબુડી એકલી એકલી/ પોતાની ડાળીઓ ગણ્યાં કરે’નો ભાવસોંસરો કાવ્ય-વિન્યાસ પણ છે. થીગડાંવાળી ત્રાંસી ખોડેલી છત્રી હેઠળ જેનાં બેસણાં છે તે નાથુ ભીખા ચૌહાણની પાંચ સામે દશ રૂપિયા આપનારની દયા આડે નમ્રતાથી ઊભી જતી ‘પાંસ રૂપ્યા સાયબ, / નો હોય તો ફેર આવો તંયે આપજ્યો—’ની છાની અમીરાઈ છે તો બપોરે બાને ધોળ ગાવામાં સાથ દેનારા મણિડોહીને ‘બરકી આવવા’ નીકળેલા કવિને શેરીમાં ઘૂરકીને બીવડાવતી કાળવી કૂતરીના મોઢામાં આવતાં આવતાં બચી જતી કવિની ચડ્ડી છે અને પાછળ દોડતી કૂતરીની સાથે ચડેલી કવિની હાંફ છે જે હજુ આજેય ઊતરી નથી! કવિની સામાજિક નિસબતને વ્યક્ત કરતાં થોડાં કાવ્યો વચ્ચે ‘૯૧૬૩ ડાઉન : સાબરમતી એક્સપ્રેસ’ કાવ્ય તેના વિષયવસ્તુ અને કાવ્ય-નિરૂપણની દૃષ્ટિએ ધ્યાનાકર્ષક બન્યું છે. અહીં બધાં કાવ્યો એકમેકથી સ્વતંત્ર હોવાં છતાં ક્યાંક કોઈ એક ભાવસૂત્રને આગળ વધારતાં હોય તેવી કાવ્યશૃંખલાઓ પણ મળે છે. ‘વલૂરાટ’, ‘ખંજવાળ’ અને ‘ભલું થજો ખરજવાનું!’ એ ત્રણ કાવ્યોમાં વિસ્તરેલી વલૂરાટનું મૂળ શોધી શોધીને થાકેલા કવિ અહીં કહી ઉઠે છે : ‘ચાલી ચાલીને ઠૂસ નીકળી ગઈ તો ય/ પહોંચાતું નથી વલૂરાટના મૂળ સૂધી./ નખની અધિરાઈ અધધધ થઈ જાય છે/ હાથ આવતું આવતું સહેજમાં જ રહી જાય છે/ ખણસનું બી.’

***

કવિ રમણીક અગ્રાવતના આ બધા કાવ્યસંગ્રહોની કવિતાઓમાંથી પસાર થતાં કવિની કેટલીક લાક્ષણિકતાઓની નોંધ લેવી જોઈએ. આ કવિને વાત કરતાં કરતાં ક્યાં અને ક્યારે મૌન થઈ જવું તેની પાક્કી સમજ છે. કહો કે શબ્દ શબ્દ વચ્ચે, પંક્તિ પંક્તિ વચ્ચે નિઃશબ્દતા મૂકવાનો કાવ્યકસબ આ કવિએ હસ્તગત કર્યો છે. આ કવિ કશુંય ગાઈ-વગાડીને કહેતી સપષ્ટ અને વિધાનાત્મક પંક્તિઓ રચવા કરતાં ધૂંધળી અર્થછાયાઓ ઓઢીને બેઠેલા મૌનની વચ્ચેથી મારગ કાઢતા કાઢતા તેના ભાવકને ત્યાં પહોંચાડે છે જ્યાં કવિ અને કવિતાએ ભાવકને પહોંચાડવો હોય છે. કવિએ ઉછેરેલું મૌન, કવિની આ સંયત શબ્દશીલતા કવિતાને વધુ પ્રત્યયનક્ષમ બનાવે છે, કવિતાના આંતરિક સૌન્દર્યને વધુ નિખાર આપે છે. પહેલા કાવ્યસંગ્રહ ‘ક્ષણ કમળ’થી ‘અંતરિક્ષમાં લટકતી સીડીઓ’ સુધીની શબ્દસફરમાં કાળક્રમે કવિતાને પોષતાં ન હોય તેવાં તત્ત્વો આછરતાં રહ્યાં છે અને કવિતાઓનું આંતરિક સૌન્દર્ય વધુ નિખારતા પામતું રહ્યું છે. અને આ બધું આયાસ વગર, સહજતાથી થતું હોય તેવું પણ જણાય છે. આ કવિ પીંછીના આછા લસરકાઓ દ્વારા તેનું કાવ્યચિત્રણ કરે છે. અહીં અર્થોનાં સીમાંકન કરતી પાકી રેખાઓ બહુ ઓછી દોરાઈ છે. જે કોઈ સીમાઓના બંધણાં વગરના ભાવપ્રદેશો ભાવકને પોતીકા અર્થો શોધી શકવાની જરૂરી મોકળાશ આપે છે. કોઈ કવિનો આ જ તો કવિધર્મ હોઈ શકે! તેમની કવિતાઓનું આ લક્ષણ આ કવિને અને કવિતાને ગરવાં બનાવે છે. આ કવિ પાસે એક સમૃદ્ધ પોતીકું ભાવવિશ્વ છે અને એ ભાવવિશ્વને કવિતામાં ઉતારવાની બહુઆયામી કળા પણ કવિને હસ્તગત છે. અહીં ભાવ અને વિષયોનું વિપુલ વૈવિધ્ય પ્રાપ્ત થાય છે. કવિનું સુદૃઢ ભાષાકર્મ અને યથોચિત કાવ્ય-કૌશલ ઊડીને આંખે વળગે છે. આધુનિકતાથી શરૂ કરીને અનુઆધુનિકતામાં જઈને વિસ્તરેલો કવિનો કાવ્ય-વિસ્ફાર કવિના કાળક્રમે ઘડાતા રહેલા શબ્દદેહની સ્પષ્ટ રેખાઓ આંકી આપે છે, કવિને આપણા સાંપ્રત સાહિત્યના એક નોંધપાત્ર કવિ તરીકે સ્થાપિત કરી આપે છે. અંતે મારાં આ નિરીક્ષણોની પુષ્ટિ કરતું અને કવિની કાવ્યપ્રતિભાનું દ્યોતક એવું ‘અંતરીક્ષમાં લટકતી સીડીઓ’ સંગ્રહનું ‘સતીમાની દેરી’ નામક એક આખું કાવ્ય અહીં ઉતારું છું. “સાવ મથાળે તો નહીં/ પણ ટેકરીની ટોચથી સહેજ હેઠ/ ખાંગી થઈને બિરાજી છે દેરી/ દૂર દૂર વેરાયેલાં ગામનો બોલાશ/ આવતાં આવતાંમાં થઈ જાય ભરભર ભુક્કો/કાળી પડી ગયેલી વાંસની બટકેલી કાઠી પરથી/ ક્યારનો ગાયબ થઈ ગયો છે ધજાનો છેલ્લો લીરો./ સન્નાટાને ઘૂંટતો પવન/ વારે વારે ડોકું તાણી જાય દેરીમાં/ નાળિયેરની જેમ વધેરાતા રહે ભાંગેલા પ્રહારો. તળેટીથી ટોચ લગી ચંપાઈ રહી છે/ માત્ર નિર્જન કેડી./ ઘેટાંબકરાંના પારવા રવને પંપાળતી ટેકરી પરથી/ મીટ માંડીને તાકી રહી છે દેરી/ ક્યાંય ન જોતી હોય એમ.”